વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour) : હસવું અને હસતા રહેવાની પ્રકૃતિ. હસવું-હાસ્ય એ કેવળ માનવી માટે જ શક્ય છે. સામાન્યત: માનવેતર પ્રાણીઓમાં હસવાની વૃત્તિ અને હાસ્ય-વિનોદ માણવાની શક્તિ હોતી નથી. હસવું – વિનોદ એ માણસજાત માટે કેટલી મોટી અને મૂલ્યવાન ભેટ છે. એ અનેક તત્વજ્ઞો, ચિંતકો, સાહિત્યકારોનાં કથનો ઉપરથી તેમજ પોતાના અનુભવો ઉપરથી જાણી શકાય છે.
વિનોદ (humour) હાસ્યના કુળનું જ એક સ્વરૂપ છે. હાસ્યના કુળમાં વિનોદ ઉપરાંત ચબરાકી (wit), મર્મોક્તિ, મજાક, રમૂજી ટુચકા, શ્લેષ, વ્યંગ અને કટાક્ષ, વક્રદૃદૃષ્ટિ (cynicism) વક્રોક્તિ (irony), સેટાયર, પૅરૅડી વગેરેમાં ઓછાવત્તા પ્રમાણમાં વિનોદનું તત્વ હોય છે. વિનોદવૃત્તિ સ્વાભાવિક છે. જીવનની અસંગતિઓ પ્રત્યે સમભાવયુક્ત દૃદૃષ્ટિ અને તેની કલાપૂર્ણ અભિવ્યક્તિ માટેની વૃત્તિ ઉપરાંત વ્યક્તિમાં હળવા થઈને વર્તન કે વાણી દ્વારા હાસ્ય સહિતનો આનંદ માણવાનું તેમજ અન્યને આનંદ આપવાનું વલણ હોય છે. જ્યારે વિનોદ સિવાયનાં અન્ય રૂપોમાં વિનોદ ઊપજવાની સાથે ડંખ, અણગમો, તિરસ્કાર, અવહેલના, પોતે અન્ય કરતાં ઊંચા એવો ભાવ, અહમની લાગણીઓ, વગેરે ઓછાવત્તા પ્રમાણમાં સામેલ હોય છે.
વિનોદવૃત્તિ એટલે વિનોદ કરવાની, વિનોદ માણવાની અને વિનોદની કદર કરવાની વૃત્તિ. જે વ્યક્તિમાં વિનોદવૃત્તિ નથી અને જે વિનોદ માણી શકતી નથી તેનામાં કદાચ કોઈ વિકૃતિ હશે એમ મનાય. વિનોદવૃત્તિ વિનાની આવી વ્યક્તિ વધારે પડતી આળી, ગંભીર, ચીડિયાપણાથી પીડાતી, સુગાળવી, જડ, અક્કડ, અહંભાવી અને પરપીડનપ્રિય હોઈ શકે.
સંઘર્ષના સમયે કે ગંભીર પરિસ્થિતિમાં વિનોદ વાતાવરણને હળવું બનાવે છે. વ્યક્તિઓ વચ્ચે અંતર ઓછું થાય છે. પરિવારના સભ્યો વચ્ચે માનસિક એકરાગિતા ઊપજે છે, સંમતિ સધાય છે, અને જોમ તથા ઉત્સાહમાં વધારો થાય છે. વિનોદના પરિણામે અક્કડ પરિસ્થિતિ હળવી બનતાં પરિવારના સભ્યો વચ્ચે સમાન તેમજ મૈત્રીપૂર્ણ વલણ પ્રગટે છે. આમ વિનોદવૃત્તિથી સામાજિક સદ્ગુણ અને સમાજહિતની દૃષ્ટિ કેળવાય છે. ઘણી કોમો-જ્ઞાતિઓમાં સામાજિક સમારંભો કે લગ્ન જેવા પ્રસંગોએ બે પક્ષોમાં એકબીજાની ઠઠ્ઠા-મશ્કરી કરવાની (જેમ કે, ફટાણાં ગાવાની) રસમ હોય છે. આવા પ્રસંગોમાં હાસ્ય-વિનોદથી વાતાવરણ હળવું બનતાં બંને પક્ષો વચ્ચે નાનાંમોટાં મનદુ:ખો મતભેદો ભૂલી એકરાગિતા સ્થપાય છે.
વિનોદવૃત્તિ પોતાની અક્ષમતાઓ, નબળાઈઓ તેમજ દુ:ખ અને વેદનાને ઢાંકવા માટે પણ હોય છે. જો માણસ રડી શકતો નથી તો તેણે હસવું શા માટે નહિ ? જેલમાં જતો કેદી ‘હું તો હવે સરકારનો જમાઈ છું’ એમ કહી હળવો બની પરિસ્થિતિને સહ્ય બનાવવા પ્રયાસ કરે છે. જેનો કોઈ ઉપાય નથી કે જે અનિવાર્ય છે તેને આનંદથી સ્વીકારી હળવાશ કેમ ન અનુભવવી ? આ રીતે વિનોદ માણસને તાણ, વ્યગ્રતા, નિરાશા, આત્મનિંદામાંથી બચાવે છે. વિનોદનું કાર્ય આ રીતે લાગણીઓ પ્રગટ કરવાનું, ભાવવિરેચનનું (catharsis) છે. બર્ગસાંને મતે વિનોદવૃત્તિ ધરાવનાર એ છૂપો નૈતિકતાવાદી છે.
હાર્ટલેડી કહે છે કે વિનોદ એ કશું પીડાજનક અને ભયજનક દૂર થઈ ગયું છે એના સુખની લાગણીનું પ્રદર્શન છે. પહેલાં વ્યક્તિ કોઈ મુદ્દા વિશે તાણ અને ચિંતા અનુભવતી હોય તેને જ્યારે એમ લાગે કે મુદ્દો તો ઘણો ક્ષુલ્લક, નિર્દોષ છે ત્યારે તેમાંથી હાસ્ય-વિનોદ પ્રગટે છે. નોર્મન કઝીન્સ વિનોદવૃત્તિને તંદુરસ્તી માટે ઉપકારક ગણાવે છે. વિનોદ અને શરીર-સ્વાસ્થ્ય વચ્ચે ઊંચો સહસંબંધ જોવા મળે છે. વિનોદ કંઈ તંદુરસ્તીનું કારણ ન હોય; છતાં તંદુરસ્તી સાથે તેનો વિધાયક સંબંધ છે. વિનોદવૃત્તિ ગમે તેવા મોટા માણસને દંભી અને અતડો બનતાં અટકાવે છે. તે પોતાની વિનોદવૃત્તિથી સર્વત્ર સમભાવ પ્રગટાવે છે; તૂટી પડવાની અણી ઉપર આવેલી વાટાઘાટો એક રમૂજ કે હળવા વિનોદથી પુન:સ્થાપિત થઈ સમાધાન સાધી આપે તેવા ઘણા કિસ્સા બને છે. વિનોદવૃત્તિ એ પરિપક્વતાનું લક્ષણ છે.
અન્ય પ્રત્યે હસવા ઉપરાંત પોતાની જાત પ્રત્યે હસવું એ વિનોદવૃત્તિનું ઉત્તમ લક્ષણ છે. પોતાની જાત પ્રત્યે વિનોદ કરવો એ સ્વસ્થ વ્યક્તિત્વનું લક્ષણ છે. પોતાની જાત પ્રત્યે વિનોદ કરતી વ્યક્તિ સામી વ્યક્તિમાં ઊભાં થયેલાં ક્ષોભ, લઘુતા, ડંખ વગેરેને દૂર કરે છે. વળી સામી વ્યક્તિને અપમાનજનક ન લાગે તે રીતે તેની ભૂલો પ્રત્યે આંગળી ચીંધી, તે સુધારવાનું સૂચવી શકાય છે. આમ વિનોદ એ મૂલ્યસ્થાપન તેમજ અન્યને સુધારવા માટેની નરમાશભરી, સૌજન્યપૂર્ણ રીત છે. સરકસનો વિદૂષક પોતાની જાત ઉપર હસે છે, પરંતુ તે સમાજ અને લોકને મોટા બોધપાઠ પણ આપે છે.
મનોવૈજ્ઞાનિક સંશોધનો દ્વારા વિનોદવૃત્તિ પાછળની સૈદ્ધાંતિક ભૂમિકા સમજવા-સ્થાપવાના પ્રયાસો પણ થયા છે. તેમાં મનોવિશ્લેષણ અને સમદૃષ્ટિવાદનું મૂલ્યવાન પ્રદાન છે. સિગમંડ ફ્રૉઇડે મનોવિશ્લેષણના સિદ્ધાંતના આધારે વિનોદવૃત્તિની સમજૂતીમાં અસંપ્રજ્ઞાત પ્રેરણો અને જાતીયતા ઉપર તેમજ સમદૃષ્ટિવાદીઓએ પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણની પુનર્રચના ઉપર ભાર મૂક્યો છે. ફ્રૉઇડના મતે મૂળભૂત રીતે અસંપ્રજ્ઞાત ચિત્તમાં ચાલતા ખાસ કરીને જાતીયતા અને આક્રમણ વિશેના સંઘર્ષોમાંથી ઊપજતી વ્યગ્રતાનો પ્રતિકાર કરવાના ઉપાય તરીકે વિનોદ ઊપજે છે. પ્રત્યક્ષ જીવનમાં ઘણી મજાક-મશ્કરીઓમાં, રમૂજી ટુચકાઓમાં જેની ઉઘાડેછોગ ચર્ચા ન કરી શકાય તેવી નિષિદ્ધ બાબતો વિનોદ રૂપે પ્રગટ થતી હોય છે. સમદૃષ્ટિવાદીઓ કહે છે કે પ્રથમ દૃષ્ટિએ કોઈ પરિસ્થિતિ મજાક કે વિનોદ ન ઉપજાવે પરંતુ તેના વિશે ચિત્તમાં પુનર્રચના થાય ત્યારે મર્મોક્તિ પકડાય છે અને પછી વિનોદ પ્રગટે છે. આમ વિનોદ એ પરિસ્થિતિ વિશે એકાએક પ્રગટેલી આંતરસૂઝમાંથી ઉદ્ભવે છે, તેથી જ એવું બને છે કે એક જ પરિસ્થિતિ એક વ્યક્તિને વિનોદભરી લાગે, બીજાને થાય કે આમાં વળી વિનોદ જેવું શું છે, પણ પછી મોડું મોડું તેને સમજાય અને તેને હસવું આવે એમ પણ બને.
વિનોદવૃત્તિ એ વ્યક્તિગુણ છે, અને અન્ય વ્યક્તિગુણોની જેમ વિનોદવૃત્તિ પણ વ્યક્તિમાં ઓછાવત્તા પ્રમાણમાં હોઈ શકે છે. અંતર્મુખ કરતાં બહિર્મુખ વ્યક્તિમાં વિનોદવૃત્તિ વધારે પ્રમાણમાં હોય છે. બહિર્મુખ વ્યક્તિ પોતાની જાતને લગતો વિનોદ માણી શકે છે. તેમને પ્રગટ, ખુલ્લી, નિર્બંધ બાબતો વધારે આકર્ષક અને વિનોદજનક લાગે છે; જ્યારે અંતર્મુખ વ્યક્તિને દબાયેલી વૃત્તિઓમાંથી પ્રગટતો સૂક્ષ્મ વિનોદ વધારે આકર્ષે છે. બહિર્મુખ અટ્ટહાસ્ય કરે છે ત્યાં અંતર્મુખ માત્ર હોઠ મરકાવે છે.
વ્યક્તિનાં પ્રેરણો તેમજ પ્રેરિત મનોદશાઓ અને વિનોદપૂર્ણ ઘટકો પ્રત્યેના પ્રતિભાવો વચ્ચે સંબંધ છે. જે વ્યક્તિઓ શત્રુત્વ અને આક્રમકતાનાં વલણો ધરાવે છે તેમને શત્રુત્વની લાગણી, વ્યંગ અને કટાક્ષ પ્રગટ કરતાં કાર્ટૂનો વધારે આનંદજનક લાગ્યાં હતાં; જ્યારે તીવ્ર ચિંતાની વ્યગ્ર મનોદશા ધરાવતી વ્યક્તિઓએ આ વ્યંગ-કાર્ટૂનો પ્રત્યે નબળો પ્રતિભાવ આપ્યો હતો. મનોરોગીઓ તેમજ સ્વસ્થ વ્યક્તિઓ વચ્ચે પણ વિનોદપૂર્ણ બાબતો અંગેના પ્રતિભાવો વિશે તફાવતો હોય છે. મનોરોગીઓ તેમના વિક્ષુબ્ધ લાગણીતંત્રને કારણે વિનોદપ્રેરક પરિસ્થિતિનાં કાર્ટૂનોને યોગ્ય રીતે સમજી શકતા નથી. વળી પ્રયોગો અને નિરીક્ષણો એ પણ બતાવે છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ તેમજ ઉદ્દીપકો વિનોદપ્રેરક લાગે તે પરત્વે વૈયક્તિક તફાવતો હોય છે. મર્મોક્તિઓ, શબ્દશ્લેષ, રમૂજી ટુચકાઓ, જાતીયતાને લગતી મજાકો, વગેરે વિનોદપ્રેરક બાબતો બધી વ્યક્તિઓમાં એકસરખી રીતે તેમજ એકસરખા પ્રમાણમાં વિનોદ ઉપજાવતી નથી.
વિનોદવૃત્તિ હોવી એ વ્યક્તિને માટે અત્યંત જરૂરી લક્ષણ છે. જો માણસમાં વિનોદવૃત્તિ ન હોત તો તેના માટે જીવન દુ:ખમય, અકારું અને ભારરૂપ બની જાત. જે વ્યક્તિ અને સમાજમાં વિનોદવૃત્તિ છે તે મુક્તપણે હસી શકે છે; પરિસ્થિતિઓને, તાણને જીરવી શકે છે. હાસ્ય-વિનોદ દ્વારા રોગઉપચાર(therapy)નું તંત્ર વિકસાવવામાં આવ્યું છે. લાફિંગ ક્લબોની કામગીરી એ દિશાનો સંકેત છે.
ભાનુપ્રસાદ પરીખ