વાસવાણી, કિશોર [જ. 11 ઑગસ્ટ 1944, સુખર, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : હિંદી લેખક. તેમણે જીવાજી યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી તથા ફિલ્મ એપ્રિસિયેશન કોર્સ કર્યો. તેઓ વડોદરા ખાતે નૅશનલ કાઉન્સિલ ફૉર પ્રમોશન ઑવ્ સિંધી લૅંગ્વેજના નિયામક; સ્ટેલા મેરીઝ કૉલેજમાં બૉર્ડ ઑવ્ સ્ટડીઝના સભ્ય; પુણે યુનિવર્સિટી, અવિનાશીલિંગમ્ યુનિવર્સિટી, કોઇમ્બતૂર અને ઇન્ડિયન સ્કૂલ, મસ્કતમાં મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા.
તેમની માતૃભાષા સિંધી હોવા છતાં તેમણે હિંદીમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કવિતાયેં’ (1990) કાવ્યસંગ્રહ; ‘ભારતી ગદ્ય સમગ્ર’ (1991) સંપાદન તથા ‘સિનેમાઈ ભાષા ઔર હિંદી સંવાદો કા વિશ્લેષણ’ વિવેચનનો સમાવેશ થાય છે. તેઓ આકાશવાણી માટે ટી. વી. દસ્તાવેજી ચિત્રો અંગે પટકથાઓ તૈયાર કરે છે.
તેમને સિનેમા પરના ઉત્તમ ગ્રંથ માટે 1991માં દયાનંદ મલહોત્રા ઍવૉર્ડ તથા 1999માં નૅશનલ ઍવૉર્ડ આપવામાં આવ્યા. વળી માહિતી અને પ્રસારણ મંત્રાલય, ફિલ્મ આર્કાઇવ્ઝ દ્વારા ફેલોશિપ પણ તેમને આપવામાં આવી હતી.
બળદેવભાઈ કનીજિયા