વાદ્યસંગીત

ઘટક પદાર્થો(material)માંથી બનાવવામાં આવતાં જુદા જુદા પ્રકારનાં વાજિંત્રના માધ્યમથી નિર્માણ કરવામાં આવતું કર્ણપ્રિય સંગીત. આવાં વાજિંત્ર મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે : તંતુવાદ્ય, ચર્મવાદ્ય અથવા આનદ્ધવાદ્ય, સુષિર અથવા કંઠવાદ્ય તથા ઘન અથવા હસ્તવાદ્ય. આ પ્રકારનાં વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરાં, શરણાઈ, સૂરમંડળ, સરોદ, બંસી વગેરેનો સમાવેશ થાય છે.

હિંદુસ્તાની સંગીતમાં કર્ણપ્રિયતા કે મધુરતાના સિદ્ધાંત પર કંઠ્યસંગીતનું સર્જન થયું છે અને તે સંગીતનો મુખ્ય પ્રકાર છે. કંઠ્ય-સંગીત પછી બીજા ક્રમે વાદ્ય સંગીતને મૂકી શકાય. તે વસ્તુત: કંઠ્યસંગીતની અનુકૃતિ રૂપે શોધાયું છે. ભારતીય સંગીતના ક્ષેત્રે કંઠ્ય-સંગીતના પ્રાધાન્યને લીધે ભારતમાં વાદ્ય સંગીત પાર્શ્ર્વભૂમિકામાં રહેલ છે. વાજિંત્રે તો માત્ર કંઠ્યની સહાય રૂપે જ રહેવાનું છે, સંગીતના સ્વતંત્ર ઘટક રૂપે નહિ.

હિંદુસ્તાની સંગીત બહુધા વ્યક્તિગત સંગીત હોવાથી ભારતનાં મોટા ભાગનાં વાજિંત્રો પણ એકલ સંગીતને અનુકૂળ હોય એવી રીતે સર્જાયાં છે. પરિણામે પશ્ચિમના દેશોમાં જોવા મળતાં મોટા અવાજવાળાં વાજિંત્રો ભારતીય સંગીતમાં જોવા નહિ મળે. પરંતુ ભારતીય સંગીતમાં ઉપર દર્શાવેલા ચાર પ્રકારનાં વાદ્યોમાં તંતુવાદ્યનો ઉપયોગ સવિશેષ થતો રહ્યો છે. સારંગી આનો ઉત્તમ દાખલો છે. વાદ્ય સંગીતની લાક્ષણિકતાઓ સમજવામાં આ પ્રકારનાં વાદ્યોનો પરિચય મેળવવો આવશ્યક છે.

રુદ્ર-વીણા

તંતુવાદ્યો : આ વાદ્યોમાં તારના માધ્યમથી સૂર અથવા સ્વરનું સર્જન કરવામાં આવતું હોવાથી તે તંતુવાદ્ય અથવા તતવાદ્ય તરીકે ઓળખાય છે. પુરાણકાળમાં કેટલાંક દેવદેવીઓનાં નામ સાથે આવાં વાદ્યો સંકળાયેલાં હતાં. દા. ત., મા સરસ્વતી વીણાધારિણી તરીકે જ પરંપરાગત રીતે આપણા મનમાં સ્થાન ધરાવે છે. નારદ મુનિના હાથમાં તંબૂરો હોય જ છે. શંકર ભગવાનની છબી ડમરુ વગર અધૂરી ગણાય.

વીણા : ભારતનાં તંતુવાદ્યોમાં વીણા અગ્રસ્થાને છે. જે જે વાદ્યો પ્રાચીન કાળમાં ગજ અથવા મિજરાફની સહાયથી વગાડવામાં આવતાં તે બધાં જ વાદ્યોને તે જમાનામાં વીણા તરીકે ઓળખવામાં આવતાં. ‘સંગીતરત્નાકર’ નામના ગ્રંથમાં વીણાના જુદા જુદા પ્રકારોનું વર્ણન સાંપડે છે; દા. ત., બ્રહ્મવીણા, તમ્બુરી વીણા, મત્ત કોકિલા વીણા, સ્વરમંડલ વીણા, રાવણહસ્ત વીણા, એકતંત્રી વીણા, ત્રિતંત્રી વીણા, કિન્નરી વીણા વગેરે. આજના જમાનામાં જે વાદ્ય વીણા તરીકે ઓળખાય છે તે વાદ્ય સરસ્વતી વીણા અથવા રુદ્રવીણા છે.

રુદ્રવીણાનું પ્રાકૃત સ્વરૂપ તે ‘જંતર’, જેનો ઉપયોગ સૌરાષ્ટ્ર પ્રદેશની કેટલીક યાચક કોમો દ્વારા અમુક પ્રસંગ વખતે કરવામાં આવે છે. જંતરનું એક લક્ષણ એ છે કે તે સરસ્વતી વીણાની જેમ ગાતી વખતે સંગતમાં લઈ શકાય છે. કિન્નરી વીણા એ જંતરનું જ અતિપ્રાચીન સ્વરૂપ છે.

દક્ષિણ ભારતની સંગીતશૈલી એટલે કે કર્ણાટક સંગીતશૈલીમાં આજે પણ વીણા ઉચ્ચ સ્થાન ધરાવે છે; જોકે ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીમાં વીણાનું સ્થાન ક્રમશ: સિતાર નામના વાદ્યે લીધું છે. ઉત્તર હિંદુસ્તાની સંગીત વાદ્યશૈલીમાં પણ આધુનિક જમાનામાં મોટા ગજાના વાદકો થઈ ગયા છે; જેમાં ઉસ્તાદ વઝીરખાં, ઉસ્તાદ બંદેઅલીખાં, મુરાદખાં, ઉસ્તાદ ઝિયા મોઇઉદ્દીન ડાગર અને ઉસ્તાદ અસદઅલીખાંસાહેબનાં નામ મોખરે રહ્યાં છે. તે પૂર્વે તાનસેનના જમાઈ ઉસ્તાદ નૌબતખાં, રહીમસેન, અમૃતસેન અને નિહાલસેનનાં નામ આ ક્ષેત્રમાં મોખરે હતાં.

સિતાર : વીણાની જેમ સ્વતંત્ર રીતે વગાડી શકાય તેવું પરંતુ ઉત્તર હિંદુસ્તાનમાં વીણા કરતા વધુ લોકપ્રિય તંતુવાદ્ય સિતાર છે. મૂળમાં સિતાર ઈરાની વાજિંત્ર હતું અને તેનું મૂળ નામ સહેતાર હતું તેમ મનાય છે. વીણાની સરખામણીમાં સિતાર સર્વસુલભ વાદ્ય ગણાય છે. સિતારને પ્રચલિત કરવાનો યશ તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા મુઘલ શાસક અલ્લાઉદ્દીન ખલજીના  એક દરબારી અમીર ખુશરોને ફાળે જાય છે. અમીર ખુશરો બહુશ્રુત દરબારી હતા અને તેઓ શાસ્ત્રીય સંગીતના પણ ખાસ જાણકાર હતા. તેમણે કેટલાંક નવા રાગ અને તાલનું સર્જન પણ કર્યું છે.

સિતાર જ્યારે તેની પ્રાથમિક અવસ્થામાં હતી ત્યારે તે માત્ર ત્રણ તારવાળું વાજિંત્ર હતું; પરંતુ સમય જતાં તેના તારની સંખ્યા વધતી ગઈ. હવે સાત તારવાળી સિતાર વધુ પ્રચલિત છે. તેના પર પિત્તળના કે જર્મન સિલ્વર ધાતુના પડદા બેસાડવામાં આવેલા હોય છે, જે તાંત વડે બાંધેલા હોય છે.

સિતાર

સિતારનાં બીજાં સ્વરૂપોમાં સૂરબહાર અને સુંદરીનો સમાવેશ કરવામાં આવે છે. સૂરબહાર એ સિતારનું મોટું સ્વરૂપ છે જ્યારે સુંદરી સિતારનું પ્રાકૃત સ્વરૂપ ગણાય છે. તેનો ઉપયોગ મહદ્અંશે ભજનિકો કરતા હોય છે.

સરોદ : સિતાર જેવું બીજું સુમધુર તંતુવાદ્ય તે સરોદ. સિતાર અને સરોદ આ બંને વાદ્યો નખથી વગાડવામાં આવે છે, પરંતુ આ બંને વાદ્યોમાં તેમની રચનાની દૃષ્ટિએ મહત્વનો તફાવત એ હોય છે કે સિતારમાં પડદા હોય છે જ્યારે સરોદમાં પડદાઓનો સદંતર અભાવ હોય છે. પડદાઓની બાબતમાં સારંગી અને સરોદ સરખાં ગણાય કારણ કે બંનેમાં પડદાઓનો અભાવ હોય છે. કદાચ એટલા માટે જ સરોદને નખલીથી વગાડવામાં આવતી સારંગી કહેવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાની વાદ્ય સંગીતમાં સિતાર અને સરોદ બંને લોકપ્રિય વાદ્યો ગણાય છે. સૂરબહાર વાદ્યમાં વીણા તથા સિતાર આ બંનેની ખૂબીઓનું મિશ્રણ થયેલું છે.

સરોદ

ભારતના હાલના સિતાર અને સરોદવાદકોમાં અનુક્રમે પંડિત રવિશંકર અને ઉસ્તાદ અમજદઅલીખાંને મોખરે મૂકી શકાય. ઉપરાંત સિતારમાં ઉસ્તાદ વિલાયતહુસેનખાં તથા સરોદમાં વિદુષી શરણરાણીનાં નામ પણ ઉલ્લેખનીય છે. મહિયર રિયાસતના ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંસાહેબનાં પુત્રી અન્નપૂર્ણાદેવી દિલબહાર વાદ્યનાં અચ્છાં વાદક ગણાય છે.

દિલરુબા

ગજથી વગાડવામાં આવતાં તંતુવાદ્યોમાં પિનાકીવીણા, વીણાવહપેન્ના અને રાવણહસ્તવીણા જેવાં અતિ પ્રાચીન અને પ્રાકૃત ગણાતાં વાદ્યોની ગણના થાય છે. સારંગી, દિલરુબા, ઇસરાજ અને રુબાબ જેવાં તંતુવાદ્યો તેમનાં સંસ્કૃત સ્વરૂપો ગણાય. વીણાવહ વાજિંત્ર પિનાકીવીણા નામથી ઓળખાતું હતું, તે હવે રાવણહથ્થા તરીકે ઓળખાય છે. આ વાજિંત્રનો ઉપયોગ શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં નહિ, પરંતુ રાજસ્થાનના ફરતા બાવાઓ અને કેટલેક ઠેકાણે યાચક વર્ગના લોકો જનરંજન માટે કરતા હોય છે.

સારંગી

સારંગી : એ ગજથી વગાડવામાં આવતું સંપૂર્ણ વાદ્ય છે. કંઠ્ય-શાસ્ત્રીય સંગીત રજૂ કરનારા ઉત્તર હિંદુસ્તાની ગાયકો સાથ તરીકે હાર્મોનિયમને સ્થાને સારંગીને વધુ પસંદ કરતા હોય છે, કારણ કે સારંગીના અવાજમાં વિશિષ્ટ પ્રકારની કર્ણપ્રિયતા અને સ્નિગ્ધતા તો હોય છે જ, પરંતુ તે ઉપરાંત સ્વરોની દૃઢતાનાં વિશિષ્ટ લક્ષણોનું સંમિશ્રણ થયેલું અનુભવાય છે. બી.વી. કેસકર જ્યારે ભારત સરકારના સૂચના તથા પ્રસારણમંત્રી હતા ત્યારે તેમણે આકાશવાણી પરથી પ્રસારિત થતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં હાર્મોનિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સારંગીની સરખામણીમાં સંગત તરીકે હાર્મોનિયમનો ઉપયોગ વધુ પ્રચલિત બન્યો છે. ઉસ્તાદ સુલતાનખાન ભારતના આજના સારંગીવાદકોમાં મોખરે ગણાય છે. દક્ષિણ ભારતની કર્ણાટકી સંગીત શૈલીમાં સારંગીનો ઉપયોગ ઉત્તર હિંદુસ્તાની સંગીતની સરખામણીમાં ભાગ્યે જ જોવા મળે છે.

તાનપૂરા/તંબૂર

તંતુવાદ્યોમાં દિલરુબાનું સ્થાન પણ મહત્વનું છે. દિલરુબા એ સારંગીનું સરળ અને સાદું રૂપ છે અને તેથી તે શીખવામાં પણ સહેલું હોય છે, કારણ કે તેની લાંબી દાંડી પર પડદા હોય છે. મુઘલ સમયમાં આ વાજિંત્ર વધુ પ્રચલિત હતું, પરંતુ હવે લોકપ્રિયતામાં તેના કરતાં સિતાર વધુ ચઢિયાતું વાજિંત્ર બન્યું છે.

બંગાળમાં યાચક કોમમાં સરીન્દા નામનું જે વાજિંત્ર પ્રચલિત છે તે પણ કેટલીક બાબતોમાં સારંગી સાથે સરખાવી શકાય તેવું છે, જોકે તેના પ્રાકૃત સ્વરૂપમાં કોઈ ફેરફાર થયેલ નથી. સારંગીનો બીજો એક પ્રકાર તે ચિકારા છે, જેમાં ત્રણ તાર હોય છે. અલબત્ત, તેના તરફોની સંખ્યા મોટાભાગે પાંચ જેટલી હોય છે.

ગજથી વગાડવામાં આવતાં તંતુવાદ્યોમાં રુબાબનો ઉલ્લેખ પણ કરવો ઘટે. સરોદની જેમ રુબાબમાં પણ પડદા હોતા નથી અને તે નાના કદના ગજથી વગાડવામાં આવે છે. તેના પર ચાર તાર બેસાડેલા હોય છે. આ વાજિંત્ર તાનસેને બનાવ્યું હતું એવી એક માન્યતા છે.

તંતુવાદ્યોની શ્રેણીમાં માત્ર અનુરણન માટે વપરાતાં વાદ્યોમાં સૌથી પ્રાચીન વાદ્ય તે તંબૂર. એકતારો એ નામથી ઓળખાતું આ તંતુવાદ્ય તંબૂરાનું પ્રાકૃત સ્વરૂપ ગણાય છે. તેનું નામ એકતારો ભલે હોય પરંતુ વાસ્તવમાં તેના પર બે તાર લગાડેલા હોય છે. તંબૂર એ ઉત્તર હિંદુસ્તાની સંગીતમાં અનુરણન માટે અત્યંત ઉપયોગી વાદ્ય ગણાય છે. તંબૂર એ એકતારાનું સુધારેલું કે શિષ્ટ સ્વરૂપ ગણાય છે. તંતુવાદ્યોમાં તંબૂર શ્રેષ્ઠ વાદ્ય છે. કારણ કે તેના સતત અનુરણનને કારણે શાસ્ત્રીય સંગીત રજૂ કરનારા ગાયક કે વાદક માટે સ્વરોની પશ્ચાદભૂમિકા બંધાઈ જાય છે. અને તેને આધારે કોઈ પણ રાગની રજૂઆત અત્યંત સરળ બની જતી હોય છે.

હાર્મોનિયમ

સ્વરમંડળ એ તંતુવાદ્યોમાં અતિપ્રાચીન વાજિંત્ર ગણાય છે. આ વાદ્ય કાત્યાયની વીણા, શતતંત્રી વીણા વગેરે ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે. તે નખલી વડે અથવા તો લાકડાની બનેલી દાંડીથી વગાડવામાં આવે છે. તે હાર્મોનિયમ જેવું વાજિંત્ર છે. કાનૂન નામનું તેનું એક બીજું સ્વરૂપ છે જે ઈરાનમાં ખૂબ જ લોકપ્રિય છે. કાનૂન અને સ્વરમંડળ બંનેની રચના લગભગ સરખી જ હોય છે.

સંતૂર

સંતૂર : સંતૂર નામનું તંતુવાદ્ય મૂળ કાશ્મીરનું લોકવાદ્ય હતું. શતતંત્રી વીણા તેનું પ્રાચીન નામ હતું. પરંતુ સમય જતાં લોકજીભે અપભ્રંશ પામતાં તે કાશ્મીરની ખીણમાં સંતૂર તરીકે પ્રચલિત થયું. મૂળ વાદ્યમાં સો તાર રહેતા, પરંતુ ત્યારે તેના પર ઝાલા, જોડ અને ગતકારી જેવા શાસ્ત્રીય સંગીતના જુદા જુદા પ્રકારો સારી રીતે વગાડી શકાતા નહિ. તેની આ ખામી દૂર કરવાનો યશ કાશ્મીરના શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઉમાદત્ત શર્માને ફાળે જાય છે. તેમણે સંતૂરમાં સો તારમાં સોળ વધારાના તાર ઉમેરીને 116 તાર ગોઠવ્યા, જેને લીધે આ વાદ્ય હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના  બધા જ રાગોનું સર્જન કરવા સક્ષમ થયું. આજના સંતૂર પર 25 જેટલા ‘બ્રિજ’ હોય છે અને તે દરેક ‘બ્રિજ’ પર ઓછામાં ઓછા ચાર તાર હોય છે.

પરંતુ સંતૂર વાદ્યને ભારતમાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે લોકપ્રિય બનાવવાનો યશ ઉમાદત્ત શર્માના પુત્ર અને હાલના ભારતના વિશ્વવિખ્યાત અગ્રણી સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માને ફાળે જાય છે. આ વાદ્યમાં તારની સંખ્યા ઘણી મોટી હોવાથી વાદ્યનું સમાયોજન (tuning) કરવું અત્યંત મુશ્કેલ હોય છે. આ વાદ્યની મધુરતા અનેરી હોય છે. ચલચિત્રના ક્ષેત્રે પણ સંગીત-દિગ્દર્શકો આ વાદ્યનો બહોળો ઉપયોગ કરતા હોય છે.

નગારું

મોહનવીણા : આ વાદ્ય ભારતીય મૂળનું ન ગણાય કારણ કે તે પાશ્ર્ચાત્ય વાજિંત્ર ગિટારનું સુધારેલું રૂપ છે. પશ્ચિમનું સંગીત વગાડવામાં ગિટારનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ તેના મૂળ પાશ્ર્ચાત્ય સ્વરૂપમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની રાગરાગિણી રજૂ કરવા તે સક્ષમ ન હતું. તેથી તેમાં સુધારા-વધારા કરી ભારતીય શાસ્ત્રીય સંગીત માટે તેને ઉપયુક્ત બનાવવાનું કાર્ય જયપુરના પંડિત વિશ્વમોહન ભટ્ટે કર્યું. ચૌદ તાર ધરાવતા આ વાદ્યને મોહનવીણા તરીકે હવે ઓળખવામાં આવે છે. તેના પર ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ર્ચાત્ય સંગીત બંને વગાડી શકાય છે.

સુષિર વાદ્યો : વાદ્યોના આ પ્રકારમાં સુષિર અથવા તો ફૂંક મારીને કંઠ વડે વગાડવામાં આવતાં વાદ્યોનો સમાવેશ થાય છે. વાદ્યોના આ સમૂહમાં સૌથી પ્રાચીન એવા વેણુ અથવા વાંસળી અથવા બંસી અથવા મુરલી (મોરલી) જેવાં જુદાં જુદાં નામ ધરાવતું વાદ્ય મુખ્ય ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બાંસુરી આ બેનું અસ્તિત્વ પૌરાણિક કાળથી અભિન્ન ગણવામાં આવ્યું છે. ગોવાળિયા ભગવાન શ્રીકૃષ્ણ બંસી વગાડતા ત્યારે માત્ર તેમની ગાયો જ નહિ પરંતુ ગોપીઓ પણ ભગવાન શ્રીકૃષ્ણની આજુબાજુમાં ભેગી થતી હતી એવી કથાઓ ભારતમાં ખૂબ પ્રચલિત છે. શ્રીકૃષ્ણનાં કેટલાંક નામ પણ તે બંનેના સહઅસ્તિત્વની સાક્ષી પૂરે છે; દા. ત., વેણુધર, મુરલીધર, બંસીધર વગેરે. વેદોમાં બંસીનું પ્રાચીન નામ વેણુ તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે.

સુષિર વાદ્યોની શ્રેણીમાં બંસી જેટલું જ પ્રાચીન વાદ્ય શૃંગવાદ્ય છે, તેને રણશિંગું કહે છે. આજે પણ તમિલનાડુ અને નેપાળમાં ભૂંગળ વાદ્યો ઘણાં પ્રચલિત છે, ગુજરાતમાં ભવાઈ લોકનૃત્યની રજૂઆત દરમિયાન લાંબી ભૂંગળ વગાડવામાં આવે છે, જે રંગલો અને રંગલીના નૃત્યમાં રંગ પૂરે છે. નેપાળમાં વગાડવામાં આવતી ભૂંગળો સર્પાકાર હોય છે. પાશ્ર્ચાત્ય સંગીતમાં બૅન્ડનું વિશેષ મહત્વ હોય છે અને લશ્કરના બૅન્ડમાં પાઇપરોની એક અલગ ટુકડી હોય છે, જે ભૂંગળના આકારનાં સુષિર વાદ્યો સમૂહકૂચ (marching) દરમિયાન વગાડતા હોય છે.

મંજીરાં

ભારતનાં પ્રાચીન સુષિર વાદ્યોની શ્રેણીમાં શંખનું સ્થાન પણ વિશિષ્ટ છે. મોટાભાગના હિંદુ પરિવારોમાં પૂજાના સ્થાને અગ્રભાગે શંખ મૂકવામાં આવે છે. અને અન્ય દેવીદેવતાઓની પૂજા સાથે શંખની વિધિવત્ પૂજા કરવામાં આવતી હોય છે. આરતી દરમિયાન શંખધ્વનિ કરવાનો પ્રાચીન રિવાજ છે. પૌરાણિક કાળમાં યુદ્ધોની શરૂઆત પણ શંખનાદથી કરવાનો ભારતમાં રિવાજ હતો, તે શ્રીમદ્ ભગવદગીતાના પ્રથમ અધ્યાય પરથી પ્રતીત થાય છે.

શહનાઈ/શરણાઈ

શરણાઈ : ભારતના ગ્રામજનોમાં શરણાઈ નામનું સુષિર વાદ્ય આજે પણ લોકપ્રિય છે. તે વગાડનારાઓનો એક અલાયદો વર્ગ છે. પ્રાચીનકાળમાં દરેક ગામના ચોરે અથવા દરબારની ડેલીએ કે મંદિરના પ્રવેશદ્વારે કોઈક ઊંચાં સ્થાન પર બેસીને શરણાઈવાદકો વહેલી સવારમાં આ વાદ્ય વગાડતા અને તે દ્વારા સૂર્યોદયના કે પ્રાત:કાળના આગમનનું સૂચન આપતા. ઢોલ કે નગારાં વગાડનારા કલાકારો શરણાઈના વાદકોને સાથ પૂરતા. શરણાઈના સૂરો શુભનાં સૂચક ગણવામાં આવે છે. તેથી આજે પણ મોટાભાગના શુભપ્રસંગની શરૂઆતમાં શરણાઈ વગાડવાની પ્રથા ઓછાવત્તા પ્રમાણમાં ભારતમાં ટકી રહી છે.

શરણાઈના નાના સ્વરૂપને નિકર્ણ કહેવામાં આવે છે. નિકર્ણ સાથે સૂર પૂરવા માટે વગાડવામાં આવતા વાદ્યને પોંગી કહેવામાં આવે છે. તેમાંથી એકસાથે માત્ર એક જ સ્વર કાઢી શકાય છે, જે અનુરણન કરે છે તેને શ્રુતિ કહેવામાં આવે છે, જો કે પોંગી વાદ્યમાં પાંચ કે છ છિદ્રો હોય છે પરંતુ તેનો એકસાથે ઉપયોગ કરવામાં આવતો નથી.

એક જમાનામાં શરણાઈ એ દરબારી વાદ્ય નહિ પરંતુ હલકી જાતનું વાદ્ય ગણાતું અને તે વગાડનારાઓનો સામાજિક દરજ્જો પણ સામાન્ય ગણાતો. આ વાદ્યને સમાજમાં ઊંચું સ્થાન અપાવવાનું ભગીરથ કાર્ય ઉસ્તાદ બિસમિલ્લાખાને કર્યું. તે માટે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા છે. આજે શરણાઈને દરબારી વાદ્ય ગણવામાં આવે છે અને તે વગાડનારાઓનો મોભો પણ ઊંચો ગણવામાં આવે છે.

ચર્મવાદ્યો અથવા આનકવાદ્યો : વાદ્યસંગીતની આ શ્રેણીમાં ઉમેરવામાં આવતાં વાદ્યોમાં શિષ્ટ સંગીતમાં મુખ્યત્વે બે વાદ્યોનો સમાવેશ કરી શકાય : મૃદંગ અને તબલાં. દક્ષિણ ભારતમાં જેને મૃદંગ કહેવાય છે તે જ ચર્મવાદ્યને ઉત્તર હિંદુસ્તાનમાં પખવાજ (પખાવજ) કહેવામાં આવે છે. ભગવાન શિવ જ્યારે તાંડવનૃત્ય કરતા હતા ત્યારે ભગવાન ગણેશે જે વાદ્ય વગાડ્યું તે મૃદંગ. આ વાદ્યની શોધ બ્રહ્માએ કરી હતી એવી પણ અનુશ્રુતિ છે. એક જમાનામાં તે માટીનું બનાવવામાં આવતું, પરંતુ હવે તે લાકડાનું બનાવવામાં આવે છે. તેના આજુબાજુના બે છેડા પર ચામડાં મઢવામાં આવે છે અને તેના પર શાહી લગાડવાથી હાથના તળિયા અને આંગળીઓના ઉપયોગ વડે તે કર્ણપ્રિય અવાજ કાઢી શકે છે. કર્ણાટક શૈલીના સંગીતમાં ગાયકને સાથ આપવા માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીમાં પખાવજને ગૌણ સ્થાન આપવામાં આવે છે અને તે મોટેભાગે મંદિરો અને હવેલીઓમાં વગાડવામાં આવે છે.

મૃદંગ

મૃદંગનું વિભાજિત સ્વરૂપ તે તબલાં. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય, હળવા-સુગમ સંગીત અને ભક્તિ-સંગીતની રજૂઆત દરમિયાન ગાયકને સાથ આપવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. મૃદંગ કે પખવાજના એકલ કાર્યક્રમો આપનારા કલાકારો જેવા કે અયોધ્યાપ્રસાદ કરતાં તબલાના એકલ (solo) કાર્યક્રમો આપનારાઓની સંખ્યા અને લોકપ્રિયતા વધારે છે. ભારતના આધુનિક અગ્રણી તબલાવાદકોમાં દિલ્હી તથા ફરુખાબાદ વાદન-શૈલીના ઉસ્તાદ અહમદજાન થિરકવા, પંડિત ચતુરલાલ, ઉસ્તાદ અલ્લારખાં, ઉસ્તાદ ઝાકિરહુસેન, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોઝ વગેરે મોખરે છે.

તબલામાં તાલનું પ્રાધાન્ય હોવાથી આ વાદ્ય ઉત્તર હિંદુસ્તાની કંઠ્ય અને વાદ્યસંગીતમાં અનિવાર્ય સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. ચર્મવાદ્યોનાં પ્રાકૃત સ્વરૂપોમાં ઢોલ, ડમરુ, નગારું અને નોબત (નગારાનું મોટું સ્વરૂપ) જેવાં વાદ્યો મૂકી શકાય. ડમરુ એ ભગવાન શિવનું વાદ્ય ગણાય છે. નગારું એ પ્રાચીન સાહિત્યમાં દુંદુભિ તરીકે ઉલ્લેખ પામ્યું છે. તેનો ઉપયોગ શાંતિના સમયમાં મંદિરોમાં અને યુદ્ધના સમયમાં રણાંગણ પર કરવામાં આવતો. મોટા આકારના નગારાને નોબત કહેવામાં આવે છે. તે શરણાઈ સાથે લાકડાની દાંડીથી વગાડવામાં આવે છે. મુઘલ સમયમાં તે સવારી દરમિયાન ઘોડા પર બે બાજુ મૂકીને વગાડવામાં આવતી. ત્રાંસું નગારાનું નાનું સ્વરૂપ છે, જે તાંબાનું બનેલું હોય છે.

તબલાં

ઘન અથવા હસ્તવાદ્યો : આ વાદ્યોની શ્રેણીમાં મંજીરાં અથવા કાંસિયાં, કરતાલ, ઝાંઝ, ઝાલર જેવાં વાદ્યોને મૂકી શકાય. કાંસિયાંનાં બનેલાં મંજીરાં કર્ણપ્રિય રણકાર આપે તેવી રીતે હાથમાં ઝાલીને વગાડવામાં આવતાં. તે વજનમાં હલકાં હોય છે. સૌરાષ્ટ્રના લોક-સંગીતમાં તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભજનિકોમાં તે ઘણાં પ્રિય છે. ઝાલર પણ કાંસાની બનેલી હોય છે, તેમાંથી અવાજ કાઢવા માટે લાકડાની હથોડીનો ઉપયોગ કરવો પડે છે. તેને ઘંટ પણ કહે છે. મંદિરમાં વપરાય તે ઝાલર ને શાળામાં વપરાય તે ઘંટ. જોકે ઘંટડીના મોટા સ્વરૂપને પણ ‘ઘંટ’ કહેવામાં આવે છે. મંદિરોમાં આરતી-સમયે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

અન્ય પ્રકીર્ણ વાદ્યો : ઉપર દર્શાવેલ મહત્વનાં વાદ્યો ઉપરાંત ભારતમાં તરંગ વાદ્યોનો પણ એક સ્વતંત્ર પ્રકાર છે. જેમાં જલતરંગ, કાષ્ઠતરંગ, તબલાંતરંગ, નલિકાતરંગ, લોહતરંગ, ઝાલરતરંગ વગેરેનો સમાવેશ થાય છે. સંગીતના ભાગ તરીકે આ પ્રકારનાં વાદ્યો વગાડનારાઓની સંખ્યા હવે ખૂબ જ અલ્પ થઈ ગઈ છે અને જલતરંગ બાદ કરતાં આ શ્રેણીનાં બીજાં કોઈ વાદ્યો હવે પ્રચલિત નથી.

ચીની માટી કે કાચના જુદા જુદા આકારના અને પહોળાઈના પ્યાલાઓમાં પાણી ભરવામાં આવે છે અને ઝીણી લાકડીઓ વડે તે દરેક પ્યાલા પર ટકોરો કરી તેમાંથી જુદા જુદા સ્વર મેળવવામાં આવે છે અને આ પ્યાલાઓ જમીન પર અર્ધવર્તુળાકાર ગોઠવી તેમાંથી જુદા જુદા રાગોનું સ્વર-નિયોજન કરવામાં આવે છે, જેને જલતરંગ કહેવામાં આવે છે. કાષ્ઠતરંગમાં, તેનું નામ સૂચવે છે તે મુજબ, લાકડાના ટુકડાઓને ઓછાવત્તા આકારમાં કાપી તે દરેકને અર્ધવર્તુળાકારે ગોઠવી ઝીણી લાકડીઓ વડે તેમના પર ટકોરા મારવામાં આવે છે અને તેમાંથી જુદા જુદા રાગોનું સ્વરનિયોજન કરવામાં આવે છે. તબલાતરંગમાં નાનાં મોટાં જુદાં જુદાં તબલાં તેમાંથી નીકળતા જુદા જુદા બોલ મુજબ એક પછી એક અર્ધવર્તુળાકાર ગોઠવવામાં આવે છે અને તેમાંથી એક જ હાથનો ઉપયોગ કરીને સુમધુર સંગીતનું સર્જન કરવામાં આવે છે. નલિકાતરંગમાં જુદા જુદા આકારની નળીઓને અમુક રીતે ગોઠવી, તેના પર ટકોરા મારી વિશિષ્ટ પ્રકારનું સંગીત નિષ્પન્ન કરવામાં આવે છે; જ્યારે લોહતરંગમાં લોખંડની જુદા જુદા આકારની પટ્ટીઓ ગોઠવી તેમાંથી જુદા જુદા સ્વરોનું સર્જન કરવામાં આવે છે.

વાદ્યસંગીતનાં ઘરાણાં : હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં જેમ જુદાં જુદાં ઘરાણાં હોય છે, લગભગ તેમ જ વાદ્ય સંગીતમાં પણ જુદાં જુદાં ઘરાણાં હોય છે; જેમાંથી થોડાંક ઘરાણાંનો પરિચય કરીએ.

વીણાવાદનનાં ઘરાણાં : અગાઉ જણાવ્યા પ્રમાણે ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં વીણાનું સ્થાન ક્રમશ: સિતારે લીધું છે, જો કે કર્ણાટક-સંગીતમાં આજે પણ વીણા વાદ્યનું મહત્વ અકબંધ રહ્યું છે. ઉત્તર ભારતમાં જેને રુદ્રવીણા કહેવાય છે તે જ દક્ષિણ ભારતમાં સરસ્વતી વીણાના નામથી ઓળખાય છે. વીણાવાદનમાં ઇન્દોર ઘરાનું ઘણું જાણીતું છે; જેમાં વઝીરખાં, બંદેઅલીખાં, મુરાદખાં, અબ્દુલહાલીમ જાફર, ઝીયા મોઇઉદ્દીન ડાગર વગેરેનાં નામ ખૂબ જાણીતાં છે.

સિતાર અને સરોદનાં ઘરાણાં : સિતાર અને સરોદનાં ત્રણ મુખ્ય ઘરાણાં છે. મહિયર ઘરાણું અથવા સેનિયા ઘરાણું જેમની પરંપરા છેક તાનસેનના સમયથી ચાલી આવી છે. વિલાયતખાની ઘરાણું (અસલ નામ ઇટાવા ઘરાણું) તથા જયપુર બીનકાર ઘરાણું ઉસ્તાદ અલાઉદ્દીનખાંસાહેબ મહિયર રિયાસતમાં સ્થાયી થયેલા, જેને કારણે સેનિયા ઘરાણું હવે મહિયર ઘરાણાના નામથી પ્રચલિત બન્યું છે. આ ઘરાણામાં અલાઉદ્દીનખાં સાહેબના પુત્ર અલીઅકબરખાં, પંડિત રવિશંકર, સુશ્રી અન્નપૂર્ણાદેવી અને પંડિત નિખિલ બૅનર્જીનાં નામ મોખરે છે. વિલાયતખાની ઘરાણામાં ઉસ્તાદ વિલાયતખાં ઉપરાંત ઇમરતખાં તથા શાહીદ પરવેઝનાં નામ મોખરે છે. આ ઘરાણનું અસલ નામ ઇટાવા ઘરાણું બદલીને ઉસ્તાદ વિલાયતહુસેનખાંસાહેબના નામ પરથી તે હવે વિલાયતખાની ઘરાણા તરીકે ઓળખાય છે. થોડાક સમય માટે ઇટાવા ઘરાણાના વિખ્યાત સિતારવાદક ઉસ્તાદ ઇમદાદખાં સાહેબના નામ પરથી ઇમદાદખાની ઘરાણા તરીકે પણ જાણીતું બન્યું હતું.

તબલાંઘરાણાં : તબલાંના ક્ષેત્રમાં જે ઘરાણાં જાણીતાં છે તેમાં બનારસ ઘરાણું, લખનઉ ઘરાણું, અજરાડા ઘરાણું, પંજાબ ઘરાણું,  ગોમાંતક (ગોવા) ઘરાણું અને બંગાળ ઘરાણું  તેમનો ઉલ્લેખ કરી શકાય. કંઠે મહારાજ, પંડિત કિશન મહારાજ, અનોખેલાલ મિશ્ર, સામતા પ્રસાદ મિશ્ર અને પંડિત કુમાર બોઝ બનારસ ઘરાણાના તથા ઉસ્તાદ અહમદજાન થિરકવા, ઉસ્તાદ અલ્લારખાં અને ઉસ્તાદ ઝાકીરહુસેન પંજાબ ઘરાણાના તબલાવાદકો ગણાય છે.

પખવાજ ઘરાણાં : પખવાજના ક્ષેત્રમાં ત્રણ ઘરાણાં વધુ જાણીતાં છે. જાવળી ઘરાણું, મથુરા ઘરાણું અને પંજાબ ઘરાણું.

ભારતીય વાદ્યસંગીત અને પાશ્ર્ચાત્ય વાદ્યસંગીત  તુલનાત્મક સંક્ષિપ્ત પરિચય :  ભારતીય સંગીત, પછી તે કંઠ્ય હોય કે વાદ્ય, મહદ્અંશે તે વ્યક્તિકેન્દ્રી હોય છે; તેથી ભારતમાં જે વાદ્યો વિકસ્યાં છે તે વાદ્યો પણ વ્યક્તિગત એકલ અથવા જુગલબંદી સંગીતને અનુકૂળ આવે તેવી રીતે જ ઘડવામાં આવ્યાં છે. તેની સરખામણીમાં પાશ્ર્ચાત્ય સંગીત એ ગાયકો અને વાદકોની દૃષ્ટિએ સમૂહલક્ષી હોવાથી ત્યાંનાં વાદ્યો પણ તેને અનુકૂળ થાય તે રીતે ઘડવામાં અને વિકસાવવામાં આવ્યાં છે. પાશ્ર્ચાત્ય સંગીતમાં એકલ (solo) વાજિંત્રો કરતાં વાદ્યવૃંદને અનુરૂપ એવાં વાદ્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને એ રીતે જ તેમનો વિકાસ થયેલો છે. બીજી રીતે કહીએ તો પશ્ચિમની સરખામણીમાં ભારતમાં વાદ્યવૃંદની લગભગ ગેરહાજરી હોય છે, એમ કહીએ તો તે ખોટું ગણાશે નહિ. દક્ષિણ ભારતીય સંગીતશૈલીમાં ‘તાલકચેરી’ નામનો પ્રકાર મર્યાદિત રીતે વાદ્યવૃંદવાળો હોવાનું કહી શકાય; જોકે તેમાંયે આઠથી દસ વાદકો વારાફરતી પોતાનાં વાદ્યો વગાડતા હોય છે. પરિણામે પાશ્ર્ચાત્ય દેશોમાં પરંપરાગત રીતે બહુ મોટા અવાજવાળાં વાદ્યોનો ઉપયોગ એ એક સર્વસામાન્ય હકીકત બની ગઈ છે; દા. ત., ઑર્ગન, ટ્રોમબોન, ટુબા, સૅક્સોફોન, ડ્રમ્સ વગેરે. બીજું, પશ્ચિમના દેશોમાં વાદ્યવૃંદને વિશેષ મહત્વ અપાતું હોવાથી અને દરેક વાદ્યવૃંદમાં વાદકોની સંખ્યા ઘણી મોટી હોવાથી સંગીતની રજૂઆતમાં સંકલન અને એકસૂત્રતા સાધવા માટે સંચાલક(conductor)ની ઉપસ્થિતિ અનિવાર્ય ગણવામાં આવે છે, જેની ભારતીય વાદ્ય સંગીતમાં સદંતર ગેરહાજરી હોય છે. ભારતીય વાદ્ય સંગીતની રજૂઆત દરમિયાન વાદકને સ્વરલિપિની જરૂર પડતી નથી. સ્વરલિપિ વગર પણ તે વાજિંત્ર વગાડી શકતા હોય છે, જ્યારે પાશ્ર્ચાત્ય વાદ્યસંગીતમાં વાદ્યવૃંદનું મહત્વ વધારે હોવાથી દરેક વાદક સમક્ષ પહેલેથી તૈયાર કરવામાં આવેલી સ્વરલિપિ અનિવાર્ય ગણવામાં આવે છે. છેલ્લે, ભારતીય વાદ્યસંગીતમાં તે એકલ હોય કે જુગલબંદી, પૂર્વતૈયારી વિના જુદા જુદા સ્વરોની તાત્કાલિક ગોઠવણ(improvisation)ને અને મિશ્રણને ઘણો અવકાશ હોય છે. જ્યારે પાશ્ર્ચાત્ય વાદ્યસંગીતમાં સ્વરલિપિની બહાર સ્વરરચના કે સ્વરમિશ્રણને જરા પણ અવકાશ હોતો નથી. આમ પાશ્ર્ચાત્ય વાદ્યસંગીતમાં વાદક કરતાં સ્વરરચનાકાર અને સંચાલકને વિશેષ મહત્વ હોય છે. વાદકને તો માત્ર તેનું અનુસરણ જ કરવાનું હોય છે.

પાશ્ર્ચાત્ય વાદ્યસંગીત સાથે સંકળાયેલાં વાદ્યોના કુલ આઠ પ્રકાર છે :

(1) બ્રાસ વાદ્યો (Brass Instruments) : જેમાં બુગલ, ટ્રમ્પેટ, થ્રૉનબોન, ફ્લુગલહૉર્ન, કૉર્નેટ, હૉર્ન અને ટુબા નામથી ઓળખાતાં વાદ્યોનો સમાવેશ થાય છે. આ વાદ્યો અલગ અલગ કદ તથા આકારનાં હોય છે. તે દરેકની ભૂંગળમાં મોઢેથી હવા દાખલ કરીને તેમના પરના કાણા પર આંગળીઓની કરામતથી તેમાંથી જુદા જુદા સ્વરો નિર્માણ કરવામાં આવે છે.

(2) વૂડવિંડ વાદ્યો (Woodwind Instruments) : જેમાં બાસૂન, કોર ઍન્ગલેસ, ઓબ, ફ્લૂટ, ક્લૅરિનેટ તથા ટેનર સૅક્સોફોન જેવાં વાદ્યોનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના લાકડામાંથી અને થોડાક ધાતુ અથવા પ્લાસ્ટિકની બનાવટના હોય છે. ભૂંગળ આકારનાં આ વાદ્યોના વચ્ચેના મુખ્ય ભાગ પર થોડા થોડા અંતરે ગોળ કાણાં પાડેલાં હોય છે. તેના એક છેડામાંથી હવા અંદર દાખલ કરીને તેના પરનાં કાણાં પર આંગળીઓની કરામત કરવાથી ભિન્ન ભિન્ન સ્વરોનું નિર્માણ કરી શકાય છે.

(3) તંતુ વાદ્યો (Stringed Instruments) : જેના મુખ્ય ભાગ પર કસેલા તાર બાંધેલા હોય છે. તેના પર બો ફેરવીને આંગળીઓની કરામતથી જુદા જુદા સ્વરો નિર્માણ કરવામાં આવે છે. આ વર્ગનાં વાદ્યોમાં વાયોલિન (બેલા), હાર્પ, વાયોલા, સેલો તથા ડબલ બાસ નામથી ઓળખાતાં વાદ્યોનો સમાવેશ કરી શકાય.

(4) ગિટાર (Guitar) જેના બે મુખ્ય પ્રકાર છે : એકૉસ્ટિક ગિટાર અને ઇલેક્ટ્રિક ગિટાર. આ વાદ્યો પર પણ તાર બેસાડેલા હોય છે જેમાંથી સ્વર નિર્માણ કરવામાં આવે છે.

પાશ્ર્ચાત્ય વાદ્યવૃંદ

પાશ્ર્ચાત્ય ડ્રમકિટ

ગિટાર (guitar)

વાયોલિન

પાશ્ર્ચાત્ય સ્વરાઘાત(percussion)નાં વાદ્યોના નમૂના

પાશ્ર્ચાત્ય કીબૉર્ડ વાદ્યો

પાશ્ર્ચાત્ય બ્રાસ વાદ્યોના નમૂના

પાશ્ર્ચાત્ય વૂડવિંડ વાદ્યોના નમૂના

ભૂંગળ

ડ્રમ

(5) કીબૉર્ડ વાદ્યો (Keyboard Instruments) : જેમાં ઑર્ગન કૉન્સોલ, અપરાઇટ પિયાનો તથા કૉન્સર્ટ ગ્રૅન્ડ પિયાનોનો સમાવેશ થાય છે. ભારતના હાર્મોનિયમ સાથે તેમની સરખામણી કરી શકાય. હાર્મોનિયમ પર આંગળીઓની કરામતથી જે રીતે સ્વર નિર્મિત કરી શકાય છે તેવી જ રીતે કીબૉર્ડ વાદ્યો પરની લાકડાની કે પ્લાસ્ટિકની પટ્ટીઓ આંગળીઓથી દબાવીને જુદા જુદા સ્વરો નિર્માણ કરી શકાય છે.

(6) પર્કશન વાદ્યો (Percussion Instruments) : જેના મુખ્ય ભાગ પર હાથ, આંગળીઓ અથવા લાકડી જેવા અન્ય ખાસ સાધન દ્વારા મારો કરવાથી તેમાંથી જુદા જુદા પ્રકારના સંગીતમય અવાજ તાલબદ્ધ રીતે નિર્માણ કરી શકાય છે. આ પ્રકારનાં વાદ્યોના વર્ગમાં ઉમેરવામાં આવતાં વાદ્યોમાં ટૅમ ટૅમ, સિમ્બાલ્સ, ઝાયલોફોન (Xylophone), વાયબ્રાફોન, ટુબુલર બેલ્સ, ટ્રગલા, કાસ્ટનટ્સ (Castnuts) ઇત્યાદિનો સમાવેશ થાય છે.

(7) ડ્રમ્સ (Drums) : આ વર્ગમાં ઉમેરાતાં વાદ્યો મુખ્યત્વે ચર્મવાદ્યો હોય છે, જેના પર કસેલું ચામડું અથવા પ્લાસ્ટિક બેસાડેલું હોય છે અને લાકડીઓ દ્વારા તેના પર વાર કરી તાલ નિર્માણ કરવામાં આવે છે. આ વર્ગમાં આવતાં વાદ્યોમાં સ્નેઅર ડ્રમ, ડ્રમ કિટ, કાગાસ તથા ટિમ્પાનમનો ઉલ્લેખ કરી શકાય છે.

(8) વીજાણુ વાદ્યો (Electronic Instruments) : આ વર્ગમાં હોમ કીબૉર્ડ, સિન્થેસાઇઝર તથા વિન્ડ સિન્થેસાઇઝર  આ ત્રણ પ્રકારનાં વાદ્યોનો સમાવેશ થાય છે.

ભારતીય સંગીતમાં પ્રચલિત વાદ્યો તથા પાશ્ર્ચાત્ય સંગીતમાં પ્રચલિત, ઉપર નિર્દિષ્ટ વાદ્યોની સરખામણી કરતાં બંને વચ્ચેના તફાવતના કેટલાક મુદ્દાઓ તરી આવે છે : (1) ભારતીય સંગીતમાં પ્રચલિત મોટાભાગનાં વાદ્યો સમૂહ સંગીત તથા વાદ્યવૃંદ (Orchestra) કરતાં એકલ સંગીત (Solo) માટે વધુ ઉપયોગમાં લેવાય છે. (2) ભારતીય સંગીતમાં પ્રચલિત વાદ્યોમાં પૂર્વતૈયારી વિના સ્વરનિયોજન (Improvisation) માટે વધુ તક ઉપલબ્ધ હોય છે, જ્યારે પાશ્ર્ચાત્ય વાદ્યોના કલાકારો તેમના સંચાલક(Conductor)ના નેજા હેઠળ જ પૂર્વનિર્ધારિત સંકેતચિહ્નો(notations) મુજબ સામૂહિક રીતે સંગીત વગાડતા હોય છે. (3) પાશ્ર્ચાત્ય વાદ્યો તેની રચનાને કારણે સ્વભાવગત રીતે વધુ ઘોંઘાટિયાં હોય છે, જ્યારે ભારતીય સંગીતનાં વાદ્યો મૃદુ લયકારી માટે જાણીતાં છે.

ભારતીય મૂળના ઝુબિન મહેતા પાશ્ર્ચાત્ય વાદ્યવૃંદના જાણીતા સંચાલક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે