વર્યામ સિંઘ (ડૉ.)

January, 2005

વર્યામ સિંઘ (ડૉ.) (જ. 10 જૂન 1948, બાહુ (બંજાર), કુલ્લુ, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ તથા અનુવાદક. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ); મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી રશિયન ભાષાનો અભ્યાસક્રમ કર્યો તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઑવ્ રશિયન સ્ટડિઝના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે.

તેમની માતૃભાષા પહાડી (સિરાજી) છે અને તેમણે હિંદીમાં 18 ગ્રંથો આપ્યા છે. ‘વર્જિત સંગીત કા આગમન’ (1968); ‘હિમાચલ સમાચાર વ અન્ય કવિતાયેં’ (1986); ‘ઉચતી મરની દિયા’ (1983); ‘પ્રેયસી અપની’ (1986) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેમાં છેલ્લા બે પહાડી ભાષામાં છે. તેમણે રશિયનમાંથી અલેક્ઝાન્ડર બ્લૉક, માયાકોવસ્કી, રૉરિક વગેરે સહિત અનેક કવિઓનાં કાવ્યો હિંદીમાં અનૂદિત કર્યાં છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1983માં સોવિયેત નહેરુ ઍવૉર્ડ; 1986માં હિમાચલ અકાદમી ઑવ્ લૅંગ્વેજિઝ, આર્ટ ઍન્ડ કલ્ચર ઍવૉર્ડ તથા 1990માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી આચાર્ય રામચંદ્ર શુક્લ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા