વાનસ્પતિક રોગકારકો : વનસ્પતિની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા કરીને તેની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર માઠી અસર માટે કારણભૂત સૂક્ષ્મજીવો (microbes) અને વિપરીત પર્યાવરણિક પરિબળો જેવા ઘટકો.
રોગકારક સૂક્ષ્મજીવોમાં મુખ્યત્વે જીવાણુ (bacteria), ફૂગ (fungus), લીલ (alga), પ્રજીવો, કૃમિ, વિષાણુ, રિકેટ્સિયા, માઇક્રોપ્લાઝ્મા અને સ્પાઇરોપ્લાઝ્માનો સમાવેશ થાય છે. જ્યારે નિર્જીવ રોગકારકોમાં નીચે જણાવેલ વિપરીત પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે :
(1) પ્રતિકૂળ હવામાન : ઊંચું અથવા નીચું તાપમાન, પ્રતિકૂળ સૂર્યપ્રકાશ, વધુ પડતો ભેજ, વરસાદ તેમજ ધુમ્મસ, ઓઝોન વાયુ, સલ્ફર ડાયૉક્સાઇડ, ઇથિલીન જેવાં પ્રદૂષકો વધુ અથવા ખોટાં ફૂગનાશક, જંતુનાશક, નીંદામણનાશક રાસાયણિક ખાતરનો ઉપયોગ, જમીનમાં વધુ અથવા ઓછો ભેજ, જમીનની ભેજસંગ્રહશક્તિ, હવાનું ઓછું પ્રમાણ, ઓછો ઉપલબ્ધ પ્રાણવાયુ, પોષક તત્ત્વોની ઊણપ જમીનનાં અસમતોલ તત્ત્વો વગેરે વનસ્પતિનાં મૂળ અને છોડની વૃદ્ધિમાં અવરોધ કરી પાકને નુકસાન પહોંચાડે છે.
હવામાનનાં પરિબળોમાં તાપમાનની વધઘટથી છોડને નુકસાન થાય છે. ગરમ પ્રદેશની વનસ્પતિને ઠંડા વાતાવરણ, બરફ અને કરાને લીધે ખૂબ જ નુકસાન થાય છે. તે જ પ્રમાણે ઠંડા પ્રદેશની વનસ્પતિને વધુ પડતી ગરમીની માઠી અસર થાય છે. ઠંડા પ્રદેશમાં ઠંડીની તીવ્રતાને લીધે વનસ્પતિના કોષોની અંદર તેમજ કોષો વચ્ચે રહેલું પાણી થીજી જવાથી કોષો નિષ્ક્રિય બને છે અને કોષદીવાલો તૂટી જવાથી વનસ્પતિના વિવિધ ભાગોનું મૃત્યુ થાય છે. આ પ્રકારનું નુકસાન ખાસ કરીને નવી કૂંપળો, કુમળાં પાન, ફૂલો અને નવા વિકસતા ભાગો પર જોવા મળે છે. મૃત્યુ પામેલા કોષોમાં મૃતોપજીવી સૂક્ષ્મ જીવોનું આક્રમણ થતાં પાકને નુકસાન થાય છે. અપૂરતા સૂર્યપ્રકાશને લીધે વનસ્પતિમાં નીલકણ બનવાની પ્રક્રિયા ઘટી જાય છે, જ્યારે વધુ પડતા પ્રકાશમાં આવેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોને લીધે નીલકણો(chloroplast)નો નાશ થાય છે. વાતાવરણના વધુ પડતા ભેજ અને વરસાદને લીધે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઝડપી બને છે અને તેના બીજાણુઓ (spores) પેદા કરવાની ક્ષમતા વધે છે. જ્યારે શુષ્ક અને ગરમ વાતાવરણને લીધે વનસ્પતિ તેમજ રોગકારકોની વૃદ્ધિ અટકે છે.
કૃષિક્ષેત્રના પરિસરમાં આવેલ કારખાનાં તેમજ ઈંટના ભઠ્ઠામાંથી નીકળતા સલ્ફર ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, કોલસાનો વાયુ અને ક્લોરિન પર્યાવરણમાં ભળી જવાથી આ વાયુઓ છોડની વૃદ્ધિમાં અવરોધ કરે છે; દાખલા તરીકે, ઈંટના ભઠ્ઠાના વાયુથી આંબાના પાકમાં પાનની ટોચ કાળી પડી જાય છે. હવામાં ઓઝોન અને હાઇડ્રૉકાર્બનની રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ પેરૉક્સિ-એસિટાઇલ નાઇટ્રેટ પારજાંબલી કિરણો સાથે ફોટોકેમિકલ રાસાયણિક પ્રક્રિયા કરી, વનસ્પતિને ખૂબ જ માઠી અસર કરે છે. આ ઉપરાંત હવામાંના પ્રદૂષણમાં ઇથિલીન, હાઇડ્રોજન ફ્લૉરાઇડ, નાઇટ્રોજન ડાયૉક્સાઇડ અને આલ્ડિહાઇડ્સનાં રસાયણો પણ છોડની વૃદ્ધિમાં ખૂબ અવરોધજનક નીવડે છે.
પ્રતિકૂળ જમીનમાં ભેજનું પ્રમાણ રોગકારક વ્યાધિજનોની વૃદ્ધિમાં સીધો ફાળો આપે છે તથા મૂળ અને છોડની વૃદ્ધિ અટકાવે છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવાથી છોડમાં દેહધાર્મિક સુકારો ઉત્પન્ન થાય છે; તદુપરાંત વધુ પડતા ભેજના લીધે જમીનમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે. વળી બીજાં હાનિકારક તત્ત્વોનું પ્રમાણ વધતાં જમીનમાં દ્રાવ્ય તત્ત્વોનું અસંતુલન પેદા થાય છે, જે મૂળ અને વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધ પેદા કરે છે. તેને લીધે છોડ નબળા અને ઠીંગણા રહે છે. તેથી તેઓ પરોપજીવી રોગકારકોનો સામનો કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં બાગ-બગીચામાં આવેલ બહુવર્ષાયુ ઝાડોની વૃદ્ધિ અટકી અકાળ મૃત્યુ થાય છે. વધારામાં ઉપર્યુક્ત કારણસર જમીનમાં પોષક તત્ત્વોનું અસંતુલન થવાથી વનસ્પતિમાં પરોપજીવી સૂક્ષ્મજીવો ઉત્પન્ન થતાં વનસ્પતિ રોગગ્રસ્ત બને છે.
સૂક્ષ્મજીવી રોગકારકો : આવા રોગકારકોમાં ફૂગ, જીવાણુ, પ્રજીવ (protozoa), લીલ, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, કૃમિ, રિકેટ્સિયા અને સ્પાઇરોપ્લાઝ્મા જેવા અતિસૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે.
ફૂગ : આ એક પરપોષી (heterotrophic) એકકોષીય અને/અથવા બહુકોષીય તંતુમય સૂક્ષ્મજીવ છે, જેનું પ્રજનનકોષોના વિભાજનના એક લિંગી સમાગમ સાથે તુલના થઈ શકે તેવી એક વિશિષ્ટ લિંગ સાદૃશ વિધિ વડે થાય છે. ફૂગના વૃદ્ધિકાળમાં કેટલીક બહુકોષીય ફૂગોનું વિભાજન નર અને માદા જનનકોષો સાથે સરખાવી શકાય તેવા વિષમ બીજાણુઓના સંયોજનથી થતું જોવા મળે છે. ફૂગના તંતુ જેવાં અંગો ટુકડાના સ્વરૂપમાં ફેલાતાં ફૂગની સંખ્યામાં વધારો જોવા મળે છે. આવી પરોપજીવી ફૂગો જમીનમાં, વનસ્પતિના રોગિષ્ઠ ભાગોમાં, નીંદામણ જેવી વનસ્પતિમાં સક્રિય બની વૃદ્ધિ અને ગુણન પામે છે. તેમના બીજાણુઓનો ફેલાવો જીવાત, પવન, સૂક્ષ્મજીવો અને પાણી દ્વારા થાય છે. આ પરોપજીવી ફૂગ તેની યજમાન વનસ્પતિમાં આવેલા વાયુરંધ્ર (stomata) જેવાં છિદ્રો અને જખમ જેવા ભાગમાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશે છે, જ્યારે કેટલીક ફૂગ પોતાના ખાસ પ્રકારનાં અંગો દ્વારા યજમાન વનસ્પતિમાં પ્રવેશે છે.
જીવાણુ : આ એક અસીમકેન્દ્રી (prokaryotic) એકકોષીય સૂક્ષ્મજીવ છે. તેને કોષદીવાલ હોય છે. જ્યારે તેના કોષકેન્દ્રના સ્થાને માત્ર રંગસૂત્ર હોય છે. આ સૂક્ષ્મજીવ વનસ્પતિના યજમાનના શરીરમાં જખમો અને કુદરતી છિદ્રો દ્વારા પ્રવેશે છે. યજમાનના શરીરમાં તેઓ વૃદ્ધિ અને ગુણન પામીને નુકસાન પહોંચાડે છે.
પ્રજીવ (Protozoa) : પ્રજીવો પ્રાણીસૃદૃષ્ટિના સભ્યો છે અને તેઓ એકકોષીય (uni cellular) અથવા અકોષીય (acellular) તરીકે ઓળખાય છે. તેની અમુક જાતો જમીનના તેમજ ગટરના પાણીમાં જોવા મળે છે.
વિષાણુ (virus) : વિષાણુઓ એટલે માત્ર પ્રોટીનના અણુઓ અને ન્યૂક્લીઇક ઍસિડની સાંકળ. આમ બે જૈવકણોનો બનેલો એક નાનામાં નાનો સૂક્ષ્મકણ. તેને ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શકની મદદથી નિહાળી શકાય છે. આ કણનો અંત:સ્થ ભાગ ન્યૂક્લીઇક ઍસિડની સાંકળનો બનેલો હોય છે, જે જનીન(gene)ની ગરજ સારે છે. તેની ફરતે પ્રોટીનનું એક આવરણ (coat) હોય છે. આ કણમાં જીવનાવદૃશ્યક ઉત્સેચકો, ઉચ્ચશક્તિક જૈવી કણો (high energy molecules), અંત:રસજાળ (endoplasmic reticular) જેવાં અંગો હોતાં નથી. વિષાણુ યજમાન કોષના બાહ્ય-રસપડ(outer plasma membrane)માં આવેલ વિશિષ્ટ સ્વીકારક કોષ (receptor cell) સાથે ચોંટે છે. તેના પરિણામે ન્યૂક્લીઇક ઍસિડની સાંકળ યજમાન કોષની અંદર પ્રવેશે છે. ત્યાં તે યજમાનના કોષમાં આવેલ જીવનાવદૃશ્યક સામગ્રીનો ઉપયોગ કરી પોતે ગુણન પામે છે અને યજમાન કોષના રસપડને વિચ્છિન્ન કરીને યજમાનના અન્ય કોષોમાં પ્રસરે છે અથવા તો બહાર આવી, અનુકૂળ સંજોગોમાં અન્ય યજમાન(host)ના શરીરમાં પ્રવેશીને ત્યાં ગુણન પામે છે. તેનું પરોપજીવી જીવન જૈવી સૂક્ષ્મજીવોના જીવનચક્ર સાથે સરખાવી શકાય તેમ હોવાથી વિષાણુની ગણના પણ એક સૂક્ષ્મજીવ (microbe) તરીકે થાય છે.
લીલ : લીલની કેટલીક જાતો પણ વનસ્પતિના રોગકારક તરીકે નોંધાયેલી છે; દા.ત., જમરૂખ, પપૈયા, ચા, લીંબુ, કાજુ, કૉફી અને આંબાના પાનમાં જોવા મળતો તામ્રગેરુ. લીલ વનસ્પતિનાં પાન ઉપરાંત ડાળી અને ફળ ઉપર તામ્રગેરુનાં ટપકાં રૂપે જોવા મળે છે. લીલનો ફેલાવો પવન મારફતે બીજાણુ (spore) સ્વરૂપે ફેલાય છે. તે યજમાનના શરીરમાં વનસ્પતિનાં વાયુરંધ્ર જેવાં છિદ્રો વડે પ્રવેશે છે.
કૃમિ (worm) : તે તાંતણા જેવા આકારના હોય છે, જે જમીન અને પાણીમાં કુદરતી જીવન પસાર કરતા હોય છે. પરોપજીવી કૃમિઓ જમીનમાં પાણી મારફતે હલન-ચલન કરી યજમાન વનસ્પતિના મૂળમાં આવેલાં છિદ્રો તેમજ જખમો મારફતે દાખલ થઈ રોગ પેદા કરે છે. પરોપજીવી કૃમિ યજમાનના મૂળ સાથે સંપર્કમાં આવતાં તેમાં પ્રવેશે છે. આ કૃમિનો સમાવેશ ગોળ કૃમિ (nematod) સમુદાયમાં થાય છે. મૂળ સાથે સંપર્કમાં આવતાં ત્યાં એક ગાંઠ(node)નું નિર્માણ થાય છે તે છોડની પેશીમાં આવેલ કોષરસને બહાર કાઢી યજમાનની દેહધાર્મિક ક્રિયામાં અડચણ ઊભી કરી રોગ કરે છે. કૃમિના ચેપની અસર હેઠળ તેના વિવિધ ભાગો વિક્ષા સ્વરૂપ ધારણ કરે છે. છોડ પીળો થાય છે, તેની વૃદ્ધિ અટકે છે અને છેવટે મૃત્યુ પામે છે.
માઇકોપ્લાઝ્મા જેવા સૂક્ષ્મજીવો : માઇકોપ્લાઝ્મા તરીકે રિકેટ્સિયા અને સ્પાઇરોપ્લાઝ્માનો સૂક્ષ્મજીવોમાં સમાવેશ થયેલો છે. તેઓ અત્યંત સૂક્ષ્મ હોઈ તેમનો વિકાસ પ્રયોગશાળામાં પોષક માધ્યમમાં કરી શકાય છે. આ જીવો યજમાનના કોષદીવાલવાળા ગઠ્ઠા કે સૂક્ષ્મ તાંતણાના સ્વરૂપે જોવા મળે છે. તેની ફરતે ત્રણ સ્તરનું બનેલ પાતળું રસપડ આવેલું હોય છે. ટેટ્રાસાઇક્લિન જેવા પ્રતિજૈવકો (antibiotic) વડે તેમની વૃદ્ધિ અટકી જાય છે. તેમના પર પેનિસિલીનની કોઈ અસર જોવા મળતી નથી. આ માઇક્રોપ્લાઝ્માનો ફેલાવો ચૂસિયા પ્રકારની જીવાતોથી થાય છે. યસ્ટરયલો કૉન્સ્ટન્ટ, સેન્ડલસ્પાઇડ, રીંગણનાં નાનાં પાન પરનો વ્યાધિ, શેરડીનો ગાસી-સુટ, ડાંગરનો યલોડ્રાફ્ટ જેવા રોગો માઇક્રોપ્લાઝ્માને લીધે થાય છે.
ઈ. સ. 1909માં હૉવર્ટી રિકેટ્સે નામના સંશોધકે ચાંચડની અંદર સૌપ્રથમ આ અતિ સૂક્ષ્મજીવનું નિરીક્ષણ કર્યું હતું. તેની કદર રૂપે આ સૂક્ષ્મજીવને ‘રિકેટ્સે’ નામથી નિર્દેશવામાં આવે છે. વળી વાંદો, વાકુંબો, અંગારિયો, અમરવેલ જેવી સપુષ્પી વનસ્પતિ, આર્થિક અગત્યનાં ફળઝાડો અને કૃષિપાકોની વનસ્પતિ પર કેટલાક પરોપજીવી જીવન જીવે છે. આ પરોપજીવીઓ યજમાન છોડમાંથી પાણી અને ખોરાક ચૂસે છે, જેને લીધે યજમાન છોડની વૃદ્ધિ અટકી જાય છે. આવી કેટલીક પરોપજીવી વનસ્પતિ યજમાન છોડમાં ઝેરી રસોનો સ્રાવ કરીને યજમાનની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા કરે છે. આ સૂક્ષ્મજીવો યજમાનના બીજ સાથે ચોંટી જાય છે. આવા બીજનો ફેલાવો થઈને અન્ય સ્થળે ધરુમાં થતા રૂપાંતરણ સાથે સૂક્ષ્મજીવો પણ પોતાનો વિકાસ સાધે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ