વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves)

January, 2005

વાલ્વ, કૃત્રિમયોજી (artificial valves) : હૃદયના વિકૃત વાલ્વને સ્થાને વાપરી શકાતા કૃત્રિમ વાલ્વ (કપાટ). ડી. ઈ. હાર્કન, એસ. એલ. સોરોફ, ડબ્લ્યૂ. જે. ટેલર વગેરે દ્વારા મહાધમનીય (aortic) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1960) તથા એ. સ્ટાર અને એમ. એલ. એડવર્ડ્ઝ દ્વારા દ્વિદલીય (mitral) વાલ્વને સ્થાને વપરાતા વાલ્વનો (1961) સફળ પ્રયોગ થયો. તેથી વિકૃતવાલ્વજન્ય હૃદયરોગના દર્દીઓ માટે લાંબા અને સુખપૂર્વકના જીવન માટેની બારી ખૂલી. કૃત્રિમ વાલ્વની બનાવટમાંની ખામીઓ તથા તેના વપરાશમાં જોવા મળતી તકલીફોના અભ્યાસ દ્વારા તેની સંરચનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જોકે કૃત્રિમ વાલ્વના ઉપયોગ પછી સંપૂર્ણ તપાસણી કરાયેલી હોવા છતાં વહેલી કે 20 વર્ષ જેટલી મોડી પણ કોઈ ને કોઈ તકલીફ થાય છે અને તેથી સર્જ્યનો નવી સંરચનાવાળા વાલ્વને જલદીથી સ્વીકારતા નથી. જે કૃત્રિમ વાલ્વ રુધિરગતિશાસ્ત્ર(haemodynamic)ની દૃષ્ટિએ યોગ્ય તથા ખુલ્લો હોય ત્યારે બિનઅવરોધી (nonobstructive) અને બંધ હોય ત્યારે સહેજ પણ ચૂતો ન હોય, લોહીના નાના ગઠ્ઠા બનવા દેતો ન હોય, ઘસાઈને અનિયમિત આકારનો બની જતો ન હોય, લોહીના ઘટકોને નુકસાન કરતો ન હોય, જેને તેના સ્થાને ગોઠવાતાં કોઈ વિશિષ્ટ તકલીફ ન પડતી હોય, જેને દર્દી સહેલાઈથી સ્વીકારી લે તથા જે દર્દી કે તેનાં સગાંને અવાજ કરીને અગવડ ન ઊભી કરતો હોય એવા વાલ્વને આદર્શ કૃત્રિમ વાલ્વ કહી શકાય. જોકે હજુ કોઈ આદર્શ કૃત્રિમ વાલ્વ બની શક્યો નથી. તેથી વ્યક્તિગત દર્દીની જરૂરિયાતને આધારે કૃત્રિમ વાલ્વની પસંદગી થાય છે.

આકૃતિ 1 : હૃદયના કૃત્રિમયોજી વાલ્વ : (અ) પિંજર-કંદુક વાલ્વ, (આ) ઢળતી ચકતી વાલ્વ તથા (ઇ) જૈવિક વાલ્વ.
નોંધ : તીરની દિશા લોહીના વહનની દિશા સૂચવે છે. પાછું વળતું તીર બંધ વાલ્વ સૂચવે છે.

બે પ્રકારના વાલ્વ ઉપલબ્ધ છે : યાંત્રિક (mechanical) તથા જૈવિક (biological) (આકૃતિ 1). યાંત્રિક વાલ્વ લાંબા સમય સુધી કાર્યરત રહે છે પરંતુ તેમાં કેટલીક તકલીફો થાય છે; જેમ કે લોહીના ગઠ્ઠા બનવા અને શરીરમાં અન્યત્ર ફેંકાવા, તે રોકવા અપાતી દવાઓથી લોહી વહી જવાનો વિકાર થવો, લોહીના રક્તકોષો તૂટવા તથા વાલ્વની આસપાસથી લોહી ચૂવું (leaking) વગેરે. જૈવિક વાલ્વમાં આ તકલીફો નથી અથવા ઓછી છે; પરંતુ યુવાન દર્દીઓમાં અપક્ષીણતા (degeneration) પામીને તે વહેલો નિષ્ક્રિય બને છે. વળી નાના વાલ્વ લોહીના વહનમાં અવરોધ પણ કરે છે.

આકૃતિ 2 : હૃદયમાં બેસાડેલો પિંજર-કંદુક વાલ્વ : (1) જમણું કર્ણક, (2) જમણું ક્ષેપક, (3) ડાબું કર્ણક, (4) ડાબું ક્ષેપક, (5) કુદરતી ત્રિદલ વાલ્વ, (6) દ્વિદલ વાલ્વને સ્થાને કૃત્રિમયોજી વાલ્વ.

યાંત્રિક વાલ્વ (આકૃતિ 2) : તે ત્રણ પ્રકારના છે : (1) પિંજર-કંદુક (caged ball) પ્રકાર, (2) ઢળતી ચકતી (tilting disc) પ્રકાર તથા (3) દ્વિપર્ણિક (bileaflet) પ્રકાર. 65-70 વર્ષની નીચેની વયના જે દર્દીઓમાં લોહી વહી જવાનો કોઈ પણ રોગ ન હોય અને સતત ધ્યાન આપી શકાય તેમ હોય તેમના માટે તે વપરાય છે. જે દર્દીઓનું ક્ષેપક નાનું હોય અથવા મહાધમનીનું ઉદ્ગમસ્થાન નાનું હોય તેમના માટે ઢળતી ચકતી કે દ્વિપર્ણિક પ્રકારના નાના વાલ્વ વપરાય છે. કૃત્રિમ વાલ્વવાળા દર્દીઓનાં પાછળથી થતાં મૃત્યુનાં કારણોમાં મોટેભાગે ઉપર જણાવેલી કૃત્રિમ વાલ્વલક્ષી તકલીફો હોય છે. જોકે કેટલાક કિસ્સામાં હૃદયની નિષ્ફળતા અને અન્ય અવયવોના રોગો પણ કારણરૂપ હોય છે. સામાન્યપણે યાંત્રિક વાલ્વ મૂક્યા પછી 70 %થી 89 % દર્દીઓ પાંચ વર્ષ અને 65 %થી 83 % દર્દીઓ દસ વર્ષ જીવે છે. (જુઓ આકૃતિ 3.)

આકૃતિ 3 : હૃદયમાં કૃત્રિમયોજી કપાટો ગોઠવ્યા પછી જીવનકાળ

પિંજર-કંદુક વાલ્વથી લોહીના વહેણમાં વમળો ઉત્પન્ન થાય છે પરંતુ લોહીના આગળના વહેણમાં કોઈ અડચણ પડતી નથી. તેમાં ત્રણ કાણાં હોય છે. તેની મુખ્ય બે યાંત્રિક તકલીફો છે : (1) મોટા વાલ્વમાં ત્રીજું કાણું નાનું બની જાય છે, (2) તથા તેના મોટા કદને કારણે જો તે દ્વિદલ વાલ્વને સ્થાને મુકાયો હોય તો ક્ષેપકમાંથી બહાર જતા લોહીના માર્ગમાં અડચણ ઊભી કરે છે. ઢળતી ચકતી વાલ્વમાં લોહીના વહેણમાં ઓછો અવરોધ થાય છે, જ્યારે દ્વિપર્ણિક વાલ્વમાં સૌથી ઓછો અવરોધ રહે છે. ઢળતી ચકતી વાલ્વમાં 60°થી ઓછો ઢાળ હોય તો અવરોધ 6થી 7 મિમી. પારાના દબાણ જેટલો હોય છે, જે સામાન્ય સંજોગોમાં સ્વીકાર્ય ગણાય છે. તેનાં બે કાણાં હોય છે, જેમાંનું મોટું કાણું 70 % લોહીને વહી જવા દે છે. આ પ્રકારના વાલ્વમાંથી થોડું લોહી પ્રતિવહન (regurgitation) દ્વારા પાછું જાય છે અને તેનાથી વાલ્વની બાજુમાં જમા થતા લોહીમાં ગઠ્ઠા બનવાનું ઘટે છે. આ વાલ્વનું મોટું કાણું મહાધમનીના મોટા વળાંક તરફ (આગળ કે એક બાજુ તરફ) રાખવાથી લોહીનું વહેણ એકસરખું રહે છે. દ્વિપર્ણિક વાલ્વમાં અવરોધ કરતો દાબતફાવત (pressure gradient) સૌથી ઓછો હોય છે, પરંતુ તેની બંને પાંખડીઓ જુદા જુદા સમયે બંધ થાય છે અને તેથી લોહીનું પ્રતિવહન સૌથી વધુ થાય છે. લોહીના રક્તકોષોના તૂટવાથી થતું રક્તકોષલયન (haemolysis) ઓછું થાય છે. જોકે પરિકપાટીય અથવા વાલ્વની આસપાસથી ચૂવાની ક્રિયા વધુ હોય તો રક્તકોષલયન ઘણું વધારે થાય છે.

યાંત્રિક વાલ્વજન્ય તકલીફોમાંની 75 % તકલીફો લોહીના ગઠ્ઠા ફેંકાવાથી થતા વિકારોથી અને તે રોકવા અપાતાં ઔષધોને કારણે થતા રુધિરસ્રાવથી થાય છે. તેથી રુધિરસ્રાવની બીમારીવાળી વ્યક્તિઓમાં, સગર્ભા થવા ઇચ્છતી સ્ત્રીઓમાં તથા લોહીના ગઠ્ઠા બનતા (રુધિરગઠન – thrombosis) અટકાવવા અપાતી દવાઓ નિયમિતપણે ન લઈ શકે તેવા દર્દીઓમાં તથા જેમનામાં પ્રોથ્રૉમ્બિનકાળની લોહીની કસોટી વારંવાર કરવી શક્ય ન હોય તેમનામાં યાંત્રિક વાલ્વ મૂકી શકાતો નથી. રુધિરગઠન રોકવા માટે ઍસ્પિરિન અને ડાઇપારિડેમોલ અપૂરતાં છે અને તેથી મુખમાર્ગી રુધિરગઠનરોધકો (દા.ત., વૉરફેરિન જૂથનાં ઔષધો) જરૂરી બને છે. કૃત્રિમ વાલ્વ મૂક્યા પછીના પ્રથમ 14 મહિનામાં આ વિકાર થવાની શક્યતા વધુ છે. હૃદયના અનિયમિત ધબકારા, પહોળું થયેલું કર્ણક તથા હૃદયની અંદરની દીવાલનો ચેપ રુધિરગઠન વધારે છે. જરૂર પડ્યે કૃત્રિમ વાલ્વ દૂર કરવાની કે લોહીના ગઠ્ઠાને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાય છે અથવા સ્ટ્રૅપ્ટૉકાઇનેઝ અપાય છે. ઉપરાંત હૃદયની અંદરની દીવાલનો ચેપ અથવા હૃદયાંત:કલાશોથ (endocarditis) તથા પરિકપાટીય ચૂવાની પ્રક્રિયા મહત્વની આનુષંગિક તકલીફો છે. યાંત્રિક કારણોસર કૃત્રિમ વાલ્વનું નિષ્ફળ જવાનું કે તેની ચકતી અથવા પાંખડીઓનું હલનચલન અટકી જવાનું જવલ્લે જ બને છે.

જૈવિક વાલ્વ : જૈવિક વાલ્વ પ્રાણીપેશીમાંથી મેળવેલા હોય છે. તેમાં 3 પ્રકારના વાલ્વ મળે છે : (1) ગ્લુટેરાલ્ડિહાઇડમાં સંગૃહીત ડુક્કરના (porcine) વાલ્વ, (2) પરિહૃદ્કલા (pericardium) તરીકે ઓળખાતા હૃદયના આવરણમાંથી બનાવેલા વાલ્વ તથા (3) માણસના વાલ્વ. માનવવાલ્વને સમજાતીય નિરોપ (homograft) પણ કહે છે. પહેલા બે પ્રકારના વાલ્વમાં કોઈ વિશેષ તફાવત નથી, પરંતુ કેટલાકના મતે પરિહૃદ્કલાજન્ય વાલ્વ અલ્પજીવી હોય છે. જૈવિક વાલ્વના ઉપયોગ સમયે રુધિરગઠનની તકલીફ ઓછી હોય છે અને તેથી જેમનામાં આ કારણે યાંત્રિક વાલ્વ ન વાપરી શકાય તેમને માટે તે લાભદાયી છે. દર્દીઓનો જીવનકાળ બંને પ્રકારના વાલ્વના ઉપયોગ પછી લગભગ સરખો જ રહે છે. જોકે મોટાભાગના (51 ણ્ 15 %) જૈવિક વાલ્વનો પોતાનો ક્રિયાકાળ 12-14 વર્ષનો ગણાય છે. 80 % કિસ્સામાં તે 10 વર્ષ સુધી તો ચાલે જ છે. તેની પાંખડીઓમાં ઉદભવતા ચીરા તથા તેમાં કૅલ્શિયમ (ચૂનો) જમા થવાને કારણે તે નિષ્ફળ જાય છે. કૃત્રિમ વાલ્વની નિષ્ફળતા ધીમે ધીમે વધે છે. દ્વિદલ (mitral) વાલ્વમાં નિષ્ફળતા વધુ જોવા મળે છે. નાના જૈવિક વાલ્વ(19-21 મિમી.)માં લોહીના વહેણને અવરોધ વધુ હોય છે. (10-15 મિમી. પારાનું દબાણ); પરંતુ મોટા જૈવિક વાલ્વમાં તો યાંત્રિક વાલ્વ કરતાં પણ વધુ સારું વહેણ જોવા મળે છે. કૃત્રિમયોજી વીંટી(prosthetic ring)ની મદદથી જૈવિક વાલ્વને છિદ્ર કરતાં ઉપર ગોઠવીને વહેણના વિકારોને ઘટાડવાના પ્રયત્નો થયા છે. વાલ્વનું છિદ્ર મધ્ય ભાગમાં હોવાથી તેમને ગોઠવવા માટે કોઈ વિશેષ ખૂણો કે દિશા (orientation) રાખવાની જરૂર પડતી નથી. રુધિરગઠનનો દર ઓછો રહે છે. રુધિરગઠનનો મહત્તમ દર મહાધમનીય વાલ્વ માટે દર વર્ષે 0.7 % તથા દ્વિદલ વાલ્વ માટે દર વર્ષે 1.7 % મૂળ વાલ્વવિકૃતિથી થયેલા હૃદયવિકારવાળા દર્દીઓમાં પ્રથમ 4 મહિનામાં જોવા મળે છે.

રૉસ અને બેરેટ-બાઇઝે 1960માં સમજાતીય યાને માનવવાલ્વને સફળતાપૂર્વક વાપરીને એક અલ્પજીવી અને મર્યાદિત કેન્દ્રો પૂરતું ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. ડુક્કરના વાલ્વ કરતાં તેમાં થોડા લાભ વધુ છે; પરંતુ તેમને જાળવી રાખવાની મુખ્ય તકલીફ હતી, જે અતિશીતપ્રરક્ષણ(cryopreservation)થી ઘટી છે. છતાં આવા વાલ્વનો ક્રિયાકાળ ટૂંકો રહે છે અને વાલ્વ મૂક્યા પછી 15 વર્ષે માંડ 11 %થી 15 % વાલ્વ ક્રિયાશીલ રહે છે. દર્દીઓનો જીવનકાળ જોકે અન્ય વાલ્વ જેટલો છે (15 વર્ષે 55 %થી 60 %). અતિશીત ઍન્ટિબાયૉટિકવાળા પ્રવાહીમાં 24 કલાક વાલ્વ રાખ્યા પછી જો તેને દર્દીના શરીરમાં રોપવામાં આવે તો તે 10 વર્ષે પણ ક્રિયાશીલ રહી શકે છે. આ પ્રકારના વાલ્વમાં પ્રતિરક્ષાલક્ષી (immunogenic) તકલીફો થતી નથી તેમજ રુધિરગઠનની તકલીફો (10 વર્ષમાં 3 %) તેમજ હૃદયાંત:કલાશોથ જવલ્લે જ (10 વર્ષમાં 0.8 %) જોવા મળે છે. જોકે તેમને યથાસ્થાને ગોઠવવાની પદ્ધતિ, અન્ય પ્રકારના વાલ્વની અપેક્ષાએ, વધુ તકલીફવાળી હોય છે. વાલ્વના માપ અને સ્થાનનો નિર્ણય ચોક્કસ હોવો જરૂરી છે. પરિકપાટ વીંટી તૂટી જાય એવી હોવાથી તેમના ચૂવાનો પ્રશ્ર્ન મહત્વનો છે. આખા હૃદયના પ્રતિરોપણના પ્રયોગોને કારણે તથા દાતાઓ ઓછી સંખ્યામાં તૈયાર થતા હોવાથી પણ તેમની ઉપલભ્યતા ઓછી છે.

વિવિધ પ્રકારના વાલ્વ મળતા હોવાથી દર્દીની જરૂરિયાતને આધારે પસંદગી કરી શકાય છે. રુધિરગઠન કે રુધિરસ્રાવના વિકારની ઓછી શક્યતા હોય એવી 65થી 70 વર્ષથી નાની વયની વ્યક્તિઓ માટે યાંત્રિક વાલ્વ વપરાય છે. નાના કાણાવાળી વ્યક્તિમાં યાંત્રિક અથવા માનવવાલ્વનો ઉપયોગ સૂચવાય છે. જૈવિક વાલ્વ રુધિરગઠન/રુધિરસ્રાવવાળા કે ચેતાતંત્રના રોગોવાળા દર્દીઓ માટે કે સગર્ભતા ઇચ્છતી સ્ત્રીઓ માટે ઉપયોગી ગણાય છે. જોકે મોટેભાગે (70 %) યાંત્રિક વાલ્વનો ઉપયોગ થતો હોય છે.

વાલ્વ મૂકવાની શસ્ત્રક્રિયા દરમિયાન કે પછી 4.5 %થી 10 % દર્દીઓ મૃત્યુ પામે છે. મહાધમની વાલ્વની શસ્ત્રક્રિયા પછી 4.5 %, દ્વિદલ વાલ્વની શસ્ત્રક્રિયા પછી 5.1 %થી 7.7 % અને બંને વાલ્વ પરની શસ્ત્રક્રિયા પછી 10 % મૃત્યુદર રહે છે. માટે વાલ્વ બદલવાની શસ્ત્રક્રિયાનો નિર્ણય કરતાં પહેલાં દર્દીનો શક્ય જીવનકાળ અને ક્રિયાશીલતા ધ્યાનમાં લેવામાં આવે છે. વાલ્વ બદલવાની પુન: શસ્ત્રક્રિયા 9 %થી 14 % મૃત્યુદર ધરાવે છે. ત્યારપછીની દરેક શસ્ત્રક્રિયામાં મૃત્યુદર વધતો જાય છે. કૃત્રિમ વાલ્વ મૂક્યા પછીનું જીવન કદી પણ સામાન્ય પ્રકારનું હોતું નથી. તેથી તેની શસ્ત્રક્રિયા છેલ્લા ઉપાય તરીકે જ થાય છે. જોકે હૃદયના સ્નાયુ તેમને સ્વીકારી જ ન શકે એટલા નિર્બળ થઈ જાય તે પહેલાં શસ્ત્રક્રિયા કરવી જરૂરી ગણાય છે. કૃત્રિમ વાલ્વ મૂક્યો હોય તેવા દર્દીને કેટલીક સૂચનાઓનો આજીવન અમલ કરવો પડે છે. (જુઓ નીચેની સારણી.)

કૃત્રિમ વાલ્વ મૂક્યા પછી અપાતી સૂચનાઓ

(1)     તબીબી સલાહ મુજબ નિયમિત (દર 2થી 8 અઠવાડિયે) પ્રોથ્રૉમ્બિન ટાઇમ માટેની લોહીની તપાસ કરાવવી.

(2)     વધારે વિટામિન-‘કે’વાળો ખોરાક ઓછો લેવો, દા. ત., ફણગાવેલા દાણા, ટમેટાં, કોબિજ, કોલિફ્લાવર, પ્રાણીનું કલેજું.

(3)     ચેપ થતો અટકાવવા સ્વચ્છતા રાખવી.

(4)     ઈજા થતી અટકાવવા સાવચેતી રાખવી.

(5)     ચેપ કે ઈજાની તરત સારવાર કરાવવી.

(6)     સગર્ભાવસ્થા પહેલાં અને પછી તબીબી સલાહ લેવી.

(7)     દવા અચાનક બંધ ન કરવી કે તેની માત્રા (dose) ન બદલવી.

(8)     અન્ય રોગની સારવાર કરતાં પહેલાં નિયમિત લેવાતી દવાની ડૉક્ટરોને જાણકારી આપવી.

(9)     લોહી વહેવા માંડે કે ગંઠાઈ જાય તો તે ડૉક્ટરને તરત જણાવવું.

(10)    વાલ્વના અવાજમાં થતો ફેરફાર ડૉક્ટરને જણાવવો.

(11)    દાંતની સારવાર કે અન્ય શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં ડૉક્ટરને જણાવવું.

બાળકોમાં કૃત્રિમ વાલ્વ મૂકવાથી વિશિષ્ટ પ્રશ્ર્નો સર્જાય છે. તેમની શારીરિક વૃદ્ધિ, સક્રિયતા, કૅલ્શિયમના વધારાનો ચયાપચય તથા વધુ ઈજા થવાની શક્યતા કૃત્રિમ વાલ્વની સફળતાને અસર કરે છે. જોકે જરૂરિયાત ઊભી થાય તો દર્દીની ઉંમરને કારણે વાલ્વ મૂકવાનો નિર્ણય અટકાવાતો નથી.

તુષાર શાહ, અનુ. શિલીન નં. શુક્લ