વિદ્યુત વૉશિંગ મશીન
February, 2005
વિદ્યુત વૉશિંગ મશીન : વિદ્યુતથી ચાલતું કપડાં ધોવાનું મશીન. વિદ્યુત વૉશિંગ મશીન વિવિધ પ્રકારમાં મળે છે. મશીન દ્વારા કપડાં ધોવાની પ્રક્રિયાના તબક્કાઓ (steps) આ મુજબ છે : (i) ધોવું (wash), (ii) તારવવું (rinse), (iii) ઘુમાવીને સૂકવવું (spin dry) અથવા નિચોવવું (squze).
(i) ધોવું : મશીનમાં આવેલ ડ્રમ(drum)માં કપડાં નાખી પાણી તથા ડિટર્જન્ટ પાઉડર યોગ્ય પ્રમાણમાં નાખવામાં આવે છે. કપડાંને ગુલાટી આપી ચોળીને અથવા આમતેમ હલાવીને કપડાંનો મેલ દૂર કરવામાં આવે છે. આ ક્રિયાને ‘ટેમ્બલિંગ’ કે ‘એજિટેશન’ કહેવામાં આવે છે.
(ii) તારવવું (રિન્સ) : મેલું પાણી ડ્રમની બહાર કાઢવામાં આવે છે. નવું પાણી ડ્રમમાં લેવામાં આવે છે અને કપડાંને આ નવા પાણીમાં ડબોળવામાં (ડુબાવવામાં) આવે છે. ધોવાની પ્રક્રિયા દરમિયાન કપડાં વલોવાય છે અને કપડાંમાં રહેલા મેલના કણો પાણીમાં આવે છે. જરૂર મુજબ બે કે ત્રણ વખત કપડાં તારવવામાં આવે છે. દરેક વખતે નવું પાણી લેવામાં આવે છે. ડહોળું પાણી ડ્રમની બહાર કાઢવામાં આવે છે. તારવવું એટલે સારા પાણીમાં કપડાંને ડુબાડીને તેને ધીમી ગતિએ ફેરવવું.
(iii) ઘુમાવીને સૂકવવું (સ્પિન ડ્રાય) : ડ્રમમાંથી પાણી બહાર કાઢી નાખ્યા પછી ડ્રમને ઝડપથી ફેરવવામાં આવે છે. આથી કેન્દ્રત્યાગી પ્રક્રિયાથી કપડાંની અંદર રહેલું પાણી ડ્રમના કાણામાંથી બહાર ફેંકાઈ નીચે એકઠું થઈ બહાર નીકળે છે. અને તે રીતે કપડામાંથી પાણી છૂટું પડતાં કપડાં કોરાં પડે છે. આ રીતે કોરા થયેલ કપડાને બહાર કાઢી સૂકવવામાં આવે છે. અમુક મશીનમાં વધારાનું ખાનું હોય છે. તેમાં કોરાં કપડાં ઉપર ગરમ હવા ફેંકી સૂકવવામાં આવે છે.
મશીનના મૂળભૂત બે પ્રકારો છે : (i) ટમ્બલર વૉશર અને (ii) એજિટેટર વૉશર.
(i) ટમ્બલર વૉશર : આ પ્રકારના મશીનમાં કપડાં આગળના ભાગેથી મશીનમાં નાખવામાં આવે છે. (front-loading). આમાં કાણાવાળા ડ્રમની ફરતે બીજું કાણા વગરનું ડ્રમ રાખવામાં આવે છે. બંને ડ્રમની અક્ષ સમક્ષિતિજ દિશામાં રાખવામાં આવે છે. ડ્રમની અંદરની એજિટેટિંગ વેઇનની મદદથી કપડાં પાણીમાંથી ઊંચકાઈને ઉપરની તરફ જઈ પાછાં નીચે પડે છે. આમ થવાથી કપડાંને ગુલાંટ ખવરાવવામાં આવે છે અને તેથી મેલ પાણીમાં આવે છે.
વૉશ અને રિન્સના ગાળા દરમિયાન ડ્રમને પ્રમાણમાં ઓછી ઝડપથી ફેરવવામાં આવે છે. વૉશનો ગાળો પૂરો થયા પછી ડહોળું પાણી બહાર કાઢી નાખ્યા પછી નવું પાણી ઉમેરી રિન્સનો ગાળો શરૂ કરવામાં આવે છે. કપડાં પાણીમાં સાફ થાય છે. રિન્સ ગાળાને અંતે ડહોળું પાણી બહાર કાઢવામાં આવે છે અને સ્પિન ગાળો શરૂ થાય છે. આ ક્રિયામાં ડ્રમ ઝડપથી ગોળ ફરવાથી પાણી કેન્દ્રત્યાગી પ્રક્રિયાથી બહાર નીકળી જાય છે અને કપડાં આછાં સુકાય છે. ત્યારબાદ કપડાંને તાર પર નાખી સૂકવવાં પડે છે.
(ii) એજિટેટર (પ્રક્ષોભકર) વૉશર : આ પ્રકારના મશીનમાં એક ડ્રમ ઊર્ધ્વ દિશામાં (ઊભું) રાખવામાં આવે છે.
તેમાં વચ્ચે નીચેની તરફથી એક એજિટેટર ઊભું રાખવામાં આવે છે. વળી ડ્રમની ફરતે ટબ (tub) હોય છે. તેમાં પાણી તથા ડિટર્જન્ટ રહે છે અને ડ્રમમાં કપડાં નાંખવામાં આવે છે. ડ્રમ સ્થિર હોય છે, પરંતુ એજિટેટર સમઘડી (clockwise) અથવા વિષમઘડી (anticlockwise) દિશામાં થોડો થોડો સમય ઘુમાવવામાં આવે છે. આથી કપડાં એજિટેટર તથા ડ્રમની દીવાલ સાથે મસળાવાથી મેલ છૂટો પડે છે. રિન્સની પ્રક્રિયા પણ આમ જ કરવામાં આવે છે. અર્ધ સ્વચાલિત (semi automatic) મશીનમાં સ્પિન ડ્રાઇંગ માટે વધારાના અલગ ડ્રમની જરૂર પડે છે. જ્યારે પૂર્ણ સ્વયંચાલિત (fully automatic) મશીનમાં બધી પ્રક્રિયા એક જ ડ્રમમાં થાય છે.
નિયંત્રણની વ્યવસ્થા મુજબ વૉશિંગ મશીનને ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે : (i) હસ્તચાલિત (manual) (ii) અર્ધ સ્વયંચાલિત અને (iii) પૂર્ણ સ્વયંચાલિત.
હસ્તચાલિત પ્રકારના મશીનમાં કોઈ ટાઇમર (timer) રાખવામાં આવતું નથી. વૉશિંગ, રિન્સિંગ, ડ્રાઇંગ વગેરે પ્રક્રિયાનું સંચાલન વિવિધ (સ્વતંત્ર) નિયંત્રક સ્વિચોની મદદથી જાતે કરવામાં આવે છે. અર્ધ સ્વયંચાલિત પ્રકારના મશીનમાં ટાઇમરનો ઉપયોગ કરવામાં આવે છે. ધોવાની તથા રિન્સની પ્રક્રિયા એક ડ્રમમાં તથા સેમિ ડ્રાઇંગ પ્રક્રિયા બીજા ડ્રમમાં થાય છે. બંનેના સમયગાળા ગોઠવી શકાય છે. કપડાં એક ડ્રમમાંથી બીજા ડ્રમમાં જાતે નાખવાં પડે છે. પૂર્ણ સ્વયંચાલિત મશીનમાં કપડાં, ડિટર્જન્ટ અને પાણી નાખી એક જ નિયંત્રક સ્વિચ ચાલુ કરવાની રહે છે. સ્વયંચાલિત વ્યવસ્થા અલગ અલગ કંપનીના મૉડલમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. મશીનમાં રાખેલ માઇક્રોપ્રોસેસર (microprocessor) અથવા માઇક્રો કમ્પ્યૂટર(micro computer)નો ઉપયોગ કરવાથી ખૂબ સારી રીતે સ્વયંનિયંત્રણ થવાથી મશીન પૂર્ણ સ્વયંચાલિત બને છે.
રમેશ પ. અજવાળિયા
ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ