વાયુનૌકા (Airship) : ગ્રીક પૌરાણિક કથામાં ડેડાલસ અને ઇકારસની રસપ્રદ વાર્તા છે. ડેડાલસ એક સંશોધક અને નિષ્ણાત સ્થપતિ હતો. ઇકારસ તેનો દીકરો હતો. ક્રીટોના રાજા મિનોસે આ બાપ-દીકરાને કોઈ કારણ વગર તેના માટે કામ ન કરવા બદલ જેલમાં પૂર્યા હતા. ડેડાલસે જેલમાંથી છૂટવા માટે પીંછાં અને મીણની મદદથી પાંખો બનાવી પોતાને અને પોતાના દીકરા ઇકારસને લગાવી, અને તે બંને ક્રીટોમાંથી ગ્રીસ તરફ પક્ષીની માફક ઊડવા લાગ્યા. ઇકારસને તો ઊડવાની મજા આવી અને તે તો ઊંચો ને ઊંચે ઊડવા લાગ્યો. સૂર્યની ગરમીથી તેની પાંખનું મીણ પીગળી ગયું. તેથી તેની પાંખો ઊખડી ગઈ અને નીચે પડ્યો અને સાથે સાથે ઇકારસ પણ જમીન પર પટકાઈ મરણને શરણ થયો. અંતરીક્ષમાં ઊડવાની કલ્પના અને મહત્ત્વાકાંક્ષાએ પ્રારંભમાં જ હોનારત સર્જી. આ કદાચ અંતરીક્ષ-ઉડ્ડયનની પ્રથમ હોનારત હતી, ભલે તે પૌરાણિક કથાની હોય ! આ બાબત એટલું તો જરૂર દર્શાવે છે કે અંતરીક્ષમાં ઊડવામાં મોત સાથે જ હોય છે.

પ્રાચીન સમયથી માનવીને હવામાં ઊડવાની મહેચ્છા રહી છે અને તે અઢાર, ઓગણીસ અને વીસમી સદીમાં પૂરી થઈ. ભૂતકાળમાં વાર્તા કરનારાઓએ બગદાદના આરબોની જાદુઈ ઊડતી શેત્રંજીની વાત કરી બાળકોનું મનોરંજન કરેલું. ચીનના એક સંશોધકે રૉકેટ બનાવી આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરેલો. લિયૉનાર્દો-દ-વિન્ચીએ ચૌદમી સદીમાં હેલિકૉપ્ટર જેવી ડિઝાઇન બનાવેલી અને પક્ષી જેવું ફ્લાઇંગ-મશીન બનાવેલું.

પ્રાચીન ભારતમાં વિમાન જેવા વાયુ-પરિવહનના સાધનની કલ્પના છે જ. વિષ્ણુ, કામદેવ, સરસ્વતી, લક્ષ્મી, શનિ વગેરે દેવતાઓને અનુક્રમે ગરુડ, પોપટ, હંસ, ઘુવડ અને ગીધ જેવાં પક્ષીઓ વાહન તરીકે હતાં. આ પક્ષીઓ તો આકાશ-ઉડ્ડયન સાથે સીધાં સંકળાયેલાં લેખાય. આ ઉપરાંત કુબેર પાસે પુષ્પક વિમાન હોવાની પણ કથા છે. આ જ પુષ્પક રામચંદ્રે લંકાથી અયોધ્યા પાછા ફરવા માટે ઉપયોગમાં લીધેલું. વળી હનુમાનજીની ગગનગામી ગતિના તો ત્રિશંકુના અવકાશમાં અદ્ધર રહી જવાના સંકેતો પણ અત્રે યાદ કરવા જેવા ખરા. ભારતની ઘણી પ્રચલિત લોકકથાઓ કે બાલકથાઓ વગેરેમાં ઊડણદંડની, પવનપાવડી વગેરેના નિર્દેશો આવે છે. આ નિર્દેશો મનુષ્યમાં પક્ષીની જેમ આકાશમાં ઊડવાની જે મૂળભૂત ઝંખના છે તેનાં તો ખરાં જ, પણ ઉડ્ડયન- વિષયક કલ્પના વિહારને પણ સૂચવનારા છે.

હવાથી હલકી વસ્તુ હવામાં તરે છે. જેમ પાણીથી હલકી વસ્તુ પાણીમાં તરે છે તેમ જબ્બર બલૂનમાં જો હવાથી હલકો વાયુ ભરવામાં આવે તો તે ઊંચકાય છે, અને તેની સાથે જોડાયેલ માણસ કે વસ્તુઓને પણ હવામાં ઊંચકે છે. વાયુને ગરમ કરવામાં આવે તો તે હવા કરતાં હલકો બને છે. જો આવો વાયુ બલૂનમાં ભરવામાં આવે તો તે બલૂનને ઊંચકે છે. જૉસેફ-માયકલ અને જેક્વિસ એટિની મૉન્ટગોલ્ફાયર બે ભાઈઓ ફ્રાંસમાં હતા, જેમણે કાગળના બલૂનને ગરમ વાયુથી ફુલાવી તેને આકાશમાં ઊડતું કર્યું હતું. પછી તેઓએ ચીકન, બતક અને ઘેટાંને હવામાં ઊડતાં કર્યાં હતાં. છેવટે 1783ના 21 નવેમ્બરે બે યુવાન ફ્રેન્ચવાસી પિલાટ્રી-દ-રોઝિયર અને માટક્વિસ-દ-અતલેન્ડોઝ મૉન્ટગોલ્ફાયર બલૂનમાં હવામાં ઊડ્યા. તેઓ બે પ્રથમ માનવીઓ હતા, જેઓ હવામાં ઊડ્યા. પછી માલૂમ પડ્યું કે હાઇડ્રોજન વાયુ હવા કરતાં હલકો છે. હવે આ વાયુ બલૂનમાં ભરવામાં આવતો અને બલૂનને હવામાં ઉડાડવામાં આવતું. વાયુ ભરેલા બલૂન પર નિયંત્રણ રહી ન શકે. તે હવાની દિશામાં ઊડે. 1900માં જર્મનીના નિવૃત્ત લશ્કરી અધિકારી કાઉન્ટ ફર્ડિનન્ડ વૉન ઝેપલીને બલૂન બનાવ્યું, જે સફળતાપૂર્વક હવામાં ઊડતું હતું. હાઇડ્રોજન વાયુથી ભરેલાં વિમાનો ખૂબ જ અસલામત હતાં. તેઓએ કેટલીયે હોનારતો સર્જી હતી. છેવટે તે વિમાનોને તિલાંજલી દેવામાં આવી.

પક્ષીની માફક પાંખો ફફડાવીને ઊડવાના પ્રયત્નો થયા. છેવટે સર જ્યૉર્જ કેલીએ પક્ષીના ઉડ્ડયનનું નિરીક્ષણ કર્યું અને શોધ્યું કે જ્યારે પંખીઓ લાંબું ઊડે  છે ત્યારે તેની પાંખો સ્થિર હોય છે. માટે વિમાનની પાંખો ફફડાવવાની જરૂર નથી, પણ સ્થિર રાખવાની જરૂર છે; પણ તે પાછળનું રહસ્ય સમજવાની જરૂર છે. પાંખો વક્રસપાટી ધરાવે છે ત્યાં જ તેનું રહસ્ય છે. પછી ગ્લાઇડર બન્યા. ગ્લાઇડર ઉડાડવામાં મુખ્ય નામ જર્મન સંશોધક ઑટો લીલીન્થલનું હતું. તેણે સૌપ્રથમ વક્રસપાટીવાળી સ્થિર પાંખોવાળું ગ્લાઇડર બનાવેલું, પણ છેવટે તે ગ્લાઇડર ઉડાડતાં 1896માં મૃત્યુ પામ્યો. છેવટે વિલ્બર અને ઓરવિલ રાઇટભાઈઓએ સમતુલન રાખી શકે તેવું ગ્લાઇડર-વિમાન બનાવી, તેમાં ઊડી દેખાડી ઇતિહાસ સર્જ્યો. રાઇટભાઈઓએ 1899માં પ્રથમ ગ્લાઇડર બનાવ્યું હતું. અમેરિકાના નૉર્થ કૅરોલિના પ્રાંતમાં કીટી હૉક ખાતે તેનું પરીક્ષણ કર્યું હતું. આ ગ્લાઇડર લાકડાં, કપડાં અને લોખંડનાં દોરડાંમાંથી બનાવવામાં આવ્યું હતું. ગ્લાઇડરને ડબલ-ડેકર પાંખો હતી, જેની સપાટી 5.2 મીટર (17 ફૂટ) લાંબી અને 1.5 મીટર (5 ફૂટ) પહોળી હતી.

1903માં રાઇટભાઈઓએ વિમાન-ઉડ્ડયનમાં ગૅસોલિન એન્જિનનો ઉપયોગ કર્યો. આ વિમાનનું નામ તેઓએ ફ્લાયર રાખ્યું હતું. ફ્લાયર વિમાને ઉડ્ડયનનો પ્રારંભ કર્યો. તેમાં એક એન્જિન અને બે પ્રોપેલર હતાં, જે વિમાનને ચાલકબળ પૂરું પાડતાં હતાં. રાઇટભાઈઓએ તેમનું આ વિમાન 1903ના ડિસેમ્બર મહિનાની 17 તારીખે આકાશમાં ઉડાડ્યું હતું. વિમાન-ઉડ્ડયનમાં આ દિવસ સુવર્ણ-અક્ષરે લખાયો છે. કીટી હૉક પર આ વિમાન લગભગ 366 મીટર (1,200 ફૂટ) સુધી ઊડ્યું હતું, જે ઉડ્ડયન 12 સેકન્ડ ચાલ્યું હતું. આ વિમાનમાં હવા કરતાં ભારે મશીન હતું. હવા કરતાં ભારે વિમાન ઉડાડવાનો એ પહેલો અખતરો હતો. 1908માં ફ્રાન્સના સંશોધક લેઓન લેવાવાસ્યુરે એન્ટોયનિટી-4 નામનું મૉનોપ્લેન બનાવી ઉડાડ્યું, જેણે હાલના વિમાનના આકારને જન્મ આપ્યો.

વીસમી સદીમાં એવા એવા ધૂની સંશોધકો પેદા થયા જેઓએ વિમાન-ઉડ્ડયનમાં નવા નવા પડકારો ઝીલી નવા નવા અખતરા કર્યા અને વિમાન-ઉડ્ડયનને આજના ઊંચા સ્તરે પહોંચાડ્યું. વિમાન-ઉડ્ડયનમાં નવાં શિખરો સર કર્યાં. 1909માં પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાન-ઉડ્ડયન કરવામાં આવ્યું, જેમાં ફ્રેન્ચ સંશોધક લૂઈ બ્લૅરિયૉટે તેના મૉનોપ્લેનને ઇંગ્લિશ ચૅનલ પર ફ્રાન્સથી લંડન સુધી ઉડાડ્યું. 1911માં પ્રથમ વાર ઉત્તર અમેરિકા પરથી કેલિબ્રેઇથ રોજરે વિમાન ઉડાડ્યું, જેણે 49 દિવસ વિમાન-પ્રવાસ કરી વિમાન-ઉડ્ડયન-ક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો. આ વિમાન ન્યૂયૉર્કથી કૅલિફૉર્નિયા ઊડ્યું હતું અને તેમાં તે 15 વાર તૂટી પડતાં બચ્યું હતું. હવેનાં વિમાનો મજબૂત ધાતુનાં પતરાંથી પૂરેપૂરાં મઢવામાં આવે છે અને વિમાન પર લાગતાં બળોને સમતુલિત કરાય છે. 1912માં ધાતુનાં પતરાં મઢેલું પહેલું વિમાન ઊડેલું. પછી બે એન્જિનવાળું વિમાન બનાવવામાં આવ્યું. 1913માં રશિયાના સંશોધક ઇગોર સૉકૉટસ્કીએ ચાર એન્જિનવાળું વિમાન આકાશમાં ઉડાડ્યું. પહેલા વિશ્વયુદ્ધમાં વિમાનોનો ખૂબ જ ઉપયોગ થયો અને વિમાનો બનાવવાની કામગીરી ખૂબ જ વધી ગઈ. તેનો ઉદ્યોગ શરૂ થઈ ગયો. લડાઈઓમાં વિમાનની ઉપયોગિતા ખૂબ જ દેખાઈ. રચનાત્મક કાર્ય કરતાં વિધ્વંસક કાર્યોએ વિજ્ઞાનને ખૂબ જ આગળ વધાર્યું છે તે વિધિની એક વક્રતા કહો કે વરદાન કહો; પણ છેવટે વિજ્ઞાન રચનાત્મક કાર્ય કરે છે. લોકો પહેલાં વિજ્ઞાનને વિનાશાત્મક ઉપયોગ માટે આગળ ધપાવે છે અને છેવટે તેનાં ખરાબ પરિણામો જોઈને વિજ્ઞાનને સર્જનાત્મક ઉપયોગ તરફ વાળે છે. આ એક સારી વાત ગણાય. પ્રારંભમાં વિમાનો કલાકના 100 કિલોમીટર કે 125 કિલોમીટરની ઝડપે ઊડતાં, જે સામાન્ય રેલગાડીની ઝડપ છે અને લગભગ 7,620 મીટર (25,000 ફૂટ)ની ઊંચાઈએ ઊડતાં. હવે તેની ઝડપ કલાકના 1,000 કિલોમીટર કે તેથી પણ વધારે છે અને તે 10,668 મીટર (35,000 ફૂટ)થી 12,292 મીટર (40,000 ફૂટ)ની ઊંચાઈએ ઊડી શકે છે. આમાં જે ઉપકરણો મૂકવામાં આવ્યાં હતાં તે : ઍર-સ્પીડ ઇન્ડિકેટર, કમ્પાસ, ઍલ્ટિમીટર, ઑઇલ-પ્રેસર ગેજ અને એન્જિન આર.પી.એમ. ઇન્ડિકેટર.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિમાનો લોકોમાં નવાઈનો વિષય રહ્યો નથી. સરકારોએ વધારાનાં વિમાનો લડાઈમાં જે પાઇલટોએ જે વિમાન ચલાવ્યાં હતાં તેમને પાણીના ભાવે વેચી દીધાં. આ પાઇલટો દેશોમાં વિમાન ચલાવવા લાગ્યા અને નાનાં નાનાં અંતરો માટે પ્રવાસીઓને લઈ જવા લાગ્યા. આમ લોકોમાં વિમાન પ્રિય થઈ ગયાં અને વિમાનોની બહોળી જાહેરાત થઈ ગઈ. હવાઈ માર્ગો નક્કી કરવામાં આવ્યા, અને નાની નાની એરલાઇન્સ શરૂ થઈ ગઈ. 1939માં પૅન અમેરિકને પ્રવાસીઓ માટે પ્રથમ નિયમિત સેવા શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ પછી જેટ વિમાનો અસ્તિત્વમાં આવ્યાં. વિમાનમાં એક વાતનું ધ્યાન રાખવું પડે છે કે વિમાનની અંદરનું હવાનું દબાણ ખૂબ વધી ન જાય. 1950ના દાયકામાં સુપરસોનિક વિમાનો પણ અસ્તિત્વમાં આવ્યાં. આ વિમાનો અવાજની ગતિ કરતાં વધારે ગતિથી ઊડે છે. કૉન્કૉર્ડ પ્લેન આવી જાતનાં વિમાનો હતાં, જે હવે ઉડાડવામાં આવતાં નથી, કારણ કે એમાં અકસ્માત થવાની શક્યતા વધારે રહે છે.

હાલમાં જમ્બો જેટ વિમાનો ઊડે છે. બોઇંગ 787 એ હાલનાં સૌથી મોટાં વિમાનો છે.

જિતેન્દ્ર જટાશંકર રાવલ