વાયુ-વિવર (wind tunnels)
January, 2005
વાયુ-વિવર (wind tunnels) : વાયુ-વિવર એક ચેમ્બર હોય છે, જેમાં હવાને જબ્બર બળથી ધકેલવામાં આવે છે અને વાયુગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ-વિમાન ચાલન માટે હોય છે. વિમાન-ઉડ્ડયનમાં સુધારા-વધારા કરવા માટે આ અભ્યાસ કરાય છે. બળ આપીને વિમાન ઉડાડવા માટે રાઇટભાઈઓએ સૌપ્રથમ વાયુ-વિવર બનાવ્યું હતું અને તેથી સર્વપ્રથમ રાઇટભાઈઓ બળ આપીને ચલાવી શકાય તેવું વિમાન બનાવવામાં સફળ થયા હતા.
વાયુ-વિવરનો મૂળભૂત સિદ્ધાંત અને રચના સાદાં છે. તેમાં વિદ્યુત-શક્તિથી મોટો પંખો ચલાવવામાં આવે છે. આ પંખો વાયુ-વિવરમાં હવાને ધકેલે છે. વિમાનના મૉડલ પર હવાનો પ્રવાહ કેવી રીતે વર્તે છે તે જાણવાનો વાયુ-વિવરનો મુખ્ય હેતુ છે. વાયુ-વિવર કાર્યમાં હોય ત્યારે વિમાનના મૉડલની ગતિવિધિનો અભ્યાસ થાય છે. તેમ છતાં વિમાન પર હવાના પ્રવાહની વર્તણૂકને ખરેખર જાણવા માટે વાયુ-વિવરની કામગીરી થોડીક ઊણી ઊતરે છે; પણ તેના પરથી સારો એવો અંદાજ તો જરૂર આપે છે. હવા જ્યારે વિમાન ફરતે ગતિથી વહેતી હોય છે ત્યારે શું થાય છે તે જાણવાનો વાયુ-વિવરનો હેતુ છે. પણ વાયુ-વિવરના મોટા પંખા હવાને ઘૂમરી ખાતી કરી દે છે, જે કુદરતમાં ચાલતી હવાની ગતિવિધિ સાથે બરાબર બંધબેસતું નથી હોતું. તેથી વાયુ-વિવરનાં પરિણામો ખરેખર પરિસ્થિતિને દર્શાવતાં નથી. આ મુસીબતને હલ કરવા વાયુ-વિવરના હવાના પ્રવાહની વચ્ચે વેઇન રાખવામાં આવે છે અને છેક દૂર હવાના પ્રવાહમાં વિમાનના મૉડલને મૂકવામાં આવે છે; જેથી વાયુ-વિવરના પંખાની નજીક ગોળ ચકરાવા લેતી હવાની અસરથી તે મુક્ત થાય છે. તેમ છતાં પ્રયોગ માટે આ સો ટકા આદર્શ પરિસ્થિતિથી થોડી દૂર ગણાય. વાયુ-વિવરના બીજા પણ ઉપયોગો છે. સ્થપતિઓ મોટાં અને ઊંચાં મકાનમાં હવાની ગતિની શું અસરો થાય છે, તેને હવાની કેવી થપાટો લાગે છે, તે જાણવા વાયુ-વિવરનો ઉપયોગ કરે છે તથા વાયુ-વિવરની મદદથી સંશોધન કરે છે. હવામાં પૂરપાટ ચાલતી કારની કામગીરી, હરીફાઈમાં ઉપયોગમાં લેવાતી મોટરકારની ગતિવિધિ અને શક્તિ જાણવા પણ વાયુ-વિવરનો ઉપયોગ થાય છે. સાઇકલની હરીફાઈમાં ભાગ લેનારા પણ વાયુ-વિવરમાં સાઇકલ ચલાવી તાલીમ લે છે. વાયુ-વિવરની મદદથી હવાની ગતિવિધિ અને તેની અસરોનો અભ્યાસ કર્યા પછી એમ સિદ્ધ થયું છે કે રેસની કાર પર પાંખોને ઊંધી બેસાડવામાં આવે તો તે ઊંચકાતી નથી, પરંતુ આ કાર ખૂબ જ ગતિ પકડે છે. આમ કારની ડિઝાઇનમાં પણ વાયુ-વિવરનું યોગદાન રહ્યું છે. ઝડપથી ચાલતી સાઇકલ કે કારની અને હવામાં ઊડતા વિમાનની ગતિવિધિ પર હવાની અસરો જાણવી ઘણી જરૂરી છે અને વાયુ-વિવરમાં પ્રયોગો કરવાથી તેનો અંદાજ મળી શકે છે.
જિતેન્દ્ર જટાશંકર રાવલ