વલણ (મનોવલણ) (attitude) : માણસના અન્ય લોકો સાથેના વ્યવહારો કે જૂથોમાં તેની આંતરક્રિયા. સાંસ્કૃતિક ઘટકો સાથે આદાનપ્રદાનના સંબંધો; વ્યક્તિઓ, વિચારો કે ઘટનાઓ પ્રત્યેના તેના પ્રતિભાવો બધું જ, આ દરેકના સંદર્ભમાં તેનામાં બંધાયેલાં વલણોનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ રૂઢિવાદી કે સુધારાવાદી, કોમવાદી કે લોકશાહીવાદી, નસબંધવાદી કે નશાબંધીવાદી હોતી નથી. તે આવું માનસ ધરાવતી બને છે. આવું માનસ ધરાવવું એટલે તેને અનુરૂપ વલણો બંધાવાં તે.
મનોવિજ્ઞાનમાં વલણોના અભ્યાસમાં 1940-50ના ગાળામાં ડબ્લ્યૂ. જી. ઑલ્પૉર્ટ, એલ. એલ. થર્સ્ટોન, આર. લીકર્ટ, એમ. કેન્ટ્રિલ, ડી. કાટ્ઝ વગેરેએ પ્રમુખ ફાળો આપ્યો છે. 1950 પછીના ગાળામાં મુઝફર શેરીફ, ટી. એમ. ન્યૂકોમ્બ, ડેવિડ ક્રચ, ઇ. સ્ટોટલૅન્ડ જેવા અનેકોનો ફાળો છે. વલણના અભ્યાસોને પ્રયોગલક્ષી અને વ્યાપક બનાવવાનું શ્રેય કાર્લ હોવલૅન્ડ અને લિયૉન ફેસ્ટિંજરને આપી શકાય. 1980નો દશકો વલણના અભ્યાસ અને સંશોધન વિશે બહુ સક્રિય રહ્યો. 1990 અને ત્યારપછી આજ દિન સુધી વલણના ક્ષેત્રમાં ઊંડો રસ જારી રહ્યો છે.
વલણ એ અનુભવો દ્વારા રચાયેલી મહદ્અંશે કાયમી એવી વૃત્તિ કે સંસ્કાર છે; જેનાથી વ્યક્તિ અન્ય વ્યક્તિ કે ઘટના કે ગમે તે બાબતનું મૂલ્યાંકન કરે છે. આ મૂલ્યાંકન અનુસાર તે વર્તન કરવા પ્રેરાય છે. આમ વલણ એક પ્રકારની સામાજિક અભિમુખતા છે; કોઈકની પ્રત્યે સાનુકૂળ કે પ્રતિકૂળ રીતે પ્રતિક્રિયા કરવાની આંતરસ્તરમાં રહેલી એક પ્રકારની મનની અવસ્થા છે. કેટલાંક વલણોમાં એક કરતાં વધારે વિચારોનું સંગઠન હોય છે; જેમ કે, માંસાહાર વિરોધી વલણ ધરાવનાર વ્યક્તિના આ વલણમાં પ્રાણીઓ પ્રત્યે દયા, જીવહિંસા, ધાર્મિક ભાવના, ખોરાક વિશેની રુચિ, સ્વચ્છતા પ્રત્યેનું વલણ – એવાં એવાં અનેક વલણો એકમ રૂપે સંગઠિત થયેલાં હોય છે. વ્યક્તિનું વલણ તેની કાર્યશક્તિનું પ્રમાણ, સ્તર તેમજ પ્રદર્શનની દિશાને પણ અસર કરે છે. મનુષ્ય મનુષ્ય તરીકે આજુબાજુના ભૌતિક અને સામાજિક વિશ્વની અસર કરતી બાબતો પરત્વે સામાન્યત: વિધાયક કે નિષેધક વલણ ધરાવતો હોય છે.
મનોવિજ્ઞાનીઓ વલણનાં ત્રણ ઘટકો વચ્ચે ભેદ પાડે છે બોધાત્મક, ભાવાત્મક અને વાર્તનિક. મનુષ્ય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, ઘટના, વિચાર કે પરિસ્થિતિને અમુક દૃષ્ટિએ જોતો હોય છે. તદનુસાર તે ચોક્કસ પ્રકારના વિચારો, માન્યતાઓ, સિદ્ધાંતો ધરાવે છે. વલણનું આ બોધાત્મક પાસું એટલે વ્યક્તિના માનસતંત્રમાં તે બાબતને સમજવા, પારખવાનું એક વૈચારિક ચોકઠું.
વળી મનુષ્ય અન્ય વ્યક્તિ, પૂજા, પદાર્થ કે ઘટના સંબંધે ભય, પ્રેમ, દયા, ધિક્કાર, ઘૃણા કે માન જેવી લાગણીઓ અનુભવતો હોય છે. આ વલણનું ઊર્મિગત, ભાવાત્મક પાસું હોય છે; જેમ કે, પાણીપૂરીની લારીની અસ્વચ્છતા જોઈને ચીતરી, ઘૃણા ઊપજે છે અને પાણીપૂરી ખાવાનો સ્વાદ મટી જાય છે. પડોશમાં અન્ય કોમ કે ધર્મની વ્યક્તિ રહેવા આવે તો તે પરત્વે અસ્વચ્છતાને કારણે અણગમો ઊપજે છે.
વલણનું વાર્તનિક પાસું એટલે કોઈ પણ વ્યક્તિ કે બાબત પરત્વે ચોક્કસ રૂપમાં, તરફેણ કે વિરોધમાં, હળવાશથી કે ઉગ્રતાથી વર્તન થવું તે. પદાર્થને સ્પર્શ કરવો, મદદ કરવી કે રક્ષણ કરવાનું વર્તન પ્રગટે છે, અથવા તેને શિક્ષા કરવી, નુકસાન કરવું કે નાશ કરવાનું વર્તન પણ ઊપજે છે. અમુક વ્યક્તિ કે જનસમૂહ પ્રત્યે ભેદભાવ કે પૂર્વગ્રહયુક્ત વર્તન વલણનું વાર્તનિક પાસું પ્રગટ કરે છે. વલણના જ્ઞાનલક્ષી, ભાવનાત્મક તેમજ વાર્તનિક પાસાંઓ વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે. વ્યક્તિના પ્રગટ થતાં મનોભાવો-લાગણીઓ અને બાહ્યવર્તન ઉપરથી તેનાં વલણો વિશે અનુમાન થઈ શકે છે. અલબત્ત, આ વર્તન અભિનવ કે ઢોંગ નહિ હોય, એમ સ્વીકારવાનું રહે.
વલણનાં કાર્યો : વલણો મનુષ્યના મનોવૈજ્ઞાનિક તંત્રમાંની અગત્યની જરૂરતો સંતોષે છે. મનુષ્ય પ્રત્યક્ષ અનુભવ હોય કે પરિચય હોય તેવી જ બાબતો વિશે વલણો ધરાવતો હોય એવું નથી. જેના વિશે ઘણું ઓછું જાણતો હોય (જેમ કે, એસ્કિમો, મંગળનો ગ્રહ); તેમની સાથે ઝાઝો સંબંધ ન હોય (જેમ કે, ઊડતી રકાબી, ચીની પ્રજા વગેરે) તેમના વિશે પણ તે અમુક વલણો ધરાવે છે.
માણસો અમુક વલણો ધરાવે છે, કારણ કે તે તેને તેનાં પ્રાથમિક ધ્યેયો સિદ્ધ કરવામાં સહાય કરે છે; જેનાથી અવરોધ કે નુકસાન થતું હોય તેના વિશે વિરોધી વલણો પ્રગટે છે. જે બાબત ફાયદાકારક ઉપયોગી લાગે તે અનુસાર વલણો બદલાય છે. આમ વલણો સામાજિક સમાયોજન-મૂલ્ય ધરાવે છે. વલણનું બીજું કાર્ય મનુષ્યના વર્તન-વ્યવહારોને સરળ, વ્યાવહારિક માર્ગદર્શન પૂરું પાડવાનું છે. દુનિયાની ઘણી બધી બાબતો કે સમસ્યાઓ વિશે મનુષ્યને પૂરી જાણકારી હોતી નથી; ત્યારે આ મુદ્દાઓ વિશે કોઈ પણ રીતે બંધાયેલાં વલણો તેમના પરત્વે વર્તન કરવામાં માનસિક ચોકઠું પૂરું પાડે છે. વલણનું ત્રીજું કાર્ય આવેગ-લાગણીઓના સંતોષનું છે. વલણની અભિવ્યક્તિ દ્વારા વ્યક્તિને તેની આંતરિક લાગણીઓ, ગમા-અણગમા પ્રગટ કરવાની તક મળે છે તેથી તેને રાહત અનુભવાય છે. વળી વલણની અભિવ્યક્તિ દ્વારા વ્યક્તિનો કોઈ મુદ્દા વિશેનો ખાસ આગ્રહ, મમત અને નિષ્ઠા પણ પ્રગટ થાય છે. વળી પોતાનું અમુક વર્તન યોગ્ય અને ન્યાયી છે એમ ઠસાવવા પણ વ્યક્તિમાં ચોક્કસ પ્રકારનું વલણ ભારપૂર્વક પ્રગટ થાય છે. કેટલાંક વલણો આપણને પોતાની જાત વિશેની કડવી વાસ્તવિકતાઓ કે જીવનમાં કડવાં સત્યો, કઠિનાઈઓનો સ્વીકાર કરવામાંથી રક્ષણ આપે છે, આંતરિક સંઘર્ષ અને વેદનામાંથી બચાવે છે. અહીં વલણ સંરક્ષણ-પ્રયુક્તિનું કામ કરે છે; દા.ત., આવકવેરો ભરવામાં ચોરી કરનારનું પ્રક્ષેપણાત્મક વલણ કે આવું તો બધાં જ કરે છે. વલણોનાં આ કાર્યો પરસ્પર વ્યાવર્તક નથી. કેટલાંક વલણો બહુવિધ કાર્યો બજાવે છે.
વલણના નિર્ણાયકો : માતા-પિતા, કેળવણીકારો, રાજકીય પ્રચારકો, ઉદ્યોગ-ધંધાદારીઓ વગેરે જેમને જેમને લોકોમાં વલણો વિકસાવવામાં અને તેઓમાં પરિવર્તન લાવવામાં રસ છે એ સૌને વલણોના નિર્ણાયકો કે વલણ-ઘડતરનાં પરિબળો વિશે જાણકારી હોવી આવશ્યક છે. વલણો સંપાદિત છે એ હકીકત મનોવિજ્ઞાનીઓએ સાહજિકતાથી સ્વીકારી છે; છતાં જાતિજૂથ પૂર્વગ્રહો ઊપજવામાં, પોતાનાથી ભિન્ન પ્રકારનાં જૂથો પ્રત્યે વિરોધી વલણ અને આક્રમક વૃત્તિ ધરાવવાની બાબતમાં આનુવંશિક, જનીનગત ઘટકો જવાબદાર હશે એવા પુરાવા છે. કેટલાક અભ્યાસો સ્પષ્ટપણે બતાવે છે કે બે અસંબંધિત બાળકોનાં વલણો વચ્ચે જે સમાનતા અને સહસંબંધ હોય તેના કરતાં દ્વિદળ જોડિયાં બાળકોનાં વલણો વચ્ચે વધારે સમાનતા અને ઊંચો સહસંબંધ હોય છે, અને તે કરતાં પણ વધારે સમાનતા અને ઊંચો સહસંબંધ એકદળ જોડિયાં બાળકોનાં વલણો વચ્ચે હોય છે. આ એકદળ જોડિયાં બાળકો અલગ અલગ વાતાવરણમાં ઊછર્યાં હોય તોપણ. વળી કેટલીક ગંભીર, લાંબી માંદગી; ઉંમરનું વધવું; ઔષધ અને કેફી દ્રવ્યોનું સેવન જેવી શારીરિક પરિસ્થિતિઓ વ્યક્તિમાં અમુક વલણો ઊપજવા માટે તેમજ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના તફાવતો માટે કેટલેક અંશે જવાબદાર માનવામાં આવે છે.
વલણો જન્મદત્ત નથી. તે વ્યક્તિને થતા પ્રત્યક્ષ અનુભવો, સામાજિક શિક્ષણ તેમજ અભિસંધાનની પ્રક્રિયાઓથી વિકસે છે. મનુષ્ય પોતાનાં બાળકોમાં, લોકોમાં અંધશ્રદ્ધાનો વિરોધ, અમુક ઉમેદવારને મત; પાણીનો બગાડ; જાતીય બાબતો, સંતતિનિયમન; દહેજનો વિરોધ; તમાકુ, ગુટકા, ધૂમ્રપાનવર્જન વગેરે જેવી અનેક બાબતો વિશે વલણો ઉપજાવે છે. તેમને વાળી કે બદલી પણ શકાય છે. આ હકીકત શિક્ષણકાર્ય તેમજ સામાજિક પરિવર્તનના કાર્યક્રમમાં ઘણી અગત્ય ધરાવે છે.
વાસ્તવમાં વ્યક્તિમાં પુખ્ત વયે દેખાતાં મોટાભાગનાં વલણો, મૂલ્યોનાં મૂળ તેના બાળપણમાં થયેલાં ઉછેર, અનુભવો અને માતાપિતાએ ભજવેલી ભૂમિકામાં રહેલાં દેખાશે. વલણોના વિકાસમાં માતાપિતાનો કેવો અને કેટલો ફાળો છે એ મુદ્દા કરતાં માતાપિતા બાળકના વલણવિકાસમાં કેવી રીતે પ્રભાવ પાડે છે તે મુદ્દો અગત્યનો છે. બાળકમાં વિવિધ અનેક બાબતો પહેરવેશ, ખોરાક, ધાર્મિક માન્યતા, સારું-નરસું, ડૉક્ટર બનવું કે શિક્ષક બનવું વગેરે વિશેનાં વલણોમાં માતા-પિતાની માન્યતાઓ, તેમનાં વલણો અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. માબાપ દ્વારા બાળકને અપાતો પ્રેમ-તિરસ્કાર, શિક્ષા-પુરસ્કાર, સ્વીકૃતિ-અસ્વીકૃતિ, તેને અપાતું શિક્ષણ, તેનામાં પાડવામાં આવતી ટેવો વગેરે તેનામાં ચોક્કસ પ્રકારનાં વલણોના ઉદભવ માટે જવાબદાર હોય છે. બાળક શાળાએ જતું થાય ત્યાં શિક્ષક, શાળાનું વાતાવરણ, ત્યાં થતો નવા નવા વિષયો સાથે પરિચય વગેરે બાળકમાં જે તે વલણોના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપે છે. વળી શાળામાં મળતા સમવયસ્ક મિત્રોનો જૂથસંદર્ભ તેનામાં અનેક બાબતો વિશેનાં વલણઘડતરમાં એક પ્રભાવશાળી પરિબળ બની રહે છે. શાળામાં નવું જ્ઞાન અને મિત્રોના પ્રભાવે છાત્ર-છાત્રામાં જે નવાં વલણો વિકસે છે તે કેટલીક વાર માબાપનાં અભિપ્રાયો-વલણો સાથે મેળમાં ન પણ હોય.
વળી બાળક, યુવક-યુવતી ઘણુંબધું પોતાના સમાજ અને વિશ્વમાં બનતી ઘટનાઓ સાથેના જાતઅનુભવમાંથી તેમજ નેતાઓ, મૉડેલોના વ્યવહારોના નિરીક્ષણમાંથી, વાચન અને ચિંતનમાંથી શીખે છે. આમ સામાજિક શિક્ષણપ્રક્રિયા વલણ-ઘડતરમાં સતત પ્રભાવક રહેતું પરિબળ છે. શિષ્ટ અભિસંધાન તેમજ કાર્યસાધક અભિસંધાન-પ્રક્રિયાઓ દ્વારા વ્યક્તિમાં ઘણી ઘણી બાબતો વિશેનાં વલણો ઉદભવે છે. દા.ત., બાળક પોતાના મળમૂત્ર સાથે રમત કરતું હોય ત્યારે માતાનો ઘાંટો સાંભળીને અને ગુસ્સાવાળો ચહેરો જોઈને બાળક ગભરાઈ જાય છે અને આ ગભરાટનું વલણ મળમૂત્રની સાથે જોડાય છે. પરિણામે બાળકમાં ‘ગંદકી પ્રત્યે સૂગ’નું મજબૂત વલણ બંધાય છે. બાળક ભૂખ્યા કૂતરાને રોટલી આપે કે નાનાં ભાઈબહેનને પોતાની ચૉકલેટ આપે ત્યારે માતા તેની પ્રશંસા કરે અને તેથી બાળકમાં અન્યને સહાય-મદદ કરવાનું વલણ વિકસે છે; કારણ આવું વલણ તેના માટે માતાની પ્રશંસા મેળવવા માટેનું સાધન હોય છે. જિંદગીમાં અસાધારણ કે અકલ્પ્ય પ્રકારના, વિશિષ્ટ, આઘાતોત્પાદક અનુભવો (જેવા કે પ્રેમિકાની બિનવફાદારી, પ્રિયજનનું મૃત્યુ) વ્યક્તિમાં વલણ-પરિવર્તન લાવે છે. અમુક જૂથો કે વ્યક્તિઓ સાથે પરાણે સતત સંપર્ક કે કામગીરીમાં રહેવાના પરિણામે તેમના વિશે વલણો, પૂર્વગ્રહો ઘડાય છે કે બદલાય છે; દા.ત., પછાત વર્ગો, દલિતો વિશેના મનુષ્યનાં વલણો આમ જ પરિવર્તન પામતાં રહે છે. સમાજમાં પ્રવર્તતી સંસ્થાગત પ્રણાલિકાઓ; જેમ કે, બાળઉછેરની પદ્ધતિ, સામાજિક પર્યાવરણ, જેલવાસ કે એકાંતમાં રહેવાનો અનુભવ વ્યક્તિમાં અમુક પ્રકારનાં વલણોના ઉદભવ માટે કારણભૂત બને છે. સામાજિક વિચારપ્રસાર રોજબરોજ મળતી નવીન માહિતીઓ, ટી. વી. જેવાં માધ્યમોનો પ્રભાવ, આકર્ષક રૂપમાં વિજ્ઞાપનો, પરદેશ-નિવાસ, ખાસ પ્રકારનાં પુસ્તકોનું વાચન, ગાંધીજી જેવાઓની વિચારસરણી વગેરેનો વ્યક્તિનાં તેમજ સમાજનાં અનેક વલણોના ઘડતરમાં મોટો ફાળો છે એ સૌ કોઈ સ્વીકારે છે. પોતાની જરૂરતોનો સંતોષ કે સમસ્યાનું નિરાકરણ થવામાં સરળતા કે મુશ્કેલીઓ વ્યક્તિમાં ચોક્કસ પ્રકારનાં વલણો ઉપજાવે છે; જેમ કે, પદોન્નતિમાં અવરોધક બનતા સરકારી વહીવટી તંત્ર કે અમલદાર પ્રત્યે વ્યક્તિમાં નકારાત્મક વલણો ઊપજે એ સ્વાભાવિક છે. વળી વ્યક્તિ એકસાથે અનેક વિવિધ ધ્યેયો અને હેતુઓ ધરાવતાં જ્ઞાતિ, કોમ કે ધર્મ જેવાં જૂથોની; લાયન કે રોટરી જેવાં મંડળોની તેમજ કોઈ વ્યવસાયમાં સભ્ય હોય છે. આ તમામનાં ધ્યેયો કે વલણો વ્યક્તિને સ્વીકાર્ય ન પણ હોય. તેથી તેનામાં તેનાં વલણો વચ્ચે સંઘર્ષ ઊપજે છે. કોઈક વાર સંજોગો અનુસાર પરસ્પર વિરોધી વલણો પણ ઊપજે છે; દા.ત., સ્ત્રીસ્વાતંત્ર્યના સમર્થક ઉદારમતવાદી નેતાને તેની પુત્રી આંતરધર્મી લગ્ન કરે તેમાં સંમતિ ન હોય. અન્ય બાબતોની જેમ વલણો ધરાવવા પરત્વે પણ વ્યક્તિગત તફાવતો હોય છે. કોઈ સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિમાં તેનાં વિવિધ વલણો એકસૂત્રે બંધાયેલા સંગઠિત એકમ જેવાં હોય; પરંતુ મોટાભાગની વ્યક્તિઓમાં તેમનાં વિવિધ વલણો એક લચકીલા સંગઠનમાં હોય છે.
સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં વલણ કેવી રીતે બંધાય છે તે પરત્વે થયેલાં સંશોધનો અને પ્રયોગોના પરિણામે કેટલાક સિદ્ધાંતો પણ રજૂ થયા છે. સામાન્યત: વ્યક્તિ તેનાં વલણોના માળખામાં સંવાદિતા (consistency) જાળવી રાખવાનું વલણ ધરાવે છે. તે તેના માનસમાં તેનાં વિવિધ બાબતો વિશેનાં વલણોને એવી રીતે ઢાળે છે કે તે એકબીજાના સંઘર્ષમાં ન આવે. વ્યક્તિ તેનાં વલણો વચ્ચે સમતુલા (balance) જાળવી રાખવાનો પ્રયાસ કરે છે; દા.ત., નવા પરણેલા યુવકને સંગીતનો શોખ હોય. તે તેની નવપરિણીતા પત્નીને ચાહે છે; પરંતુ પત્નીને સંગીતનો શોખ ન હોય. હવે જો યુવક સંગીત-સમારોહમાં જવાનો આગ્રહ રાખે તો પત્ની સાથે ખટરાગ થાય. તે તેને પાલવે નહિ. તેથી યુવક પોતાનો સંગીતનો આગ્રહ છોડી સંગીત પ્રત્યેનું વલણ બદલે છે અને તેનામાં માનસિક સમતુલા જળવાય છે. વળી ઘણી વાર બોધાત્મક વિસંગતિ(cognitive disonance)ને ટાળવા માટે વ્યક્તિમાં જૂના વલણમાં પરિવર્તન આવે છે અને નવું વલણ બંધાય છે; દા.ત., સામ્યવાદી સરકારમાં કામ કરતા મુક્ત વેપારના સમર્થક અધિકારીને સતત માનસિક સંઘર્ષ રહ્યા કરે છે. આથી આ અધિકારી કાં તો પદ છોડી દે અથવા વિસંગતિ ટાળવા માટે સામ્યવાદી વિચારસરણીનો વિરોધ છોડી દે અથવા મુક્ત વેપારનીતિનો આગ્રહી આ અધિકારી પોતાના વલણ સાથે સમાધાન કરવાને બદલે રાજીનામું આપે અથવા સ્થાનફેર માગે. અલબત્ત, પોતાનાં વલણો સાથે સમાધાન કરવું કે નહિ અથવા કેટલા પ્રમાણમાં કરવું તે વ્યક્તિના પોતાના ખ્યાલ તેમજ તેના વલણની તીવ્રતા અને નિષ્ઠા ઉપર આધાર રાખે છે. સામાન્યત: સામાન્ય માણસો સંઘર્ષ ટાળવાનું અને જેનાથી તેની જરૂરતોનો સંતોષ થતો હોય તેવાં જ વલણોને અનુસરવાનું વલણ રાખે છે.
વલણ–માપન : વ્યક્તિનું અમુક બાબત પરત્વે શું વલણ છે તે જાણવા ઉપરાંત આ વલણ તરફેણ કે વિરોધમાં છે તેમજ તે કેટલું તીવ્ર કે નરમ છે તે જાણવું પણ જરૂરી છે. વલણ તો માનસિક અને ગુણાત્મક બાબત છે. તેનું જથ્થાત્મક પ્રમાણ જાણવા અને માપવા માટે મનોવિજ્ઞાનીઓએ અનેક પદ્ધતિઓ, ટેક્નિકો વિકસાવી છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો, વિજ્ઞાપનકારો, વહીવટકારો, સમાજસુધારકો વગેરે અનેકોને પોતાના મતદારો અને ગ્રાહકોનાં પ્રજાનાં વલણો જાણવાની અને માપવાની જરૂર હોય છે. વલણની દિશા અને તીવ્રતા જાણી લેવાય તો તે વલણોમાં પરિવર્તન લાવવાની યોજનાઓ વિચારી શકાય.
લોકોના અમુક બાબતો વિશેના વલણની જાણકારી અને માપન વિશે સીધી-સાદી રીત છે કે તેમને પૂછો; દા.ત., તમે કોને મત આપશો, ભાજપાને કે કૉંગ્રેસને ?, દેહાંતદંડની સજા થવી જોઈએ કે નહિ ? જેવા પ્રશ્ર્નોના તુરત જ જવાબો મેળવીને લોકવલણ જાણી શકાય છે. ઘણા ઉત્પાદકો, રાજકીય સમીક્ષકો આવા ઓપિનિયન-પોલ સર્વે કરે છે. વધારે વિગતે વલણ જાણવા માટે એમ પૂછવામાં આવે કે ‘તમે આ મુદ્દા (જેમ કે, લગ્નપૂર્વે જાતીય સંબંધો) વિશે ગભરાટ અને ખચકાટ વગર વિગતે લખીને જણાવો. તમારું નામ કે બીજી ઓળખ આપવાની જરૂર નથી. તમારું લખાણ એક પેટીમાં નાંખશો.’ આવા સંજોગોમાં લોકોના વાસ્તવિક, પ્રામાણિક અભિપ્રાયો મળવાની સંભાવના વધે છે.
માણસો કેટલીક સંવેદનશીલ, નાજુક સમસ્યાઓ વિશે ચોક્કસ, તીવ્ર મત ધરાવતા હોય તેનો પ્રભાવ તેમના શરીરમાં તેમજ ચહેરા ઉપરના ફેરફારોની પ્રક્રિયાઓમાં દેખાઈ આવે છે. આ શારીરિક પ્રતિભાવો; દા.ત., ત્વચાની પ્રતિરોધ-શક્તિ, હૃદયના ધબકારા, કીકીના કદમાં ફેરફાર વગેરેમાં વધારે પ્રતિબિંબિત થાય છે. કોઈ બાબત જેમ વધારે અણગમતી હોય તેમ તેના સંદર્ભમાં આ શારીરિક પરિવર્તનો વધારે તીવ્ર પ્રમાણમાં નોંધાય છે. ચિત્તની જુદી જુદી મનોદશાઓમાં ચહેરાના જુદા જુદા ભાગો ઉપરના સ્નાયુઓમાં જુદા જુદા પ્રમાણમાં હિલચાલો થાય છે. ચહેરા ઉપરના આ ફેરફારો ઇલેક્ટ્રોમાયૉગ્રાફ (EMG) દ્વારા નોંધાય છે અને તેમાંના આલેખ ઉપરથી વલણની દિશા તેમજ તીવ્રતા વિશે અનુમાન કરવામાં આવે છે.
વલણ-માપન માટે માપનતુલા (rating scale) – એ અતિ સરળતાથી બનાવી શકાય તેવું સાધન છે. તુલાપદ્ધતિમાં અનેક રૂપો મનોવિજ્ઞાનીઓએ વિકસાવ્યાં છે. વલણ-માપન માટેની તુલાઓમાં એલ. એલ. થસ્ટૉર્નની સમાન દેખાતા અંતર(equal appearing intervals)ની તુલા સૌથી પ્રથમ રચાયેલી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પ્રથમ વલણ-માપનની સમસ્યા વિશે કેટલાંક વિધાનો રચવામાં આવે છે. આ વિધાનોનું સંપૂર્ણ અસંમતથી સંપૂર્ણ સંમત સુધીના 1થી 11 આંકના રેખાત્મક આલેખ ઉપર મૂલ્યાંકન કરવામાં આવે છે. આવી રીતે દરેક વિધાનનું તુલામૂલ્ય નક્કી થાય છે. લઘુતમથી ગુરુતમ તુલામૂલ્ય ધરાવતાં કેટલાંક વિધાનોની પસંદગી થાય. આમ માપનતુલા તૈયાર થાય. પછી આ માપનતુલા વ્યક્તિને આપવામાં આવે. વ્યક્તિ આ વિધાનોની યાદીમાંથી જે વિધાનો તેને પસંદ હોય તે બતાવે. આ વિધાનોના તુલામૂલ્યનો સરવાળો કરી તે આંક ઉપરથી વ્યક્તિના સંબંધિત સમસ્યા વિશેના વલણની તીવ્રતાનું માપ જાણી લેવાય છે.
વલણ-માપન તુલાઓમાં લિકર્ટ-તુલા (Likert scale) બહુ પ્રચલિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વલણ-માપનની સમસ્યા વિશે કેટલાંક વિધાનો તૈયાર કરવામાં આવે છે. આ વિધાનો પરત્વે સંપૂર્ણ સંમતથી સંપૂર્ણ અસંમતના 1થી 5ના આંક ઉપર વ્યક્તિએ પ્રતિભાવો આપવાના હોય છે. આ વિધાનોના પ્રતિભાવના આંકનો સરવાળો કરી વલણ વિશે કુલ આંક જાણીને વલણની દિશા તેમજ તીવ્રતા જાણી શકાય છે. લિકર્ટની આ પદ્ધતિને સંમિલિત મૂલ્યાંકનોની પદ્ધતિ (method of summated rating) કહે છે. આ ઉપરાંત વલણ-માપન માટે ગટમેન તુલા, સંચયી તુલા (cumulative scale) ચાર્લ્સ ઇ. ઓલગુડની શબ્દાર્થભેદપદ્ધતિ (semantic differential), ક્રમાંકતુલા (rank order scale), સર્વેક્ષણ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થાય છે. અમેરિકામાં વિભિન્ન રાષ્ટ્રીયતા ધરાવતાં જૂથો પ્રત્યેનાં વલણો માપવા માટે ઇ. એલ. બોગાર્ડસે સામાજિક અંતરતુલા (social distance scale) વિકસાવી છે. આ જ ભૂમિકા ઉપર બી. કુપ્પુસ્વામીએ ભારતમાં વિભિન્ન જૂથો વચ્ચેનાં પરસ્પર પરત્વે વલણો માપવા સામાજિક અંતરતુલા વિકસાવી છે. ભારતની યુનિવર્સિટીઓમાં અનેક અધ્યાપકોએ જુદા જુદા અનેક મુદ્દાઓ, સમસ્યાઓ વિશેનાં વલણો માપવા માટે માપનતુલાઓ વિકસાવી છે.
વલણ-માપન માટે તુલા એક બહુ જ અગત્યનું અને પ્રચલિત સાધન છે. આ તુલા-પદ્ધતિની અનેક મર્યાદાઓ છે. તેમાં મોટી મર્યાદા એ છે કે જે સમસ્યા વિશે વલણ-માપન થતું હોય તેના વિશે વ્યક્તિને જાણકારી કે રસ ન હોય તેવું બને અને છતાં તે વિશે તે મનઘડંત પ્રતિભાવો આપે. વળી ઉત્તરદાતાઓ જે પ્રતિભાવો આપે છે તે સાચા અને પ્રામાણિક હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. તેમાં પણ નકારાત્મક વલણ પ્રગટ કરવા માટે માણસો એકદમ તૈયાર થતા નથી. સત્તાધારી પક્ષને કે પોતાને અંગત સ્પર્શતા હોય; મિત્રો, સંબંધીઓને અનુકૂળ ન હોય તેવાં પોતાનાં વલણો વિશે સાચા જવાબો આપવા માણસો તૈયાર હોતા નથી. મહદ્અંશે ‘સાચું’ કહેવાને બદલે ‘શું સારું લાગશે’ એવું કહેવાની વૃત્તિ વધારે પ્રમાણમાં હોય છે. વલણ-માપન માટે પસંદ કરેલો નમૂનો યોગ્ય અને પ્રતિનિધિરૂપ ન હોય, ઉત્તરદાતાઓને જવાબો આપવામાં રસ ન હોય, તેમની સક્રિયતા ન હોય તો લોકોનાં વલણની દિશા અને તીવ્રતાનું સાચું માપ મળે નહિ. આ મર્યાદાઓ છતાં તુલાઓ વલણ-માપન માટે બહુ સરળ, હાથવગું અને કંઈક માર્ગદર્શન પૂરું પાડે તેવું સાધન છે.
વલણ–પરિવર્તન : માણસમાં તેના અનુભવ, પરિસ્થિતિ અનુસાર વિવિધ પદાર્થો, ઘટનાઓ, વિચારો વિશે જે વલણો બંધાયાં હોય તે તેને જીવનમાં થતા નવીન અનુભવો, પરિસ્થિતિ અનુસાર બદલાય પણ છે. એવું પણ બને કે કોઈ એક બાબત વિશે બંધાયેલા વલણમાં સામા છેડાનું પરિવર્તન પણ આવે. રોજરોજ જાતજાતનાં તંત્રો, પ્રચારમાધ્યમો, સમાચારો, વિજ્ઞાપનો, ભાષણો દ્વારા મનુષ્યનાં વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થતા હોય છે. ચૂંટણીમાં પ્રવચનો, ધર્મગુરુઓનાં ભાષણો, ટી.વી. ઉપરની જાહેરાતો વગેરેનો પ્રાથમિક હેતુ લોકોના વલણતંત્રમાં પરિવર્તન લાવવાનો જ હોય છે. જેને મગજનું ધોવાણ (brain-washing) કહેવામાં આવે છે, તેમાં હેતુપૂર્વક વ્યક્તિમાંથી જૂનાં વલણો સાફ કરી નવાં વલણો ચુસ્ત રીતે કેળવવાનો જ પ્રયાસ હોય છે. ચુસ્ત મતાગ્રહી, સિદ્ધાંતનિષ્ઠ કટ્ટરવાદી વ્યક્તિ એને કહેવાય કે જે પોતાના વલણમાં પરિવર્તન કરવા તૈયાર હોતો નથી.
સમજાવટ (persuasion) એ વલણમાં પરિવર્તન લાવવા માટેની સક્ષમ પદ્ધતિ છે. સમજાવટ એટલે એક પક્ષ દ્વારા બીજા પક્ષની વ્યક્તિઓનાં વલણો કોઈ નિશ્ચિત દિશામાં વાળવા માટે પ્રયાસ કરવો તે. વલણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા અને તેને અસર કરતાં પરિબળો વિશે મનોવિજ્ઞાનમાં વિપુલ પ્રાયોગિક સંશોધન-સાહિત્ય ઉપલબ્ધ છે. વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં પાંચ ઘટકો મુખ્ય છે : (1) નિવેદનનું ઉદભવ-સ્થાન (source); (2) નિવેદનમાં સંદેશો (message); (3) પ્રવહણ-માર્ગ (channel); (4) સંદેશાના પ્રાપ્તકર્તા (receiver) અને અંતિમ ધ્યેય (destination).
વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં નિવેદન કરનાર વ્યક્તિનું ઘણું મહત્વ છે. એવા ઘણા અનુભવો છે કે લોકોને સમજાવવામાં યુદ્ધ-હુલ્લડમાં ઉશ્કેરવા, કે શાંત પાડવામાં, રાજકીય પ્રચારમાં જાહેર વ્યક્તિઓ, લોકનાયકો કે નેતાઓનો પ્રભાવ પડ્યો હોય. દરેક પ્રકારની પ્રચાર-ઝુંબેશમાં આથી જ લોકપ્રિય અભિનેતાઓ, જાણીતા વિદ્વાનોને જોતરવામાં આવે છે. નિવેદનનો સ્વીકાર થવામાં નિવેદન કરનાર વ્યક્તિની પ્રતિષ્ઠા, દરજ્જો, ધ્યેય માટેની પ્રતિબદ્ધતા, વિશેષજ્ઞતા, વિશ્વસનીયતા વગેરે અગત્યનો ભાગ ભજવે છે. અમુક મુદ્દા વિશેનું કથન એમ જ રજૂ કરવામાં આવે તેના બદલે તે જવાહરલાલ, બર્ટ્રાન્ડ રસેલ, રવીન્દ્રનાથ ટાગોરનું કે યુનો સંસ્થાનું છે એમ કહીને રજૂ કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે. ‘માતાએ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ’ એવો તબીબી અભિપ્રાય હોવાથી આજે શરીર-સૌંદર્યની ચિંતા કરતી માતાઓ પણ તેને અનુસરે છે.
વલણ-પરિવર્તન માટે નિવેદનમાં જે સંદેશો હોય છે તેની વિગતો, સ્વરૂપ, રજૂઆતની રીત વગેરે ધારી અસર ઉપજાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સંદેશામાં કેવી અપીલ વધારે અસરકારક નીવડે, ઊર્મિશીલ કે બુદ્ધિશીલ તે વિશે કોઈ નિરાકરણીય પુરાવા નથી. વલણ-પરિવર્તન માટેનાં વિજ્ઞાપનો, નિવેદનોમાં ભય, સલામતી, તંદુરસ્તી, સારો દેખાવ, રૂપાળો ચહેરો, જાતીયતા, સિદ્ધિ વગેરે પ્રેરકોને સાંકળવામાં આવે છે. નિવેદનની રજૂઆત વારંવાર, વ્યવસ્થિત તેમજ સ્પષ્ટ રૂપમાં થાય એ અત્યંત જરૂરી છે. સંદેશાની રજૂઆત દલીલો સાથે, લાગણીઓને સ્પર્શ થાય એમ, ફાયદા-ગેરફાયદા કે પરિણામોનો ડર બતાવીને – એમ અનેક રીતે થાય છે. અલબત્ત, રજૂઆત શ્રોતાઓ, દર્શકો કે વાચકોના અહમને આઘાત લાગે, અપમાનજનક લાગે તે રીતની ન જ હોવી જોઈએ.
વલણ-પરિવર્તનની પ્રક્રિયામાં રજૂઆત વાચિક હોય યા લેખિત હોય, મોઢામોઢ સંપર્ક હોય કે માધ્યમ દ્વારા. પ્રચારનું માધ્યમ ટી. વી., વર્તમાનપત્ર, ફિલ્મ, મોબાઇલ ફોન, ટપાલ એમ જાતજાતનાં હોય. આ દરેક રીતની અસરકારકતા પ્રચારનો મુદ્દો, સમસ્યાનો પ્રકાર, પ્રચારનો હેતુ વગેરે ઉપર આધાર રાખે છે. પરિવર્તનના પ્રયાસોનો વ્યક્તિ કે સમૂહ ઉપર કેવો અને કેટલો પ્રભાવ પડશે તેમાં જે તે વ્યક્તિ કે સમૂહની પરિવર્તન-પ્રક્રિયામાં સક્રિયતા, સામેલગીરી, વલણ-પરિવર્તન માટેની માનસિકતા, નવું જાણવા-સમજવાની ઉત્સુકતા વગેરે ઉપર વધારે અવલંબે છે. વ્યક્તિનું વલણ તેની માન્યતા કરતાં વિરોધી વલણમાં બદલાશે કે નહિ તે તેની પ્રભાવ પામવાની તૈયારી ને ક્ષમતા, પ્રતિબદ્ધતા, આત્મગૌરવ, જ્ઞાનલક્ષી જરૂરતો વગેરે ઉપર નિર્ભર છે. અલબત્ત, એક જ સમૂહના તમામ સભ્યોમાં એકસરખી રીતે તેમજ એકસરખા પ્રમાણમાં વલણ-પરિવર્તન થાય નહિ. વલણ-પરિવર્તન કરવાના પ્રયાસોને અસરકારક બનાવવાની સાથે વલણ-પરિવર્તનના પ્રયાસો સામે પોતાના વલણને વળગી રહેવું, પ્રતિકાર કરવો, પ્રતિરક્ષા કેળવવી તે વલણના વિષયનું અગત્યનું પાસું છે.
વલણ વિશેનો અભ્યાસ વૈયક્તિક માનવી કે પ્રજા-સમૂહને સમજવા, ઓળખવા માટે અત્યંત જરૂરી છે. મનોવિજ્ઞાનમાં વલણ વિશે વિપુલ પ્રમાણમાં પ્રાયોગિક સંશોધન-સાહિત્ય સાંપડે છે.
ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ