વિક્ટોરિયા : ઑસ્ટ્રેલિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 34° 00´થી 38° 50´ દ. અ. અને 141°થી 150° પૂ. રે. વચ્ચેનો આશરે 2,27,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ન્યૂ સાઉથ વેલ્સ, પૂર્વમાં પૅસિફિક મહાસાગર, દક્ષિણે ટસ્માનિયા સમુદ્ર (બાસની સામુદ્રધુની) તથા પશ્ચિમે સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્ય આવેલાં છે. ઑસ્ટ્રેલિયામાં વિશાળ વિસ્તાર ધરાવતાં રાજ્યોમાં તે પાંચમા ક્રમે આવે છે, ‘બગીચા રાજ્ય’ના ઉપનામથી તેને નવાજવામાં આવેલું છે. તેની સરહદોથી રચાતી ભૂમિ-આકારરેખા તદ્દન અનિયમિત છે.
ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક દૃષ્ટિએ આ રાજ્ય મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.
(1) સમુદ્રકિનારાનો પ્રદેશ (The Coastal Belt) : આ પ્રદેશમાં રાજ્યના અગ્નિભાગમાં સમુદ્રકાંઠા નજીક આવેલ ગિપ્સલૅન્ડ(Gippsland)નો સમાવેશ થાય છે. તે કિનારા પર વિસ્તરેલો સૌથી લાંબો ચરાણવિસ્તાર છે. તેની દક્ષિણ ધાર પર રેતીના લાંબા પાળા, સરોવરો, પંકપ્રદેશો તથા નાઇન્ટી માઇલ કંઠાર-રેતપટ (beach) આવેલા છે. અહીંના પૉર્ટફિલિપ અખાતની ચારેબાજુ દરિયાઈ મેદાનો જોવા મળે છે. મેલબૉર્ન જિલ્લાનો સમાવેશ આ મેદાની વિસ્તારમાં થાય છે. ઉત્તર અને પશ્ચિમ બાજુઓ પર લાવાજન્ય અફળદ્રૂપ મેદાનો પથરાયેલાં છે. આ વિભાગના અગ્નિ, પૂર્વ તેમજ નૈર્ઋત્ય ભાગોમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું હોવાથી તેનું મહત્વ અંકાય છે. આ વિભાગ તેની ઉત્તર અને પૂર્વ તરફ પહાડોથી ઘેરાયેલો છે.
(2) પર્વતો અને ઉચ્ચપ્રદેશો (The Mountain and Table land Region) : આ વિભાગમાં ઑસ્ટ્રેલિયન આલ્પ્સ પર્વતમાળા ગિરિપાદ-પટ્ટાનો સમાવેશ થાય છે. તે ‘ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ’નો એક ભાગ છે. આ હારમાળા પશ્ચિમ વિક્ટોરિયાથી શરૂ કરીને ક્વિન્સલૅન્ડ સુધી વિસ્તરેલી છે. તે વિક્ટોરિયાનાં કિનારાનાં મેદાનો અને ન્યૂ સાઉથ વેલ્સથી અલગ પડે છે. અહીં ઘણાં વૃક્ષો જોવા મળે છે. હિમરેખાથી ઉપર તરફ શિખરો આવેલાં છે. આ વિભાગમાં નદીઓ દ્વારા ઊંડી ખીણો અને કોતરો રચાયાં છે. ઑસ્ટ્રેલિયન આલ્પ્સનાં ઊંચાં શિખરોમાં માઉન્ટ બોગોન્ગ (1,986 મીટર) તથા માઉન્ટ ફેધરટૉપ (1,922 મીટર)નો સમાવેશ થાય છે.
(3) મરે નદીનો હેઠવાસનો થાળા-વિસ્તાર (The Lower Murray Basin Region) : વિક્ટોરિયા રાજ્યના ઉત્તર-મધ્યભાગમાં આ વિસ્તારનો સમાવેશ થાય છે. તે મરે નદીના મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંનાં ઉત્તર ભાગનાં મેદાનો મરે નદીના પૂરથી રચાયેલાં છે. વળી પૂરને કારણે જંગલોનું પ્રમાણ પણ ઓછું છે. મરે નદીની પશ્ચિમે આવેલા થાળા-વિસ્તારો મલ્લી અને વિમ્મેરા જિલ્લામાં આવેલા છે. અહીં ખડકો અને રેતી પથરાયેલાં હોવાથી થાળાના વિસ્તારો સૂકા રહે છે, જ્યારે દૂર વાયવ્ય તરફ આવેલા પ્રદેશો રેતીની ટેકરીઓવાળા અને અર્ધસૂકા છે. અહીં મોટેભાગે છૂટીછવાઈ કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. ઈશાન તરફ આવેલા પ્રદેશો તપખીરિયા રંગની માટીથી બનેલા હોવાથી ત્યાંથી ઘઉંનું મબલક ઉત્પાદન મેળવાય છે.
નદીઓ અને સરોવરો : આ રાજ્યમાં વહેતી મોટાભાગની નદીઓ ગ્રેટ ડિવાઇડિંગ રેન્જમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે અને મરે નદીને મળે છે, બીજી કેટલીક ઢોળાવને અનુસરીને દક્ષિણ તરફ વહે છે અને સમુદ્રને મળે છે. એકમાત્ર વિમ્મેરા નદી ઉત્તર તરફ વહીને પશ્ચિમ વિક્ટોરિયામાં આવેલા હિન્ડમાર્શ (Hindmarsh) સરોવરમાં થઈને છેલ્લે નાના રણમાં સમાઈ જાય છે. વિક્ટોરિયા રાજ્યની ઉત્તર સીમા રચતી મરે નદી ઑસ્ટ્રેલિયાની સૌથી મોટી નદી ગણાય છે. અન્ય નદીઓમાં મિટ્ટા, કિવા, ઓવેન્સ, ગૉલબર્ન, કમ્પાસ્પે અને લોડોનનો સમાવેશ થાય છે. કિવા નદી દ્વારા મેળવાતી વીજળી વિક્ટોરિયાના કેટલાક ભાગોને પૂરી પાડવામાં આવે છે. મરે નદી પર નિર્માણ કરાયેલું 225 ચોકિમી. વિસ્તારવાળું, માનવસર્જિત હ્યુમ સરોવર ઑસ્ટ્રેલિયાનાં મોટાં સરોવરોમાંનું એક ગણાય છે. આ સરોવરનું નિર્માણ કરવાથી હેઠવાસમાં આવતા પૂર પર નિયંત્રણ લાવી શકાયું છે. મુરુમ્બિગી, ગૉલબર્ન અને મરે નદીનાં જળનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગૉલબર્ન નદીના ઉપરવાસમાં 135 ચોકિમી. વિસ્તાર ધરાવતું એલ્ડોન સરોવર આવેલું છે, તે પણ સિંચાઈ તેમજ વીજળી મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. મરે નદીના પંકપ્રદેશની ભૂમિ જંગલી પ્રાણીઓ માટે સ્વર્ગ સમાન છે.
રાજ્યના દક્ષિણ ભાગ તરફ ફક્ત યારા (Yara) નદી વહે છે, તેને કાંઠે મેલબૉર્ન શહેર વસેલું છે. તે મેલબૉર્ન શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડે છે. રાજ્યના પૂર્વ ભાગમાં વહેતી સ્નોઈ નદીના મુખ પાસે ઓરબોસ્ટ શહેર આવેલું છે. ગિપ્સલૅન્ડને મળતી નદીઓ ઓછો જળપુરવઠો ધરાવે છે. આ ભૂમિભાગ ઘણાં લગૂન સાથે સંકળાયેલો છે, તેથી તેનાં પાણી ખારાં રહે છે. ખારા પાણીના સરોવરનો આ વિસ્તાર આશરે 350 ચોકિમી. જેટલો છે.
પૉર્ટલૅન્ડ અખાતની પશ્ચિમે જિલાંગ, બારવૉન, વારનામ્બૂલ, હૉપકિન્સ અને ગ્લેનેલ્ગ નદીઓ આવેલી છે. ગ્લેનેલ્ગ નદી દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્ય સાથે સીમા રચે છે. રાજ્યનાં વિશાળ સરોવરો પશ્ચિમ ભાગમાં આવેલાં છે. તેમનાં પાણી ખારાં છે. વાયવ્યમાં આવેલાં સરોવરોને નદીઓ દ્વારા જળપુરવઠો મળતો રહે છે. પરંતુ તે કોઈક વાર ઉનાળામાં સુકાઈ પણ જાય છે. એ જ રીતે ટિરેલ સરોવર પણ સુકાયેલું રહે છે. જે સરોવરોમાં જળપુરવઠો જળવાયેલો જોવા મળે છે, તે તેમને ભૂગર્ભમાંથી ઉપલબ્ધ થતો રહે છે. આશરે 290 ચોકિમી. વિસ્તાર ધરાવતું કોરંગામાઇટ (Corangamite) સરોવર આ રાજ્યનું સૌથી મોટું સરોવર છે, પરંતુ સમુદ્રજળ કરતાં પણ તેની ક્ષારતા વિશેષ છે. તેમાંથી કોઈ નદી નીકળતી નથી.
આબોહવા : આ રાજ્યની આબોહવા ભૂમધ્ય પ્રકારની છે. અહીં ઉનાળા ગરમ અને સૂકા રહે છે, જ્યારે શિયાળા ઠંડા અને ભેજવાળા હોય છે. આ પ્રકારની આબોહવા નિર્માણ પામવામાં મધ્ય ઑસ્ટ્રેલિયાના રણ-વિસ્તારો અને પૂર્વ તરફના પહાડી વિસ્તારોનો ફાળો વિશેષ છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 13°થી 18° સે. જ્યારે શિયાળાનું 10° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,310 મિમી. જેટલો પડે છે. પર્વતીય ભાગોમાં 1,510 મિમી. અને વાયવ્યમાં માત્ર 310 મિમી. જેટલો વરસાદ પડે છે.
વનસ્પતિ : યુરોપિયનોના આગમન બાદ અહીં આર્થિક દૃષ્ટિએ ઉપયોગી એવા છોડની રોપણી શરૂ થવાને કારણે જંગલો સાફ કરવામાં આવ્યાં; તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ત્યાંની મૂળ વનસ્પતિને જાળવી રાખવાના સફળ પ્રયાસો પણ થયા છે; તેમાં સૉલ્ટબુશ, કાઉરિના, મલ્લી, જેવી વનસ્પતિ વાયવ્ય ભાગોમાં જોવા મળે છે.
અર્થતંત્ર : ખેતી–પશુપાલન : રાજ્યની કુલ ભૂમિનો આશરે 20 % વિસ્તાર ખેતી હેઠળ છે. અહીં વિશાળ કદનાં ખેતરો આવેલાં છે, તેમાં મોટેભાગે ઘઉં અને તમાકુની ખેતી થાય છે. કેટલાંક ખેતરોમાં આધુનિક ઘેટાંઉછેર-કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. ખેતરોમાં આધુનિક યંત્રો, રાસાયણિક ખાતરો અને ઉત્તમ બિયારણનો ઉપયોગ થાય છે.
આ રાજ્યમાં આશરે 270 લાખ ઘેટાં છે, તે પૈકી 40 % મેરિનો જાતિનાં છે. રાજ્યનાં મોટાભાગનાં ઘેટાંઉછેર-કેન્દ્રો ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલાં છે. અહીં ઘણા મોટા પાયા પર ઘેટાંના માંસની તથા ઊનની (ઑસ્ટ્રેલિયાના કુલ ઊન-ઉત્પાદનના 20 % જેટલી) નિકાસ થાય છે. વળી અન્ય દેશોમાં મેરિનો ઘેટાંની નિકાસ પણ થાય છે. અહીંનું ઑસ્ટ્રેલિયન ઊન નિગમ ઊનની ખરીદી કરીને તેની હરાજી કરે છે. આ રાજ્યમાં દૂધ-ઉત્પાદક ઢોરોની સંખ્યા પણ 21 લાખ જેટલી છે. દૂધની ડેરીઓમાં માખણ, પનીર અને ચીઝનું ઉત્પાદન મેળવાય છે. મેલબૉર્નની પૂર્વમાં આવેલા પર્વતીય ઢોળાવો પર ચેરી, સફરજન, રાસબરી જેવાં ફળોની વાડીઓ આવેલી છે. તેમાં દ્રાક્ષ, બટાટા તેમજ અન્ય શાકભાજીનું વાવેતર પણ થાય છે. સમુદ્ર-ખોરાક તરીકે ઉપયોગમાં લેવા સમુદ્રજળમાંથી માછલીઓ અને કરચલા મેળવાય છે. માછલીઓનો ખોરાકમાં ઉપયોગ થાય છે, જ્યારે કરચલાની નિકાસ કરવામાં આવે છે.
મરે, ગૉલબર્ન અને લોડોન નદીઓનાં જળમાંથી રાજ્યને પાણી-પુરવઠો મળી રહે છે. મિટ્ટા-મિટ્ટા નદી પર વિશાળ ‘ડાર્ટ માઉથ’ બંધનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી આ રાજ્યનું સૌથી વિશાળ માનવરચિત સરોવર રચાયું છે. તેમાંથી વીજળી પેદા કરવામાં આવે છે અને સિંચાઈ ઉપલબ્ધ કરાય છે. એ જ રીતે ગૉલબર્ન નદી પર એલ્ડોન જળાશય તથા મરે નદી પર હ્યુમ સરોવરનાં નિર્માણ કરાયાં છે.
જળસંગ્રહ માટે ગૉલબર્ન નદી પર વારંગા, માકાલિસ્ટર નદી પર ગ્લેનમગાગી, મરે નદી પર મુલવાઈયા, બ્રોકન નદી પર માકોન, કામ્પાસ્પે નદી પર એપ્પાલૉક અને લોડોન નદી પર કૅર્ન કુર્રાન જળાશયો તૈયાર કરાયાં છે. મેલબૉર્ન શહેરને પાણીનો પુરવઠો યારા નદીના ઉપરવાસમાંથી પૂરો પાડવામાં આવે છે. વિક્ટોરિયા રાજ્યને વીજપુરવઠો તાપવિદ્યુત મથકોમાંથી પૂરો પડાય છે. તે માટે જરૂરી કોલસો ગિપ્સલૅન્ડમાંના લા ટ્રૉબેમાંથી મેળવાય છે. અહીંનાં મહત્વનાં વીજમથકોમાં હૅઝેલવુડ, યાર્લુન, ન્યૂપૉર્ટ અને મોરવેલનો સમાવેશ થાય છે. રાજ્યને વીજળી પૂરી પાડવાની જવાબદારી સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કમિશન અને સ્નોઈ માઉન્ટન્સ હાઇડ્રો-ઇલેક્ટ્રિક ઑથોરિટીએ સ્વીકારેલી છે.
ગિપ્સલૅન્ડમાંથી મેળવાતા કુદરતી વાયુનું વિતરણ પાઇપ લાઇન દ્વારા કરી તેને લૉંગ-ફૉર્ડ ખાતે મોકલવામાં આવે છે. અહીંથી વ્યાપારિક ધોરણે ખનિજતેલનું ઉત્પાદન પણ મેળવાય છે. તેને રાજ્યની જુદી જુદી રિફાઇનરીમાં શુદ્ધીકરણ માટે મોકલવામાં આવે છે. આ ઉપરાંત ગિપ્સલૅન્ડના કાંઠાના પ્રદેશમાંથી તાંબું, સીસું, જસત અને ચાંદીના ખનિજ-જથ્થા પણ શોધી કાઢવામાં આવ્યા છે.
બેલારટ, બેન્ડિગો, વાંગારટ્ટા, શેર્પાટોન, વર્નામ્બુલ, પૉર્ટલૅન્ડ અને વુડોન્ગા અહીંનાં મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. આ કેન્દ્રોમાં લોખંડ-પોલાદ, મોટરગાડીઓ, કૃષિયંત્રો, વિમાનો, જહાજો, રસાયણો, કાપડ, દારૂ, પગરખાં તેમજ ખાદ્યપદાર્થોનું ઉત્પાદન થાય છે. રાજ્યના આશરે 22 % લોકો અહીંના નાના-મોટા ઉદ્યોગોમાં રોકાયેલા છે.
પરિવહન અને સંદેશાવ્યવહાર : મેલબૉર્ન વિક્ટોરિયા રાજ્યનું મહત્વનું મથક છે. તે મોટરમાર્ગ, રેલમાર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગથી રાજ્યના અન્ય વિસ્તારો સાથે સંકળાયેલું છે. રાજ્યમાંના રેલમાર્ગની લંબાઈ 11,125 કિમી. તથા પાકા માર્ગોની લંબાઈ આશરે 2,53,000 કિમી. જેટલી છે. આ શહેરમાંથી ત્રણ વર્તમાનપત્રો પ્રગટ થાય છે, જે પૈકી ‘સનમૉર્નિંગ’ અને ‘પિક્ટોરિયલ’નું વેચાણ સમગ્ર ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ છે. મેલબૉર્ન ખાતે આવેલું ‘ઑસ્ટ્રેલિયા બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન’ રેડિયો-સેવા માટે કાર્યરત છે. ટેલિવિઝન-કેન્દ્રો પણ આ રાજ્યમાં આવેલાં છે.
વસ્તી : વિક્ટોરિયા રાજ્યની કુલ વસ્તી 46,89,000 (2000) જેટલી છે. અહીં બ્રિટિશ અને આયરિશ કુળના લોકો વસે છે. ખ્રિસ્તી લોકોનું પ્રમાણ અહીં વધુ જોવા મળે છે. આ ઉપરાંત અહીં યહૂદી, મુસ્લિમ અને હિન્દુ ધર્મના લોકો પણ વસે છે. રાજ્યની કુલ વસ્તીના આશરે 70 % લોકો બૃહદ્ મેલબૉર્નમાં રહે છે. રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ છે. અહીં યુનિવર્સિટી ઑવ્ મેલબૉર્ન, લા ટ્રૉબે યુનિવર્સિટી અને મોનાશ યુનિવર્સિટી આવેલી છે. રાજ્યમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
ઇતિહાસ : ઉપલબ્ધ પથ્થર-યુગનાં ઓજારો, ચિત્રો પરથી પુરાતત્વવિદો તેમજ અન્ય નિષ્ણાતોએ તારણો કાઢ્યાં મુજબ આશરે 35,000 વર્ષ (નવાં સંશોધનો મુજબ 60,000 વર્ષ) પૂર્વે માનવે અહીં પગ મૂક્યો હોવાનું મનાય છે.
1770માં સર્વપ્રથમ હિક્સ નામના બ્રિટિશ નાગરિકે વિક્ટોરિયાની ભૂમિ પર પગ મૂકેલો. તે જેમ્સ કૂકની દોરવણી હેઠળ કાર્ય કરતો હતો. 1800માં જેમ્સ ગ્રાન્ટે અહીંના પશ્ચિમથી પૂર્વ તરફના દરિયાકાંઠાનું ખેડાણ કર્યું હતું, પરંતુ તે પૉર્ટ ફિલિપના અખાતમાં પ્રવેશ કરી શક્યો ન હતો. 1830માં સર્વપ્રથમ વાર અહીં વસાહત ઊભી કરવામાં આવેલી. આ વસાહત ક્રમશ: વધીને 1892માં મેલબૉર્ન શહેર રૂપે ફેરવાઈ. 1900માં વિક્ટોરિયાને રાજ્યનો દરજ્જો મળ્યો. 1927માં મેલબૉર્નમાં સર્વપ્રથમ વાર પાર્લમેન્ટ મળી. 1945 પછી મેલબૉર્નમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બનતાં વિક્ટોરિયા રાજ્યનું મહત્વ વધ્યું છે.
નીતિન કોઠારી