વાલેરી, બ્રૂમેલ (જ. 14 એપ્રિલ 1942, સાઇબીરિયા) : ઊંચી કૂદના વિશ્વવિખ્યાત રમતવીર. તેમનું આખું નામ વાલેરી નિકોલાએવિચ બ્રૂમેલ હતું. નાનપણથી જ તેમને ઊંચી કૂદમાં ખૂબ જ રસ હતો અને તેથી જ તેમણે 11 વર્ષની વયથી જ ઊંચી કૂદનો અભ્યાસ શરૂ કર્યો હતો. લોકોમાં આ જાતની આમ ધારણા પણ હતી કે માનવ પોતાની ઊંચાઈ કરતાં વધુ ઊંચો કૂદકો લગાવી શકે નહિ. બ્રૂમેલે આ ધારણા તોડી; એટલું જ નહિ, પોતાની ઊંચાઈ કરતાં 42.86 સેમી. (16.875 ઇંચ) વધુ કૂદી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી નાખ્યું હતું. 1960માં ફક્ત 18 વર્ષની ઉંમરે 2.20 મીટર (7 ફૂટ 2.75 ઇંચ) કૂદી ‘યુરોપિયન રેકૉર્ડ’ પ્રસ્થાપિત કર્યો હતો અને તે વર્ષે જ તેઓએ રોમ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રૌપ્ય ચંદ્રક પણ મેળવ્યો હતો.
ખેલકૂદ(ઍથ્લેટિક્સ)ની દુનિયામાં એક માઇલની દોડમાં જે સ્થાન રોજર બેનેસ્ટરનું છે, ચક્રફેંકમાં ઓલ ઑર્ટરનું છે, વાંસકૂદમાં સર્ગેઈ બબુકાનું કે લાંબી કૂદમાં કાર્લ લૂઈસનું છે તે જ સ્થાન ઊંચી કૂદમાં રશિયાના વાલેરી બ્રૂમેલનું છે. જેવી રીતે 4 મિનિટ કરતાં ઓછા સમયમાં. દોડી શકાય નહિ તેવી રીતે જ 2.13 મીટર (7 ફૂટ) કરતાં ઊંચું કૂદી શકાય નહિ, પરંતુ રશિયાના બ્રૂમેલે આ દંતકથા સમાન રેકૉર્ડ તોડી સમગ્ર વિશ્વમાં નામના મેળવી હતી. તેઓશ્રીએ એક વાર નહિ પણ છ વાર ઊંચી કૂદમાં વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો અને છેલ્લે 1963માં 2.28 મી. (7 ફૂટ 5.75 ઇંચ) ઊંચો કૂદકો લગાવી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું હતું. 1960થી 1964 સુધી વિશ્વમાં ઊંચી કૂદમાં કોઈ પણ ખેલાડી તેમની બરાબરી કરી શકે તેવો ન હતો. 1962માં તેઓ ‘યુરોપિયન ચૅમ્પિયન’ બન્યા હતા. 1961થી 1963 વચ્ચે છ વખત વિશ્વચૅમ્પિયન બન્યા હતા અને 1964માં ટૉક્યો ઓલિમ્પિક્સમાં ઊંચી કૂદમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. તેમની મુખ્ય કૂદવાની પદ્ધતિ સ્ટ્રેડલ પદ્ધતિ હતી અને વિશ્વમાં ઊંચી કૂદમાં આ સ્ટ્રેડલ પદ્ધતિને લોકપ્રિય બનાવવામાં તેમનો મુખ્ય ફાળો છે. વાલેરી બ્રૂમેલ સૌપ્રથમ રશિયન ખેલાડી હતા, જેણે ઓલિમ્પિક્સમાં ઊંચી કૂદમાં 1912થી 1956 સુધી અમેરિકાની ઇજારાશાહી તોડી હતી. એટલું જ નહિ પણ 1963માં વિશ્વચૅમ્પિયનનો અને 1964માં ઓલિમ્પિક ચૅમ્પિયન બનવાનો વિક્રમ પણ હાંસલ કર્યો હતો. દુનિયામાં ખૂબ જ જૂજ ખેલાડીઓ બ્રૂમેલ જેવા ભાગ્યશાળી હોય છે.
ઊંચી કૂદમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બ્રૂમેલની અંતિમ ઇચ્છા 2.30 મીટર (7 ફૂટ 6.625 ઇંચ) કૂદી એવો વિશ્વરેકૉર્ડ પ્રસ્થાપિત કરવાની હતી કે જે ઘણા સમય સુધી અમેરિકાના ખેલાડીઓથી તોડી ન શકાય; પરંતુ 5 ઑક્ટોબર 1965ના રોજ મોટર સાઇકલ-અકસ્માતમાં બ્રૂમેલનો પગ તૂટવાથી તેઓને વર્ષો સુધી ઊંચી કૂદમાંથી બાકાત રહેવું પડ્યું અને આ રીતે 2.30 મી. ઊંચાઈ કૂદવાની તેમની ઇચ્છા ફળીભૂત થઈ શકી નહિ. આમ છતાં ઓલિમ્પિક્સ તેમજ વિશ્વ ખેલકૂદ(ઍથ્લેટિક્સ)ના ઇતિહાસમાં જ્યારે પણ ઊંચી કૂદના શ્રેષ્ઠ ખેલાડીઓની વાત થાય છે ત્યારે રશિયાના વાલેરી બ્રૂમેલનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે.
પ્રભુદયાલ શર્મા