વાહકપેશીધારી વનસ્પતિ

January, 2005

વાહકપેશીધારી વનસ્પતિ : વાહકપેશીઓ ધરાવતી વનસ્પતિ. વનસ્પતિમાં પાણી અને ખોરાકના વહન માટે ભિન્ન ભિન્ન પ્રકારની પેશીઓ આવેલી હોય છે. જમીનમાં રહેલું પાણી તથા તેમાં દ્રાવ્યક્ષારોનું પ્રકાંડ અને પર્ણ તરફ વહન કરતી પેશી જલવાહક (xylem) તરીકે ઓળખાય છે. જલવાહક પેશીમાં (1) જલવાહિનીકી (tracheids), (2) જલવાહિની (tracheae or vessels), (3) જલવાહક મૃદૂતક (xylem parenchyma), (4) જલવાહક તંતુઓ (xylem fibres) – એમ ચાર પ્રકારના ઘટકકોષો આવેલા હોય છે. પર્ણમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક તૈયાર થાય છે તેનું પ્રકાંડ અને મૂળ તરફ વહન કરતી પેશી અન્નવાહક (phloem) તરીકે ઓળખાય છે. આ પેશી પાંચ પ્રકારના ઘટકકોષો ધરાવે છે : (1) ચાલની કોષ (sieve cell), (2) ચાલની નલિકા (sieve tube), (3) સાથી કોષ (companion cell), (4) અન્નવાહક મૃદૂતક (phloem parenchyma), (5) અન્નવાહિની તંતુઓ (phloem fibres). જલવાહક (xylem) અને અન્નવાહક (phloem) ભેગી મળી બનતી રચનાને વાહીપુલ (vascular bundle) તરીકે ઓળખવામાં આવે છે. વાહકપેશીધારી વનસ્પતિઓનાં અંગોમાં કેન્દ્રમાં વાહકપેશીઓ ધરાવતો નળાકાર આવેલો હોય છે, જેને મધ્યરંભ (stele) કહે છે.

વાહકપેશીની ઉત્પત્તિ સૌપ્રથમ ત્રિઅંગી વનસ્પતિમાં થઈ હતી. તેની રચના આદિ પ્રકારની હોય છે. તેના મધ્યરંભમાં મધ્યમાં જલવાહક પેશી અને તેના ઘટકો ફરતે અન્નવાહક પેશી આવેલી હોય છે. એન્થૉસિરોસ અને નૉટોથાયલસ જેવી દ્વિઅંગીઓમાં બીજાણુજનકમાં મધ્ય ભાગમાં આવેલી મધ્યકા કે સ્તંભિકા (columella) વાહકપેશી સાથે સામ્ય ધરાવે છે. બાવરના મત પ્રમાણે, જમીન ઉપર વસવાટ ધરાવતી આવી દ્વિઅંગી વનસ્પતિઓમાં સ્તંભિકામાંથી મધ્યરંભની ઉત્પત્તિ થઈ. ઉત્ક્રાંતિ અને જાતિવિકાસની સાથોસાથ મધ્યરંભમાંથી વાહીપુલો ધરાવતી અર્વાચીન આવૃતબીજધારી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. ચર્ચ (1919), આર્નોલ્ડ(1947)ના મતાનુસાર આદિ વાહકપેશીધારી વનસ્પતિઓ સામુદ્રિક લીલમાંથી ઉત્પન્ન થઈ. આવી લીલ ભરતીની ઉપરની પાણીરેખા ઉપર સામૂહિક રીતે ઊગતી હતી. તેઓ મૂળને મળતી રચના ઢગ્રહ (holdfast) દ્વારા આવા વનસ્પતિખડક ઉપર ચોંટી રહેતી હતી. વખત જતાં દૃઢગ્રહ મૂળમાં પરિવર્તન પામ્યા, વાહકપેશી અન્નવાહક અને જલવાહકનું કાર્ય કરતા કોષો સ્વરૂપે વિકાસ પામી. આવી સામુદ્રિક લીલ વિષમરૂપી (heteromorphic) એકાંતરજનન(alternation of generation)ને અનુસરતી હતી અને સામુદ્રિક લીલનું ઉત્ક્રાંતીય પરિવર્તન થતું હતું.  તે દરમિયાન ઉપવાતાવરણીય પરિસ્થિતિને અનુરૂપ જલવાહક પેશીની ઉત્પત્તિ થઈ. પ્રકાશસંશ્લેષણની ક્રિયા સરળતાથી થઈ શકે તે માટે પર્ણરન્ધ્રો વિકાસ પામ્યાં. લિંગી પ્રજનન-અંગોની ઉત્પત્તિ અને તેની ફરતે વંધ્ય રક્ષણાત્મક આવરણ અસ્તિત્વમાં આવ્યું. આવી આદિ પ્રકારની રચના ધરાવતી વાહકપેશીધારી ત્રિઅંગી વનસ્પતિ ઉત્પન્ન થઈ. આ બધાં જાતિ-વિકાસી પરિવર્તનો કૅમ્બ્રિયન ભૂસ્તરીય યુગમાં 60 કરોડ વર્ષના સમયગાળામાં થયાં હશે, એમ અશ્મીભૂત પુરાવા પ્રતિપાદિત કરે છે. બોવર, સ્કૉટ, ઍન્ડ્રૂઝ, ઝીમરમૅન અને આનૉર્લ્ડ જેવા ખ્યાતનામ અશ્મીવિજ્ઞાનીઓએ આદિવાહક પેશીધારી વનસ્પતિ તરીકે અશ્મીભૂત સાયલોફાયટોનને સ્થાપિત કરી. તેને મળતી રહાનિયા અને આદિ ત્રિઅંગી સાયલોફાઇટા વર્ગની જીવંત પ્રજાતિ સાયલોટમ(psilotum)ને પણ આદિવાહકપેશીધારી ત્રિઅંગી વનસ્પતિ તરીકે વનસ્પતિશાસ્ત્રીઓએ સ્વીકારી છે.

વાહકપેશીધારી વનસ્પતિનું વર્ગીકરણ : ટીપો (1942)ના વર્ગીકરણ અનુસાર તમામ વાહકપેશીધારી વનસ્પતિને વિભાગ : ટ્રેકિયોફાયટામાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેને 4 વિભાગમાં વિભાજિત કરી છે.

વર્ગ 1 : સાઇલોફાઇટીની; દા. ત., રહાનિયા સાયલોફાયટોન.

વર્ગ 2 : લાયકોપોડિની; દા. ત., લાયકોપોડિયમ, સેલાજિનેલા, આઇસોઇટિસ.

વર્ગ 3 : ઇક્વિસીટેની; દા. ત., ઇક્વિસેટમ, સ્ફીનોફાયલમ.

વર્ગ 4 : ફિલિસિની; દા. ત., ઑફિયોગ્લોસમ, ઓસમુંડા, માર્સેલિયા, એઝોલા, નેફ્રોલેપિસ.

જી. એલ. સ્મિથે વાહકપેશીધારી અપુષ્પી વનસ્પતિને ચાર વિભાગમાં વર્ગીકૃત કરી છે : તેમણે ICBN (International Code for Botanical Nomenclature) (1952) અન્વયે તેનું નામાભિધાન કર્યું છે.

વિભાગ I : સાયલોફાઇટા

વર્ગ 1 : સાયલોફાઇટોપ્સિડાલ્સ અશ્મીભૂત ત્રિઅંગી; દા. ત., રહાનિયા હોર્નિયોફાયટોન.

વર્ગ 2 : સાયલોપ્સિડા; દા. ત., સાયલોટમ.

વિભાગ 2 : લાયકોફાઇટા

વર્ગ 1 : ઇલિગ્યુલોપ્સિડા,

ગોત્ર : લાયકોપોડિયેલ્સ; દા. ત., લાયકોપોડિયમ.

વર્ગ 2 : લિગ્યુલોપ્સિડા,

ગોત્ર : સેલાજિનેલ્સ; દા. ત., સેલાજિનેલા

ગોત્ર 3 : આઇસોઇટેલ્સ, દા. ત., આઇસોઇટિસ

ગોત્ર 4 : પ્લુરોમિયેલ્સ, દા. ત., પ્લુરોમિયા

વર્ગ 5 : લેપિડોડેન્ડ્રેલસ, દા. ત., લેપિડોડેન્ડ્રોન

વિભાગ 3 : કેલેમોફાયટા અથવા સ્ફિનોફાયટા

વર્ગ : સ્ફિનોફાયલોપ્સિડા

ગોત્ર : સ્ફિનોફાયલેલ્સ; દા. ત., સ્ફિનોફાયલમ

વર્ગ : કેલેમોપ્સિડા

ગોત્ર : ઇક્વિસિટેલ્સ; દા. ત., ઇક્વિસેટમ

વિભાગ 4 : ટેરોફાયટા અથવા ફિલિકોફાયટા

વર્ગ 1 : સુબીજાણુધાનીય (eusporangiopsida)

ગોત્ર : ઑફિયોગ્લોસેલ્સ; દા. ત., ઑફિયોગ્લૉસમ, બોદ્રિચિયમ

ગોત્ર : મેરેશિયેલ્સ; દા. ત., મેરાશિયા

વર્ગ 2 : પોટોલેપ્ટોસ્પોરેજિયોપ્સિડા

ગોત્ર : ઓસ્મુન્ડેલ્સ; દા. ત., ઓસ્મુન્ડા

વર્ગ 3 : તનુબીજાણુધાનીય (leptosporangiopsida)

ગોત્ર : ફિલિકેલ્સ; દા. ત., હંસરાજ, ટેરિસ

વર્ગ 4 : પ્રાયમોપ્ટેસેપ્સિડા

ગોત્ર : ક્લેડોઝાયલેલ્સ; દા. ત., ક્લેડોઝાયલમ

ગોત્ર : સીનોપ્ટેરીડેલ્સ; દા. ત. સીનોપ્ટેરીસ

આધુનિક વર્ગીકરણવિદ ઝીમરમૅન, તખ્તાજાન અને ક્રૉન્ક્રિસ્ટ દ્વારા નીચે પ્રમાણેનું વર્ગીકરણ પણ સ્વીકૃતિ પામ્યું છે :

વિભાગ 1 : રહાનિયોફાયટા; ગોત્ર : રહાનિયેલ્સ; દા. ત. રહાનિયા.

વિભાગ 2 : સાયલોટોફાયટા; ગોત્ર : સાયલોસ્ટેલ્સ; દા. ત., સાયલોટમ.

વિભાગ 3 : લાયકોપોડિયોફાયટા; ગોત્ર : લાયકોપોડિએલ્સ; દા. ત., લાયકોપોર્ડિયમ. ગોત્ર : આઇસોઇટેક્સ; દા. ત., આઇસોઇટિસ

ગોત્ર : સેલાજિનેલ્સ; દા. ત., સેલાજિનેલા.

વિભાગ 4 : ઇક્વિપોફાયટા; ગોત્ર : સ્ફીનોફાયલેલ્સ દા. ત., સ્ફીનોફાયલમ. ગોત્ર : કેલેમાયટેલ્સ; દા. ત. કેલેમાયટિસ.

ગોત્ર : ઇક્વિસિટેલ્સ; દા. ત. ઇક્વિસિટમ

વિભાગ 5 : પૉલિપોડિયોફાયટા; ગોત્ર : ઑફિયોગ્લોસેલ્મ; દા. ત. ઓફિયોગ્લોસેમ. ગોત્ર : મેરેશિયોલ્સ; દા. ત., મેરાશિયા, ગોત્ર : પોલિપોડિયેલ્સ; દા. ત., પૉલિપોડિયમ.

ગોત્ર : માર્સિયેલ્સ; દા. ત., માર્સેલિયા.

ગોત્ર : સાલ્વિનિયેલ્સ; દા. ત., સાલ્વિનિયા.

વાહકપેશીધારી સપુષ્પી વનસ્પતિઓનું વર્ગીકરણ આ પ્રમાણે છે :

વિભાગ : અનાવૃત બીજધારી

વર્ગ : સાયકેડોપ્સિડા; ગોત્ર : સાયકેડેલ્સ; દા. ત., સાયક્સ (કંગુતાલ). વર્ગ : કોનિટફેરોપ્સિડા; ગોત્ર : કોનિફેરેલ્સ; દા. ત., નીટમ, એફ્રીડા.

ગોત્ર : જિનકોએલ્સ; દા. ત., જિકો.

વિભાગ : આવૃત બીજધારી.

વર્ગ : દ્વિદળી; દા. ત., સૂર્યમુખી.

વર્ગ : એકદળી; દા. ત., મકાઈ.

જૈમિન વિઠ્ઠલદાસ જોશી