વાળા, કિશોર (જ. 1933, બિલખા, સૌરાષ્ટ્ર, ગુજરાત) : આધુનિક ચિત્રકાર. બંને હાથે શારીરિક ક્ષતિ ધરાવતા વાળાની દૃઢ નિશ્ચયશક્તિને દાદ દેવી પડે તેવી છે. એક હાથ સાવ ઠૂંઠો અને એક હાથે માત્ર બે આંગળી અને અંગૂઠો હોવા છતાં આવા હાથે વાળાએ કલાસાધના આરંભી. રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં 1960થી 1962 સુધી અભ્યાસ કર્યા બાદ વાળાએ 1962થી વડોદરા ખાતેની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પરિણામે 1966માં તેઓ ચિત્રકલાના સ્નાતક થયા.
અભ્યાસકાળથી જ ઘોડાનો વિષય અને આકૃતિ ઉપર તેમણે સર્જન કર્યું છે. મોટેભાગે ઘેરી પશ્ર્ચાદ્ભૂમાં આછા રંગની રેખા વડે તે ઘોડાની આકૃતિ આલેખે છે અને ઘોડામાં પણ આછો રંગ ભરે છે. ગતિશીલ અને ત્વરિત ચીતરેલી રેખાઓ વડે તે પીંછીના બળનો અહેસાસ દર્શકોને કરાવે છે; ઘોડાના તરવરાટને તે સહજ કૅન્વાસ પર ઉતારે છે.
1966માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના છઠ્ઠા પ્રદર્શનમાં વાળા દ્વારા ચિત્રિત એક ઘોડાના ચિત્રને ઇનામ મળેલું. એ પછી તો તેમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનાં ઇનામ વારંવાર મળ્યાં છે.
વાળાએ ઘોડા સિવાયની પ્રાણીસૃદૃષ્ટિ તથા માનવીઓનાં આલેખનો પણ કર્યાં છે. તેમનાં ચિત્રોનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે અને અનેક સામૂહિક પ્રદર્શનોમાં તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં છે. થોડાં વર્ષો માટે તે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સભ્ય પણ હતા. અનેક ખાનગી સંગ્રહોમાં તેમનાં ચિત્રો સંઘરાયાં છે.
અમિતાભ મડિયા