વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી પ્રાપ્ત કરી. શિક્ષણ દરમિયાન અગ્રણી સાહિત્યકારોના પરિચયમાં આવ્યા, જેને લીધે તેમના કવિહૃદયને પ્રેરણા મળતી રહી. સાહિત્ય પ્રત્યેની રુચિ તેમને તેમના વડવાઓ પાસેથી વારસામાં મળી છે. કૉલેજકાળથી તેઓ કવિતા રચવા લાગ્યા હતા. ત્યારથી જ રાષ્ટ્રીય રંગે પણ રંગાયા. પરિવારમાં ઉછેર દરમિયાન હિંદુત્વ તથા શિસ્તના સંસ્કાર મળ્યા. સ્વાભાવિક જ સદગુણો પ્રત્યે લગાવ થયો; 1940માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. તે અરસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘણા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં પણ સક્રિય હતા અને તેથી સંઘના સ્વયંસેવક હોવા ઉપરાંત તેઓ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેતા હતા. 1942ની ‘ભારત છોડો’ ચળવળમાં તેમણે ભાગ લીધો હતો અને કારાવાસ પણ ભોગવ્યો હતો. 1951માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ‘જનસંઘ’ નામના અલાયદા રાજકીય પક્ષની સ્થાપના કરી, જેમાં વાજપેયી પણ જોડાયા. 1968-73 દરમિયાન તેઓ તે પક્ષના અધ્યક્ષપદે રહ્યા. 1975માં ભારતમાં રાજકીય કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે વિરોધ પક્ષના અન્ય નેતાઓની જેમ વાજપેયીની પણ ધરપકડ કરવામાં આવી. 1975-77 દરમિયાન તેઓ કારાવાસમાં રહ્યા.
1957માં દેશમાં બીજી સામાન્ય ચૂંટણી યોજાઈ તેમાં લોકસભાના ગ્વાલિયર મતદાન વિસ્તારમાંથી સંસદના નીચલા ગૃહ માટે ચૂંટાયા, ત્યારથી વર્ષ 2003 સુધી, અપવાદ બાદ કરતાં તેઓ સળંગ સંસદના સભ્ય રહ્યા છે. જે અરસામાં તેઓ લોકસભાના સભ્ય ન હતા તે અરસામાં રાજ્યસભાનું સભ્યપદ ભોગવ્યું. ઉત્તમ વક્તા અને ઊંડા અભ્યાસી હોવાથી એક અગ્રણી સાંસદ તરીકે શરૂઆતથી જ તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. 1957-2004 દરમિયાનના ગાળામાં તેમની સાંસદ તરીકેની કામગીરી ઉલ્લેખનીય રહી છે; દા. ત., જનસંઘમાં હતા ત્યારે તે પક્ષના સાંસદીય પાંખના નેતાપદે તેમણે કાર્ય કર્યું હતું. 1966માં કૅનેડામાં ભરાયેલા રાષ્ટ્રમંડળ સંસદીય જૂથની પરિષદમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પૂર્વે આફ્રિકાના પ્રવાસે ગયેલા સંસદીય સદભાવના મંડળના સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. આ ઉપરાંત, ભારત સરકાર વતી વિદેશ ગયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળમાં પણ તેમનો સમાવેશ થયો હતો. 1969-70માં લોકસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષપદે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી. રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારતીય શિષ્ટમંડળના સભ્ય તરીકે તેમણે અનેક વાર હાજરી આપી છે અને દરેક વખતે પોતાના વિશે અને ભારત વિશે સારી છાપ ઊભી કરી છે.
1977માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વિરોધ પક્ષને બહુમતી મળતાં કેન્દ્રમાં મોરારજી દેસાઈ મંત્રીમંડળની રચના થઈ, જેમાં વાજપેયીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને વિદેશપ્રધાનનું પદ બહાલ કરવામાં આવ્યું હતું. 1977-79 દરમિયાન વિદેશપ્રધાન તરીકે તેમણે દેશવિદેશમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તે અરસામાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં કાશ્મીરના પ્રશ્ન અંગે વિદેશપ્રધાન તરીકે તેમણે જે વક્તવ્ય આપ્યું હતું તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી અને ત્યારથી ‘આધુનિક ચાણક્ય’ તરીકે તેમણે જનમાનસમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે.
1979માં મોરારજી દેસાઈ મંત્રીમંડળનું પતન થયું. ત્યારબાદ 1980માં વિરોધપક્ષમાં ભંગાણ પડ્યું અને વાજપેયીની રાહબરી હેઠળ એક નવા પક્ષનો – ભારતીય જનતા પક્ષનો ઉદય થયો, જેના અધ્યક્ષપદે તેમની વરણી થઈ. ત્યારથી અત્યાર સુધી (વર્ષ 2004) વાજપેયી તે પક્ષના સર્વોપરી ને સર્વમાન્ય નેતા રહ્યા છે. 1991-96ના ગાળામાં તેઓ લોકસભામાં વિરોધપક્ષના નેતા રહ્યા. 1998માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કોઈ એક પક્ષને સંસદમાં બહુમતી મળી ન હતી અને તેથી વાજપેયીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં કેટલાક નાના અને પ્રાદેશિક પક્ષોના ટેકાથી પ્રથમ સહિયારી સરકાર રચવામાં આવી. ભારતમાં કેન્દ્ર ખાતે સહિયારી સરકારનો તે પ્રથમ પ્રયોગ હતો; પરંતુ માત્ર તેર દિવસ પછી સરકારની બહુમતી પુરવાર ન થતાં આ સરકારનું પતન થયું હતું. ત્યારબાદ તરત જ 1998માં થયેલ મધ્યાવધિ ચૂંટણીમાં બીજી વાર તેઓ કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા, જેમાં ભારતીય જનતા પક્ષ પાસે અગાઉ કરતાં સંખ્યાબળ વધ્યું; છતાં એકલા હાથે તે સરકાર રચી શકે એટલી બહુમતી તેની પાસે ન હોવાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(NDA)ની છત્રછાયામાં ફરી વાર વાજપેયીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં બીજી વાર સહિયારી સરકાર સત્તા પર આવી, પરંતુ તેર મહિના પછી લોકસભામાં આ સરકારની વિરુદ્ધમાં અવિશ્ર્વાસનો ઠરાવ માત્ર એક મતની સરસાઈથી પસાર થતાં વડાપ્રધાન તરીકે વાજપેયીએ પોતાની સરકારનું રાજીનામું આપ્યું હતું. 1999માં ફરીવાર લોકસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતાપક્ષે સાથી પક્ષોની મદદથી બહુમતી મેળવી અને વાજપેયી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા (1999-2004).
તેમના નેતૃત્વ હેઠળ રચાયેલી ઉપર્યુક્ત સરકારે કેટલાંક અગત્યનાં નીતિવિષયક પગલાં લીધાં છે. દા.ત., ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યું વાતાવરણ ઊભું થાય તે હેતુથી તેમણે બંને દેશોના નાગરિકોના પરસ્પર આવાગમનને પ્રોત્સાહન આપવા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે ‘સમઝોતા એક્સપ્રેસ’ નામની એક ટ્રેન દાખલ કરી. વળી બંને દેશો વચ્ચે નિયમિત બસ-સેવા શરૂ કરવાનો નિર્ણય અમલમાં મૂક્યો અને આ બસ પહેલી વાર દિલ્હીથી લાહોર જવા રવાના થઈ ત્યારે તેમણે પાકિસ્તાન પ્રત્યેની પોતાની સદભાવના દર્શાવવા માટે ઉપર્યુક્ત બસમાં પોતે લાહોર સુધી પ્રવાસ કર્યો તથા તેમની સાથે દેશના જુદા જુદા ક્ષેત્રના ખાસ પસંદ કરવામાં આવેલા અગ્રણીઓને સહપ્રવાસી તરીકે લઈ ગયા. જોકે પાકિસ્તાનની કુટિલ નીતિને કારણે કારગીલ યુદ્ધ થયું, જેને કારણે તેમની સદભાવનાની આ પહેલને મોટો ફટકો પડ્યો અને તેને પરિણામે ભારત સરકારને નછૂટકે પાકિસ્તાનની સામે કેટલાક અપ્રિય પગલાંઓ લેવા પડ્યા. કારગીલ યુદ્ધમાં નિર્ણાયક વિજય મેળવ્યા બાદ પણ વાજપેયીએ પાકિસ્તાન પ્રત્યેની પોતાની સુમેળ સાધવાની નીતિ ચાલુ રાખી, જેના પ્રતીક તરીકે તેમણે વર્ષ 2000માં આવેલા રમજાનના પવિત્ર દિવસે ભારત વતી એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો, જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ અને વાજપેયી માત્ર રાજકીય નેતા જ નહિ, પરંતુ વિચક્ષણ મુત્સદ્દી પણ છે તેવી તેમના વિશેની છાપ ફરી સર્વત્ર પ્રસરી. પાકિસ્તાન પ્રત્યેની સદભાવના નીતિના એક ભાગ તરીકે વાજપેયીના નેતૃત્વ હેઠળની ભારત સરકારના આમંત્રણથી ભારત-પાકિસ્તાન વચ્ચેના બધા જ વિવાદોનો ઉકેલ શોધવાના હેતુથી બંને પક્ષો વચ્ચે આગ્રા ખાતે જુલાઈ, 2001માં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફ સાથે શિખર મંત્રણાઓ યોજવામાં આવી જે કાશ્મીર અંગેના પાકિસ્તાનના જડ વલણને કારણે સફળ નીવડી ન હતી. આ જ પ્રકારની સહિષ્ણુતાભરી નીતિના ભાગ તરીકે વાજપેયીએ કાશ્મીરના હુર્રિયત કૉન્ફરન્સના નેતાઓને પાકિસ્તાનના નેતાઓ સાથે આતંકવાદનો ઉકેલ શોધવા માટે મંત્રણા કરવા પાકિસ્તાન જવાની પરવાનગી સરકારી રાહે આપી. વર્ષ 2003માં પણ તેમણે કેટલીક જાહેરાતો એવી કરી કે જેથી પાકિસ્તાન સાથે સુમેળ સાધવાના ભારતના પ્રયાસો ચાલુ રહી શકે.
વાજપેયી એક બાહોશ અને નીડર રાજકીય નેતા છે અને તેઓ રાષ્ટ્ર માટે ગમે તે ભોગ આપવા તત્પર છે, એવી પણ તેમની સાર્વત્રિક છાપ છે. કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરમાં જાહેર સભાને સંબોધવાની હિંમત રાજીવ ગાંધી પછી ચૌદ વર્ષના અંતરાય બાદ વાજપેયીએ બતાવી હતી, જ્યાં તેમણે પાકિસ્તાન સાથે સુમેળ સાધવાની ભારતની ઉદાર નીતિનું પુનરુચ્ચારણ કર્યું હતું. સાથોસાથ કાશ્મીરના વિકાસ માટે પૅકેજ રૂપે આર્થિક પગલાંઓની પણ જાહેરાત કરી હતી, જેમાં શ્રીનગરથી જમ્મુ સુધી રેલવે લાઇન નાખવાની જાહેરાતનો પણ સમાવેશ થયો હતો. વળી રાજ્યના વિદ્યાર્થીઓને ભણવામાં પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે ત્યાંના વિદ્યાર્થીઓ માટે કેટલીક શિષ્યવૃત્તિઓની જાહેરાત પણ કરી હતી.
વર્ષ 1992માં વાજપેયીને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. 1993માં કાનપુર યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની માનાર્હ પદવી આપી હતી. 1994માં તેમને ‘લોકમાન્ય ટિળક’ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા અને તે જ વર્ષે તેમને તે વર્ષના ‘સર્વશ્રેષ્ઠ સાંસદ’નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું, જે સ્વ. ગોવિંદવલ્લભ પંતની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. 1997 વર્ષના સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સુલભ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને તેમની વરણી કરી હતી (1998).
વાજપેયી એક કુશળ રાજકારણી હોવા સાથે સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા હોવાથી સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ નાનપણથી તેમના જીવનમાં વણાઈ ગયો છે. કૉલેજકાળથી કવિતા કરવાનો તેમનો શોખ આજ સુધી ટકી રહ્યો છે. તેમનો એક કવિતાસંગ્રહ ‘મેરી એક્યાવન કવિતાએં’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે, આ ઉપરાંત, ‘કૈદી કવિરાજ કી કુંડલિયાં’, ‘ન્યૂ ડાયમેન્શન્સ ઑવ્ એશિયન ફૉરેન પૉલિસી’, ‘મૃત્યુ યા હત્યા’ તથા ‘જનસંઘ ઔર મુસલમાન’ આ તેમના અન્ય ગ્રંથો પણ પ્રકાશિત થયા છે.
વર્ષ 2004ની સામાન્ય ચૂંટણી અટલબિહારી વાજપેયીના જ નેતૃત્વ હેઠળ લડવામાં આવશે એવી જાહેરાત ભારતીય જનતાપાર્ટીએ વર્ષ 2003માં વારંવાર કરી હતી અને તેનું પુનરુચ્ચારણ જૂન, 2003માં મુંબઈ પાસેના થાણા ખાતે યોજવામાં આવેલી પક્ષની ‘ચિંતન બેઠક’માં કરવામાં આવ્યું હતું, તે મુજબ વર્ષ 2004ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અટલબિહારી વાજપેયીને માત્ર ભારતીય જનતા પક્ષે જ નહિ પરંતુ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધને (NDA) તેમના જ નેતૃત્વ હેઠળ સામાન્ય ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. આ ચૂંટણીમાં તેમના પક્ષે તેમને ઉત્તર પ્રદેશના લખનઉ લોકસભા મતવિસ્તારમાંથી ઊભા રાખ્યા હતા અને તેમની સામે અપક્ષ ઉમેદવાર રામ જેઠમલાની વિરોધ પક્ષના ટેકાથી ઊભા રહ્યા હતા. આ ચૂંટણીમાં વાજપેયીનો વિજય થયો હતો. મે, 2004માં લોકસભાની સામાન્ય ચૂંટણીનાં જે કુલ પરિણામ આવ્યાં તેમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચાને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનની સરખામણીમાં વધુ બેઠકો પ્રાપ્ત થઈ અને તેથી ડાબેરી પક્ષોના ટેકાથી કેન્દ્રમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર સત્તા પર આવી. તેને કારણે વાજપેયી ફરી વાર દેશના પ્રધાનમંત્રી બની શક્યા નહિ. હાલ (2004) તેઓ સંસદમાં વિરોધપક્ષના સંસદીય પક્ષનું નેતાપદ ધરાવે છે.
કટ્ટર હિંદુત્વવાદીઓના સમૂહમાં વાજપેયી ઉદારમતવાદી નેતા તરીકે ખ્યાતિ ધરાવે છે.
હાલના ભારતના રાજકારણમાં વાજપેયી જેટલું ઊંચું ચારિત્ર્ય અને સાર્વત્રિક નિખાલસતા ધરાવતા નેતાઓ ઘણા ઓછા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે