વારસો (succession)

વૈધિક અને કાલ્પનિક રીતે મૃત વ્યક્તિને અસ્તિત્વમાં રાખવાની એક પ્રક્રિયા અથવા યુક્તિ. તેથી કરીને મરનારની મિલકત એના પ્રતિનિધિમાં સ્થાપિત (vest) થાય છે. આ એક એવી યુક્તિ છે, જેને લઈને એક વ્યક્તિના અવસાનથી બીજી વ્યક્તિને મરનારની મિલકત અથવા એવી મિલકતમાં અમુક હિત મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

વ્યક્તિના મૃત્યુથી એના અમુક અધિકારો બીજાને પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ અધિકારોના બે વિભાગો પડે છે : (1) વારસાથી પ્રાપ્ત થઈ શકે તેવા અધિકારો અને (2) વારસાથી પ્રાપ્ત ન થઈ શકે તેવા અધિકારો.

વ્યક્તિના મૃત્યુથી જે અધિકારો અસ્તિત્વમાં રહે છે તે અધિકારો વારસામાં ઊતરી શકે છે અને જે અધિકારો અસ્તિત્વમાં નથી રહેતા તે વારસામાં ઊતરી શકતા નથી. સંપત્તિવિષયક અધિકારો વારસામાં ઊતરી શકે છે, પરંતુ વ્યક્તિના અંગત (personal) અધિકારો વારસામાં ઊતરી શકે નહિ.

આમ મિલકત મેળવનાર વ્યક્તિમાં મિલકતનું સંક્રમણ (devolution) થાય છે તેને મિલકતનું એકથી બીજી વ્યક્તિ પ્રતિ હસ્તાંતર થવું (passing of property) પણ કહે છે.

વારસા-અધિકારને ઉત્તરાધિકાર (succession) અને વારસો મેળવનારને ઉત્તરાધિકારી કહે છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 (Hindu Succession Act, 1956) આ અધિકારનું નિયમન કરે છે.

વ્યક્તિના અવસાનથી તેની મિલકત કોને મળશે તે માટે મરનારે એના અવસાન અગાઉ વસિયતનામું બનાવીને વ્યવસ્થા કરી હોય અથવા તેણે વસિયતનામું ન બનાવ્યું હોય એમ પણ બને.

જ્યાં વસિયતનામાને આધારે મિલકત પ્રાપ્ત થાય ત્યાં મિલકતની એવી સંપ્રાપ્તિ (ex-testament) વસિયતથી થઈ કહેવાય અને એ સિવાય બીજી રીતે મિલકત સંપ્રાપ્ત કરનારને એ મિલકત બિનવસિયતી રીતે મળી છે (ab-intestato) એમ કહેવાય. વારસાના બે પ્રકારો છે : વસિયતી અર્થાત્ testamentory અને બિનવસિયતી અર્થાત્ non-testamentory.

ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925માં મુખ્યત્વે વસિયતી વારસા સંબંધી જોગવાઈઓ છે. આ ઉપરાંત ખ્રિસ્તીઓ અને પારસીઓના બિનવસિયતી વારસા સંબંધી જોગવાઈઓ પણ આ અધિનિયમમાં આમેજ કરવામાં આવી છે.

એ નોંધનીય છે કે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 હિંદુઓ અને મુસ્લિમોના બિનવસિયતી વારસાનું સંચાલન કરતો નથી. તેથી હિંદુઓ અને મુસ્લિમો સિવાયની બધી જ કોમોને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 બંધનકર્તા છે.

વ્યક્તિનું અવસાન થતાં જ્યારે કાયદાના અમલથી અને બક્ષિસ કર્યા સિવાયની અન્ય કોઈ પણ રીતે મિલકતનું બીજી વ્યક્તિમાં સંક્રમણ થાય ત્યારે તે વ્યક્તિને મિલકત વારસામાં મળી છે એમ કહેવાય. વારસામાં મિલકત મળવા વિશે ત્રણ પદ્ધતિઓ છે :

(अ) મરનારની મિલકતમાં અમુક સગાંઓને અમુક નિશ્ચિત હકો કાયદાએ અગાઉથી આપેલા જ હોય છે; જેમકે, હિંદુસમાંશિત મિલકત (coparcenary property) અર્થાત્ મજિયારી મિલકતમાં સમાંશિત = coparcener અથવા સહહિસ્સેદારનું હિત; દા. ત., એક હિંદુ વ્યક્તિ ‘अ’નું અવસાન થાય છે. તે એની પાછળ એની પત્ની અને બે પુત્રો મૂકતો જાય છે. અહીં પુત્રોને પિતાની મિલકત ઉત્તરાધિકારથી પ્રાપ્ત થાય છે. માતાને પણ સમાન અધિકાર મળે છે.

(आ) અવસાન પામનારે પોતાની મિલકત કોને, કેટલા પ્રમાણમાં આપવી તેનો વસિયતનામા દ્વારા નિકાલ ન કર્યો હોય ત્યારે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની જોગવાઈઓ પ્રમાણે તેનો નિકાલ કરાશે.

(इ) અવસાન પામનાર વ્યક્તિ પોતાના મૃત્યુ પહેલાં વસિયત બનાવી એની મિલકતની વ્યવસ્થા કે નિકાલ કરી શકે છે. એના આધારે તેમાં જણાવેલી વ્યક્તિઓને મિલકત વારસામાં મળશે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925માં વસિયતનામા સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે.

1956નો હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ઘડવામાં આવ્યો તે પહેલાં અમુક વ્યક્તિને ઉત્તરાધિકારમાંથી બાકાત રાખવા માટે નીચે પ્રમાણેનાં કારણો ધ્યાનમાં લેવાયાં હતાં : (1) સ્ત્રીની ચારિત્ર્યહીનતા, (2) સ્ત્રીનું પુનર્લગ્ન, (3) અનૌરસતા, (4) શારીરિક કે માનસિક કુદરતી ખોડખાંપણ, (5) ખૂની વ્યક્તિ અને તેનાં સંતાનો, ખૂનમાં મદદગાર વ્યક્તિ; (6) ધર્મપરિવર્તન અને જ્ઞાતિત્યાગ, (7) સંન્યાસગ્રહણ અને (8) રિવાજ.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમે આ બધાં જ કારણો મંજૂર રાખ્યાં નથી. આ અધિનિયમની કલમ 28 જણાવે છે તે પ્રમાણે કોઈ રોગ, ક્ષતિ અથવા વિકૃતિને કારણે અથવા આ અધિનિયમમાં જણાવેલાં કારણો સિવાય અન્ય કોઈ કારણસર કોઈ પણ વ્યક્તિને વારસો મેળવવામાંથી બાકાત રાખી શકાશે નહિ. પરિણામે સ્ત્રીની ચારિત્ર્યહીનતા તેને હવે વારસો મેળવતાં રોકી શકતું નથી. સ્ત્રીના પુનર્લગ્નની બાબતમાં પણ એવી જોગવાઈ છે કે જ્યારે વારસો ખૂલે એટલે કે વારસો પ્રાપ્ત થવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તે સમયે જો તેણે પુનર્લગ્ન કર્યા હશે તો તેને વારસો પ્રાપ્ત થશે નહિ. જે બાળકો અનૌરસ હોય તેઓને વારસો મેળવવાનો હક અગાઉ ન હતો અને 1956 પહેલાં તેઓ તેમની માતાની મિલકતનો જ વારસો મેળવી શકતાં; પરંતુ 1956ના અધિનિયમથી એવી જોગવાઈ કરી છે કે આવાં બાળકોનો સંબંધ તેમની માતા સાથે અને પરસ્પરનો છે. તેમનાં જે ઔરસ બાળકો છે તેઓનો સંબંધ તેમની સાથે અને પરસ્પર હોવાથી તેઓ એકબીજાની મિલકતનો વારસો મેળવી શકે છે; પરંતુ એ જ પિતા કે માતાનાં અનૌરસ બાળકો સાથે એનાં બીજાં અનૌરસ સંતાનોને કોઈ સંબંધ ન હોવાથી તેઓ પરસ્પર વારસો મેળવી શકતાં નથી. 1956ના અધિનિયમ પૂર્વે વારસો લેનાર જો ગાંડો હોય અથવા આજન્મ મૂર્ખ હોય તો તેને વારસો મળી શકતો નહિ, પરંતુ 1956ના હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 28થી આ શરત નાબૂદ કરી હોઈ જન્મજાત ગાંડપણ કે આજન્મ મૂર્ખ હોય તેવી વ્યક્તિને પણ હવે વારસામાંથી બાકાત રાખી શકાશે નહિ. અગાઉ, જેની પાસેથી વારસો મળવાનો હોય તેના ખૂનીને અને તેનાં બાળકોને તથા એવા ખૂનમાં મદદગાર થનારને વારસો મળી શકતો નહિ. 1956ના અધિનિયમે આ કારણને સ્વીકારીને આવી વ્યક્તિને વારસામાંથી બાકાત રાખી છે. (કલમ 25) ધર્મપરિવર્તન, જ્ઞાતિત્યાગ અથવા સંન્યાસી બની જવાને કારણે પણ તેવી વ્યક્તિને વારસો મળી શકતો નથી. અમુક જગાએ એવો રિવાજ હોય છે કે મરનારની પુત્રીને વારસો મેળવવાનો અધિકાર નથી; પરંતુ હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ની જોગવાઈઓ જોતાં આ જોગવાઈ કે રિવાજ કાયદાની દૃષ્ટિએ અમાન્ય ઠરી શકે તેવો છે. ઉપરનાં કારણોસર મિલકતનો વારસો ન મેળવી શકનાર વ્યક્તિ જાણે કે વારસો મેળવવાના સમય પહેલાં એટલે કે અવસિયતી ગુજરનારની પહેલાં જ મૃત્યુ પામી છે એમ ગણાશે.

1956ના હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમથી શૂદ્રના અનૌરસ સંતાનને એની માતા કે એના પિતાની મિલકતનો વારસો મેળવવાનો અધિકાર નથી.

નીચેની મિલકતો બીજી વ્યક્તિને વારસાથી પ્રાપ્ત થાય છે :

(ક) જે વ્યક્તિ મજિયારામાંથી અલગ થયો છે તેની મિલકત વારસાથી બીજી વ્યક્તિને મળશે.

(ખ) આવા સહહિસ્સેદારની જે સ્વોપાર્જિત મિલકત છે, તે પણ વારસાથી પ્રાપ્ત થશે.

(ગ) જે વ્યક્તિ એકલજીવિત સહહિસ્સેદાર (sole surviving coparcener) છે તેની મિલકત વારસાથી પ્રાપ્ત થશે.

(ઘ) સ્ત્રીસભ્યની સ્ત્રીધન સહિતની બધી જ મિલકત;

(ઙ) મજિયારામાં પુન: જોડાનાર વ્યક્તિની મિલકત અને

(ચ) મિતાક્ષર કાયદાથી સંચાલિત થનાર મજિયારામાં હિંદુ પુરુષનું જે હિત હોય તે વારસાથી અમુક શરતે પ્રાપ્ત થશે.

આ અધિનિયમ અમલમાં આવ્યો તે પહેલાં વારસા અંગે વિવિધ પદ્ધતિઓ પ્રચલિત હતી. જે મિલકતો સંયુક્ત માલિકીની હતી તેમાંનું હિત ઉત્તરજીવિત્વના સિદ્ધાંત(doctrine of survivorship) આધારે અને જે મિલકત મરનાર વ્યક્તિની અંગત/અલગ હતી તેમાંનું હિત ઉત્તરાધિકાર(succession)ને આધારે બીજી વ્યક્તિને મળતું. સ્ત્રીધનના વારસા માટે અલગ નિયમો હતા અને સ્ત્રીને અમુક સંજોગોમાં મિલકતની મર્યાદિત માલિક ગણવામાં આવતી હતી. આમ વારસાના નિયમો પિતૃપ્રધાન વ્યવસ્થાની આજુબાજુ ગૂંથાયેલા હતા.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 તા. 17-6-1956થી અમલી બન્યો. જૂના હિંદુ વારસાના કાયદામાં આ અધિનિયમે ધરખમ ફેરફારો કર્યા છે. મહત્વના ફેરફારો સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે:

1. દરેક હિંદુ; પછી તે મિતાક્ષર વિચારસરણીથી સંચાલિત થતો હોય કે દાયભાગ, મરૂમક્કટ્ટયમ્, અલિયાસંતન અથવા નામ્બૂદ્રી વિચારસરણીથી; તેને આ અધિનિયમ લાગુ પડે છે.

2. આ અધિનિયમથી વારસોના પુરાણા પ્રકારો – ગોત્રજ, સપિંડ, સમાનોદક, બંધુ, સકુલ્ય – નાબૂદ કરી તેમનું પ્રથમ, બીજા અને ત્રીજા વર્ગના વારસદારોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

3. મજિયારી મિલકતમાં વિધવાને પુરુષના જેટલો જ હક પ્રાપ્ત થાય છે.

4. વ્યક્તિની અલગ મિલકતના વારસા બાબતમાં અગાઉ પ્રવર્તતી બે વ્યવસ્થાઓ નાબૂદ કરી તેને સ્થાને કલમ 8માં જણાવ્યા પ્રમાણેનો એકસરખો પ્રબંધ કર્યો છે. આ પ્રબંધ પ્રમાણે અવસિયતી ગુજરનાર હિંદુ પુરુષની મિલકતનું સંક્રમણ નીચે પ્રમાણેની વ્યક્તિઓમાં થશે :

(ક) પ્રથમ તેનાં સગાંવહાલાં; જે પ્રથમ વર્ગમાં દર્શાવ્યાં છે તેમને;

(ખ) પ્રથમ વર્ગના વારસો ન હોય તો આ અધિનિયમની અનુસૂચિમાં દર્શાવેલાં બીજા વર્ગનાં સગાંવહાલાંને;

(ગ) ઉપરના વર્ગમાંથી કોઈ વર્ગના વારસો જો ન હોય તો મિલકતનો વારસો મરનારની સગોત્ર વ્યક્તિઓને પ્રાપ્ત થશે અને

(ઘ) જો સગોત્ર વ્યક્તિઓ નહિ હોય તો મરનારની મિલકત ભિન્ન-ગોત્ર વ્યક્તિઓને મળશે.

વર્ગ-1ના વારસદારો

પુત્ર; પુત્રી; વિધવા; માતા;

પૂર્વમૃત પુત્રનો પુત્ર;

પૂર્વમૃત પુત્રની દીકરી;

પૂર્વમૃત પુત્રીનો દીકરો;

પૂર્વમૃત પુત્રીની પુત્રી;

પૂર્વમૃત પુત્રની વિધવા;

પૂર્વમૃત પુત્રના પૂર્વમૃત પુત્રનો પુત્ર

પૂર્વમૃત પુત્રના પૂર્વમૃત પુત્રની પુત્રી

પૂર્વમૃત પુત્રના પૂર્વમૃત પુત્રની વિધવા

વર્ગ-2ના વારસદારો

(1) પિતા;

(2) પુત્રની પુત્રીનો પુત્ર; પુત્રની પુત્રીની પુત્રી; ભાઈ, બહેન;

(3) પુત્રીના પુત્રનો પુત્ર; પુત્રીના પુત્રની પુત્રી; પુત્રીની પુત્રીનો પુત્ર; પુત્રીની પુત્રીની પુત્રી;

(4) ભાઈનો પુત્ર, બહેનનો પુત્ર; ભાઈની પુત્રી, બહેનની પુત્રી;

(5) પિતાના પિતા; પિતાની માતા;

(6) પિતાની વિધવા; ભાઈની વિધવા;

(7) પિતાનો ભાઈ, પિતાની બહેન;

(8) માતાનો પિતા, માતાની માતા;

(9) માતાનો ભાઈ, માતાની બહેન.

નોંધ : ‘ભાઈ’ અથવા ‘બહેન’ શબ્દમાં સહોદર ભાઈ અથવા બહેન સમાવિષ્ટ નથી.

5. હિંદુ સ્ત્રીની મિલકત જે તેણે ગમે તે રીતે અને ગમે ત્યારે મેળવવી હોય તે તેની નિરપેક્ષ મિલકત બને છે; સ્ત્રી તેની કુલ માલિક બને છે અને તેનો નિકાલ કરવાની તેને સંપૂર્ણ અને અમર્યાદ સત્તા રહે છે. વસિયતનામું બનાવીને પણ તે તેનો નિકાલ કરી શકે છે. (ભા. ઉ. અધિ., ક. 14).

6. જેનું વિભાજન ન થઈ શકે તેવી મિલકતો નાબૂદ કરવામાં આવી છે [અપવાદ, કલમ 5 (ii) અને 5 (iii)].

7. આ અધિનિયમ અમલી બન્યો તે પહેલાં કોઈ હિંદુ સ્ત્રી અવસિયતી ગુજરી જાય તો તેના સ્ત્રીધનના વારસા અંગેની અગાઉની વિશિષ્ટતાઓ નાબૂદ કરી આ અધિનિયમ તેની કલમ 15 પ્રમાણે વારસાની એકસરખી યોજના રજૂ કરે છે. આ યોજના પ્રમાણે – કોઈ હિંદુ સ્ત્રી અવસિયતી ગુજરી જાય તો તેની મિલકતનું સંક્રમણ કલમ 16માં દર્શાવેલા નિયમો અનુસાર થશે :

(1) (ક) પ્રથમ તે મિલકત તેના દીકરાઓ અને દીકરીઓ (અગાઉ અવસાન પામેલા દીકરા તથા દીકરીનાં સંતાનો સહિત) અને તેના પતિને સંપ્રાપ્ત થશે;

(ખ) તે પછી પતિના વારસદારોમાં તેનું સંક્રમણ થશે;

(ગ) તે પછી માતા અને પિતાને;

(ઘ) તે પછી પિતાના વારસદારોને અને

(ઙ) તે પછી માતાના વારસદારોમાં તેનું સંક્રમણ થશે.

(2) ઉપરની પેટાકલમ(1)માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતાં

(ક) હિંદુ સ્ત્રીને એના પિતા અથવા માતા તરફથી જે મિલકત વારસામાં મળી હશે તે, મરનારને જો કોઈ પુત્ર કે પુત્રી (અગાઉ અવસાન પામેલા પુત્ર કે પુત્રીનાં બાળકો સહિત) નહિ હોય તો તે પેટાકલમ(1)માં દર્શાવેલા બીજા વારસોને તેમાં જણાવેલા ક્રમ પ્રમાણે મળશે નહિ, પરંતુ તે પિતાના વારસોને પ્રાપ્ત થશે.

(ખ) હિંદુ સ્ત્રીને તેના પતિ તરફથી અથવા તેના સસરા તરફથી કોઈ મિલકત વારસામાં મળી હશે તો તે મરનારને જો કોઈ પુત્ર કે પુત્રી (અગાઉ અવસાન પામેલા પુત્ર કે પુત્રીનાં બાળકો સહિત) નહિ હોય તો તે પેટા કલમ(1)માં દર્શાવેલા અન્ય વારસોને તેમાં દર્શાવેલા ક્રમમાં ન મળતાં પતિના વારસોને મળશે.

હિંદુ સ્ત્રીના વારસો વચ્ચે તેની મિલકતનું સંક્રમણ કયા ક્રમમાં અને કઈ રીતે થશે તેને લગતા ત્રણ નિયમો કલમ 16માં આપ્યા છે.

8. વારસોની ગેરલાયકાતો દૂર કરવા વિશે અગાઉ વારસોની અમુક ક્ષતિઓ, વિકૃતિઓ અને રોગોને કારણે તેઓને વારસો મેળવવામાંથી બાકાત રાખવામાં આવતા હતા. આ અધિનિયમની કલમ 28 મિલકતનો વારસો મેળવવા અંગેની આવી ગેરલાયકાતો નાબૂદ કરે છે.

(9) આ અધિનિયમ અમલી બનાવાયો તે અગાઉ મિતાક્ષર કાયદા પ્રમાણે coparcenerને એનું જે અવિભક્ત હિત હતું તેનો નિકાલ વસિયતનામું કરીને કરવાનો અધિકાર ન હતો, પછી ભલે બાકીના બીજા એમ કરવાની સંમતિ આપે. કલમ 30ના ખુલાસાથી આ નિયંત્રણ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે.

(10) જ્યારે અવસાન પામનાર અવસિયતી હિંદુની મિલકત એના બે કે વધુ વારસોને મળતી હોય અને તેમાંની કોઈ પણ વ્યક્તિ એ મિલકતમાંનું એનું પોતાનું હિત અન્યને તબદીલ કરવા માગતી હોય ત્યારે બીજા વારસને એ હિત મેળવવાનો વધુ ચડિયાતો અધિકાર છે. આ અધિકાર પ્રીએમ્પશન (pre-emption) અર્થાત્ શફીબદારી હક (અગ્રહક) જેવો અધિકાર છે. કલમ 22 આ વિશે પ્રબંધ કરે છે.

(11) કલમ 8ને કલમ 3(એ) અને (સી) સાથે વાંચતાં આ અધિનિયમ એવો પ્રબંધ કરે છે કે જેથી મિલકત સરકારમાં જાય (રાજ્યગમન = escheat) તે પહેલાં મરનારનાં રક્તસંબંધીઓને વારસો મેળવવાની તકો પ્રાપ્ત થાય.

(12) આ અધિનિયમથી પુરુષ અને સ્ત્રી-બાબતમાં સંપૂર્ણ સમાનતા સ્થપાઈ છે. મરનારની વિધવાને એના પતિની મિલકત સંક્રમણ થઈ હોય તે પછી જો તે સ્ત્રી ફરી લગ્ન કરે તો તેની અસર એવી નહિ થાય કે જેથી વિધવાને વારસામાં મળેલી મિલકત છીનવાઈ જાય. પરિણામે વિધવા fresh stock of descent બની શકે છે.

(13) સહવારસો વચ્ચે વારસામાં (જૉઇન્ટ ટેનન્સી) = સંયુક્ત ભૂધારણનો જે પ્રબંધ હતો તે કલમ 19 નાબૂદ કરે છે.

(14) અધિનિયમની કલમ 21 એવા કૃત્રિમ અનુમાનના નિયમને દાખલ કરે છે કે જ્યાં વારસોનાં મૃત્યુ એકસાથે થાય. ત્યાં જે યુવાન છે તે તેનાથી મોટી ઉંમરની વ્યક્તિ કરતાં પછીથી અવસાન પામે છે.

(15) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 એ દેશનો કાયદો હોવાથી તેની જોગવાઈઓને કોઈ પણ પ્રકારની સમજૂતીથી ટાળી શકાશે નહિ.

વસિયતી વારસો (ટેસ્ટામેન્ટરી સક્સેસન) : દરેક વ્યક્તિને એની મિલકત એના મૃત્યુ પછી કોને મળશે તે વસિયતનામું કે વિલ બનાવીને નક્કી કરવાનો અને એમ કરીને પોતાની મિલકતનો નિકાલ કરવાનો અધિકાર છે.

વસિયતનામાનો કર્તા એના અવસાન પછી એની મિલકતના નિકાલ વિશેનો જે ઇરાદો અમલમાં મૂકવા માગે છે તેની કાયદેસરની જાહેરાત [ક. 2 (એચ), ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925] વસિયતનામામાં પુરવણી વસિયતનામા(કોન્ડસિલ)નો પણ સમાવેશ થાય છે. (1) વસિયતનામાના કર્તાના ઇરાદાનું વિધિમાન્ય જ્ઞાપન (Animus testendi), (2) એવું જ્ઞાપન એની મિલકત વિશેનું હોવું અને (3) વસિયતનામું એના મૃત્યુ પછી અમલી બને – એ વસિયતનામાંનાં ત્રણ આવશ્યક તત્વો છે. વસિયતનામાનો કર્તા પોતે ધારે ત્યારે વસિયતનામાને રદ કરી શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા નવું વસિયતનામું બનાવી શકે છે.

વસિયતનામામાં એના કર્તાની સહી તથા બે સાક્ષીઓની સહી હોવી જોઈએ. વ્યક્તિનું છેલ્લામાં છેલ્લું વસિયતનામું એનું આખરી વસિયતનામું હોઈ તે અમલી બની શકે છે. દરેક વસિયતનામું એના કર્તાના મૃત્યુથી અમલી બને છે.

સગીર અથવા દીવાની વ્યક્તિએ કરેલું વસિયતનામું તથા કપટ, જોરજુલમ અથવા કાલાવાલા કરીને કરાવેલું વસિયતનામું વ્યર્થ છે. વસિયતનામાના કર્તાનો ઇરાદો સ્પષ્ટ ન કરતું વસિયતનામું પણ વ્યર્થ છે.

વસિયતનામું બનાવી પોતાની મિલકતની વ્યવસ્થા કરવાના અનેક લાભો છે. જ્યાં વસિયતનામું બનાવવામાં નહિ આવ્યું હોય અને મરનાર વ્યક્તિ જો હિંદુ, બુદ્ધિસ્ટ, જૈન કે શીખ હશે તો તેની મિલકતની વ્યવસ્થા હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956ની જોગવાઈઓ પ્રમાણે કરાશે. મરનાર વ્યક્તિ જો ખ્રિસ્તી હશે તો તેની મિલકતને ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 લાગુ પડશે. મરનાર જો શિયા અથવા સુન્ની મુસ્લિમ હશે તો તેને માટે જે અલગ અલગ કાયદાઓ છે તે લાગુ પાડી તેની મિલકતનો નિકાલ કરાશે.

વસિયતનામાના પ્રકારો : (i) શરતી અથવા સંભાવ્ય (conditional ઑર contigent) વસિયતનામું : આ પ્રકારના વસિયતનામા તેમાંની અમુક શરત પૂરી થતાં અથવા અમુક બનાવ બનતાં તે અમલમાં આવે છે. (ii) બીજી નકલ સાથેનું (duplicate) વસિયતનામું : અહીં વસિયતનામાની બે પ્રતો બનાવવામાં આવે છે, જેમાંની એક સલામતીને ખાતર સેફ deposit વૉલ્ટમાં અથવા તો વસિયતનામાના પ્રવર્તકને આપવામાં આવે છે. વસિયતનામાનો કર્તા એની પાસેની નકલ રદ કરે તો બીજી નકલ આપોઆપ રદ ગણાય છે. (iii) જ્યારે મિલકત-માલિકની મિલકતોમાંથી અમુક એક દેશમાં અને બીજી બીજા દેશમાં આવેલી હોય ત્યારે પ્રથમ માટે એક અને બીજી માટે બીજું વસિયતનામું બનાવાય છે. આને સમાંતર (concurrent) વસિયતનામું કહે છે. (iv) વસિયતનામાનો કર્તા સ્વહસ્તાક્ષરમાં વસિયતનામું બનાવે તો તેને હસ્તલિખિત (holograph) વસિયતનામું કહે છે. (v) જ્યારે બે કે વધુ વ્યક્તિઓ તેમનું ભેગું વસિયતનામું બનાવે ત્યારે તેને સંયુક્ત (joint) વસિયતનામું કહે છે. (vi) બે વસિયતનામાના બંને કર્તાઓ જ્યારે તેમના વસિયતનામામાં દર્શાવેલી મિલકતમાં પરસ્પરને લાભ આપે ત્યારે એવા વસિયતનામાને પારસ્પરિક વસિયતનામું (mutual will) કહે છે. (vii) વસિયતનામાના કર્તા તેના વસિયતનામાથી તેની મિલકત કોઈને આપવાનો ઇરાદો સ્પષ્ટતાથી જાહેર ન કરે ત્યારે તેણે બનાવેલા વસિયતનામાને બનાવટી કે ઠગારું (sham) વસિયતનામું કહે છે. (viii) રણક્ષેત્રમાં સક્રિય રીતે સંડોવાયેલો સૈનિક એના મૃત્યુ પહેલાં બે સાક્ષીઓ સમક્ષ મૌખિક રીતે વસિયતનામું ઉચ્ચારે ત્યારે તેવા વસિયતનામાને વિશિષ્ટાધિકૃત (formal અથવા nuncupative) વસિયતનામું કહે છે. (ix) અન્ય કોઈ વ્યક્તિ આવી રીતે વસિયતનામું કરે તો તેવા વસિયતનામાને બિનવિશિષ્ટાધિકૃત (unprivileged) વસિયતનામું કહે છે.

વસિયતનામામાં અધિવાસ મહત્વનો ભાગ ભજવે છે.

ભારતમાં અવસાન પામેલી વ્યક્તિની મિલકતના ઉત્તરાધિકારનું નિયમન ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની કલમો 5 અને 6માં જણાવેલા નિયમો અનુસાર થશે.

મિલકતના બે પ્રકારો છે : (1) સ્થાવર મિલકત અને (2) જંગમ મિલકત. કલમ 5(1) ઠરાવે છે તે પ્રમાણે મરનાર વ્યક્તિની ભારતમાંની સ્થાવર મિલકત બાબતમાં ભારતીય કાયદો લાગુ પડશે પછી તેના અવસાન-સમયે મરનારનો અધિવાસ ગમે ત્યાં હોય; જંગમ મિલકત બાબતમાં અવસાન પામનાર વ્યક્તિનો તેના અવસાન સમયે જ્યાં અધિવાસ હશે તે સ્થળના કાયદાથી વારસાનું નિયમન થશે. એટલે ભારતમાંની સ્થાવર મિલકત બાબતમાં ભારતીય કાયદો લાગુ પડાશે અને જંગમ મિલકત બાબતમાં મૃત વ્યક્તિના અધિવાસને કાયદો લાગુ પાડવામાં આવશે. [ક. 5(1), 5(2)]

વસિયતનામાનું અર્થઘટન : હજુ સુધી એવું કોઈ વસિયતનામું બનાવી શકાયું નથી, જેમાં અર્થઘટનની કોઈ તકરાર ઉપસ્થિત ન થઈ હોય. વસિયતનામાના અર્થઘટન માટેના સામાન્ય નિયમો આ પ્રમાણે છે :

(i) અદાલતે વસિયતકર્તાના ઇરાદાઓને અસરકારક બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. એ માટે (ii) વસિયતનામામાંના શબ્દો અને સમગ્ર વસિયતનામાનું લખાણ ધ્યાનમાં લેવાનું છે. (iii) શબ્દોનો સામાન્ય અર્થ સ્વીકારવો. વસિયતનામું લખાયું ત્યારના સંજોગો તથા તે માટેનો મૌખિક પુરાવો સ્વીકારીને વસિયતનામાના કર્તાની સ્થિતિમાં પોતાને મૂકવાનો પ્રયત્ન અદાલત કરશે; જેથી કરીને એ વસિયતનામાનો યોગ્ય અર્થ તારવી શકાય. આ ઉપરાંત (iv) વસિયતનામાના કર્તાની માનસિક સ્થિતિ, આજુબાજુના સંજોગો, તેના કૌટુંબિક સંબંધો, તેની જાતિ, તેના અભિપ્રાયો તથા તેણે અમુક શબ્દ અમુક અર્થમાં વાપર્યો હશે એ વિશેનો પુરાવો અદાલત લક્ષમાં લેશે.

ખ્રિસ્તી સંપ્રદાયમાં વસિયત બનાવીને મિલકત આપવાનું વલણ જોરદાર છે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 હેઠળ વસિયતનામાના નિયમો ખ્રિસ્તીઓ, યુરોપિયનો અને પારસીઓ માટે એકસમાન છે; સિવાય કે મુસ્લિમો. તેથી અગાઉ જણાવેલી બધી જ વિગતો ખ્રિસ્તીઓને લાગુ પડે છે. વસિયતનામાનો કર્તા ખ્રિસ્તી હોય ત્યારે વસિયતનામું બનાવ્યા પછી જો તે લગ્ન કરે તો તેણે કરેલું વસિયતનામું રદ થશે; ખ્રિસ્તીઓ માટે આ ખાસ જોગવાઈ છે.

મુસ્લિમ કાનૂન પ્રમાણે વસિયત એટલે અમુક નિર્દિષ્ટ મિલકત બાબતમાં કે અમુક લાભ કે નફામાં બીજી વ્યક્તિને એવો હક પ્રદાન કરવો કે જે વસિયતકર્તાના મૃત્યુ બાદ અસરકારક બને. (ફતવા-એ-આલમગીરી). મિલકત આવી રીતે આપવામાં આવે તે વ્યવહારને ઉત્તરદાન આપવું (bequeath) – એ નામથી ઓળખવામાં આવે છે.

વસિયતકર્તાનો મિલકત આપવાનો સ્પષ્ટ ઇરાદો અને એના મૃત્યુ બાદ તે અમલી બને એ બે શરતો વિધિમાન્ય વસિયતની મુખ્ય શરતો છે.

ઇસ્લામના આગમન પહેલાં કોઈ પણ મુસ્લિમ પોતાની મિલકત ગમે તેને, ગમે તેટલા પ્રમાણમાં આપે તેના પર કોઈ નિયંત્રણો ન હતાં. ઇસ્લામે એવું નિયંત્રણ મૂક્યું કે વ્યક્તિ તેની મિલકતનો 2થી વધુ હિસ્સો વસિયત બનાવીને અન્યને આપી ન શકે. વ્યક્તિ અને મિલકત બંનેના સંદર્ભમાં આવાં નિયંત્રણો છે.

મિલકત ધરાવનાર, પુખ્ત ઉંમરની અને સ્વસ્થ મનની કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ વસિયતનામું બનાવી શકે. જો સગીરે વસિયતનામું બનાવ્યું હશે તો જ્યાં સુધી તે પુખ્ત ઉંમરનો થઈ તેને અનુમોદન આપે નહિ ત્યાં સુધી તે અમલી બનતું નથી. સગીરત્વ ઇન્ડિયન મેજૉરિટી ઍક્ટની કલમ 3 પ્રમાણે નક્કી કરાશે. હનાફી કાયદા પ્રમાણે સગીર વસિયતનામું બનાવી ન શકે ત્યારે શિયા અને શફી કાયદા પ્રમાણે સગીર વસિયતનામું બનાવી શકે છે. જે કોઈ મિલકત અન્યને તબદીલ કરી શકાય તે વસિયતનામાથી આપી શકાય.

પોતાના વારસદારને, અજન્મા વ્યક્તિને અને વસિયતકર્તાના ખૂનીને વસિયતનામાથી ઉત્તરદાન આપી શકાતું નથી. બિનમુસ્લિમ અને ધર્મત્યાગીને અપાયેલું ઉત્તરદાન ભારતમાં કાયદામાન્ય છે.

મુસ્લિમ વારસાના સામાન્ય નિયમો : મુસ્લિમ કાયદામાં વારસો મેળવવાના નિયમોને મુખ્ય બે વિભાગમાં દર્શાવવામાં આવ્યા છે : (i) હનાફી (સુન્ની) સંપ્રદાયનો વારસા વિશેનો કાયદો અને (ii) ઇથ્ના અશારી સંપ્રદાયનો વારસા વિશેનો કાયદો. પ્રથમ સંપ્રદાયના નિયમો શફેઇ પંથને માન્ય છે; બીજા સંપ્રદાયના નિયમો ઇસ્માઇલી સંપ્રદાયના નિયમોની લગભગ નજીક છે. (તાહિર મેહમૂદ, પૃ. 248, 249)

(i) અવસાન પામનાર તેના મૃત્યુ સમયે જે સંપ્રદાયનો અનુયાયી હશે તેનો કાયદો લાગુ પાડવામાં આવશે. ધર્મપરિવર્તન કરી મુસ્લિમ થનારને પણ આ જ નિયમ લાગુ પડે છે.

(ii) મુસ્લિમ કાયદામાં વંશપરંપરાગત અને સ્વોપાર્જિત મિલકત વચ્ચે તથા અંગત મિલકત અને સંયુક્ત કુટુંબની મિલકત વચ્ચે કોઈ ભેદ નથી સ્વીકાર્યો. ગુજરનાર વ્યક્તિની કુલ મિલકતમાંથી (1) અંતિમ ક્રિયાનો ખર્ચ, (2) મિલકતનું પ્રોબેટ અથવા લેટર્સ ઑવ્ ઍડમિનિસ્ટ્રેશન મેળવવા માટે થયેલો ખર્ચ, (3) મૃત્યુ પહેલાંના ત્રણ માસમાં તેની સેવા કરનારનો ખર્ચ, (4) મરનારનાં દેવાંની ચુકવણી કરવાનો ખર્ચ, મરનારે વસિયત બનાવીને જે મિલકત ઉત્તરદાનમાં આપી હશે તે રકમ, – આ સર્વે રકમો બાદ જતાં જે રહે તે મિલકત મરનારના વારસોને પ્રાપ્ત થશે.

(iii) આ કાયદામાં સ્થાવર અને જંગમ મિલકત વચ્ચે કોઈ ભેદ પાડ્યો નથી, તેથી વારસોને દરેક મિલકતમાં ભાગ મળે.

(iv) મરનારનાં જીવતાં તેનો વારસો મેળવવાનો કોઈ ને કોઈ નિહિત અધિકાર (vested right) છે તે સિદ્ધાંત આ કાયદાને માન્ય નથી. જ્યારે એનું મૃત્યુ થશે ત્યારે આવો હક પ્રાપ્ત થાય.

(v) અવસાન પામનારને તેના વારસદારોના હિસ્સામાં કોઈ વધારોઘટાડો કરવાનો અધિકાર નથી.

(vi) મરનારના મૃત્યુ પહેલાં ગુજરી જનારને અને જે વ્યક્તિ મરનારના મૃત્યુ સમયે તેની માતાના ગર્ભમાં ન હોય તેનો વારસો મળે નહિ.

(vii) પુરુષ-વારસનો ભાગ સ્ત્રી-વારસના ભાગથી બેવડો રહેશે.

(viii) શિયા કાયદા પ્રમાણે ગુમ થયેલી વ્યક્તિની મિલકતની વહેંચણી માટેનો સમય ગુમ થવાથી 10 વર્ષ પછીનો છે; જ્યારે શફી કાયદા પ્રમાણે તે સાત વર્ષ પછીનો છે.

હનાફી કાયદા હેઠળ વારસદાર સગાંના ત્રણ વર્ગો પાડ્યા છે : (1) હિસ્સેદારો – વર્ગ 1, (2) Residuaries = શેષાધિકારીઓ, વર્ગ 2 અને (3) દૂરનાં સગાંવહાલાં (Distant kindredes). ઉપર્યુક્ત વારસો નહિ હોય તો તે પછી (4) કરારને આધારે વારસો મેળવનાર, (5) સ્વીકૃત કરેલાં સગાં, (6) એકમાત્ર વારસ અને છેવટે (7) રાજ્ય – એ પ્રમાણે મિલકતનું સંક્રમણ થશે.

શિયા કાયદો વારસોના બે વિભાગ પાડે છે : (1) રક્તસંબંધવાળા વારસો જેને નસબ કહે છે અને (2) વિશિષ્ટ પ્રકારના વારસો જેને સબાબ કહે છે. આ બીજા પ્રકારના વારસોના વિભાગો છે :

(अ) લગ્નસંબંધને કારણે થતા વારસો; દા.ત., પતિ અને પત્ની; અને (ब) વિશિષ્ટ સંબંધને કારણે થતા વારસો.

રક્તસંબંધવાળા વારસોના ત્રણ વર્ગો છે :

(ક) પહેલામાં મા-બાપ, તેમનાં બાળકો અને અન્ય રેખાગત વારસો સમાવિષ્ટ છે;

(ખ) બીજામાં ગમે તેટલી ઉપરની પેઢીએ દાદા-દાદી (પછી તે સાચા હોય કે ખોટા), ભાઈ અને બહેનો અને તેમનાં બાળકો (પછી તે ગમે તેટલી નીચી પેઢીએ હોય) સમાવિષ્ટ છે; અને

(ગ) ત્રીજામાં મરનારના માતૃપક્ષે કાકાઓ તથા કાકીઓ અને તેનાં માબાપ અને ગમે તેટલી ઉપલી પેઢીએ દાદા-દાદી અને તેમનાં બાળકો, જે ગમે તેટલી નીચી પેઢીનાં હોય તેમનો તથા મરનારના માતૃપક્ષે કાકાઓ તથા કાકીઓ અને એનાં માબાપ તથા ગમે તેટલી ઉપલી પેઢીએ દાદા-દાદી અને ગમે તેટલી નીચલી પેઢીએ તેમનાં બાળકોનો સમાવેશ થાય છે.

નિયમ-1 : રક્તસંબંધવાળા વારસોમાં પ્રથમ વર્ગના વારસો બીજા વર્ગનાને અને બીજા વર્ગના વારસો ત્રીજા વર્ગનાને બાકાત રાખશે.

નિયમ-2 : ઉપર્યુક્ત ત્રણ વર્ગમાં જે વિભાગો પાડ્યા છે તે દરેક વર્ગના વારસોને સાથે હક્કહિસ્સો મળશે; પરંતુ તે સમયે જે વારસ મરનારની નજીકની પેઢીનો હશે તે દૂરની પેઢીનાને બાકાત રાખશે.

નિયમ-3 : હિસ્સેદારો = Sharersને કાયદામાં આપી છે તે યાદી અને શરતો પ્રમાણે હિસ્સો મળશે.

નિયમ-4 : પતિનો હિસ્સો પત્નીના હિસ્સાથી બેવડો હશે.

પારસી વારસાના સામાન્ય નિયમો :

બિનવસિયતી મૃત્યુ પામનાર પારસીઓની મિલકત-વહેંચણીના ખાસ નિયમો (ભા. ઉ. અધિ. 1925, ક. 50થી 56) :

1. મૃત્યુ પામનારની હયાતી દરમિયાન જેઓ ખરેખર જન્મ્યા હોય અને તેના મૃત્યુની તારીખે જેઓ ગર્ભસ્થિત હોય અને પછીથી જન્મ્યા હોય તેઓની વચ્ચે કોઈ ભેદ નથી એમ કાયદો માને છે.

2. બિનવસિયતી મૃત્યુ પામનારના સગાની કોઈ વિધવાએ તેમ મરનારની હયાતી દરમિયાન પુનર્લગ્ન કર્યું હશે તો મરનારની કંઈ પણ મિલકત તેવી વિધવાને મળશે નહિ કારણ કે તેમ મરનારના મૃત્યુ સમયે તેવી વિધવા અસ્તિત્વમાં નથી એમ કાયદાનું માનવું છે. (ક. 50)

(ક) જ્યાં કોઈ પારસી પુરુષ બિનવસિયતી મૃત્યુ પામે અને તેની પાછળ જો તે –

(i) તેની વિધવા અને સંતાનોને (1) પુત્ર અને વિધવા, દરેકને પુત્રીના
  મૂકતો જાય (તેનાં માબાપ   ભાગ કરતાં બેવડો ભાગ મળશે.
  વિના) તો…   ક. 51 એ. દા. ત., પુત્રીને 1
      ભાગ, પુત્રને 2 ભાગ અને
      વિધવાને 2 ભાગ.
(ii) ફક્ત બાળકો (વિધવા ન હોય (2) પુત્રનો ભાગ પુત્રીના ભાગ કરતાં
  ત્યાં)ને મૂકતો જાય તો…   બેવડો રહેશે. ક. 51 બી. દા. ત.,
      પુત્રીને 1 ભાગ તો પુત્રને 2 ભાગ.
(iii) તેની વિધવા અને સંતાનો તથા (3) પિતાનો ભાગ પુત્રના ભાગ કરતાં
  માબાપને મૂકતો જાય તો…   અડધો અને માતાનો ભાગ પુત્રીના
      ભાગ કરતાં અડધો રહેશે. ક. 51
      (2). દા. ત., પુત્રીને 1 ભાગ અને
      પુત્રને 2 ભાગ મળતા હોય તો
      વિધવાને બે ભાગ, પિતાને એક
      ભાગ અને માતાને 1 ભાગ મળશે.

(ખ) જ્યાં કોઈ પારસી સ્ત્રી બિનવસિયતી મૃત્યુ પામે અને તેની પાછળ જો તે

(i) તેનો વિધુર અને બાળકો મૂકી તેઓ તમામ સરખા ભાગે મિલકત
  જાય તો… મેળવશે; દા. ત., વિધુરને 1 ભાગ,
    પુત્રને 1 ભાગ અને પુત્રીને 1 ભાગ.
    કલમ 52 (એ)
(ii) ફક્ત સંતાનો મૂકી જાય તો… તેઓ સર્વે તે મિલકત સરખા હિસ્સે
    વહેંચી લેશે; દા. ત., પુત્રને 1 ભાગ,
    પુત્રીને 1 ભાગ.
    કલમ 52 (બી)

(ગ) જો કોઈ બિનવસિયતી પારસી (સ્ત્રી કે પુરુષ) એનો કોઈ રેખાગત વારસો મૂકીને ગુજરી જાય અને એવા પારસીનું કોઈ બાળક એની પોતાની હયાતીમાં જ મૃત્યુ પામે તો મિલકતની વહેંચણી નીચેના નિયમો પ્રમાણે થશ-

(i) પેઢીગત વંશજ હોય અને જો તેની વિધવા અને સંતાનો ભારતીય
  આવું બાળક પુત્ર હોય તો… વારસા ધારાના પ્રકરણ 3ની જોગવાઈઓ
    પ્રમાણે હિસ્સો મેળવશે અને તે જાણે કે
    બિનવસિયતે ગુજરનારના મૃત્યુ પછી
    તુરત જ ગુજરી ગયો હોય તેમ મનાશે.
(ii) જો આવું બાળક પુત્રી હશે તો… તેનો હિસ્સો તેનાં બાળકોમાં સરખે ભાગે
    વહેંચવામાં આવશે.
    (કલમ 53)

(ઘ) જો કોઈ પારસી (સ્ત્રી કે પુરુષ)  બિનવસિયતી મૃત્યુ પામે અને તેની પાછળ તેના રેખાગત વારસો હોય નહિ, પરંતુ વિધુર કે વિધવાને તેની પાછળ મૂકતો જાય અથવા તેના રેખાગત વારસની વિધવા તેની પાછળ મૂકતો જાય તો મિલકતની વહેંચણી નીચેના નિયમો પ્રમાણે થશે :

(i) બિનવસિયતે ગુજરનાર તેની વિધવા કે વિધુરને તે મિલકતનો
  પાછળ વિધવા કે વિધુર મૂકતો અડધો ભાગ મળશે. (કલમ 54)
  જાય, પરંતુ રેખાગત વારસની  
  કોઈ વિધવા ન હોય તો…  
(ii) ઉપર જણાવ્યા પ્રમાણે વિધવા વિધવા કે વિધુરને 1/3 ભાગ મળે અને
  કે વિધુર મૂકી જવા ઉપરાંત રેખાગત વારસની વિધવાને બીજો 1/3
  રેખાગત વારસની વિધવા ભાગ મળશે. રેખાગત વારસોની એકથી
  પણ મૂકી જાય તો…. વધુ વિધવાઓ હશે તો તેમની વચ્ચે
    1/3 ભાગના હિસ્સા પડશે. (કલમ 54)
(iii) વિધવા કે વિધુર ન હોય પરંતુ તેને 1/3 ભાગ મળશે.
  માત્ર પેઢીગત વારસની વિધવા  
  જ હોય તો…  

(iv)    બાકીની મિલકત મરનારનાં સગાંવહાલાં વચ્ચે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમની અનુસૂચિ 2ના ભાગ 1માં દર્શાવ્યા પ્રમાણે વહેંચાશે – જેમાં પુરુષને સ્ત્રીના કરતાં બમણો ભાગ મળશે. (કલમ 54)

(v) જો કોઈ સગું બાકીની મિલકત આવી શેષ મિલકત કલમ 54 મુજબ
  મેળવવાને હકદાર ન હોય [નં. અધિકારી વ્યક્તિઓ વચ્ચે વહેંચાશે.
  (iv) પ્રમાણે તો..] (કલમ 54)
(vi) જો કોઈ રેખાગત વારસો ન અનુસૂચિ 2 ના ભાગ 2માં દર્શાવ્યા
  હોય, વિધુર કે વિધવા પણ ન પ્રમાણેનાં તુરત જ નજીકનાં સગાં તે
  હોય કે રેખાગત વારસોની મિલકત મેળવશે, જેમાં પુરુષને સ્ત્રી
  વિધવા પણ ન હોય તો… કરતાં બમણો ભાગ મળશે. (કલમ 55)
(vii) જ્યાં આ પ્રકરણની જોગવાઈઓ બિનવસિયતી ગુજરનારનાં
  હેઠળ મિલકત મેળવનાર કોઈ સૌથી વધુ નજીકનાં રક્તસંબંધીઓને
  પણ સગું ન હોય ત્યાં…… મિલકત વહેંચાશે. (કલમ 56)

ભાનુપ્રસાદ મ. ગાંધી