વાળિંબે, રામચંદ્ર શંકર (જ. 1911; અ. 1989) : મરાઠી વિવેચક; સાહિત્ય, સંગીત, નાટક અને અન્ય ભારતીય કલાના પ્રસિદ્ધ વિચારક અને પંડિત. તેઓ પુણે યુનિવર્સિટીમાં મરાઠીના પ્રાધ્યાપક અને વિભાગના અધ્યક્ષ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા. વળી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા.
તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સાહિત્યાચા ધ્રુવતારા’ (1945); ‘વાઙ્મયીન ટીકા : શાસ્ત્ર આણિ પદ્ધતિ’ (1946), ‘સાહિત્યાતીલ સંપ્રદાય’ (1950) અને ‘સાહિત્યમીમાંસા’(1956)નો સમાવેશ થાય છે. સાહિત્યવિષયક વિશદ ચર્ચા કરતા તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે. ‘સાહિત્યાતીલ અશ્લીલ આણિ ગ્રામ્ય’ (1970) નામક ગ્રંથમાં તેમણે સંસ્કૃત સાહિત્યના સિદ્ધાંત મુજબ સાહિત્યમાં બીભત્સતા અને અસંસ્કારિતા અંગે ચર્ચા કરી છે, અને તેના સંદર્ભમાં તેમણે જ્ઞાનેશ્વરથી શરૂ કરીને અનેક મરાઠી કવિઓની કૃતિઓનું પૃથક્કરણ કર્યું છે.
તેઓ સિદ્ધહસ્ત નાટ્યવિવેચક પણ હતા. ‘નાટકકાર ગડકરી’ (1957) અને ‘મરાઠી નાટ્યસમીક્ષા’ (1968) તેમના મરાઠી રંગભૂમિ વિશેના મહત્વના વિવેચનગ્રંથો છે. ‘જ્ઞાનેશ્વરીતીલ વિદગ્ધ રસવૃત્તિ’ (1953) શીર્ષક હેઠળનો તેમનો શોધ-પ્રબંધ મરાઠી સાહિત્યમાં અનન્ય અગત્ય ધરાવે છે. ‘ગડકરી યાંચે અંતરંગ’(1951)માં રામ ગણેશ ગડકરીના વ્યક્તિત્વનું ચિત્રાંકન જોવા મળે છે. કલ્પનાશીલતાના સંદર્ભમાં બાલકવિની કવિતાની શોધમાં તેમણે ‘બાલકવિ’ (1950) નામક કૃતિ રચી છે. તેમણે ‘મુક્તામ્યાપાસૂન પ્રમાદવારે પર્યંત’(1947)માં ગ. ત્ર્યં. માડખોલકરની 11 નવલકથાઓનું મૂલ્યાંકન કર્યું છે અને ‘સીમાવૃક્ષ’(1971)માં મહાભારતનાં પાત્રો વિશે વિવરણ રજૂ કર્યું છે. આમ, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યિક સિદ્ધાંતોના તેમના ઊંડા અભ્યાસ સાથે મરાઠી સાહિત્યિક વિવેચનને સમૃદ્ધ બનાવવામાં તેમનું પ્રદાન મહત્વનું છે.
બળદેવભાઈ કનીજિયા