વિનોદ (જ. 28 મે 1922, લાહોર; અ. 25 ડિસેમ્બર 1959, મુંબઈ) : મહાન સંગીતકાર.
મૂળ નામ તો એરિક રોબર્ટ્સ, પણ મુંબઈ ફિલ્મઉદ્યોગે તેમને વિનોદ નામ આપેલું. નાનપણથી જ હિંદુ લગ્નોમાં વાગતું સંગીત તેમને આકર્ષતું. ગુરુદ્વારામાં થતું શબદકીર્તન તે ધ્યાન દઈને સાંભળતા. સંગીતમાં ખૂબ રસ હોવાથી તે જાણીતા સંગીતકાર પંડિત અમરનાથના શિષ્ય બન્યા. શાસ્ત્રીય સંગીત શીખવાની સાથે માસ્ટર ઇનાયત હુસૈન અને શ્રી ગુલામ હૈદરના સંગીતનો ઊંડો અભ્યાસ કરીને તેઓ સતત નવી નવી ધૂનો બનાવતા. માત્ર 17 વર્ષની ઉંમરે તેમનું પ્રથમ ગીત ‘સામને આયેગા કોઈ, જલવા દિખાયેગા કોઈ’ બહાર પડ્યું હતું. દિલ્હી આવી ઑલ ઇન્ડિયા રેડિયો પર શાસ્ત્રીય ગાયક તરીકે જોડાતાં પહેલાં તેઓ લાહોરમાં એક હોટલમાં પિયાનો વગાડતા હતા. 1946થી વિનોદે ફિલ્મો માટે સંગીતસર્જન શરૂ કર્યું. 1947માં વિનોદ નિર્માતા-દિગ્દર્શક રૂપ કે. શૌરીની કંપનીમાં સંગીતકાર તરીકે જોડાયા અને તેમની જ ટીમ સાથે મુંબઈ આવ્યા. 1948માં પંજાબી ફિલ્મ ‘ચમન’ આવી, જેમાં વિનોદે ગુલામ હૈદરની ભલામણથી નવી ગાયિકા તરીકે ફિલ્મજગતમાં પ્રવેશેલ લતાજી પાસે ગીતો ગવડાવ્યાં. 1949માં ‘એક થી લડકી’ ફિલ્મમાં લતાજીએ ગાયેલ ‘લારા લપ્પા લારા લપ્પા’ ગીત શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યું હતું. લગભગ 36 જેટલી હિંદી અને પંજાબી ફિલ્મોમાં વિનોદે સંગીત આપ્યું હતું. ચારેક જેટલાં બિનફિલ્મી ગીતોનું પણ તેમણે સર્જન કરેલું. વિનોદની ખાસિયત હતી કે તેઓ સંગીતકાર તરીકે પંજાબી ફિલ્મોમાં હિંદી ગીતો અને હિંદી ફિલ્મોમાં પંજાબી શબ્દો સમાવિષ્ટ કરી શકતા હતા. લતા-રફીનાં યુગલગીતો ‘યે શોખ સિતારેં’, ‘અબ હાલે દિલ યા હાલે જિગર’ સુમધુર હતાં. હાસ્યગીત ‘આજકલ કે જેન્ટલમૅન, કરતે હૈં દિલ કો બેચેન’ શ્રોતાઓએ ખૂબ વખાણેલું. વિનોદની યાદગાર હિંદી ફિલ્મોમાં ‘અનમોલ રતન’, ‘વફા’ (1950), ‘આગ કા દરિયા’ (1953), ‘મખ્ખીચૂસ’ (1956) અને યાદગાર પંજાબી ફિલ્મોમાં ‘ભૈયાજી’ (1950), ‘મુતિયાર’ (1951), ‘નિક્કી’ (1958) વગેરેનો સમાવેશ થાય છે.
માત્ર 37 વર્ષની યુવાનવયે કિડની ફેલ થતાં આ સંગીતકારે દુનિયામાંથી વિદાય લીધી.
બીજલ બુટાલા
