વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે) : 19મી સદીના ઉત્તરાર્ધમાં કૌતુકવાદ અને આદર્શવાદની પ્રતિક્રિયા રૂપે આવેલા આંદોલનના સંદર્ભ સાથે સંલગ્ન સંજ્ઞા. એ પૂર્વે જોન લૉક અને થૉમસ રીડ જેવા ચિંતકોએ બાહ્યજગત અને મનુષ્ય-ચેતનાનો સંબંધ તપાસતાં આ સંજ્ઞાનો ઉપયોગ કરેલો; અને ચિત્રકલા તેમજ શિલ્પકલાક્ષેત્રે પણ આ સંજ્ઞાને, આકૃતિઓ અને દૃશ્યો રોજિંદા જીવનમાં અનુભવાય છે બરાબર તેવાં જ હૂબહૂ રજૂ કરવાના આગ્રહ સાથે જોડવામાં આવેલી. સાહિત્યક્ષેત્રે 1830ની ફ્રેન્ચ ક્રાંતિ પછી જે વાસ્તવાભિમુખતાની ચળવળ ચાલેલી એમાં સ્ટેન્ધેલ બાલ્ઝાક, ફ્લૉબેર જેવા ફ્રેન્ચ લેખકોએ કથાસાહિત્યમાં આ સંજ્ઞા દ્વારા સમાજજીવનની નક્કર વાસ્તવિકતાને તાકેલી. અમૂર્તતાથી કે તરંગકલ્પનાથી જુદી કરીને વસ્તુને ખરેખર જેવી છે તેવી જ દર્શાવવાની, વિષયવસ્તુને દસ્તાવેજી સ્વરૂપ તરફ લઈ જવાની તત્પરતા આ વાદમાં જોઈ શકાય છે.
વિજ્ઞાન પરત્વેના વિશેષ ઝોકને કારણે જે નવા અભિગમો દાખલ થયા એમાં વાસ્તવવાદનાં મૂળ જોઈ શકાય. વિજ્ઞાન અને યંત્રવાદથી ઝડપભેર બદલાતાં આર્થિક અને સામાજિક માળખાંઓને કારણે શહેરી સંસ્કૃતિ જે રીતે આકાર લઈ રહી હતી તેમજ ઉદ્યોગો અને કારખાનાંઓને કારણે શ્રમજીવીઓનું જગત જે રીતે ઊભું થતું આવતું હતું એણે તત્કાલીન સમાજની પરિસ્થિતિઓને જેમ ને તેમ રજૂ કરવાના વલણને વધુ ને વધુ દૃઢ કર્યું. આર્થિક અને સામાજિક વિષમતા વધુ ને વધુ બહાર આવી, સમાજના નીચલા વર્ગના શોષિત સંપ્રદાય તરફની અભિવૃત્તિ વધુ પ્રગટ થતી રહી. આમ, તત્કાલીન સમાજના દૂષિત અને દુરિત અંશોને યથાતથ ઉઘાડા આલેખવાની શૈલી વધુ ને વધુ પ્રબળ બની. આ પરિબળોએ સાહિત્યનું સ્વરૂપ, સાહિત્યનો વાસ્તવિકતા સાથેનો સંબંધ, સાહિત્ય સાથે સંકળાયેલા સૌન્દર્ય, સત્ય અને નીતિના પ્રશ્નોને નવેસરથી વિચારવાને અવકાશ આપ્યો.
વાસ્તવવાદની ગતિ એના આત્યંતિક સ્વરૂપમાં એમિલ ઝોલા જેવા ફ્રેન્ચ લેખકમાં આગળ વધી અને પ્રકૃતિવાદ (Naturalism) તરીકે ઓળખાઈને ભિન્ન રૂપે સ્થિર થઈ. પરંતુ વાસ્તવવાદનો આ અભિગમ યુરોપના અન્ય દેશોમાં અને પછી તો અમેરિકા સુધી જુદે જુદે તબક્કે જુદી જુદી માત્રામાં વ્યક્ત થતો રહ્યો છે. નૈસર્ગિક વાસ્તવવાદ (Naive realism), નિસર્ગવાદી વાસ્તવવાદ (Naturalist realism), કાવ્યકેન્દ્રી વાસ્તવવાદ (Poetic realism), મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ (Psychological realism), સમાજવાદી વાસ્તવવાદ (Socialist realism) વગેરે એનાં રૂપાંતરો જોવાય છે. રશિયામાં આ વાદનો ઉપયોગ માકર્સવાદી સિદ્ધાંતોના પ્રસાર માટે કરાયો છે. અન્ય સામ્યવાદી દેશોમાં પણ તેનો વિસ્તાર જોઈ શકાય છે. સાહિત્યમાં સમાજના પ્રશ્નોની રજૂઆત માટે અને સામ્યવાદી વિચારધારાના વ્યાપક પ્રચાર માટે આ વાદને ખપમાં લેવાયો છે.
ટૂંકમાં, સાહિત્યના અનુકરણથી એટલે કે સમાજ યા બાહ્ય વાસ્તવથી કેટલું અને કેવું અંતર રાખવું એની સમસ્યા સાથે વાસ્તવવાદ આધુનિકવાદ અને અનુઆધુનિકતાવાદના સમયમાં પણ અર્થસંદર્ભો બદલતા રહ્યા છે. આમ, વાસ્તવવાદ, અત્યંત તરલ અને સંકુલ સંજ્ઞા રહી છે.
ગુજરાતી સાહિત્યમાં પણ સુધારકયુગની સમાજ-વાસ્તવિકતા, પંડિત-યુગની સમાજ-અભિજ્ઞતાથી જુદી પડે છે તો ગાંધીયુગની સમાજસક્રિયતાનું પણ જુદું જ કાઠું છે. આધુનિકતાવાદી જણાતું સમાજનિરપેક્ષ માળખું આધુનિકતાના ઉત્તરકાળમાં દલિતવાદી, નારીવાદી કે ઉત્તરસંસ્થાનવાદી યા દેશીવાદી ઝોકથી નવી સમાજસાપેક્ષતા તરફ, નવ્ય વાસ્તવવાદ તરફ ફંટાયું છે એ નોંધપાત્ર છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા