વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે.

વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં સળંગ ઊતરતાં થાક ન લાગે તે માટે વિસામાની સગવડ પૂરી પાડવાનો હોય છે. વાવમાં ત્રણ-ચારથી માંડીને 15 જેટલી પડથાર હોય છે. પગથિયાંની બંને બાજુની જમીન ધસી ન પડે તે માટે ત્યાં ઈંટ કે પથ્થરની દીવાલ ચણી લેવામાં આવે છે. દીવાલ ધસી ન પડે તે માટે તેમજ તેને મજબૂત કરવા માટે પગથિયાંની વચ્ચે સ્તંભો અને પાટડા ગોઠવવામાં આવે છે. પથ્થરની દીવાલની અડોઅડ પથ્થરની છત બનાવવામાં આવે છે, જે મજલામાં હોય છે અને કૂવા સુધી જતી હોય છે. તેથી કૂવાના પાણી સુધી પહોંચતાં સુધીમાં ત્રણ-પાંચ કે સાત માળની રચના આપોઆપ થઈ જાય છે. સ્થાપત્યની પરિભાષામાં આવા મજલાને કૂટ કહેવામાં આવે છે. ‘રાજવલ્લભ’ મુજબ ‘કૂટ એટલે વાવના ખંડો ઉપર સ્તંભો મૂકી શિખરબંધ કરવામાં આવતી દેરીઓ’. કેટલાક કૂટને કોઠા તરીકે પણ ઓળખાવે છે. જોકે કોઠા એ વાવની સમતલ રચનામાં આવતા ખંડ છે, જ્યારે કૂટ એ કોઠા ઉપરનું ઉભડક અંગ છે.

વાવ

પડથાર પરના મજલાઓને કેન્દ્રમાં રાખીને કૂટની રચના કરવામાં આવે છે; જ્યારે કોઠો સમગ્ર વાવના તલદર્શનના ખંડો સાથે સંબંધ ધરાવે છે. આને કારણે ત્રણ કે પાંચ કૂટ ધરાવતી વાવમાં મજલાની સંખ્યા કરતાં કોઠાની સંખ્યા ઓછી હોવાની શક્યતા રહે છે. કેટલીક વાવોમાં કૂવામાં છેડેથી દરેક માળમાંથી પસાર થાય તેવી ચક્રાકાર પથ્થરની સીડી પણ કરવામાં આવે છે.

સામાન્ય રીતે વાવ ધોરીમાર્ગો પસાર થતા હોય ત્યાં આવેલી હોય છે. તેનો હેતુ વટેમાર્ગુઓને પાણી અને વિસામો – બંને મળે તેવો હોય છે.

વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વાવના મુખ્ય ચાર પ્રકાર દર્શાવ્યા છે, જે મુખ (પ્રવેશદ્વાર) અને કૂટ(માળ)ની સંખ્યાને આધારે દર્શાવ્યા છે. તે મુજબ વાવના નંદા, ભદ્રા, જયા અને વિજયા – એવા ચાર પ્રકાર પડે છે.

નંદા પ્રકારની વાવને 1 મુખ અને 3 કૂટ હોય છે.

ભદ્રા પ્રકારની વાવને 2 મુખ અને 6 કૂટ હોય છે.

જયા પ્રકારની વાને 3 મુખ અને 9 કૂટ હોય છે,

જ્યારે વિજયા પ્રકારની વાવને 4 મુખ અને 12 કૂટ હોય છે.

મોટેભાગે મુખ અને કૂટની સંખ્યામાં મેળ ખાતો નથી તેથી મુખની સંખ્યાને આધારે ભેદ પાડવામાં આવે છે.

અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી માતરભવાનીની વાવ નંદા પ્રકારની છે. તેમાં 1 પ્રવેશ અને 3 કૂટ આવેલા છે. તેનું બાંધકામ ઘણું જ સાદું છે. તેમાં શિલ્પકામ ઓછું છે. વાવનું ચઢાણ સીધું હોવાથી તેનાં પગથિયાં સીધાં ન બનાવાતાં આડાં બનાવેલાં છે. સૌથી ઉપલા મજલાથી નીચલા મજલા સુધી પહોંચતાં પગથિયાની પહોળાઈ ક્રમે ક્રમે ઘટતી જાય છે. વાવની પૂર્વ દિશામાં કૂવો આવેલો છે.

માતરભવાનીની વાવથી થોડે દૂર મહમૂદ બેગડાના સમયની દદ્દા હરિરની વાવ આવેલી છે, જે લોકોમાં ‘દાદાહરિની વાવ’ તરીકે જાણીતી છે. આ વાવ ભદ્રા પ્રકારની છે. તેનો પ્રવેશ પૂર્વ દિશામાં છે; જ્યાં થાંભલા સાથેનો મંડપ ઊભો કરેલો છે. પશ્ચિમ દિશાએ અષ્ટકોણાકાર કૂવો આવેલો છે. સ્તંભોની રચના સાદી છે. મંડપમાં મસ્જિદના મહેરાબ જેવા ગોખલા કરી તેમાં શિલ્પો મૂકેલાં છે. કૂવાના કઠેડાની કોતરણી સુંદર છે. વાવના કૂટોનું પ્રમાણ અને તેમનો આકાર એકસરખાં નથી. વાવને પાંચ મજલા છે. કૂવાને છેડે આવેલી પથ્થરની ચક્રાકાર સીડી દરેક મજલામાંથી પસાર થાય છે.

અમદાવાદની ઉત્તરે 18 કિલોમીટર દૂર આવેલા અડાલજ ગામમાં આવેલી વાવ વાવ-સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. મહમૂદ બેગડાના સમયમાં વીરસિંહની પત્ની રૂડાદેવીએ પોતાના પતિના પુણ્યાર્થે આ વાવ બંધાવી હતી. આ વાવ જયા પ્રકારની છે; જેમાં કૂટની સંખ્યા 9 નથી, પરંતુ મુખ ત્રણ છે. કોઈ પણ મુખમાંથી પ્રવેશ કરતાં એક મંડપ આવે છે, જે ઉપરથી ખુલ્લો છે. એક સમયે તેની ઉપર છત હશે. મંડપના ચાર ખૂણે ચાર ઓરડીઓ છે. જેના ઝરૂખા મંડપમાં પડે છે. વાવ પાંચ મજલાની છે. કૂવાની બંને બાજુએ પથ્થરની ચક્રાકાર સીડીઓ છે; જે મજલામાંથી પસાર થાય છે. મંડપ, ઝરૂખા, થાંભલા, પાટડા, કૂવાને ફરતો કોઠો, ગવાક્ષો વગેરે ભાગોમાં સૂક્ષ્મ કોતરણી કરેલી છે. ઝરૂખાઓની નીચે હાથીની આકૃતિઓ છે. વાવમાં ગણેશ, હનુમાન, ભૈરવ, નવગ્રહ જેવાં હિંદુ શિલ્પો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદનગર પાસે ચોબારી નામના ગામમાં ચૌમુખી વાવ આવેલી છે. જેમાં ચાર દિશાએ ચાર મુખ છે અને મધ્યમાં કૂવો છે. આ વાવમાં 12 કૂટ નથી.

આ ઉપરાંત અંગ્રેજીના L આકારની વાવ પણ મળી છે. મોડાસામાં આવેલી અને અમદાવાદના પાંચકૂવા પાસે આવેલી અમૃતવર્ષિણી વાવ આવા પ્રકારની છે.

શિલ્પકલાની દૃષ્ટિએ ગુજરાતની વાવોમાં પાટણની રાણીની વાવ બેનમૂન છે. ભગ્નાવસ્થામાં ઊભેલી આ વાવ સોલંકી રાજા ભીમદેવ 1લાની રાણી ઉદયમતિએ બંધાવી હતી. વિષ્ણુના દશાવતાર, શિવનાં વિવિધ સ્વરૂપો, પાર્વતી, બ્રહ્મા, મહિષાસુરમર્દિની વગેરે દેવદેવીઓ તેમજ વિવિધ ભંગિઓમાં અનેક શૃંગારક્ધયાઓનાં શિલ્પો નયનરમ્ય છે. એક ગવાક્ષમાં ‘સદ્યસ્નાતા’ ક્ધયાનું શિલ્પ ઘણું જ આકર્ષક છે. જૂનાગઢની અડીચડીની વાવ, કપડવંજની વાવ, રાજસીતાપુરની માતરી વાવ, વઢવાણની માધાવાવ વગેરે દર્શનીય વાવો છે. અમદાવાદમાં ઇસનપુર વિસ્તારમાં આવેલી જેઠાભાઈની વાવ પાછળના સમયમાં બંધાયેલી છે.

વાવનો હેતુ પૂર્તકાર્યનો હોઈ તે મોટે ભાગે મુખ્ય રસ્તાઓ પર બાંધવામાં આવતી.

અન્નપૂર્ણા શાહ