વસિષ્ઠ, સુદર્શન

January, 2005

વસિષ્ઠ, સુદર્શન (જ. 24 સપ્ટેમ્બર 1949, પાલમપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે એમ.એ. તથા બી.એડ.ની પદવી મેળવી પછી સિમલા ખાતે હિમાચલ અકાદમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝના સેક્રેટરી તરીકે સેવા આપી તથા લેખનકાર્ય કર્યું.

તેમણે કુલ 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અર્ધરાત્રિ કા સૂર્ય’ (1975) અને ‘નદી ઔર રાત’ (1988) બંને નાટ્યસંગ્રહો; ‘આતંક’ (1976) અને ‘સુબહ કી નીંદ’ (1988) બંને નવલકથાઓ; ‘હરે હરે પત્તોં કા ઘર’ (1991) અને ‘પહર દેખતા હૈ’ (1995) બંને વાર્તાસંગ્રહો ઉલ્લેખનીય છે. ‘યુગપરિવર્તન’ (1982) કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘બ્રાહ્મણત્વ એક ઉપાધિ’ (1980) અને ‘વ્યાસ કી ધારા’ (1984) બંને સંશોધનો છે. ‘પર્વત મંથન’ (1997) પ્રવાસકથા અને  ‘ફોકટેલ્સ ઑવ્ હિમાચલ’, ‘હિમાચલની લોકકથાઓ’ (1995) છે. વધુમાં 25થી વધુ ગ્રંથોનું તેમણે સંપાદન કર્યું.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને સાહિત્ય કલા પરિષદ, દિલ્હીનો ઍવૉર્ડ (નાટ્યસંગ્રહ માટે); નવલકથા માટે જે. ઍન્ડ કે. અકાદમી ઍન્ડ હિમાચલ અકાદમી ઍવૉર્ડ; હિમાચલ આર્ટ ઍન્ડ કલ્ચર સોસાયટી ઍવૉર્ડ (મંડી); ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન તરફથી પીપલ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા