વાત્યુ, જ્યાં ઍન્તૉઇની (જ. 1684, વાલેન્ચીનેસ, ફ્લૅન્ડર્સ; અ. 1721, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. પહેલેથી બરોક શૈલીના ફ્લૅમિશ ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સના પ્રભાવ હેઠળ તેઓ આવેલા. 1702માં વાત્યુ પૅરિસ ગયા અને ત્યાં ગિલો (Gillot) નામના ચિત્રકાર હેઠળ તાલીમ પામ્યા. લક્ઝમ્બર્ગ મહેલમાં રહેલી રૂબેન્સની ચિત્રશૃંખલા ‘લાઇફ ઑવ્ મેરી દ મેડિચી’નો ઊંડો અભ્યાસ કર્યા પછી વાત્યુએ સ્વતંત્ર સર્જન શરૂ કર્યું. 1709માં તેમણે વતન વાલેન્ચીનેસ પાછા ફરીને કેટલાંક લશ્કરી શ્યો ચીતર્યાં. 1702થી જ વાત્યુને ક્ષય રોગ લાગુ પડેલો અને તેમની તબિયત કથળતી ગઈ. 1710માં પૅરિસ પાછા ફરીને તેમણે વેનેશિયન રેનેસાંસ-ચિત્રકાર વેરોનીઝનાં ચિત્રોનો અભ્યાસ કર્યો.
વાત્યુનાં ચિત્રોમાં બે વિષયો છે : એક છે નાટકો અને ઑપેરાના જાગલા તથા વિદૂષકો તેમજ બીજો છે નયનરમ્ય વનોપવનોમાં ઉજાણી અને કામક્રીડાઓ કરતાં સૌંદર્યથી તરબતર ચહેરા ધરાવતાં યુવાન-યુવતીઓ. આને કારણે તેમનાં ચિત્રો ‘ફીતે ગાલાન્તે’ (Fetes Galantes elegant entertainments) નામે ઓળખાયાં.
ઉજાણીનાં તેમનાં ચિત્રોમાં ‘એ પિલ્ગ્રિમેજ ટુ સિથેરા’ તથા વિદૂષકોનાં તેમનાં ચિત્રોમાં ‘પિયેરો’ (pierrot) સૌથી વધુ ખ્યાતનામ છે.
1719થી 1720 સુધી વાત્યુ તબીબી સારવાર માટે લંડન જઈ આવ્યા, પણ પાછા ફરીને પૅરિસમાં તેમની તબિયત ઑર બગડી અને વરસમાં તેઓ મૃત્યુ પામ્યા.
અમિતાભ મડિયા