વિક્સેલ, નટ (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રની ‘સ્ટૉકહોમ વિચારસરણી’ના મુખ્ય ઉદ્ગાતા સ્વીડિશ અર્થશાસ્ત્રી. સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીમાં ગણિત અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1885માં ગણિત વિષયમાં સ્નાતક અને 1895માં તે જ વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી. દરમિયાન જે. એસ. મિલ, કાર્લ મૅન્જર અને બોહેમ બેવર્ક જેવા તે જમાનાના અગ્રણી અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતોનું તલસ્પર્શી અધ્યયન કર્યું; પરંતુ કારકિર્દીના શરૂઆતના ગાળામાં પોતાના દેશ સ્વીડનમાં તેમને જે ખ્યાતિ મળી તેમાં વેશ્યાવ્યવસાય, દારૂની બદી, ગરીબીની ભીષણતા અને અતિવસ્તીને કારણે ઉદ્ભવતી સામાજિક સમસ્યાઓ પર તેમણે આપેલાં ઉત્તેજક જાહેર વ્યાખ્યાનોનો ફાળો વિશેષ રહ્યો હતો. તેમનાં ઉપર્યુક્ત વ્યાખ્યાનોને કારણે એક સમાજસુધારક તરીકે તેમની સર્વત્ર પ્રશંસા થવા લાગી. તેઓ રૂઢિચુસ્ત નહિ, પરંતુ સમન્વયકારી વલણ ધરાવતા હતા. તેમણે તેમના જમાનાના પ્રચલિત એવા એકમલક્ષી આર્થિક સિદ્ધાંતોનો સમન્વય સાધવામાં તથા તે દ્વારા તે સિદ્ધાંતોના શુદ્ધીકરણમાં જે ફાળો આપ્યો હતો તેના કારણે તેઓ ‘અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી’ (economists’ economist) તરીકે સર્વત્ર ઓળખાવા લાગ્યા. તેમની પ્રૌઢાવસ્થાના ઘણા લાંબા સમય દરમિયાન તેમની આજીવિકાના સાધન તરીકે વારસામાં મળેલ નાની નાની મિલકતોમાંથી મળતી આવક, કેટલીક સંસ્થાઓ દ્વારા તેમને અપાતી આર્થિક સહાય / અનુદાન તથા જાહેર વ્યાખ્યાનોમાંથી તેમને પ્રાપ્ત થતું મહેનતાણું આ મુખ્ય સ્રોત હતા. 1886માં તેમને અર્થશાસ્ત્રના અધ્યયન માટે એક માતબર રકમનું અનુદાન મળ્યું, જેણે તેમના જીવનને નવો વળાંક આપ્યો. આ અનુદાનની રકમનો ઉપયોગ વિક્સેલે લંડન, સ્ટ્રાસબર્ગ, વિયેના, બર્લિન અને પૅરિસ યુનિવર્સિટીઓની જાત-મુલાકાત લઈ ત્યાં અર્થશાસ્ત્રના અધ્યયનમાં કર્યો હતો. 1890માં તેઓ સ્ટૉકહોમ પરત આવ્યા; પરંતુ તેમની પાસે અર્થશાસ્ત્ર વિષયની કોઈ ઔપચારિક પદવી કે લાયકાત ન હોવાથી તેમને અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપનની તક મળે તેમ ન હતું. વિકલ્પે તેમણે ફરી આજીવિકાના સાધન તરીકે સ્વીડિશ, જર્મન અને અંગ્રેજી સામયિકોમાં લેખો લખવાની તથા સ્વીડનનાં જુદાં જુદાં નગરોમાં જાહેર વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી. 1890-1900નો દાયકો પૂરો થવાની અણી પર હતો ત્યારે વિક્સેલની અડતાળીસ વર્ષની ઉંમરે સ્વીડનની લુંડ (Lund) યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપકપદે નિમણૂક કરવામાં આવી, જે તેમની કારકિર્દીનું એક સીમાચિહ્ન ગણવામાં આવે છે. આ પદ પર તેમણે સોળ વર્ષ (1900-1916) કામ કર્યું અને ત્યારબાદ નિવૃત્ત થયા.
સીમાવર્તી તુષ્ટિગુણની તેમના દ્વારા રજૂ થયેલ વિભાવના પર તેમણે ગણિતનાં સમીકરણોનો ઉપયોગ કરી અર્થતંત્રનું જે વિશ્લેષણ કર્યું છે તે અર્થશાસ્ત્રમાં તેમનું મૌલિક પ્રદાન ગણવામાં આવે છે. આ વિશ્લેષણ દરમિયાન પણ તેમણે સીમાવર્તી ઉત્પાદકતા અંગેની ઑસ્ટ્રિયન વિચારસરણી તથા સમતુલાના મૂલ્ય અંગેની લૉસેન વિચારસરણી વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે લખેલ ગ્રંથોમાં ‘વૅલ્યૂ, કૅપિટલ ઍન્ડ રેન્ટ’ (1893); ‘સ્ટડિઝ ઇન ફાઇનાન્સિયલ થિયરી’ (1896) તથા ‘થિયરી ઑવ્ ઇન્ટરેસ્ટ ઍન્ડ પ્રાઇસ’ (1898) જેમાં તેમણે મૂલ્ય અને વ્યાજના સિદ્ધાંતોનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે તે વિશેષ નોંધપાત્ર છે.
વિક્સેલ વિશે એમ કહેવાય છે કે તેમણે માત્ર તેમના જમાનાના વિચારકો પર જ નહિ, પરંતુ ત્યારપછીની સ્વીડન, મધ્ય યુરોપ તથા ઇટાલીમાં ઊપસી આવેલ પેઢીના વિચારકો પર પણ પોતાનો પ્રભાવ પાડ્યો હતો; જેમાં જે. એમ. કેઇન્સ (1883-1946), ફ્રેડરિક વૉન હાયેક (1899-1992) અને અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા જે. આર. હિક્સ (1914-1989) જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.
ટેક્નોલૉજિકલ પ્રગતિ તથા વસ્તી-વૃદ્ધિના વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં વ્યાપારચક્રોની સમજૂતી આપવામાં પણ વિક્સેલનો ફાળો નોંધપાત્ર ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે