વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન, પરિવહન, બૅન્કિંગ, કુશળ કારીગરની સેવા, વ્યવસાયી સેવા વગેરેને ‘વસ્તુ’ એવા સર્વસામાન્ય નામથી ઓળખવામાં આવે છે. નાણાં તરીકે ઉપયોગી અને પોતાના આંતરિક મૂલ્ય હેઠળ વેચી શકાય તેવી કીમતી ધાતુઓ-સોનું અને ચાંદી-પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં વસ્તુ કહેવાય છે. તેથી ઊલટું, કાગળનું નાણું વસ્તુ નથી, કારણ કે તેનું વાસ્તવિક મૂલ્ય કશું નથી.
સામાન્ય ચર્ચામાં જેને એક વસ્તુ ગણવામાં આવે છે તેને શાસ્ત્રીય રીતે તપાસીને જુદી જુદી વસ્તુઓ ગણવામાં આવે છે. આ રીતે ઘઉં કે ચોખાની વિવિધ જાતોના આધાર પર તેમને અનેક વસ્તુઓ ગણવામાં આવે છે. એ જ રીતે સૂતરને તેની જાડાઈના આધાર પર વિવિધ વસ્તુઓ રૂપે જોવામાં આવે છે. વસ્તુ તેની ત્રણ લાક્ષણિકતાઓને લીધે એકબીજીથી જુદી પડે છે : (ક) પ્રત્યેક વસ્તુના ભૌતિક ગુણધર્મ તેના ઉત્પાદન અને વપરાશની લાક્ષણિકતા નક્કી કરે છે. આમ ખનિજ કોલસો, આઇસક્રીમ અને કારીગરની સેવા એકબીજાથી જુદાં છે. (ખ) વસ્તુનું પ્રાપ્તિસ્થળ તેની બીજી લાક્ષણિકતા છે. અમદાવાદના બજારમાં તુરત જ ખરીદી શકાય તેવો ખનિજ કોલસો, કોલસાનાં ક્ષેત્રો ઉપર ખરીદી શકાય તેવા ખનિજ કોલસા કરતાં જુદો છે. (ગ) વસ્તુનો પ્રાપ્તિસમય તેની ત્રીજી લાક્ષણિકતા છે. બજારમાં મળતું તૈયાર કાપડ એક વર્ષ પછી મિલમાં વણવામાં આવનાર કાપડ કરતાં જુદું છે. વસ્તુની બીજી અને ત્રીજી લાક્ષણિકતા देशकालौ संकीर्त्य – સૂત્ર પર આધારિત છે. એક વસ્તુ અને બીજી વસ્તુની બે લાક્ષણિકતાઓ સરખી હોય, પરંતુ ત્રીજી લાક્ષણિકતામાં ફેર પડતો હોય તો તેઓ બંને એકબીજીની સંપૂર્ણ અવેજી (substitute) કહી શકાય નહિ.
રાજ્ય નાગરિકોને ભિન્ન ભિન્ન સેવાઓ/વસ્તુ પૂરી પાડે છે. તેમાંથી કેટલીક સેવા-ઉદાહરણ તરીકે ટપાલ સેવા-નો સ્વીકાર અથવા અસ્વીકાર કરવો તે માટે નાગરિકો પાસે વિકલ્પ રહે છે. તેથી આ પ્રકારની વૈકલ્પિક સેવા/વસ્તુ માટે નાગરિકે ચૂકવવી પડતી કિંમતને કર કહી શકાય નહિ, પરંતુ કેટલીક સેવાઉદાહરણ તરીકે સંરક્ષણ સેવાનો લાભ બધા નાગરિકોને અનાયાસે વિનામૂલ્યે મળે છે. આમ આ સેવાને નિ:શુલ્ક આરોહકો(free riders)ની સમસ્યા નડે છે. બાહ્ય આક્રમણ (external aggression) સામે સંરક્ષણની આ સર્વસુલભ સેવામાંથી પ્રાપ્ત કરેલા લાભના બદલામાં કર તરીકે આવી સેવાની કિંમત ચૂકવવાની પ્રત્યેક કરદાતાની ફરજ છે. આ લાભ સાપેક્ષ હોવાથી કરદાતાને તેની આવક અને સંપત્તિના પ્રમાણમાં રાજ્ય પાસેથી લાભ થાય છે તેમ અનુમાન કરીને સંપન્ન નાગરિકો ઉપર આવકવેરો, ખર્ચવેરો, બક્ષિસવેરો, મૂડીલાભવેરો, સંપત્તિવેરો અને વારસાવેરો જેવા કર નાખવામાં આવે છે. ભારતના સંવિધાન અનુસાર આ પ્રકારના કરવેરા ઉઘરાવવાનો અધિકાર કેન્દ્ર સરકારનો છે. બાહ્ય આક્રમણથી ઊલટું આંતરિક ઉપદ્રવ/અશાંતિ (internal disturbance) સામે પૂરી પાડવામાં આવતી જાનમાલના રક્ષણની સેવા તથા શ્રીમંતોના આર્થિક શોષણમાંથી જનસમૂહના રક્ષણની સેવાનો લાભ તો બધા જ નાગરિકોને મળે છે તે અનુમાન કરીને અકિંચનેતર સર્વ નાગરિકો ઉપર સીમાશુલ્ક (કસ્ટમ ડ્યૂટી), ઉત્પાદનશુલ્ક (એક્સાઇઝ ડ્યૂટી), સેવાવેરો (service tax) વેચાણવેરો, સ્થાનિક જકાત (octroi) અને મૂલ્યવૃદ્ધિવેરો (value added tax – VAT) જેવા વસ્તુવેરા નાંખવામાં આવે છે. ભારતના સંવિધાન અનુસાર સીમાશુલ્ક, ઉત્પાદનશુલ્ક અને સેવાવેરો ઉઘરાવવાનો અધિકાર કેન્દ્ર સરકારનો, વેચાણવેરો ઉઘરાવવાનો અધિકાર રાજ્યસરકારોનો તથા સ્થાનિક જકાત (ઑક્ટ્રોય) ઉઘરાવવાનો અધિકાર નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળોનો છે.
પોતાના ઉપર નાખવામાં આવેલો કરબોજ જો મૂળ કરદાતા અન્ય વ્યક્તિ ઉપર ખસેડે તો તેને કર-વિવર્તન (shifting of tax) કહેવામાં આવે છે. આવકવેરો, સંપત્તિવેરો વગેરે કર મૂળ કરદાતા અન્ય વ્યક્તિ ઉપર ખેસવી શકતો નથી, તેથી તે વેરા પ્રત્યક્ષ વેરા (direct taxes) કહેવાય છે. તેનાથી ઊલટું, કસ્ટમવેરો, ઉત્પાદનશુલ્ક વગેરે વસ્તુવેરા ઉત્પાદક અને વેપારી ઉપર નાખવામાં આવે છે, પરંતુ તેઓ પોતાની વેચાણકિંમતમાં વધારો કરીને વસ્તુવેરા બની શકે તેટલા વધુ પ્રમાણમાં ખરીદનાર/ઉપભોક્તા ઉપર ખેસવવા પ્રયત્નશીલ રહે છે; તેથી વસ્તુવેરા પરોક્ષવેરા (indirect taxes) કહેવાય છે. પરોક્ષવેરાનો બોજો મહદંશે છેવટે વસ્તુ કે સેવાના ઉપભોક્તા પર પડે છે એ હકીકતને નજર સમક્ષ રાખીને જીવનનિર્વાહ માટેની કેટલીક પ્રાથમિક ચીજો પર વેરા નાંખવામાં આવતા નથી. જેથી ઓછી આવક ધરાવતા વર્ગો પર કરનો બોજ પડે નહિ. આટલી ભૂમિકા પછી કેટલાક વસ્તુવેરાનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.
સીમાશુલ્ક (custom duty) : પ્રાચીન સમયમાં જ્યારે વેપારી પોતાના પણ્ય (વેચવા માટેની વસ્તુ, merchandise) સાથે કોઈ રાજ્યમાં પ્રવેશ કરતો હતો ત્યારે તેના દ્વારા ત્યાંના રાજવીને યથાયોગ્ય ઉપહાર/ભેટ આપવાનો રિવાજ (custom) હતો. કાળક્રમે આ રિવાજનું કસ્ટમવેરામાં-સીમાશુલ્કમાં ઔપચારિક રીતે રૂપાંતર થયું. સાંપ્રતકાળમાં અર્વાચીન રાજ્યો મોટાભાગે આયાત ઉપર અને પ્રસંગોપાત્ત, નિકાસ ઉપર સીમાશુલ્ક ઉઘરાવે છે. વિશ્વના લગભગ બધા જ દેશોમાં અને વિશેષ કરીને વિકાસશીલ દેશોમાં સીમાશુલ્ક મહેસૂલી આવકનો અગત્યનો સ્રોત છે. વિશ્વ સીમાશુલ્ક-સંગઠન(The World Customs Organisation)નું ભારત સક્રિય સભ્ય છે. તેણે આંતરરાષ્ટ્રીય સીમાશુલ્ક પ્રણાલિકાઓ, વિધિઓ, વસ્તુઓનું સંવાદી (harmonised) વર્ગીકરણ કરવાની પદ્ધતિ અને ગેટ(GATT) આધારિત મૂલ્યાંકન-પદ્ધતિ સ્વીકારેલાં છે. ભારતમાં કસ્ટમ અધિનિયમ 1962 અને કસ્ટમ ટેરિફ અધિનિયમ 1975 હેઠળ નિકાસ અને આયાત ઉપર સીમાશુલ્ક ઉઘરાવવામાં આવે છે. હાલમાં નિકાસશુલ્ક ફક્ત ચામડાંની નિકાસ ઉપર લેવામાં આવે છે. આયાતશુલ્ક બે પ્રકારનાં હોય છે : (1) કસ્ટમ ટેરિફ અધિનિયમ 1975ના પરિશિષ્ટમાં વર્ણવેલી (જીવનરક્ષક સિવાયની) વિશ્વભરમાંથી આયાત કરેલી વસ્તુઓ ઉપર ઠરાવેલા ધોરણે અને પાયાના મૂળભૂત દરે સીમાશુલ્ક લેવામાં આવે છે, છતાં કેટલાંક રાષ્ટ્રોમાંથી આયાત થયેલી આ વસ્તુઓ ઉપર પસંદગીના ધોરણે/છૂટછાટના ધોરણે સીમાશુલ્ક લેવામાં આવે છે અને (2) સેન્ટ્રલ એક્સાઇઝ અધિનિયમ 1944 હેઠળ ભારતમાં ઉત્પાદન કરેલા માલ ઉપર જે દરે ઉત્પાદનશુલ્ક લેવામાં આવે છે તે જ દરે કસ્ટમ ટેરિફ અધિનિયમની કલમ 3 હેઠળ અધિક સીમાશુલ્ક લેવામાં આવે છે. આ અધિક શુલ્ક પ્રતિકારશુલ્ક (counter-vailing duty) તરીકે ઓળખાય છે. ઉત્પાદનશુલ્ક્ધો કારણે દેશના ઉત્પાદકો વિદેશી ઉત્પાદકો સાથેની સ્પર્ધામાં ગેરલાભની સ્થિતિમાં ન મુકાય તે માટે આ પ્રતિકારશુલ્ક નાખવામાં આવે છે.
કસ્ટમ અધિનિયમ 1962, કલમ 11 હેઠળ ભારત સરકારને જો સંતોષ થાય તો ચોક્કસ ઉદ્દેશોને નજર સમક્ષ રાખીને સરકાર ચોક્કસ વસ્તુઓની આયાત અથવા નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. આવા કેટલાક ઉદ્દેશો આ પ્રમાણે છે : (1) ભારતનું સંરક્ષણ, (2) જાહેર વ્યવસ્થાની જાળવણી તથા શિષ્ટાચાર અને નીતિમત્તાનાં ધોરણોનું પાલન, (3) દાણચોરીની અટકાયત, (4) વપરાશી માલની અછતનું નિવારણ, (5) વિદેશી હૂંડિયામણની સાચવણી અને વેપારતુલાની જાળવણી, (6) સોના-ચાંદીની અનિયંત્રિત આયાત અને નિકાસથી રાષ્ટ્રની અર્થવ્યવસ્થા ઉપર થતી વિપરીત અસરનું નિવારણ, (7) કૃષિ અને મત્સ્યપેદાશોની વિપુલતાથી થતી હાનિ, (8) માનવ, પશુ, મત્સ્ય અને વનસ્પતિ સૃદૃષ્ટિનું જતન, (9) રાષ્ટ્રની કલાત્મક અને ઐતિહાસિક ચીજોના વારસાની જાળવણી, (10) વપરાઈ જાય એવાં કુદરતી સંસાધનોની જાળવણી વગેરે.
ઉત્પાદનશુલ્ક (excise duty) : બ્રિટિશ ભારતમાં જુદાં જુદાં વર્ષોમાં પ્રસંગોપાત્ત જુદા જુદા દસ અધિનિયમો ઘડીને અને તેમને અનુરૂપ નિયમો બનાવીને મીઠા સહિત અનેક વસ્તુઓના આંતરિક ઉત્પાદન ઉપર કરવેરા નાખવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે વહીવટી અનુકૂળતા માટે આ બધા અધિનિયમો અને નિયમોની જોગવાઈઓ લક્ષમાં રાખીને અને આવશ્યકતા અનુસાર તેમાં યથાયોગ્ય સુધારાવધારા કરીને એકત્રિત જોગવાઈઓવાળો સેન્ટ્રલ એક્સાઇઝ અધિનિયમ 1944 પસાર કરવામાં આવ્યો અને તેને અનુરૂપ સેન્ટ્રલ એક્સાઇઝ નિયમો બનાવવામાં આવ્યા. વર્તમાનમાં કાળક્રમે અસંખ્ય સુધારાવધારાવાળો સેન્ટ્રલ એક્સાઇઝ અધિનિયમ, 1944 અને નવેસરથી બનાવવામાં આવેલા સેન્ટ્રલ એક્સાઇઝ નિયમો, 2002 અમલમાં છે. દેશની અર્થવ્યવસ્થા અને સરકારની નાણાકીય આવશ્યકતાઓ ધ્યાનમાં રાખીને ઉત્પાદનશુલ્કના દરોમાં દર વર્ષે સંસદ દ્વારા નાણા-અધિનિયમ પસાર કરીને ફેરફાર કરવામાં આવે છે. ઉત્પાદનશુલ્ક તેના નામ પ્રમાણે વસ્તુના નિર્માણ અને ઉત્પાદન ઉપર નાખવામાં આવે છે. વસ્તુ એટલે શું તે પ્રકારની વ્યાખ્યા અધિનિયમમાં આપવામાં આવી નથી, પરંતુ સર્વોચ્ચ અદાલતે તેની સમક્ષ ઉપસ્થિત થયેલા મુકદ્દમામાં ઠરાવ્યું છે કે બજાર જેને વસ્તુ તરીકે ઓળખતું હોય અને બજારમાં જેને ખરીદી અથવા વેચી શકાય તે વસ્તુ કહેવાય છે. સામાન્ય રીતે જ્યારે તૈયાર માલ કારખાનાની બહાર ખસેડવામાં આવે ત્યારે ઉત્પાદનવેરો વસૂલ કરવામાં આવે છે, પરંતુ ઉત્પાદક વિકલ્પે તૈયાર માલ કારખાનામાંથી બંધક ગોદામ(bonded ware-houses)માં વેરો ભર્યા વિના ખસેડી શકે છે; પરંતુ જ્યારે માલ બંધક ગોદામમાંથી ખસેડવામાં આવે ત્યારે વેરો ભરવો પડે છે.
ભારત સરકારે ઉત્પાદનશુલ્કની વસૂલાતનું સરલીકરણ અને ઉદારીકરણ કરવા માટે નાણાકીય વર્ષ 1986-1987થી મોડવેટ (modified value added tax – modvat) યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ઉત્પાદકે ખરીદેલા કાચા માલ અને ઘટકો ઉપર મૂળ વિક્રેતા દ્વારા ભરવામાં આવેલું ઉત્પાદનશુલ્ક ઉત્પાદકને તાત્કાલિક અને સંપૂર્ણ મજરે (reimburse) આપવામાં આવે છે. માત્ર ઉત્પાદક પોતે નવો માલ તૈયાર કરે અને તેના ઉપર ઉત્પાદનશુલ્ક ભરવા માટે જવાબદાર થાય તે અગાઉ જ તેણે ખરીદેલા માલ ઉપર અન્ય વ્યક્તિએ ભરેલું ઉત્પાદનશુલ્ક મજરે આપવામાં આવે છે તેથી ઉત્પાદકના કાચા માલ અને ઘટકોની ખરીદકિંમતમાં ઘટાડો થાય છે અને ધંધો કરવા માટે લેવા પડતા દેવાના વ્યાજબોજમાં પણ તેને રાહત થાય છે. મોડવેટ યોજના દાખલ થયા પછી ઉત્પાદનશુલ્ક હવે વ્યવહારમાં સેન્ટ્રલ એક્સાઇઝના બદલે સેન્ટ્રલ વેટ – સેન્વેટ તરીકે ઓળખાય છે.
સેવાવેરો : ભારતમાં સેવાવેરો વસૂલ કરવાની કલ્પના પ્રથમ વાર 1994માં ઉદ્ભવી. જેમ ભૌતિક વસ્તુના આંતરિક ઉત્પાદન ઉપર ઉત્પાદનશુલ્ક લેવાય છે તેમ સેવાના રૂપમાં વસ્તુના આંતરિક ઉત્પાદન પર વેરો વસૂલ કરવાનો માર્ગ શોધવાનું સરકારી સ્તરે વિચારવામાં આવ્યું. ભારતના સંવિધાનના પરિશિષ્ટ સાતની I, II અને III – એમ ત્રણ સૂચિઓમાંથી એક પણ સૂચિની ક્રમવાર નોંધમાં ‘સેવાવેરો’ એ પ્રકારનું વિવરણ નથી. તેથી સંસદને અધિનિયમો ઘડવાનો અધિકાર આપતી સૂચિ Iની નોંધ નંબર 97નો આધાર લેવામાં આવ્યો. આ નોંધ અનુસાર ‘સૂચિ II અને સૂચિ IIIમાં જેની ગણના થઈ ન હોય તેવી કોઈ પણ પ્રકારની કર સહિતની કોઈ પણ બાબત’ તેવો ઉલ્લેખ છે, તે અધિકારનો ઉપયોગ કરીને સંસદ દ્વારા (1) નાણાકીય અધિનિયમ 1994ના પ્રકરણ Vના અનુચ્છેદ 5થી 96 પસાર કરીને અને સેન્ટ્રલ એક્સાઇઝ અધિનિયમ 1944ની અનેક જોગવાઈઓ લાગુ પાડીને સેવાવેરો નાખવામાં આવ્યો. આ વેરાનો વહીવટ ભારત સરકારના વિત્ત-વિભાગના કેન્દ્રીય ઉત્પાદન અને સીમાશુલ્ક બૉર્ડ દ્વારા કરવામાં આવે છે. તેણે સંસદની મંજૂરી સાથે સેવાવેરો નિયમો, 1994 બનાવ્યા છે. આમ અધિનિયમ અને નિયમોની જોગવાઈઓ હેઠળ જમ્મુ અને કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં મૂલ્ય-આધારિત સેવાવેરો નાખવામાં આવ્યો છે. શરૂઆતમાં ફક્ત ત્રણ સેવાઓ ઉપર 5 %ના દરે આ વેરો નાખવામાં આવ્યો હતો, પરંતુ નાણાકીય વર્ષ 2003-2004માં વેરાનો દર વધારીને 8 % કરવામાં આવ્યો છે. સેવાવેરાની વસૂલાતમાં પણ ઉત્પાદનશુલ્કના મોડવેટ જેવી જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે જો કોઈ સેવા ઉપર વેરો લેવામાં આવ્યો હોય અને તે સેવાનો ઉપયોગ અન્ય કરપાત્ર સેવાની ઉપલબ્ધિ માટે કરવામાં આવ્યો હોય તો ઉપલબ્ધ કરાયેલી અન્ય સેવા ઉપર ભરવાપાત્ર વેરામાંથી ઉપયોગમાં લેવાયેલી સેવા ઉપર ભરેલો વેરો મજરે આપવામાં આવે છે.
કરપાત્ર સેવાઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે અને નાણાકીય વર્ષ 2003-2004માં 58 સેવાઓ કરપાત્ર બનાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે (1) વિજ્ઞાપન-સેવા, (2) હવાઈ યાત્રા એજન્ટ સેવા, (3) બ્યૂટિપાર્લર સેવા, (4) કેબલ ઑપરેટર સેવા, (5) કોચિંગ સેવા, (6) કુરિયર સેવા, (7) ફૅશન-ડિઝાઇનર સેવા, (8) ઇન્ટિરિયર ડેકોરેટિવ સેવા, (9) મંડપ-કીપર સેવા, (10) પૉર્ટ સર્વિસીઝ, (11) રેલટ્રાવેલ એજન્ટ સેવા, (12) સિક્યૉરિટી એજન્સી સેવા, (13) શૅર અને સ્ટૉક-દલાલ સેવા, (14) ટેલિગ્રાફ સેવા, (15) ટેલિફોન સેવા, (16) ટેલેક્ષ સેવા અને (17) ટૂર ઑપરેટર સેવાનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં કરપાત્ર સેવાની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે અને સમય જતાં જીવનનિર્વાહ માટેની પ્રાથમિક સેવાઓ સિવાયની અન્ય સેવાઓ કરપાત્ર થવાની શક્યતા છે.
અન્ય ક્ષેત્રો કરતાં સેવાક્ષેત્રમાં કમાણી ઝડપથી વધવા માંડી છે અને દેશના સકલ ઘરેલુ ઉત્પાદન(gross domestic product – GDP)માં સેવાક્ષેત્રની કમાણી નાણાકીય વર્ષ 2000-2001માં 48.5 % થઈ હતી. તેના ફળ સ્વરૂપે પરોક્ષ વેરાઓની કુલ આવકમાં સેવા-વેરાનો હિસ્સો ઝડપથી વધવા માંડ્યો છે. આમ સરકારની મહેસૂલી આવક માટે સેવાવેરો અગત્યનો અને નિશ્ચિત સ્રોત હોવાથી તેની વસૂલાત માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સંવૈધાનિક અધિકાર મળે તે ઇચ્છનીય છે તેમ વિચારીને ભારતના વિત્તમંત્રીના પ્રસ્તાવ અનુસાર સંસદે સંવિધાનનો 95મો સુધારો પસાર કર્યો છે. તેને જ્યારે અર્ધાં કરતાં વધારે રાજ્યોની વિધાનસભાની સંમતિ મળશે ત્યારે તે અમલમાં આવશે. આ સુધારા અનુસાર સંવિધાનના પરિશિષ્ટ સાતની સૂચિ-Iમાં નોંધ 92C ‘સેવાઓ ઉપર કર’ એમ વર્ણન કરતી નોંધ ઉમેરવામાં આવી છે અને સંવિધાનમાં અનુચ્છેદ 268A – ભારત સરકાર સેવાઓ ઉપર વેરો નાખી શકશે તથા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો તે ઉઘરાવી શકશે અને તેનો વિનિયોગ કરી શકશે – એમ પાઠ ઉમેરવામાં આવ્યો છે.
વેચાણવેરો : બીજા વિશ્વયુદ્ધ પછી ભારતમાં મુંબઈ રાજ્યમાં દારૂબંધીના અમલથી પડેલી મહેસૂલી ખાધને સરભર કરવા માટે પ્રથમ જ વાર મુંબઈ રાજ્ય વેચાણવેરો અધિનિયમ 1946 દાખલ કરવામાં આવ્યો. વેચાણવેરો રાજ્ય સરકારો માટે અઢળક આવકનું સાધન હોવાથી અન્ય રાજ્ય સરકારોએ પણ ધીમે ધીમે વેચાણવેરા અધિનિયમ પસાર કરીને વેચાણવેરો ઉઘરાવવાનું શરૂ કર્યું. ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી તેમાં પ્રથમ બંધારણીય સુધારો કરીને તા. 11-9-1956થી સ્થાનિક વેચાણો ઉપર વેરો લેવાનો અધિકાર રાજ્યોને અને આંતરરાજ્ય-વેચાણો ઉપર વેરો લેવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો. 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી ગુજરાત સરકારે મુંબઈ રાજ્ય વેચાણવેરા અધિનિયમ હેઠળ અનેકલક્ષી, દ્વિ-લક્ષી અને બહુલક્ષી વેચાણવેરાના પ્રયોગો કર્યા હતા, પરંતુ અનુભવ પ્રાપ્ત કર્યા પછી તેણે ગુજરાત વેચાણવેરા અધિનિયમ 1969 પસાર કરીને અમલમાં મૂક્યો છે, જે ત્રણેય લાક્ષણિકતાનું મિશ્રણ છે. આ અધિનિયમનું નામ વેચાણવેરો હોવા છતાં વાસ્તવમાં ખરીદી ઉપર, માલના વપરાશ ઉપર અને અધૂરાં વેચાણો ઉપર વેરો લેવાય છે.
વેટ : ઉત્પાદનશુલ્ક, સ્થાનિક જકાત અને વેચાણવેરો પરોક્ષ વેરાઓ છે. ભારતમાં સમવાયતંત્ર છે. તેથી સત્તા ધરાવતી ભિન્ન ભિન્ન સંસ્થાઓ પોતપોતાના ખર્ચ કાઢવા માટે વસ્તુના ઉત્પાદન અને હસ્તાંતરણની પ્રક્રિયા ઉપર એકથી વધારે તબક્કે વેરો વસૂલ કરવાનો આગ્રહ કરે છે. ઉદાહરણ તરીકે, ભારત સરકાર ઉત્પાદનશુલ્ક, મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા અને નગર પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓ સ્થાનિક જકાત અને રાજ્ય સરકારો વેચાણવેરો વસૂલ કરે છે. આવા જુદા જુદા વેરાઓને બદલે ઉત્પાદન અને/અથવા હસ્તાંતરણની પ્રક્રિયા દ્વારા વસ્તુના મૂલ્યમાં જે વધારો થાય તેના ઉપર મૂલ્યવૃદ્ધિકર (Value added tax – VAT) વસૂલ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવે તો કરભારણ ઘટવાની, કરચોરી ઓછી થવાની અને કરઆવકમાં વધારો થવાની સંભાવના છે; તેથી રાજ્ય સરકારો સ્થાનિક જકાત અને વેચાણવેરાના બદલે મૂલ્યવૃદ્ધિકર-વેટનું અમલીકરણ કરવા માટે તૈયાર થાય તેવા પ્રયત્નો ભારત સરકાર કરે છે; પરંતુ રાજ્યોની સર્વસંમતિના અભાવે અને વ્યાપારી વર્ગના વિરોધના કારણે આ પ્રયત્નો હજુ સફળ થઈ શક્યા નથી.
ભારતમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની કરની આવકનો સંયુક્ત રીતે વિચાર કરીએ તો કરની કુલ આવકમાં સીમાશુલ્ક, ઉત્પાદનશુલ્ક તથા વેચાણવેરામાંથી પ્રાપ્ત થતી આવકનો હિસ્સો 1990-91ના વર્ષમાં 72.25 ટકા હતો, જે દસકાના અંત ભાગમાં ઘટીને 62.5 ટકા થયો હતો. બીજી બાજુ આવકવેરાનો તથા કૉર્પોરેશન વેરાનો હિસ્સો 12.2 ટકાથી વધીને 18.6 ટકા થયો. આમ એ દસકા દરમિયાન દેશમાં વસૂલ કરવામાં આવતી કરની કુલ આવકમાં વસ્તુવેરાઓનું મહત્વ સાપેક્ષ રીતે ઘટ્યું હતું, જ્યારે આવકવેરા તથા કૉર્પોરેશનવેરાનું મહત્વ સાપેક્ષ રીતે વધ્યું હતું. દેશના કરમાળખામાં આવેલું આ એક ઇષ્ટ પરિવર્તન છે.
જયન્તિલાલ પો. જાની, રમેશ શાહ