વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ : આંતરરાષ્ટ્રીય સ્તર પર મજૂરમંડળો વચ્ચે સહકાર સ્થાપવા માટે રચવામાં આવેલી મજૂરમંડળોની સંસ્થા. સ્થાપના 1949. તે પૂર્વે 1945માં આ જ હેતુને સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની મજૂરમંડળોની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, જેનું મૂળ નામ વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ (WFTU) રાખવામાં આવ્યું હતું. તેના સ્થાપક સભ્યોમાં બ્રિટિશ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, અમેરિકાની કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન્સ તથા તત્કાલીન સોવિયત સંઘની સેન્ટ્રલ કૉંગ્રેસ ઑવ્ ટ્રેડ યુનિયન્સ સંસ્થા આ ત્રણ દેશોનાં મજૂરમંડળોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. બીજું વિશ્વયુદ્ધ (1939-45) પૂરું થતાં પશ્ચિમના દેશો અને વિશ્વના સામ્યવાદી દેશો વચ્ચે ફાટી નીકળેલ ‘શીતયુદ્ધ’ દરમિયાન જે વૈચારિક મતભેદો ઊપસી આવ્યા તેની અસર 1945માં સ્થપાયેલ વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ પર પણ પડી અને તેને કારણે તેમાં પડેલી તિરાડ અને અણબનાવને કારણે સામ્યવાદી દેશો મૂળ સંસ્થામાંથી વિખૂટા પડ્યા અને તેમનાં મજૂરમંડળોની કેન્દ્રીય સંસ્થાઓએ ભેગા થઈને ‘વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ’ની સ્થાપના કરી; એટલું જ નહિ, પરંતુ 1945માં સ્થપાયેલ મૂળ સંસ્થાની મુખ્ય કચેરી જે ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગ ખાતે હતી તેના પર તત્કાલીન 1949માં સ્થપાયેલ આ સામ્યવાદી સંસ્થાનું વર્ચસ્ દાખલ થયું. આ નવી સંસ્થા સાથે સામ્યવાદી જૂથનાં કેન્દ્રીય મજૂરમંડળો ઉપરાંત પશ્ચિમ યુરોપનાં કેટલાંક મજૂરમંડળો પણ સામેલ થયાં હતાં. પશ્ચિમ યુરોપના જે દેશોનાં મજૂરમંડળોએ તેનું સભ્યપદ સ્વીકાર્યું હતું તેમાં ફ્રાન્સ અને ઇટાલીના સામ્યવાદી અસર હેઠળનાં મંડળોનો સમાવેશ થતો હતો. ભારતના પીઢ સામ્યવાદી નેતા એસ. એ. ડાંગેની આ આંતરરાષ્ટ્રીય મજૂરમંડળના ઉપાધ્યક્ષપદે વરણી થઈ હતી. 1991માં સોવિયેત સંઘનું વિઘટન થતાં આ સંસ્થા હવે નિષ્પ્રાણ બની ગઈ છે.
બાલકૃષ્ણ માધવરાવ મૂળે