વર્મોન્ટ : ઈશાન યુ.એસ.ના ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 24,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.નાં નાના કદનાં રાજ્યો પૈકીનું એક છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વમાં ન્યૂ હૅમ્પશાયર, દક્ષિણે મૅસેચૂસેટ્સ તથા પશ્ચિમે ન્યૂયૉર્કનાં રાજ્યો આવેલાં છે. બર્લિંગ્ટન અહીંનું સૌથી મોટું શહેર છે. રુટલૅન્ડ તેનાથી બીજા ક્રમે આવે છે. મોંટ પીલિયર તેનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : મધ્ય વર્મૉન્ટની સળંગ ઉત્તરદક્ષિણ લંબાઈમાં વૃક્ષાચ્છાદિત ‘ગ્રીન માઉન્ટન્સ’ પથરાયેલા છે. આ રાજ્યનું ‘વર્મૉન્ટ’ નામ ગ્રીન માઉન્ટન્સ માટે વપરાયેલા ‘વર્ટ’ અને ‘મૉન્ટ’ જેવા બે ફ્રેન્ચ શબ્દો પરથી પડેલું છે. આ કારણે આ રાજ્યને ગ્રીન માઉન્ટન સ્ટેટ જેવા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. આ પર્વતો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. 1339 મીટર ઊંચાઈ ધરાવતું માઉન્ટ મેન્સફીલ્ડ તેનું સર્વોચ્ચ શિખર છે. આ ઉપરાંત બીજા ઘણા પર્વતો અને ટેકરીઓ છે. કનેક્ટિકટ નદી વર્મૉન્ટની આખીય પૂર્વ સીમા પર વહે છે. પશ્ચિમ સીમાના ઉત્તર તરફના અડધા ભાગમાં શેમ્પ્લેન સરોવર વિસ્તરેલું છે. વર્મૉન્ટના ઉનાળા ટૂંકા, ગરમ દિવસોવાળા અને શિયાળા લાંબા અને ઠંડા રહે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 20° સે. અને 8° સે. રહે છે.
અર્થતંત્ર : રાજ્યની એકમાત્ર આર્થિક પ્રવૃત્તિ પેદાશોના ઉત્પાદનની છે. વીજાણુ-માલસામાન, કમ્પ્યૂટર યંત્રસામગ્રી અને તેના ઘટકો એ તેની મુખ્ય ઉત્પાદન-પેદાશો છે. સેવા-ઉદ્યોગમાં રાજ્યના આશરે 2/3 લોકો રોકાયેલા છે. તેઓ શિક્ષણ, નાણાં, સ્વાસ્થ્ય-સંભાળ અને વેપારમાં રોકાયેલા છે. દૂધ એ વર્મૉન્ટની ઘણી અગત્યની ગણાતી પેદાશ છે. ગ્રૅનાઇટ એ બીજી મહત્વની ખાણપેદાશ છે.
ઇતિહાસ : અઢારમી સદીમાં જ્યારે અહીં શ્ર્વેત વસાહતીઓ આવ્યા તે અગાઉ આ પ્રદેશ અહીંના ઇન્ડિયન લોકોનું શિકારક્ષેત્ર હતો. અમેરિકી ક્રાંતિ (1775-1783) થઈ ત્યાં સુધી તો ઇંગ્લૅન્ડે તેના પર કાબૂ રાખેલો. ગ્રીન માઉન્ટન બૉયઝ તરીકે ઓળખાતા વર્મૉન્ટના સૈનિકોએ આ ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજો પાસેથી ન્યૂયૉર્કમાંના શેમ્પ્લેન સરોવર પરના ફૉર્ટ તિકોન્દર્ગાનો કબજો મેળવી લીધેલો. તે પછી તો 1791માં વર્મૉન્ટ યુ.એસ.નું એક રાજ્ય બની રહેલું છે.
વીસમી સદીની શરૂઆતમાં અહીંની કૃષિપેદાશોનું સ્થાન ઉત્પાદન-પેદાશોએ લીધું ત્યારથી આર્થિક પ્રવૃત્તિ ઉત્પાદનલક્ષી બની રહેલી છે. પ્રવાસ-ઉદ્યોગ પણ વિકસ્યો છે. 1980ના દાયકા દરમિયાન રાજ્યના વિકાસ માટે અહીંનાં બે જૂથો વચ્ચે મતમતાંતર ચાલતા હતા. એક જૂથની માન્યતા એવી હતી કે કોઈ પણ ભોગે રાજ્યનો આર્થિક વિકાસ થવો જોઈએ. બીજું જૂથ એવી માન્યતા ધરાવતું હતું કે ગ્રામીણ સુંદરતાને ભોગે આર્થિક વિકાસ કરવો યોગ્ય નથી.
ગિરીશભાઈ પંડ્યા