વિક્ટોરિયા સામુદ્રધુની : આર્ક્ટિક મહાસાગરનો દક્ષિણ ફાંટો. તે કૅનેડાના વાયવ્ય પ્રદેશના દક્ષિણ ફ્રૅન્કલિન જિલ્લા તરફ ફંટાયેલી છે. તેની પશ્ચિમે વિક્ટોરિયા ટાપુ અને પૂર્વ તરફ કિંગ વિલિયમ ટાપુ આવેલા છે. આ સામુ્દ્રધુનીની લંબાઈ 160 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 80થી 128 કિમી. જેટલી છે. દક્ષિણ તરફ તે ક્વીન માઉદના અખાતને, વાયવ્ય તરફ મૅક ક્લિટોંક ખાડીને તથા ઈશાન તરફ ફ્રૅન્કલિનની સામુદ્રધુનીને સાંકળે છે. આ સામુદ્રધુનીના દક્ષિણ તરફના પ્રવેશ પાસે રૉયલ જ્યૉગ્રાફિકલ સોસાયટી તથા જેની લિન્ડ ટાપુઓ આવેલા છે.
ઇંગ્લિશ અભિયંતા જૉન ફ્રૅન્કલિન 1845માં 129 માણસો સાથે, તેનો વાયવ્ય તરફ જતો ફાંટો ક્યાં સુધી પહોંચે છે, તે જોવા-જાણવા નીકળેલો. કૅનેડાનો આર્ક્ટિક ટાપુસમૂહ જ્યાં આટલાંટિક અને પૅસિફિક મહાસાગરોને જોડે છે, તે માર્ગ પરથી તે પસાર થયેલો. જ્યારે તેનાં વહાણો કિંગ વિલિયમ ટાપુથી વાયવ્યમાં વિક્ટોરિયા સામુદ્રધુનીમાં પ્રવેશ્યાં ત્યારે આખો કાફલો ચોમેર બરફથી ઘેરાઈ ગયો અને કોઈ જીવતું બચી શક્યું નહિ.
ગિરીશભાઈ પંડ્યા