વિદ્યુતશેવર (Electric shaver) : દાઢી કરવા ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિક મશીન. આમાં સ્થાયી ચુંબક પ્રકારની 3 વૉલ્ટની ડી. સી. મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડી. સી. મોટર ચાલક યંત્રરચના(driving mechanism)ને ફેરવે છે. તેની સાથે કર્તક (cutter) બ્લૉક જોડેલ હોય છે. કટરની ઉપર શેવિંગ ફૉઇલ ફ્રેમ રાખવામાં આવે છે. મોટરને બૅટરી સાથે જોડવાથી મોટર ફરે છે. તે ડ્રાઇવિંગ મિકેનિઝમને ફેરવે છે. શેવરને દાઢી ઉપર (સાબુ લગાવ્યા વગર) દબાણ આપી ધીરે ધીરે સરકાવવાથી વાળ કપાય છે. વિદ્યુત-શેવર મુખ્યત્વે બે પ્રકારનાં મળે છે :

1. બૅટરી વડે ચાલતાં અને

2. મેઇન્સ સપ્લાય પર ચાલતાં (રિચાર્જેબલ પ્રકારનાં)

બૅટરી વડે ચાલતા શેવરની રચના આકૃતિમાં દર્શાવી છે. બહારના આવરણ (cover) (1)ને 180° ફેરવવાથી તે હાથા તરીકે કામ આપે છે. આ સ્થિતિમાં જ સ્વિચ ચાલુ-બંધ થઈ શકે છે. આથી મુસાફરી દરમિયાન અકસ્માતે સ્વિચ ચાલુ થઈ શકતી નથી. સ્વિચ (2)ની મદદથી શેવર ચાલુ-બંધ થઈ શકે છે. કટર બ્લૉક (3) વડે દાઢીના વાળ કપાય છે. તેને ચાલક સંરચના મારફત મોટર સાથે જોડવામાં આવેલ છે. ફૉઇલ ફ્રેમ (4) પાતળી જાળી છે. તે કટર બ્લૉકની ઉપર બેસે છે. દાઢી ઉપર સહેજ દબાવવાથી વાળ અંદર જાય છે. ફૉઇલ ફ્રેમ વિમોચક (release) બટન (5) દબાવવાથી ફૉઇલ ફ્રેમ કટર બ્લૉક પરથી દૂર જાય છે. કટર બ્લૉકની સફાઈ કરવા માટે આ જરૂરી છે. બ્રશ વડે કટર બ્લૉકની સફાઈ કર્યા પછી ફૉઇલ ફ્રેમને તેના પર મૂકી નીચે દબાવવાથી ફૉઇલ ફ્રેમ તેની જગ્યા પર બેસી જાય છે. લાગ હેર ટ્રીમર (6) વડે મૂછ કે ટીશીના લાંબા વાળ કાપી શકાય છે, તે માટેની સ્વિચ (7) દબાવવાથી ટ્રીમર તેની સામાન્ય સ્થિતિમાંથી બહાર આવે છે.

આકૃતિ 1 : બૅટરી વડે ચાલતું શેવર

આકૃતિ 2 : મેઇન સપ્લાય પર ચાલતું શેવર

મેઇન્સ સપ્લાય પર ચાલતાં (રિચાર્જેબલ) શેવરની સામાન્ય રચના બૅટરી વડે ચાલતા શેવરના જેવી છે; પરંતુ આમાં વપરાતી બૅટરી ચાર્જ કરી શકાય છે. શેવર આ બૅટરી પર પણ ચલાવી શકાય છે. વળી એ. સી. મેઇન્સ સપ્લાય પર પણ ચલાવી શકાય છે. અંદરની બૅટરીને પૂર્ણ રીતે ચાર્જ કરવામાં આશરે 60 મિનિટ લાગે છે. ત્યારબાદ શેવર લગભગ 35 મિનિટ સુધી વાપરી શકાય છે.

રમેશ પ. અજવાળિયા