વાન સ્કોરેલ, ઇયાન (Van Scorel, Ian) (જ. 1495; અ. 1562) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકલાની પ્રારંભિક તાલીમ તેમણે ઍમસ્ટરડૅમમાં લીધેલી. 1517માં તેઓ ઉટ્રેખ્ટ ગયા અને ત્યાંથી 1519માં તેઓ નુરેમ્બર્ગ ગયા અને મહાન ચિત્રકાર ડ્યુરરના શિષ્ય બનવા માટે કોશિશ કરી; પણ તેમની કોશિશ વ્યર્થ નીવડી. ડ્યુરરને તેમનામાં કોઈ રસ પડ્યો નહિ. 1520માં તે કૅરિન્થિયા ગયા. અહીં ઓબર્વેલેખ ચર્ચની વેદી માટે તેમણે ત્રણ ભાગમાં વિભાજિત (triptych) ચિત્ર ચીતર્યું. એ પછી તેઓ વેનિસ ગયા. અહીં ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકારો જ્યૉજ્યૉર્ને તથા પાલ્મા વેકિયોનો પ્રભાવ તેમની ઉપર પડ્યો. તેઓ જેરૂસલેમની યાત્રા પણ કરી આવ્યા. પાછા આવીને એ રોમ ગયા. રોમમાં માઇકૅલેન્જેલો અને રફાયેલનો તેમની પર ઊંડો પ્રભાવ પડ્યો. 1524માં તેઓ ઉટ્રેખ્ટ પાછા ફર્યા. ત્યાંથી હાર્લેમ થઈને 1540માં તેઓ ફ્રાંસ પહોંચ્યા. ઉટ્રેખ્ટ અને ફ્રાંસમાં તેમણે ઘણાં ધાર્મિક ચિત્રો ચીતર્યાં, પણ તેમાંનાં મોટાભાગનાં ચિત્રો માનવઆકૃતિના વિરોધીઓએ ધર્મમાં માનવઆકૃતિને લગતા વિવાદો (iconoclastic controversies) દરમિયાન 16મી સદીમાં બાળી મૂક્યાં.
અમિતાભ મડિયા