વિકૃતિ (metamorphism) (ભૂસ્તરશાસ્ત્ર) : શિલાવરણમાં અસ્તિત્વ ધરાવતા ખડકજથ્થાઓમાં ઉષ્ણતામાન, દબાણ અને ભૌતિક-રાસાયણિક પરિબળોની મુખ્ય અસર હેઠળ ઊંડાઈએ થતું પરિવર્તન અને રૂપાંતરણ. આ ક્રિયામાં સામેલ થતા ખડકો અંશત: કે પૂર્ણત: પુન:સ્ફટિકીકરણ પામે છે. નવાં ખનિજો, નવી સંરચનાઓ અને નવી કણરચનાઓ ઉદભવે છે. સમગ્રપણે જોતાં, રૂપાંતરિત ખડકો જુદા જ પ્રકારનું, આગવું લાક્ષણિક સ્વરૂપ ધારણ કરે છે; જે નવી પરિસ્થિતિ હેઠળ સ્થાયી બની રહે છે. કચરાવાની અને માઇલોનાઇટીકરણની ક્રિયાને પણ અહીં બાકાત રાખી શકાય નહિ. ઉપર દર્શાવેલાં પરિબળોની અસર હેઠળ ખડકોમાં રહેલા ખનિજ ઘટકજૂથનું ભૌતિક-રાસાયણિક સંતુલન જોખમાતું હોય છે. મૅગ્માની ભેળવણીથી ખડકોમાં થતું ગલન અને સંમિશ્રણ પરિવર્તિત ખડક-પ્રકારો બનાવે છે. આ ક્રિયાનો પણ વિકૃતિ-પર્યાય હેઠળ સમાવેશ કરી શકાય. ખંડીય પોપડાના ખડકો પૈકી અમુક પ્રકારના નાઇસ અને મિગ્મેટાઇટને પણ અહીં સામેલ કરી શકાય.
એડિનબરોના જેમ્સ હટ્ટન (1726-1797) વિકૃતિજન્ય ફેરફારો વિશે પોતાનું મંતવ્ય રજૂ કરવામાં પ્રથમ ગણાય. તેમણે સૂચવ્યું કે આ પ્રકારના કેટલાક ખડકો મૂળમાં તો જળકૃત ખડકો હતા, જે ભૂગર્ભીય ગરમીથી પરિવર્તન પામ્યા છે અને તેમાં નવી કણરચના ઉદભવી છે. હટ્ટનના આ સિદ્ધાંતનો આધાર લઈને સર ચાર્લ્સ લાયલે તેમના પ્રકાશન ‘પ્રિન્સિપલ્સ ઑવ્ જિયૉલોજી’(1833)માં આ પ્રકારના પરિવર્તિત ખડકો માટે ‘વિકૃત’ (metamorphic) પર્યાય પ્રયોજ્યો.
અગ્નિકૃત અને જળકૃત બંને પ્રકારના ખડકો આ પ્રકારનાં પરિવર્તનોને સહજગ્રાહી હોય છે. અગ્નિકૃત ખડકો ઊંચા ઉષ્ણતામાને અને જળકૃત ખડકો નીચા ઉષ્ણતામાને વિકૃતિની અસર હેઠળ આવે છે. બંને પ્રકારો એક વાર અસરયુક્ત થયા પછી વધતા જતા ઉષ્ણતામાન-દબાણ કે વિરૂપક પ્રતિબળો હેઠળ નવી પ્રક્રિયામાં અને પુન:સ્ફટિકીકરણમાં સામેલ થાય છે. મૂળ ખડકોમાં થતી આ વિકૃતિજન્ય પ્રક્રિયાઓ પ્રત્યક્ષ દેખાતી હોતી નથી કે પ્રયોગો દ્વારા સિદ્ધ કરી શકાતી નથી. આ કારણે તેમની ક્રિયાપદ્ધતિ અને તેમના ઉષ્માગતિ-સંબંધો સંપૂર્ણપણે સમજી શકાતાં નથી, માત્ર તેમનો અર્થઘટન-અભ્યાસ કરી શકાય છે. અપરિવર્તિત નિક્ષેપોમાંથી પુન:સ્ફટિકીકૃત ખડકોમાં થતી જતી ક્રમિક સંક્રાંતિવાળી ખડકશ્રેણીનો અભ્યાસ આ પ્રક્રિયાની માહિતી પૂરી પાડે છે, જેના પરથી વિકૃતિના સિદ્ધાંતો તારવી શકાય છે.
વિકૃતિનાં પરિબળો (agents of metamorphism) : આ ફેરફારોમાં ઉષ્ણતામાન, દબાણ અને રાસાયણિક રીતે ક્રિયાશીલ પ્રવાહીઓ મુખ્ય ભાગ ભજવે છે. વિકૃતિ ઊંડાઈએ થતી હોય છે, જે સૂચવે છે કે આ ત્રણેય પરિબળો વધુ અસર સહિત કાર્યરત રહે છે. ઊંડાઈએ જતાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે, વધારાની ગરમી મૅગ્મા પૂરી પાડે છે; ઊંડાઈએ જતાં દબાણ પણ વધતું જાય છે, વધારાનું દબાણ ખડકજળદાબ અને એકત્રિત થયેલાં પ્રતિબળો પૂરું પાડે છે; જે કદના, આકારોના અને વિરૂપતાના ફેરફારો લાવવામાં સહાય કરે છે. રાસાયણિક રીતે ક્રિયાશીલ પ્રવાહીઓ વિકૃતિ માટે ઘણું અગત્યનું પરિબળ બની રહે છે. તેનાથી ખનિજોનું અંશત: કે પૂર્ણ ગલન થાય છે. ખડક અંતર્ગત, છિદ્રસંચિત કે ફાટોમાં રહેલું બાષ્પશીલ કે પ્રવાહી દ્રવ્ય – ખાસ કરીને જળ, CO2, અંતર્ભેદકોમાંથી છૂટતા બોરિક અને હાઇડ્રોફ્લોરિક ઍસિડ પરિવર્તન કરવામાં મહત્વનો ફાળો આપે છે, તે ખડકોની આજુબાજુ પ્રસરે છે અને ધીમે ધીમે અસરો કરી પરિવર્તન કરવામાં મદદ કરે છે. આ ત્રણેય પરિબળો એકબીજાનાં પૂરક બનીને જુદી જુદી માત્રાવાળી વિકૃતિ પેદા કરે છે.
વિકૃતિ અને કણશ:વિસ્થાપન (metamorphism and metasomatism) : પુન:સ્ફટિકીકરણ દ્વારા થતું ખડકોનું પરિવર્તન રાસાયણિક બંધારણનો ફેરફાર દર્શાવે છે; અર્થાત્ ખડકોમાં નવું રાસાયણિક દ્રવ્ય ઉમેરાય છે અને જૂનું ગુમાવે છે. આ ક્રિયાને કણશ: વિસ્થાપન (metasomatic replacement) કહેવાય છે. આવા ફેરફારને સામાન્ય પ્રકારની સમરૂપ વિકૃતિ ગણી શકાય, જેમાં જૂનાં ખનિજો જુદા રૂપમાં પુન:સ્ફટિકીકૃત થયાં કહેવાય. અહીં રાસાયણિક તત્ત્વોનો ઓછા અંતરે સ્થાનફેર થતો હોય છે. વિકૃતિમાં મોટે ભાગે બંધારણીય ફેરફાર થાય છે, રાસાયણિક દ્રવ્ય વહન પામે છે, ગરમી ઉપલબ્ધ થાય છે, ખડકોમાં મોટા પાયા પર પરિવર્તન આવે છે. વિકૃતિની પ્રારંભિક કક્ષાએ નિક્ષેપો બાષ્પશીલ દ્રવ્યો (CO2) ગુમાવે છે, રાસાયણિક ફેરફાર થાય છે. ગ્રૅનાઇટ-નાઇસ, મિગ્મેટાઇટ અને અબરખ-શિસ્ટ જૂના ખડકોથી જુદા જ બંધારણવાળા બની રહે છે. ટૂંકમાં, વિકૃત ખડકોનું ખનિજીય બંધારણ ઉષ્ણતામાન અને દબાણના સંજોગો હેઠળ રાસાયણિક બંધારણના બદલાવાની સાથે બદલાઈ જાય છે.
આ પ્રકારના ફેરફારો માટેની ક્રિયાપદ્ધતિ સમજવાનું શક્ય નથી, પરંતુ ઘન ખડકોમાં થતા મોટા પાયા પરના રાસાયણિક ફેરફારનાં તારણો અન્વેષણો દ્વારા સમજી શકાય ખરાં. કેટલાક વિકૃત ખડકોમાં ક્યારેક જળવાઈ રહેલા જૂના ખડકોના જીવાવશેષોનાં નાજુક માળખાંનો અભ્યાસ દર્શાવે છે કે મૂળભૂત ચૂનાયુક્ત કવચદ્રવ્ય રાસાયણિક ફેરફારો દ્વારા સિલિકા, લોહસલ્ફાઇડ કે અન્ય સંયોજનોમાં પરિવર્તિત થયેલું મળે છે. વિકૃત ખડકોમાં જોવા મળતાં પુન:સ્ફટિકીકરણ અને ખનિજ ફેરફાર ગલન પામતા અગાઉના ઉષ્ણતામાને આણ્વિક કે આયન-વિનિમયને કારણે થતાં હોય છે.
વિકૃતિ–પ્રકારો (types of metamorphism) : વિકૃતિનાં કોઈ એક કે વધુ ઉત્પત્તિજન્ય પરિબળોની ક્રિયા તેમજ ભૌતિક-રાસાયણિક સંજોગો અનુસાર વિકૃતિના જુદા જુદા પ્રકારો નીચે મુજબ પાડી શકાય :
1. ઉષ્ણતાજન્ય વિકૃતિ (thermal metamorphism) : મૅગ્માનાં અંતર્ભેદનો દ્વારા પ્રેરિત ઉષ્ણતામાનની અસર હેઠળ આ પ્રકારની વિકૃતિ ઉદભવે છે. મૅગ્માજન્ય બાષ્પાયનો અને પ્રવાહી દ્રાવણોની અસરકારક પ્રક્રિયાથી ખડકો ભીના બની રહે છે, પરિણામે રાસાયણિક પુનર્ગોઠવણી થાય છે અને ખનિજોનું રૂપાંતરણ થાય છે. ઉષ્ણતાજન્ય વિકૃતિમાં ગરમીનું પરિબળ વધુ કામ કરે છે, આજુબાજુથી મળતું દબાણ ગૌણ અસરો પૂરી પાડે છે.
અંતર્ભેદકોની તદ્દન નજીકના ખડકોની સંપર્ક-સપાટીઓ પર જ્યારે ઊંચું ઉષ્ણતામાન કાર્યશીલ અસર ઉપજાવે ત્યારે ઉદભવતી વિકૃતિ મહત્તમ ઉષ્ણતાજન્ય વિકૃતિ અથવા ઉત્તાપજન્ય વિકૃતિ (pyrometamorphism) કહેવાય છે. આ વિભાગોમાં દ્રવ્યના વિનિમય સહિત કે રહિત આગંતુક ખડકો (xenoliths) અથવા અપરાશ્મ તૈયાર થતા હોય છે. પ્રાદેશિક ખડકસંપર્ક-સપાટીઓ શેકાઈ જાય છે અથવા બળી જાય છે, અથવા તો સખત બની રહે છે. લાવા અને ડાઇક નજીકથી સંપર્ક-સપાટીઓ પણ આ પ્રકારની અસરથી મુક્ત રહી શકતી નથી. આ પ્રકારની વિકૃતિને દાહક વિકૃતિ (caustic or optalic metamorphism) કહે છે. ઓછા ઉષ્ણતામાને ખડકની સંપર્ક-સપાટીઓ પર થતી વિકૃતિ સંસર્ગ-વિકૃતિ (contact metamorphism) કહેવાય છે, તેમાં ખડકજથ્થાના બંધારણમાં ખાસ ફેરફાર ઉદભવતો નથી. બાષ્પાયનો દ્વારા જે થોડી અસર પહોંચે છે તેનાથી ખનિજીય ફેરફારો થવાને અવકાશ રહે છે ખરો. મૅગ્માજન્ય દ્રવ્ય તેમાં ઉમેરાય છે, પરિણામે થોડા પ્રમાણમાં બંધારણ-પરિવર્તન આવે છે. આ પ્રકાર ઉમેરણવિકૃતિ (additive metamorphism) અથવા ઉષ્ણવાયુબાષ્પીય વિકૃતિ (pneumatolytic metamorphism) તરીકે ઓળખાય છે. નજીકના વિકૃતીકરણ પામતા ખડકોમાં મૅગ્માજન્ય દ્રવ્ય જો વધુ ઉમેરાય તો તેનાથી થતી વિકૃતિ અંત:ક્ષેપણ વિકૃતિ (injection metamorphism) કહેવાય છે. અહીં ગરમી સહિત દાબની અસરો પ્રધાનપણે કાર્ય કરે છે.
2. દાબ-વિકૃતિ (dynamic or dislocation or mechanical metamorphism) : પૃથ્વીના પોપડામાં અસ્તિત્વ ધરાવતા ભ્રંશજનિત (dislocated) વિભાગો પર દાબનાં પ્રતિબળો લાગુ પડતાં દાબ-વિકૃતિ પરિણમે છે. વિરૂપ થતા ખડક વિભાગો સૂક્ષ્મ દાણાદાર સ્વરૂપમાં ફેરવાય છે. કણો સંચલન પામે છે, પરંતુ જૂના ઘટકોનું પુન:સ્ફટિકીકરણ થતું નથી અને નવાં ખનિજો બનતાં નથી. આ પ્રકારની વિકૃતિ સ્થાનિક અને અમુક ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોય છે.
સદિશ દાબ(directed pressure)ની અસર જ્યારે મુખ્ય ભાગ ભજવે ત્યારે જલદાબ અને પ્રતિબળ બે રીતે અસર કરે છે. પ્રતિબળ ચોક્કસ દિશામાં કાર્યશીલ રહે છે. ગરમીના સહયોગમાં રહીને પ્રતિબળ અગત્યનું પરિબળ બની રહે છે. ઓછી ગરમી સહિત કે રહિત સદિશ દાબથી ખડકો કચરાય છે અને કણોમાં વિભાજિત થાય છે. આ ક્રિયા મુખ્યત્વે તો પોપડાની ઓછી ઊંડાઈના વિભાગોમાં થતી હોય છે. ઊંડાઈએ જતાં ગરમીના વધવા સાથે તેમજ દ્રાવણોની વધતી જતી ક્રિયાશીલતા સાથે ખડકો પુન:સ્ફટિકીકરણ પામે છે. સદિશ દાબથી ખડકોનું માત્ર ભૌતિક વિભાજન થાય છે, જેને અપદલન અથવા કચરણક્રિયા (cataclasis) કહે છે. નવાં ખનિજો અહીં નજીવા પ્રમાણમાં બને છે, જે બને છે તે ઉગ્ર વિરૂપણની સપાટી પર જ બને છે અને ત્યાં સમાંતર સંરચનાઓ ઉદભવે છે. ખડકોમાં આંતરિક ઘર્ષણજન્ય સંચલન થાય છે અને ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં ગલન થવા માટેના સંજોગો પૂરા પડે છે. આ રીતે થતી વિકૃતિ ગતિજન્ય દાબવિકૃતિ અથવા અપદલનીય વિકૃતિ (cataclastic metamorphism) તરીકે ઓળખાય છે.
3. ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ (dynamothermal metamorphism) : સદિશ દાબ અને ગરમી પોપડાની અમુક ઊંડાઈએ જ્યારે કાર્યરત બને છે ત્યારે મોટા પાયા પર વિકૃતિ થાય છે. નવી સંરચનાઓ સહિત વત્તાઓછા પ્રમાણમાં પુન:સ્ફટિકીકરણ થાય છે. દાબની મુખ્ય અસરને કારણે હંગામી ધોરણે અને સ્થાનિક મર્યાદામાં રહીને ખનિજોનાં ગલનબિંદુ નીચાં ઊતરે છે. આથી ખડક-દ્રવ્યનું વિસ્તરણ અને પુન:સ્ફટિકીકરણ થતું જાય છે. અહીં દાબની મુખ્ય દિશા અને સંચલન પૃથ્વીની સપાટીને સ્પર્શરેખીય (tangential) રહે છે. આ પ્રકારની વિકૃતિ ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ કહેવાય છે. બહોળા પ્રમાણમાં થતી વિકૃતિનો આ પ્રકાર ગણાય. પર્વતીય પ્રદેશોમાં ભૂસંચલન-પ્રક્રિયાઓના સંજોગો હેઠળ ઊંચાં ઉષ્ણતામાન અને વધુ દબાણ મળતાં આ પ્રકારની વિકૃતિ થતી હોય છે. ગેડવાળા વિસ્તારો દ્વારા રજૂ થતા પોપડાના વિશાળ વિભાગોમાં તે જોવા મળે છે. પોપડાના ભાગો ઊંડાઈ તરફ દબે છે, જેમાં ગરમી અને દબાણ મુખ્ય ભાગ ભજવે છે. આ ઉપરાંત ભૂસંચલનની સાથે સાથે ખડકોમાં વિરૂપણનાં પ્રતિબળો પણ ઉદભવે છે, જેનાથી વધારાનું દબાણ પણ મળી રહે છે. ડાલીએ પર્વતીય પ્રકારમાં થતા ભૂસંચલનના સંદર્ભમાં ઉદભવતી વિરૂપતાના અર્થમાં ‘દાબવિકૃતિ’ પર્યાય પ્રયોજેલો છે. તેમાં ગતિજન્ય દાબવિકૃતિનો પણ સમાવેશ થઈ જાય છે. નાઇસ અને શિસ્ટ ખડકો તેના લાક્ષણિક ખડકપ્રકારો ગણાય છે.
ઉપર્યુક્ત વિકૃતિ-પ્રકારો ઉપરાંત સ્પષ્ટ રીતે જુદી પડતી વિકૃતિના અન્ય પ્રકારો પણ છે.
સ્વયંજનિત વિકૃતિ (autometamorphism) : મૅગ્મામાંથી નવેસરથી ઠરતા અગ્નિકૃત ખડકોમાં જે રાસાયણિક પુનર્ગોઠવણી થાય છે, તેને કારણે વિકૃતિજન્ય ફેરફારો ઉદભવે છે. અહીં ઘટતું જતું ઉષ્ણતામાન મુખ્ય પરિબળ બની રહે છે. આથી અવશિષ્ટ ઉષ્ણતાજન્ય દ્રાવણો આગ્નેય ખનિજો સાથે પ્રક્રિયા કરવા કાર્યશીલ બની રહે છે.
પ્રતિક્રમી વિકૃતિ (Retrograde or regressive metamorphism) : વિકૃતિનો આ એક એવો પ્રકાર છે, જેમાં ઘટતું જતું ઉષ્ણતામાન કાર્ય કરે છે. ઊંચા ઉષ્ણતામાને ઉચ્ચ કક્ષાનાં ખનિજ-જૂથ તૈયાર થતાં હોય છે, તે જુદા ઉષ્ણતામાન-દબાણના સંજોગો હેઠળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં સામેલ થઈ શકતાં નથી; પરંતુ લાંબા ભૂસ્તરીય કાળગાળે તેમાં પ્રતિક્રમી ફેરફારો થતા હોય છે. ભૂસંચલન-ઘટનામાં આ પ્રકારે થયેલા સ્ફટિકમય શિસ્ટ કે નાઇસ ઊંડાઈના વિભાગોમાંથી અન્યત્ર ખસે તો તેમને નવા પર્યાવરણના સંજોગોમાં ગોઠવાવું પડે છે, તેમનાં બંધારણીય અને સંરચનાત્મક લક્ષણો બદલાય છે; દા.ત., આલ્પ્સ વિસ્તારમાં પોપડાના ઊંડાણમાં બનેલા નાઇસ ખડકોમાંથી સૂક્ષ્મ દાણાદાર અબરખ શિસ્ટ અને ફિલાઇટ તૈયાર થયેલા છે. આ પ્રકારની વિકૃતિ પ્રતિક્રમી વિકૃતિ અથવા પશ્ર્ચગતિક વિકૃતિ કહેવાય છે.
બોજ–વિકૃતિ (load metamorphism) : આ નામ મિલ્શે (Milch) પ્રયોજેલું છે. પોપડાનાં ખડક-આવરણોથી અધોગામી દાબબોજ ઉદભવે છે. નીચે તરફ ગરમી પણ વધતી જાય છે. ઊંડાઈના સ્થાનભેદે પ્રવર્તતાં દાબ, ગરમી અને રાસાયણિક પરિબળોની સંયુક્ત અસર હેઠળ થતી વિકૃતિ બોજ-વિકૃતિ કહેવાય છે.
સ્થૈતિક અથવા ભૂતાપીય વિકૃતિ (static or geothermal metamorphism) : આ નામ ડાલીએ પ્રયોજેલું છે. આ વિકૃતિ-પ્રકાર દાબવિકૃતિથી વિરોધાભાસી છે. ભૂસંચલનજન્ય વિરૂપતાથી થતી પ્રાદેશિક વિકૃતિનો અહીં અભાવ હોય છે. ડાલી તેને બે પેટાપ્રકારોમાં વર્ણવે છે : (i) નીચા ઉષ્ણતામાને જલદાબયુક્ત સ્થૈતિક વિકૃતિ (stato-hydral metamorphism) – તેમાં શૈલીભવન (lithification) અથવા પાષાણીભવન અને સંશ્ર્લેષણ થાય છે; (ii) સ્થૈતિક ઉષ્ણતાજન્ય વિકૃતિ (stato-thermal metamorphism) – તે બોજ વિકૃતિને સમકક્ષ છે. તેમાં નીચે તરફનું કાર્યશીલ પ્રતિબળ અને ઊંચું ઉષ્ણતામાન અસર કરે છે.
આ પ્રકારના વિકૃતિજન્ય સંજોગો સિલિકેટ ખડકોમાં નોંધપાત્ર ફેરફારો કરવા માટે પૂરતા હોતા નથી. મહાસાગરીય ક્ષાર-નિક્ષેપો પર તેની ભૌતિક-રાસાયણિક ઉપર જોવા મળેલી છે. જર્મનીના જગપ્રસિદ્ધ સ્ટાસફર્ટ ક્ષાર-નિક્ષેપો તેની અસર રહેલા ઘણી જાડાઈના સ્તરબોજ હેઠળ અને 80° સે.ના ઉષ્ણતામાને પુન:સ્ફટિકીકરણ પામેલા છે.
વિતલીય ઉત્તાપજન્ય વિકૃતિ અથવા સમદાબ-ઉષ્ણતા વિકૃતિ (plutonic metamorphism) : આ પ્રકારની વિકૃતિમાં ઊંડાઈએ ઉષ્ણતા અને એકધારું (uniform) દબાણ કાર્યરત હોય છે. સદિશ દાબનું પ્રમાણ ઘટતું જાય છે અને અહીં ખડકોની સુઘટ્યતાને કારણે તેની અસર રહેતી નથી. આ સંજોગો હેઠળ ખનિજ-રૂપાંતરણ પૂર્ણ કક્ષાએ થાય છે, પરંતુ નવી સંરચનાઓ ખાસ ઉદભવતી નથી. ખડક-દ્રવ્યના કદમાં ઘટાડો થાય છે; સાથે સાથે સમદાણાદાર કણરચના તૈયાર થાય છે. આથી ગ્રૅન્યુલાઇટ જેવા ખડકો અસ્તિત્વમાં આવે છે. ઊંડાઈ, એકધારું દબાણ અને વધુ ગરમી જેવાં પરિબળોને પરિણામે થતી વિકૃતિ સમદાબ-ઉષ્ણતા વિકૃતિ કહેવાય છે.
બહુમુખી વિકૃતિ (polymetamorphism) : બે કે તેથી વધુ ક્રમિક વિકૃતિ-પ્રકારો જ્યારે તેમની અસર ખડકો પર પહોંચાડે ત્યારે ઉદભવતી વિકૃતિ આ પ્રકારની ગણાય છે. વિકૃતિ-પ્રકારો એકસરખા હોઈ શકે; જેમ કે, બે ક્રમિક પ્રાદેશિક વિકૃતિ હોઈ શકે, જેમાં મુખ્ય દાબ-દિશાઓ જુદી જુદી હોય; અથવા ઉષ્ણતાજન્ય વિકૃતિ પ્રાદેશિક વિકૃતિ પર અધ્યારોપિત થઈ હોય.
કેટલાક નિષ્ણાતો સ્થાનિક વિકૃતિ અને પ્રાદેશિક વિકૃતિ વચ્ચે પાયાનો તફાવત સૂચવે છે. પ્રથમ પ્રકારમાં મૅગ્માનો સંપર્ક હોય છે; જ્યારે બીજામાં તે હોતો નથી, પ્રસ્ફુટન થાય તો તે આકસ્મિક હોય છે. જોકે હાર્કરે ઉષ્ણતામાન અને દબાણના સંજોગો હેઠળ ખડકોમાં થતી પુનર્ગોઠવણી પર ભાર મૂકીને આ તફાવતને અવાસ્તવિક અને અવ્યવહારુ ગણાવ્યો છે.
ભૂસંચલનજન્ય ગિરિમાળાઓમાં ઉપર રહેલાં ખડક-માળખાં અને પ્રાદેશિક વિકૃતિમાં નીચે રહેલાં ખડક-માળખાં વચ્ચે તફાવત હોય છે. આંતરિક માળખાના ભૌતિક-રાસાયણિક સંજોગોને પરિણામે મિગ્મેટાઇટીકરણ થતું હોય છે, તેથી જ મિગ્મેટાઇટને પણ વિકૃત ખડકોમાં સામેલ કરેલા છે.
ગિરીશભાઈ પંડ્યા