વિદ્યુત-જાળતંત્ર (Electrical grid system) : વિદ્યુતશક્તિતંત્રનો એવો ભાગ કે જેના દ્વારા પ્રત્યેક વપરાશકાર કે ગ્રાહક સુધી વિદ્યુતઊર્જા પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે વીજઉત્પાદક મથકો કોલસાની ખાણો અથવા પાણીના મોટા બંધની નજીકમાં આવેલાં હોય છે; જ્યારે વિદ્યુતનો વપરાશ તેમનાથી દૂર આવેલાં સ્થળોએ, વીજબોજ-કેન્દ્રો(load centres)એ થતો હોય છે. કેટલીક વાર ઉત્પાદનક્ષમતા કરતાં માંગ વધી જાય તેવું અથવા તેથી ઊલટું પણ બની શકે છે. આવા સંજોગોમાં વિદ્યુતશક્તિ-પ્રણાલીઓનું એકબીજા સાથે આંતરિક જોડાણ (inter connection) કરવાનું ઘણા સમય અગાઉથી શરૂ થયું છે. જેમ જેમ વિદ્યુતતંત્ર વિકસતું જાય તેમ તેમ જે તે વિસ્તારોનાં શક્તિ-સંયંત્રો(power plants)ને એકબીજાં સાથે સાંકળી લઈ એક જૂથ રચવામાં આવે છે. આ વિદ્યુત-નેટવર્કને વિદ્યુત-જાળ (electric grid) તરીકે ઓળખવામાં આવે છે.

વિદ્યુત-જાળની રચનાથી નીચે પ્રમાણેના લાભ મળી શકે છે :

(1) એક ઉત્પાદક મથકની વધારાની ક્ષમતાનો ઉપયોગ અન્યત્ર જ્યાં તેની જરૂર હોય ત્યાં થઈ શકે છે.

(2) કોઈ શક્તિમથક બંધ પડે તો અન્ય મથકો વડે વીજપુરવઠો પૂરો પાડી શકાય છે.

(3) તંત્રનું આયોજન અસરકારક રીતે થઈ શકે છે.

(4) આર્થિક દૃષ્ટિએ સૌથી વધુ પોસાય તેવા શક્તિતંત્રનું અભિકલ્પન થઈ શકે છે.

(5) શક્તિ-સંયંત્રોની કામગીરી એવી રીતે નક્કી કરી શકાય છે કે જેથી ઇષ્ટતમ કાર્યક્ષમતા મળે.

ભિન્ન ભિન્ન ઉત્પાદક-મથકો, સંચારણ(transmission)-લાઇનો અને વિદ્યુત-ઉપમથકો – એ વિદ્યુત-જાળનાં મહત્વનાં અંગો છે.

ભારતમાં પાંચ વિદ્યુત-જાળો રચવામાં આવી છે : (અ) ઉત્તરીય જાળ (northern grid), (બ) પશ્ચિમી જાળ, (ક) પૂર્વીય જાળ, (ડ) દક્ષિણી અથવા દખણાદી જાળ અને (ઇ) ઉત્તર-પૂર્વીય કે ઈશાની જાળ. આ જાળ-તંત્રો તેમની ઉત્પાદન-ક્ષમતા અને અન્ય લાભોનું સહભાજન થઈ શકે તે હેતુથી એકબીજાં સાથે જોડવામાં આવેલાં છે. જાળતંત્રનું સંચાલન વીજબોજ-પ્રેષણકેન્દ્ર (Load Dispatch Centre, LDC) દ્વારા જાળતંત્રમાંના પ્રત્યેક મથકની ઉત્પાદન-ક્ષમતા અને વીજબોજની માંગ પ્રમાણે એવી રીતે કરવામાં આવે છે કે જેથી તે આર્થિક રીતે પોષણક્ષમ રહે.

પદ્મકાન્ત ચીમનલાલ તલાટી, કપિલ ગજાનન જાની, અનુ. જ. દા. તલાટી