વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે કંદર્પકેતુ નીકળે છે. વિંધ્યપર્વત પર મિત્ર સાથે સૂતેલા કંદર્પકેતુને વૃક્ષ પર રહેલા પોપટ અને મેનાનો સંવાદ સંભળાય છે. એ સંવાદમાં રાજકુમારી વાસવદત્તાએ સ્વપ્નમાં જોયેલા કોઈ સુંદર યુવાનને જોઈ તેના પ્રત્યે આકર્ષાઈ તેને શોધવા સખી તમાલિકાને મોકલી હોવાની ઘટના ચર્ચાય છે. તમાલિકા પહેલાં કંદર્પકેતુને મળે છે અને તેના દ્વારા પેલા પોપટ અને મેનાની સહાયથી પાટલીપુત્રમાં કંદર્પકેતુ વાસવદત્તાને મળે છે. વાસવદત્તાનો વિવાહ વિદ્યાધરોના રાજા પુષ્પકેતુ સાથે થવાનો છે એવી જાણ થતાં કંદર્પકેતુ દુ:ખી થાય છે. અંતે બંને પ્રેમીજનો જાદુઈ ઘોડા પર બેસીને વિંધ્યપર્વતમાં નાસી જાય છે. ત્યાં કંદર્પકેતુ નિદ્રાધીન હતો ત્યારે કિરાતોની બે ટોળી આવીને વાસવદત્તાને પોતાની સાથે લઈ જવા મારામારી કરે છે. તેનો લાભ લઈ વાસવદત્તા ત્યાંથી છટકીને એક આશ્રમમાં પ્રવેશે છે અને ત્યાં રહેતા ઋષિના શાપથી તે પથ્થર બની જાય છે. બીજી બાજુ કંદર્પકેતુ જાગે છે અને વાસવદત્તાને ના જોતાં આત્મહત્યા કરવા જાય છે, પરંતુ તેમનું પુનર્મિલન થશે માટે આત્મહત્યા નહિ કરવાની આકાશવાણી થતાં કંદર્પકેતુ વાસવદત્તાને શોધવા નીકળે છે અને પેલા આશ્રમમાં જઈ પહોંચે છે. ત્યાં પથ્થર બનેલી વાસવદત્તાની મૂર્તિ જોઈને તેનો સ્પર્શ કરતાં જ શાપ દૂર થઈ વાસવદત્તા જીવતી થાય છે. બંને પ્રેમીઓનું મિલન થતાં બંને પોતાના મહેલમાં પહોંચી લહેરથી જીવન પસાર કરે છે. આ સાથે આ ગદ્યકાવ્ય સમાપ્ત થાય છે.
‘વાસવદત્તા’ ગદ્યકાવ્યનું કથાનક નાનકડું છે. અનેક વર્ણનોની ભરમારથી આ દીર્ઘ ગદ્યકાવ્ય 550થી 600માં સુબંધુએ રચ્યું છે. નાયક-નાયિકાના શારીરિક સૌંદર્ય, તેમના ગુણો, તેમના વિરહ અને સંયોગ, તેમની વિરહોત્કંઠા અને પ્રકૃતિના વિવિધ પદાર્થોનાં વર્ણનો ચિત્રાત્મક અલંકારો અને ચમત્કૃતિ વગેરેથી ભરપૂર છે. આ વર્ણનો સુબંધુનાં વર્ણનચાતુર્ય અને બહુમુખી વિદ્વત્તાનાં પરિચાયક છે. ‘વાસવદત્તા’ કૃત્રિમ અને અલંકૃત ગૌડી શૈલીમાં રચાયેલું ગદ્યકાવ્ય છે. તેમાં દીર્ઘ વર્ણનો દીર્ઘ સમાસોનાં બનેલાં છે. તેમાં અનેકવિધ ઉપમાઓ પ્રયોજાઈ છે. તેમાં સમાસોની જેમ અલંકારો પણ વધુ પડતા છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં કવિ રસને બદલે અલંકારોને જ સાધ્ય માને છે. આથી આચાર્ય આનંદવર્ધને રસાદિની ઉપેક્ષા કરી અલંકારયોજનામાં રાચતા સુબંધુ જેવા કવિઓની ટીકા કરી છે. વધુ પડતા સમાસો અને અલંકારોની જેમ ઓછા જાણીતા પૌરાણિક સંદર્ભો પણ રસક્ષતિ ઉત્પન્ન કરે છે. અલબત્ત, એવા સંદર્ભો કવિના પુરાણજ્ઞાનને અવશ્ય જાહેર કરે છે. કવિ ગદ્ય જેટલું જ કોમળ પદ્યરચનાનું સામર્થ્ય પણ ધરાવે છે. કૃત્રિમ ગૌડી શૈલીના આ કવિ પાત્રોની વાતચીતમાં સુંદર વૈદર્ભી શૈલીની ગદ્યરચના પણ કરે છે. આમ છતાં મુખ્યત્વે કલાવાદી કવિની રચના પ્રસ્તુત ગદ્યકાવ્યમાં રહેલી છે. વર્ણનોને પ્રધાન ગણતા અને શબ્દપ્રભુત્વમાં રાચતા સુબંધુને પાત્રાલેખનની ઝાઝી પડી નથી.
આ ગદ્યકાવ્યના આરંભમાં કવિએ આરંભથી અંત સુધી પ્રત્યક્ષર શ્લેષરચનાની પ્રતિજ્ઞા કરી છે. તેનો અંત સુધી નિર્વાહ કર્યો છે. એ આખાય ગદ્યકાવ્યની એક વિશેષતા છે. તેથી તેમાં સભંગ અને અભંગ બંને પ્રકારના શ્લેષ અલંકાર જોવા મળે છે. દરેક શબ્દમાં શ્લેષની પ્રતિજ્ઞા કરવાથી સ્વાભાવિક રીતે થયેલો શ્લેષનો અતિરેક પ્રસ્તુત રચનાને દુર્બોધ અને કંટાળાજનક બનાવે છે. વળી શ્લેષનો અતિરેક કરી કવિએ પોતાના પાંડિત્યને જાહેર કર્યું છે. સંસ્કૃત ભાષાનાં શ્રેષ્ઠ ગદ્યકાવ્યોમાં ‘વાસવદત્તા’ની પણ ગણના થાય છે. આથી જગદ્ધર, ત્રિવિક્રમ, તિમ્મયસૂરિ, રામદેવમિશ્ર, સિદ્ધચંદ્રગણિ, નરસિંહસેન, નારાયણ, શૃંગારગુપ્ત, સર્વચંદ્ર, શિવરામ, પ્રભાકર, સર્વરક્ષિત, કાશીરામ, રંગનાથ અને છેલ્લે આર. વી. કૃષ્ણમાચાર્ય વગેરેએ આ ગદ્યકાવ્યને સમજાવતી ટીકાઓ લખી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી