વાસુદેવ રેડ્ડી ટી. (જ. 21 ડિસેમ્બર 1943, મિટ્ટપાલેમ, જિ. ચિત્તુર, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે અંગ્રેજી સાથે એમ.એ.; 1985માં પીએચ.ડી. અને 1988માં પીજીડીટીઈની પદવી પ્રાપ્ત કરી. તેઓ સરકારી કૉલેજ, પુટ્ટુરમાં અંગ્રેજીના રીડર રહ્યા.
તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં તેમણે અંગ્રેજી તથા હિંદીમાં કુલ 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વેન ગ્રીફ રેન્સ’ (1982); ‘ફ્લિટિંગ બબલ્સ’ (1989), ‘મેલ્ટિંગ મેલડિઝ’ (1994); ‘બ્રોકન રિધમ્સ’ (1997) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘ધ વલ્ચર્સ’ (1993) નવલકથા છે, તો ‘જેન ઑસ્ટિન : અ સ્ટડી ઇન એક્ચ્યુઅલાઇઝેશન’ (1987) જાણીતો વિવેચનગ્રંથ છે. ‘શ્રીરંગરાયલુ’ (1991) તેમનો લોકપ્રિય હિંદી નાટ્યસંગ્રહ છે.
વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચર, કૅલિફૉર્નિયા તરફથી 1987માં તેમને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ કવિ તથા 1988માં ડી.લિટ્.ના ખિતાબ અને અધ્યાપન સંબંધમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી 1991માં તેમને બેસ્ટ ટીચર ઍવૉર્ડ આપવામાં આવ્યા. 1997માં તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી રાષ્ટ્રીય ફેલોશિપ પ્રાપ્ત થઈ.
બળદેવભાઈ કનીજિયા