વાલ્વ, હૃદયસ્થ (valves of the heart)

January, 2005

વાલ્વ, હૃદયસ્થ (valves of the heart) : લોહીનું ભ્રમણ નિશ્ચિત દિશામાં રહે તે માટે હૃદયમાં આવેલાં અને એક જ દિશામાં ખૂલે એવાં છિદ્રદ્વારો. એક દિશામાં ખૂલતા કપાટ અથવા છિદ્રદ્વારને અંગ્રેજીમાં valve કહે છે. હૃદયમાં 4 વાલ્વ છે :

સારણી 1 : હૃદયના વાલ્વ

નામ
  સ્થાન
ક. કર્ણક-ક્ષેપકીય
(atrioventricular) વાલ્વ
ક-1 ત્રિદલ (tricuspid) વાલ્વ જમણા કર્ણક (atrium) અને
જમણા ક્ષેપક (ventricle) વચ્ચે
ક-2 દ્વિદલ (bicuspid) અથવા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક
બિશપટોપસમ (mitral) વાલ્વ વચ્ચે
ખ. અર્ધચંદ્રાકાર (semilunar) વાલ્વ
ખ-1 ફુપ્ફુસીય (pulmonary) જમણા ક્ષેપકના નિવાપ
અથવા ફેફસી ધમનીય વાલ્વ (infundibulum) અને
ફુપ્ફુસીય (ફેફસી) ધમની વચ્ચે
ખ-2 મહાધમનીય (aortic) વાલ્વ ડાબા ક્ષેપકના નિવેશ
(vestibule) અને મહાધમની
વચ્ચે

સ્થાન, રચના અને કાર્ય : હૃદય તેના વાલ્વની મદદથી લોહીને એક જ દિશામાં ધકેલવા માટેના પંપનું કાર્ય કરે છે. હૃદયમાં ચાર ખંડો છે. બે ખંડ ડાબી બાજુએ અને બે ખંડ જમણી બાજુએ આવેલા છે. તેમની વચ્ચેના પડદામાં કોઈ કાણું નથી માટે ત્યાં કોઈ વાલ્વ પણ નથી. ઉપરના ખંડને કર્ણક અને નીચલા ખંડને ક્ષેપક કહે છે. કર્ણક અને ક્ષેપકને છૂટા પાડતા તંતુમય પડમાં છિદ્રો હોય છે, જેમાં કર્ણક-ક્ષેપકીય વાલ્વ ગોઠવાયેલા હોય છે. જમણી બાજુના કર્ણક-ક્ષેપકીય વાલ્વમાં 3 પાંખડીઓ હોય છે અને તેથી તેને ત્રિદલ વાલ્વ કહે છે જ્યારે ડાબી તરફના કર્ણક-ક્ષેપકીય વાલ્વમાં 2 પાંખડીઓ હોય છે એટલે તેને દ્વિદલ વાલ્વ કહે છે. દ્વિદલ વાલ્વ બંધ હોય ત્યારે બિશપના ટોપા જેવો દેખાય છે અને તેથી તેને બિશપટોપસમ વાલ્વ પણ કહે છે. કર્ણક જ્યારે સંકોચાય છે ત્યારે કર્ણકમાં વધેલા દબાણને કારણે કર્ણક-ક્ષેપકીય વાલ્વ ખૂલે છે અને લોહીને ક્ષેપકમાં પ્રવેશવા દે છે; પરંતુ જ્યારે ક્ષેપકના સ્નાયુઓ સંકોચાય છે ત્યારે ક્ષેપકમાંનું વધેલું દબાણ કર્ણક-ક્ષેપકીય વાલ્વને બંધ કરી દે છે. આ સમયે હૃદયના ધબકારાનો પ્રથમ ધ્વનિ (લબ્) ઉત્પન્ન થાય છે. કર્ણક-ક્ષેપકીય વાલ્વ લંબગોળ આકારના હોય છે અને તેમની પાંખડીઓ હૃદયની અંત:કલાનાં બે પડ, તંતુમય પેશી (fibrous tissue) તથા તેમના બદ્ધ છેડે સ્નાયુતંતુની બનેલી હોય છે. તેમની પાંખડીઓની ઉપલી સપાટી લીસી હોય છે, જ્યારે નીચેની સપાટી ખરબચડી હોય છે. તેમની બહિર્ગોળ કિનારી કર્ણક-ક્ષેપકીય છિદ્રની તંતુમય પેશીની વીંટી (fibrous ring) જોડે જોડાયેલી (બદ્ધ) હોય છે, પણ બીજી અંતર્ગોળ કિનારી મુક્ત હોય છે. પાંખડીઓની મુક્ત કિનારી વાલ્વ બંધ થાય છે ત્યારે એકબીજીની પાસે આવી જાય છે. બંધ વાલ્વની પાંખડીઓની મુક્ત કિનારીઓ એકબીજીને અડકીને રહે તે માટે મુક્ત કિનારીઓ સાથે ક્ષેપકમાંના કલિકાસમ (papillary) સ્નાયુના રજ્જુસમ સ્નાયુબંધો (cordae tendinae) જોડાયેલા હોય છે. ત્રિદલ વાલ્વના કાણામાંથી 3 આંગળીઓ પસાર થઈ શકે છે. તેની 3 પાંખડીઓને સ્થાન પ્રમાણે આગળની (અગ્ર, anterior) પાછળની (પશ્ચ, posterior) તથા પટલીય (septal) પાંખડીઓ કહે છે અને તેમની સાથે જોડાતા કલિકાસમ સ્નાયુઓને પણ તે જ રીતે ઓળખવામાં આવે છે. અગ્ર કલિકાસમ સ્નાયુ જમણા ક્ષેપકની આગળની દીવાલ પરથી, પશ્ચ સ્નાયુ પાછળની દીવાલ પરથી તથા પટલીય સ્નાયુ આંતરક્ષેપકીય પટલ (interventricular septum) પરથી ઉદભવે છે. 2 આંગળીઓ પસાર થઈ શકે એવડા ડાબા કર્ણક-ક્ષેપકીય (દ્વિદલ) વાલ્વમાં બે અસમાન (અગ્ર અને પશ્ચ) પાંખડીઓ હોય છે, જેમની સાથે અગ્ર અને પશ્ચ કલિકાસમ સ્નાયુના રજ્જુસમ સ્નાયુબંધો જોડાયેલા હોય છે. દ્વિદલ વાલ્વની અગ્ર પાંખડી બંને બાજુએથી લીસી હોય છે.

ક્ષેપક અને તેમાંથી ઉદભવતી મુખ્ય ધમની વચ્ચેના વાલ્વની પાંખડીઓ અર્ધચંદ્રાકાર (semilunar) હોવાથી તેમને અર્ધચંદ્રાકાર વાલ્વ કહે છે. બંને અર્ધચંદ્રાકાર વાલ્વમાં 3 પાંખડીઓ હોય છે અને તેમની રચના કર્ણક-ક્ષેપકીય વાલ્વની પાંખડીઓથી મુખ્યત્વે બે રીતે જુદી પડે છે : (1) તેમાં સ્નાયુતંતુઓ નથી હોતા, તથા (2) તેમની મુક્ત કિનારી પર રજ્જુસમ સ્નાયુબંધ જોડાયેલા નથી હોતા. પરંતુ તેની મધ્યમાં એક તંતુમય ગંડિકા (fibrous nodule) હોય છે. 3 સેમી. વ્યાસ ધરાવતો ગોળ ફુપ્ફુસધમનીય વાલ્વ ફુપ્ફુસ ધમનીના મૂળ અને જમણા ક્ષેપકના નિવાપની વચ્ચે આવેલો હોય છે. તેની પાંખડીઓને તેમના સ્થાન પ્રમાણે પશ્ચ, અગ્ર-ડાબી અને અગ્ર-જમણી પાંખડી તરીકે ઓળખવામાં આવે છે. મહાધમનીય વાલ્વનું છિદ્ર ગોળ હોય છે અને તે 2.5 સેમી. વ્યાસ ધરાવે છે. તેને અગ્ર, પશ્ચ-ડાબી અને પશ્ચ-જમણી પાંખડીઓ હોય છે. મહાધમનીય વાલ્વ ડાબા ક્ષેપકના નિવેશ અને મહાધમનીના મૂળ વચ્ચે આવેલો છે. વાલ્વની પાંખડીઓ જે જગ્યાએ જોડાયેલી છે ત્યાંનો મહાધમનીનો ભાગ ફૂલેલો હોય છે. તેને વાલ્સાલ્વાવિવર (sinus of Valsalva) કહે છે. હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ તેમાંથી ઉદભવે છે. મહાધમની વાલ્વની પાંદડીઓ સહેજ જાડી હોય છે.

આકૃતિ 1 : હૃદયના વાલ્વ : (અ) હૃદયનો ઊભો છેદ, (આ) ઉપર તરફથી જોતાં હૃદયના વાલ્વનો દેખાવ, (ઇ) છાતીના પીંજરામાં હૃદયનું અને તેના વાલ્વનું સ્થાન : (1) ઊર્ધ્વમહાશિરા, (2) અધોમહાશિરા, (3) જમણું કર્ણક, (4) જમણું ક્ષેપક, (5) ડાબું ક્ષેપક, (6) મહાધમની, (7) ફેફસી ધમની, (8) ફેફસી શિરા, (9) ડાબું કર્ણક, (10) કલિકાસમ સ્નાયુ, (11) રજ્જુસમ સ્નાયુબંધ, (12) ત્રિદલ વાલ્વ, (13) ફેફસી (ફુપ્ફુસ) ધમનીય વાલ્વ, (14) મહાધમનીય વાલ્વ, (15) દ્વિદલ વાલ્વ, (16) છાતીમાં પાંસળીઓનું પિંજર.
નોંધ : તીરની દિશા અને તેની ટોચ પાસેનું કાળું બિંદુ વાલ્વમાંથી ઉદભવતા અવાજને સાંભળવાનું મુખ્ય સ્થાન દર્શાવે છે.

હૃદ્ચક્ર : ક્ષેપકના સ્નાયુ સંકોચાય ત્યારે પ્રથમ કર્ણક-ક્ષેપકીય વાલ્વ બંધ થાય છે અને હૃદયના ધબકારાનો પ્રથમ ધ્વનિ (લબ્) ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તરત ક્ષેપકમાં વધતા જતા દબાણને કારણે અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે છે અને લોહી મુખ્ય ધમનીમાં વહેવા માંડે છે. ત્યારબાદ ક્ષેપકના સ્નાયુઓ શિથિલ થવા માંડે છે અને તેથી ક્ષેપકમાંનું દબાણ ઘટે છે ત્યારે મુખ્ય ધમનીમાંનું લોહી પાછું ક્ષેપક તરફ ન વહેવા માંડે તે માટે તથા મુખ્ય ધમની  ક્ષેપકમાંના દાબ-તફાવતને કારણે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે. આ સમયે હૃદયનો બીજો ધ્વનિ (ડબ્) ઉત્પન્ન થાય છે. ક્ષેપકમાંનું દબાણ કર્ણકમાંના દબાણથી ઓછું થાય છે ત્યારે કર્ણક-ક્ષેપકીય વાલ્વ ખૂલે છે અને કર્ણકમાં એકઠું થયેલું લોહી ક્ષેપકમાં ઠલવાય છે. આમ વારાફરતી કર્ણક અને ક્ષેપક સંકોચાય છે અને પહોળાં થાય છે, ભરાય છે અને ખાલી થાય છે તથા કર્ણક-ક્ષેપકીય અને અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે છે અને બંધ થાય છે. આ વારંવાર થતા ઘટનાચક્રને હૃદ્-ચક્ર (cardiac cycle) કહે છે. (જુઓ આકૃતિ 2.)

આકૃતિ 2 : હૃદ્-ચક્ર : (અ) કર્ણકનો સંકોચનકાળ (systole), ખુલ્લા દ્વિદલ અને ત્રિદલ વાલ્વ, (આ) ક્ષેપકનો સંકોચનકાળ, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ, અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલ્લા, (ઇ) કર્ણક તથા ક્ષેપકનો વિકોચનકાળ (diastole), દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલ્લા, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ. (1) ઊર્ધ્વમહાશિરા, (2) અધોમહાશિરા, (3) જમણું કર્ણક, (4) જમણું ક્ષેપક, (5) ફુપ્ફુસીય (ફેફસી) ધમની, (6) ફેફસી શિરાઓ, (7) ડાબું કર્ણક, (8) ડાબું ક્ષેપક, (9) મહાધમની, (10a) ખુલ્લો ત્રિદલ વાલ્વ, (10b) બંધ ત્રિદલ વાલ્વ, (11a) ખુલ્લો દ્વિદલ વાલ્વ, (11b) બંધ દ્વિદલ વાલ્વ, (12a) ખુલ્લો ફેફસી વાલ્વ, (12b) બંધ ફેફસી વાલ્વ, (13a) ખુલ્લો મહાધમનીય વાલ્વ, (13b) બંધ મહાધમનીય વાલ્વ, (14) કલિકાસમ સ્નાયુ, (15) રજ્જુસમ સ્નાયુબંધ.

સામાન્ય રીતે હૃદયના બંને ઉપલા ખંડો એકસાથે સંકોચન કે શિથિલતા પામે છે તેથી બંને કર્ણક-ક્ષેપકીય વાલ્વ પણ લગભગ એકસાથે ખૂલે છે અથવા બંધ થાય છે. તેવી જ રીતે બંને ક્ષેપકો પણ એકસાથે  સંકોચાતા  શિથિલ થતા હોવાથી અર્ધચંદ્રાકાર વાલ્વ પણ એકસાથે ઉઘાડવાસ થાય છે.

વાલ્વની વિકૃતિઓ (આકૃતિ 3) : દેહધર્મી (physiological) કે રોગજન્ય કારણોસર ક્યારેક બે કર્ણક-ક્ષેપકીય વાલ્વ કે બે અર્ધચંદ્રાકાર વાલ્વ જુદા જુદા સમયે બંધ થાય તો તેમને કારણે ઉદભવતો હૃદયનો ધ્વનિ વિભાજિત (split) થયેલો સંભળાય છે. રોગને કારણે વાલ્વનું છિદ્ર સંકોચાયેલું હોય તો તેને સંકીર્ણન (stenosis) કહે છે અથવા જો તે વાલ્વ બંધ થયાની સ્થિતિમાં સહેજ ખુલ્લું રહી જાય તો તેને તેની અલ્પક્ષમતા (incompetence) કહે છે અને તેથી આવા અલ્પક્ષમ (incompetent) વાલ્વમાંથી લોહી પાછું અવળી દિશામાં વહે છે અને તેને પ્રતિવહન કહે છે. આમ, રોગને કારણે વિકૃત થયેલા દ્વિદલ વાલ્વમાં દ્વિદલીય અલ્પક્ષમતા (mitral incompetence) અથવા દ્વિદલીય પ્રતિવહન કે દ્વિદલીય સંકીર્ણન(mitral stenosis)ના વિકાર સર્જાય છે. તેવું જ અન્ય વાલ્વમાં પણ થઈ શકે છે. ચેપ (દા.ત., અલ્પ-ઉગ્ર જીવાણુજન્ય હૃદ્-અંત:કલાશોથ – subacute bacterial endocarditis અથવા SBE તથા ઉપદંશ – syphilis), ઈજા, જન્મજાત ખામી, સ્ટ્રૅપ્ટોકૉકસ જીવાણુના ચેપ પછી થતો આમવાતી જ્વર (rheumatic fever) વગેરે વાલ્વમાં વિકૃતિ સર્જે છે. વિકૃત વાલ્વની પાંખડીઓ જાડી તથા અનિયમિત બને છે અને ક્યારેક તેમાં કૅલ્શિયમ (ચૂનો) જમા થાય છે. તેનું છિદ્ર નાનું બને છે અથવા તે પૂરતો બંધ થઈ શકતો નથી. દ્વિદલ તથા મહાધમની વાલ્વ વધારે પ્રમાણમાં અસરગ્રસ્ત થાય છે. વિકૃત વાલ્વ બંધ થવાથી ઉદભવતો ધ્વનિ વિભાજિત, ધીમો કે મોટો હોય છે. ક્યારેક કોઈ પણ પ્રકારનો ધ્વનિ ઉદભવતો પણ નથી. સંકીર્ણ વાલ્વમાંથી વહેતા લોહીમાં તથા અલ્પક્ષમ વાલ્વમાંથી પ્રતિવહન કરતા લોહીમાં તરંગો અને વમળો ઉત્પન્ન થાય છે ત્યારે સતત ચાલતા યંત્રમાં થતા અવાજ જેવો મર્મરધ્વનિ (murmur) સંભળાય છે. હૃદયધ્વનિ અને મર્મરધ્વનિનો અભ્યાસ નિદાન માટે ઉપયોગી છે.

વિકૃત વાલ્વજન્ય વિકારો : સંકીર્ણ વાલ્વમાંથી લોહી ધકેલનાર હૃદયના ખંડની દીવાલ જાડી થાય છે અને એમાં વધેલા દબાણને કારણે હૃદયમાં લોહી લાવતી શિરાઓમાં પણ દબાણ વધે છે તથા ફેફસાં અને/અથવા સમગ્ર શરીરમાં પ્રવાહીનો ભરાવો થાય છે. સંકીર્ણ વાલ્વમાંથી લોહી ઓછું ધકેલી શકાય છે અને તેથી શરીરના અવયવોમાં લોહીના પુરવઠાની ઊણપ ઊભી થાય છે. આવી જ રીતે અલ્પક્ષમ વાલ્વમાંથી પ્રતિવહન કરતાં લોહીને કારણે હૃદયનો ખંડ પહોળો થાય છે અને તેમાં વધેલું દબાણ શિરામાં પણ દબાણ વધારીને ફેફસાં અને/અથવા શરીરમાં લોહીનો ભરાવો કરે છે. આ પ્રકારના વિકારો વિવિધ ચિહ્નો અને લક્ષણો પેદા કરે છે. તેમનો અભ્યાસ નિદાનસૂચક હોય છે. હૃદયના વાલ્વની વિકૃતિ ધરાવતી વ્યક્તિમાં ઘણી વખત કોઈ જ લક્ષણ હોતું નથી. કેટલાકને વારંવાર ઉધરસ, ફેફસામાં ચેપ, ગળામાં લોહી પડવું, શ્વાસ ચઢવો, શરીરે સોજા આવવા, આંખે અંધારાં આવવાં, હૃદયના ધબકારા અનિયમિત થવા, વિકૃત વાલ્વ પર ચેપ લાગવો વગેરે વિવિધ તકલીફો થાય છે.

નિદાન : શારીરિક તપાસ, ઍક્સ-રે-ચિત્રણ, હૃદવીજાલેખ (electrocardiogram, ECG), હૃદ્પ્રતિઘોષાલેખ (echocardiogram), હૃદનળી-નિવેશન (cardiac catheterization) દ્વારા હૃદયના ખંડોમાં દબાણ-માપન તથા ઍક્સ-રે-રોધી (radiopaque) દ્રવ્ય નાખીને હૃદયના ખંડો અને મુખ્ય ધમનીઓનું ચિત્રણ, સમસ્થાનિકી વિકિરણચિત્રણ (isotope scan), ગતિશીલ પ્રતિઘોષનો અભ્યાસ (Doppler study) વગેરે વિવિધ નિદાનલક્ષી કસોટીઓ વડે હૃદયના વાલ્વની વિકૃતિનું તથા તેના દ્વારા ઉદભવતા વિકારનું નિદાન કરી શકાય છે.

સારવાર : વાલ્વના વિકારોની સારવારમાં હૃદયના સ્નાયુઓની ક્રિયાશીલતા વધે માટે ડિજિટાલિસ, કૅપ્ટોપ્રિલ, એમ્રિયૉન વગેરે ઔષધો, પ્રવાહીનો ભરાવો અને સોજા ઘટે માટે મૂત્રવર્ધકો (diuretics) અપાય છે. જરૂર પડે તે કિસ્સામાં ઑક્સિજન, સંપૂર્ણ આરામ, મીઠા વગરનો અથવા ઓછા મીઠાવાળો આહાર, રુધિરગઠનરોધકો (anticoagulants), હૃદયના વિકૃત વાલ્વમાં નવો ચેપ ન લાગે તે માટે તથા આમવાતી જ્વરનો વારંવાર હુમલો ન થાય તે માટે તથા અલ્પ-ઉગ્ર જીવાણુજન્ય હૃદ્-અંત:કલાશોથ(SBE)ના રોગની સારવાર માટે ઍન્ટિબાયૉટિક ઔષધો વપરાય છે. વિકૃતિ પામેલા વાલ્વની કાયમી સારવાર માટે શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે વાલ્વછેદન (valvotomy), વાલ્વ-નવસર્જન (valvoplasty) તથા કૃત્રિમ વાલ્વ-આરોપણ (valve replacement) કરાય છે.

આકૃતિ 3 : વાલ્વની વિકૃતિઓ અને વિકારો : (અ) સામાન્ય હૃદય, (આ) રોગગ્રસ્ત વિકૃત દ્વિદલ અને મહાધમનીય વાલ્વ, (ઇ) સામાન્ય દ્વિદલ વાલ્વ, (ઈ) રોગગ્રસ્ત સંકીર્ણ દ્વિદલ વાલ્વ, (ઉ1, ઉ2) સામાન્ય ત્રિદલ વાલ્વ, (ઊ) રોગગ્રસ્ત વિકૃત ત્રિદલ વાલ્વ, (1) સામાન્ય કર્ણક, (2) સામાન્ય ક્ષેપક, (3) કર્ણકની જાડી દીવાલ, (4) ક્ષેપકની જાડી દીવાલ, (5) વિકૃત દ્વિદલ વાલ્વ, (6) વિકૃત મહાધમનીય વાલ્વ, (7) સામાન્ય દ્વિદલ વાલ્વ, (8) કલિકાસમ સ્નાયુ, (9) રજ્જુસમ સ્નાયુબંધ, (10a) સામાન્ય બંધ ત્રિદલ કે અર્ધચંદ્રાકાર વાલ્વ, (10b) સામાન્ય ખુલ્લો ત્રિદલ કે અર્ધચંદ્રાકાર વાલ્વ, (10c) રોગગ્રસ્ત વિકૃત ત્રિદલ કે અર્ધચંદ્રાકાર વાલ્વ.

ગરીબી, વસ્તીની ગીચતા, અપોષણ, અજ્ઞાન અને અપૂરતી તબીબી સારવારની સવલતોને કારણે આમવાતી અથવા સંધિશોથીય જ્વર તથા આમવાતી અથવા સંધિશોથીય હૃદયરોગ(rheumatic heart disease)નું પ્રમાણ અલ્પવિકસિત દેશોમાં વધુ છે. આ રોગ પશ્ચિમના દેશોમાં કેટલાય દસકાથી સંપૂર્ણપણે નિયંત્રિત અથવા દૂર કરી શકાયેલો છે. ભારતમાં તે હજારો યુવાનોનો ભોગ લે છે. તે ઝડપી અને જોખમી વિકારના રૂપે વિકસે છે અને એક કે વધુ વાલ્વને અસર કરે છે. આમવાતી હૃદયરોગમાં દ્વિદલીય અલ્પક્ષમતા સૌથી વધુ વખત જોવા મળે છે. તેની મંદ કે મધ્યમ તીવ્રતાવાળા દર્દીઓ તેને સહેલાઈથી સહી શકે છે અને તેથી ઘણી વખત શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી. જોકે તીવ્ર પ્રતિવહન ધરાવતા અલ્પક્ષમ વાલ્વનું પુનર્ઘટન (reconstruction) કરવું પડે છે અથવા તેને સ્થાને કૃત્રિમ વાલ્વ મૂકવો પડે છે. સૌથી વધુ વખત શસ્ત્રક્રિયા દ્વિદલીય સંકીર્ણનના વિકારમાં કરવી પડે છે. જો વાલ્વમાં કૅલ્શિયમ (ચૂનો) જમા ન થયો હોય તો અકબંધ હૃદયની અંદર કે કાપીને નજર સામે જોઈ શકાય એવા ખુલ્લા કરેલા હૃદયમાં વાલ્વછેદન કરીને દ્વિદલ વાલ્વનું સંકોચાયેલું છિદ્ર મોટું કરી શકાય છે. તેનાથી મોટાભાગની તકલીફો લાંબા સમય માટે દૂર થાય છે (જુઓ વાલ્વ, કૃત્રિમયોજી). તેવી જ રીતે રુધિરગતિશાસ્ત્રના ધોરણે મહત્વનો વિકાર સર્જાયો હોય એવા મહાધમનીના વાલ્વના બંને પ્રકારની વિકૃતિઓમાં હૃદયના ડાબા ક્ષેપકને નુકસાન થાય તે પહેલાં કૃત્રિમ વાલ્વ મૂકવો પડે છે. વાલ્વ બદલવાની શસ્ત્રક્રિયા દરમિયાન કે પછીથી તરત આશરે 8 % દ્વિદલીય વાલ્વવિકૃતિવાળા અને 5 % મહાધમની વાલ્વવિકૃતિવાળા દર્દીઓ મૃત્યુ પામે છે.

તુષાર શાહ, અનુ. શિલીન નં. શુક્લ