વસંતવિલાસ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ફાગુકાવ્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈનકવિઓએ અને થોડાક જૈનેતર કવિઓએ અનેક ફાગુકાવ્યો લખ્યાં છે. વસંતવર્ણનનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ફાગુ તરીકે ઓળખાય છે. વસંતવર્ણન નિમિત્તે શૃંગારરસની નિષ્પત્તિ માટે ફાગુકાવ્યો લખાયાં છે. ‘વસંતવિલાસ’ ઈ. સ. 14મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું મનાય છે. એના કર્તાનું નામ સ્પષ્ટ રીતે મળતું નથી; પરંતુ આ ફાગુમાં જૈન-કવિઓની રચનામાં હોય છે એવી જૈન ધર્મની અસર ક્યાંય જોવા મળતી નથી. એટલે આ કૃતિ જૈનેતર કવિની કૃતિ હશે એવું વિદ્વાનોનું માનવું છે. એ પ્રાકૃત-અપભ્રંશ પિંગળોના દોહક અને ઉપદોહક સાથે સામ્ય ધરાવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું છે. એમાં યમક સાંકળીને, મનોહર રીતે પ્રયોજીને કવિએ વિશિષ્ટ લયસૌંદર્ય પ્રગટાવ્યું છે. કેશવ હર્ષદ ધ્રુવે એને ‘ચમક ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય’ કહ્યું છે અને એમાં જીવનનો ઉલ્લાસ પ્રત્યેક કડીમાં ઊભરાતો અનુભવ્યો છે.

આ ફાગુની વિશેષતા એ છે કે એમાં કાવ્યનાં નાયક-નાયિકા તરીકે કોઈ એક યુગલ નથી, પરંતુ અનેક યુગલો છે. સરસ્વતી-સ્તવનથી કાવ્યનું મંગલાચરણ થાય છે અને પછી વસંતવર્ણન આરંભાય છે. અહીં વસંતવર્ણનની માદક ઉદ્દીપકતા નિરૂપતો કવિ કામીજનોના લાક્ષણિક વસંતવિલાસો વર્ણવે છે. વનને અહીં નગરનું રૂપક આપવામાં આવ્યું છે. નાયિકાઓ, સુંદરીઓનાં દેહસૌન્દર્યને તેમજ એમનાં શૃંગારમંડનને કવિ આલંકારિક રીતે વર્ણવે છે. આ વર્ણનો સંસ્કૃત પ્રણાલીનાં હોવા છતાં એમાં અનુભવાતું પદમાધુર્ય, નિરૂપણની મનોરમ લાક્ષણિકતાઓ અને લાઘવને કારણે શૃંગારના ઉદ્દીપન માટે પ્રભાવક બની રહે છે. વનના સૌંદર્યને નીરખતી વિરહિણીની તીવ્ર મનોવેદના, એના પ્રલાપ, એને થતા શુભ શુકન, પછી પ્રિયતમનું આગમન, એના પ્રેમવિલાસો અને નાયિકાની ભ્રમરને સંબોધીને ઉચ્ચારાયેલી અન્યોક્તિઓ (પુરુષભ્રમરને મીઠો ઉપાલંભ આપતી.) આ સર્વ કાવ્યના શૃંગારરસને ઉઠાવ આપે છે. કાવ્યમાં વસંતનો વૈભવ કવિએ ઉત્તમ રીતે વર્ણવ્યો છે. સંસ્કૃત સુભાષિત-સાહિત્ય કે અન્ય ગ્રંથોમાંથી કવિએ આ માટે પ્રેરણા મેળવી છે. સંસ્કૃત સાહિત્યના ઊંડા સંસ્કારોનું જાણે કે અહીં મૌલિક રીતે પ્રતિફલન થયું છે. આ એની નોંધપાત્ર સિદ્ધિ છે. કાવ્યમાં પ્રેમક્રીડા માટે સજ્જ બનતી સુંદરીના શણગારોનું તેમજ એના અંગલાવણ્યનું અને એની વિવિધ લીલાઓનું વર્ણન સચોટ ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓથી વાચકને મુગ્ધ કરે છે.

ચિમનલાલ ત્રિવેદી