વર્મિયર, ઇયાન (જ. 31 ઑક્ટોબર 1632, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ; અ. ?, દફનવિધિ) : 15 ડિસેમ્બર 1675, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ) : મકાનોના અંતર્ગત ભાગનાં ઘરેલુ (domestic) ચિત્રો ચીતરવા માટે જાણીતો ડચ બરોક ચિત્રકાર. બારી વાટે ઓરડામાં અંદર આવતા પ્રકાશની ઓરડામાંની તેમજ ઓરડામાં રહેલી ચીજવસ્તુઓ, પડદા, અરીસા, રાચરચીલું, વ્યક્તિઓ, વસ્ત્રો, ગાલીચા, શેતરંજીઓ, ખાદ્યસામગ્રી, વાસણકૂસણ અને ભીંત પર લટકતાં ચિત્રો-નકશાઓ પરની લીલા ચીતરવામાં તે દુનિયામાં બેજોડ ગણાય છે.
ડેલ્ફટ નગરમાં પિતા નાની વીશી ચલાવતો અને રેશમનો વેપાર કરતો. આ જ નગરમાં વર્મિયરે જન્મીને સમગ્ર જીવન પસાર કર્યું. 1653માં કૅથેરિના બોલોનેઝ સાથે તેનું લગ્ન થયેલું અને એ જ વર્ષે તે ડચ ધંધાદારી ચિત્રકારોના સંગઠનનો સભ્ય બનેલો. પોતાનાથી માત્ર આઠ વરસ જ ઉંમરમાં મોટા કાટેલ ફેબ્રિટિયસ પાસેથી તે ચિત્રકલા શીખેલો. ફેબ્રિટિયસ મૂળે રૅમ્બ્રાંનો શિષ્ય હતો. 1663માં એક ફ્રેંચ પુરુષ બાલ્થાઝાર દ માન્કોની ખાસ વર્મિયરને મળવા ડેલ્ફટ આવેલો તે હકીકત ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે જીવન દરમિયાન જ તેની થોડીઘણી નામના થયેલી. ડેલ્ફટ નગરના દફતરી રેકર્ડ (દસ્તાવેજ-નોંધણી) ઉપરથી એટલું જાણવા મળે છે કે 1662થી 1663 સુધી અને ફરી 1670થી 1671 સુધી તે ડચ ચિત્રકારોના સંગઠનનો પ્રમુખ રહેલો. દફતરી દસ્તાવેજ ઉપરથી એ પણ જાણવા મળે છે કે એને નાણાકીય મુશ્કેલી પણ ઊભી થયેલી. પોતાનાં મૌલિક ચિત્રોનું વેચાણ કરવા કરતાં કલાકૃતિઓના વેપાર(art dealing)ને તેણે પોતાના કુટુંબના નિર્વાહ માટેનો વ્યવસાય બનાવેલો; પણ, ભઠિયારા, કાછિયા અને કરિયાણાની દુકાનોના માલિકોને રોજિંદી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી બદલ ઊભા થતા દેવાને ફેડવા માટે તે ક્યારેક પોતાનાં મૌલિક ચિત્રો સોંપી દેતો. આ વેપારીઓએ પૂરાં પાડેલાં શાકભાજી, ઈંડાં, દૂધ, ચીઝ, બ્રેડ ઇત્યાદિ ક્ષુલ્લક જણાતી ખાદ્ય-જણસોને તેણે ચિત્રોમાં જીવંત રીતે આલેખી હતી.
વર્મિયરે ધનાઢ્ય અને ઉપલા મધ્યમ વર્ગની મહિલાઓને પણ જાજરમાન રૂપે આલેખી. ચિત્રોમાં એ બધી મહિલાઓ પોતપોતાની જિંદગીમાં ઓતપ્રોત જોવા મળે છે : કોઈ નકશો જુએ છે, કોઈ વાજિંત્ર વગાડે છે, કોઈ સાત સમુંદર પાર ગયેલા પતિનો કાગળ વાંચે છે, કોઈ નોકરાણી સાથે વાતો કરે છે, કોઈ ભરતગૂંથણમાં મગ્ન છે, તો કોઈ ફિલસૂફી અને સાહિત્યનાં પુસ્તકોના વાચનમાં તન્મય છે. આ મહિલાઓનાં આલેખનો સમૃદ્ધ પૃષ્ઠભૂમિકામાં થયાં છે. મોંઘાં રાચરચીલાં, ચાંદીનાં વાસણો, મોંઘી શેતરંજીઓ અને ગાલીચા, મોંઘાં વાજિંત્રોથી શોભતા ખંડોમાં આ મહિલાઓ બારીક ભરતકામવાળાં રેશમી વસ્ત્રો, મોતીની માળાઓ અને હીરામાણેકના ઝવેરાતથી વિભૂષિત જોવા મળે છે.
વર્મિયરના જીવન વિશે આધારભૂત માહિતી જૂજ મળતી હોવાથી વિદ્વાનોએ કરેલાં અનુમાનોમાં ખાસ્સું વૈવિધ્ય પ્રવર્તે છે. રેગિનેલ્ડ એચ. વિલેન્સ્કી નામના એક કલા-ઇતિહાસકારના મતે વર્મિયર અરીસાઓ અને લેન્સ વડે આંખોની દૃષ્ટિમાં વધારો કરવામાં વ્યસ્ત એવો પ્રયોગશાળા-સંશોધક હતો. ફ્રૅંચ કલા-ઇતિહાસકાર આન્દ્રે માલ્રોના મતાનુસાર વર્મિયર ઘરેલુ જીવનમાં ઓતપ્રોત એક સાવ ઘરકૂકડી માણસ હતો. વર્મિયરનાં ચિત્રોમાં ચિત્રિત એક વ્યક્તિને માલ્ટોએ વર્મિયરની પત્ની કૅથેરિના વર્મિયર તરીકે ઓળખી કાઢ્યાનો દાવો પણ કર્યો છે. વિલેન્સ્કી અને માલ્શેના મતોમાં પહેલી નજરે ભલે ખાસ્સું અંતર જણાય, પણ એટલું સ્પષ્ટ સરખાપણું છે કે આ કલાકાર મકાનની ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહીને જ ચિત્રો ચીતરનાર હતો; જેને બહાર ખુલ્લામાં નીકળવું નાપસંદ હતું. વળી એ હકીકત પણ તેને ઘરકૂકડી જ પુરવાર કરે છે કે એણે સમગ્ર જીવન દરમિયાન ચીતરેલાં માત્ર બે જ નિસર્ગદૃશ્યો પણ ઘરમાં જ બારી પર બેસીને, સર્જ્યાં હતાં. એ ચીતરવા માટે પણ તે બહાર નીકળ્યો નહોતો ! એ માહિતી નથી મળતી કે કયા કારણથી તે ઘરબહાર નીકળતો નહોતો. શારીરિક ખોડને કારણે તે બહાર નીકળી શકતો નહિ કે પછી મકાનની અંદર મળતી ચિત્રસામગ્રીની વિપુલતાનો લાભ તે જતો કરવા માંગતો નહોતો ? એનાં ચિત્રોનો પ્રભાવ તેના સમકાલીનો ઉપર તો પડ્યો જ નહિ; એટલું જ નહિ, અનુગામીઓ ઉપર પણ સહેજેય પડ્યો નહિ. બનાવટી ચિત્રો ચીતરી (forgery) મૂળ ચિત્રકારને નામે વેચી પૈસા ઊભા કરનારા ઉસ્તાદ નકલખોરો(counterfeiters)એ પણ વર્મિયરનાં ચિત્રોની નકલ કરવાની હામ વીસમી સદીના પ્રારંભ સુધી ભીડી નથી, એ હકીકત એ મુદ્દો સાબિત કરે છે કે વર્મિયર પાસે કલાના ટેક્નિકલ પાસાની જોરદાર અને અનન્ય ક્ષમતા હતી. વર્મિયરના જીવનકાળ દરમિયાન તેનાં ચિત્રોની સામાજિક કે નાણાકીય પ્રતિષ્ઠા થઈ નહિ. તેંતાળીસ વરસે તે મૃત્યુ પામ્યો ત્યારે નાદાર જાહેર થયેલી તેની પત્નીને માથે આઠ બાળકો ઉછેરીને મોટાં કરવાની જવાબદારી હતી. પોતાની પાસે રહેલા વર્મિયરે ચીતરેલાં 29 ચિત્રોની હરાજી થતી બચાવવાની તેણે પૂરી કોશિશ કરેલી.
કવન : અતિશય ધીમી ગતિએ ચીતરવાની આદત હોવાથી વર્મિયરે સમગ્ર જીવન દરમિયાન પાંત્રીસ જ ચિત્રો સર્જ્યાં છે; પરંતુ તે દરેક ચિત્રમાં ઓરડામાં ફેલાતા ઉજાસનો સૂક્ષ્મદર્શક યંત્રથી થઈ શકે તેવો બારીકી અને ખંતથી તેણે અભ્યાસ કર્યો હોવાનું જણાય છે. વળી તેનું પ્રત્યેક ચિત્ર પ્રકાશ, પ્રકાશના પરાવર્તન (reflection), પ્રકાશના વિચ્છેદન (refraction) અને પડછાયાનો આગવો અભ્યાસ બની રહે છે. ફોટોગ્રાફીની શોધ થઈ તે અગાઉ તેણે વાઇડ ઍન્ગલ અને ટેલિસ્કૉપિક લેન્સિસ વડે દેખાતાં હોય તેવાં દૃશ્યો ઝડપ્યાં છે. વળી, માનવઆકૃતિ અને તેને વીંટળાયેલાં ઘરેલુ વાતાવરણ વચ્ચેના સૂક્ષ્મ સંબંધોને નિરૂપવા માટે તે આજે પણ અનન્ય ગણાય છે. આ કારણે તે આધુનિક પ્રભાવવાદી (impressionist) ચિત્રકારોનો માનીતો બની ગયેલ.
ભલે માત્ર પાંત્રીસ ચિત્રો જ તેનું સમગ્ર સર્જન હોય, પણ તેમાં એકધારી ઊંચી ગુણવત્તાનાં દર્શન થાય છે; છતાં એેનાં ચિત્રોનો સર્જન-સમય અને કયા ચિત્ર પછી કયું ચિત્ર સર્જાયું તે સમયાનુક્રમ (ક્રૉનોલૉજિક ઑર્ડર) નક્કી કરવો ક્લાઇતિહાસકારો માટે આજેય અશક્ય છે. એનાં કોઈ ચિત્રો શિખાઉ કે અણઘડ ન હોવાથી ક્લાઇતિહાસકારો આવી મુશ્કેલી ખાસ અનુભવે છે.
કલાઇતિહાસકારો વર્મિયરને એના જમાનાનો સૌથી વધુ મૌલિક ચિત્રકાર માને છે. ઇટાલિયન, ફ્રેંચ અને ફ્લૅમિશ પ્રભાવ હેઠળ આવ્યા વિના જ એણે સર્જન કરવાનું પસંદ કરેલું. તેના મહાન સમકાલીનોમાંથી ફ્રાન્ઝ હૅલ્સ સ્પૅનિશ ચિત્રકાર વાલાસ્ક્વેથના પ્રભાવ હેઠળ આવેલો અને રૅમ્બ્રાં ઇટાલિયન ચિત્રકારો ગ્વેર્ચિનો અને કારાવાજિયોના પ્રગાઢ પ્રભાવ હેઠળ આવેલો.
મૃત્યુ પછી વર્મિયર તુરત જ ભુલાઈ ગયેલો. એનાં પાંત્રીસ ચિત્રોનું સમગ્ર સર્જન બીજા કલાકારોના સર્જન તરીકે ખપાવી દેવામાં આવેલું. (ચિત્રોમાં સહી કરવાની આદત તેને નહોતી) છેક 1866માં કલા-ઇતિહાસકાર થિયૉફાઇલ થોરે(બીજું નામ ડબ્લ્યૂ. બર્જર.) એ વર્મિયરની શોધ કરી અને 76 ચિત્રોને તેના નામ ઉપર ચઢાવ્યાં. બે વરસ પછી એક અન્ય વિદ્વાને તેમાંથી માત્ર 56 ચિત્રોમાં જ વર્મિયરનું કર્તૃત્વ હોવાનું જણાવ્યું. આ આંકડો 1907માં 34 ઉપર આવી ઊભો. આજે અલગ અલગ કલા-ઇતિહાસકારોને મતે આ આંકડો 30થી 36 વચ્ચેનો જોવા મળે છે.
1945માં હાન્સ ફાન મીગેરેન નામના ચિત્રકારે વર્મિયરની લાક્ષણિક ચિત્રકૃતિઓ જેવી દેખાતી બનાવટી કલાકૃતિઓ ચીતરી મૂળ કલાકારના નામે વેચીને લોકોને ઉલ્લુ બનાવ્યા અને પછી જાહેરમાં કબૂલાત કરી તેમજ પ્રત્યક્ષ નિદર્શન આપી સાબિત કર્યું કે વર્મિયરના નામે માનવામાં આવતાં કેટલાંક ચિત્રો તેણે પોતે જ ચીતર્યાં છે ત્યારે કલાજગતમાં હાહાકાર મચી ગયેલો. કલાજગતના સૌથી મૌટાં કૌભાંડોમાં મીગેરેનનું આ કૌભાંડ ગણાય છે.
વર્મિયરની ચિત્રકૃતિઓની યાદી :
1. ‘એ ગર્લ અસ્લીપ’
2. ‘ઑફિસર ઍન્ડ એ લાફિન્ગ ગર્લ’
3. ‘ડાયેના ઍટ હર ટૉઇલેટ’
4. ‘ક્રાઇસ્ટ ઇન ધ હાઉસ ઑવ્ માર્થા ઍન્ડ મેરી’
5. ‘વ્યૂ ઑવ ડૅલ્ફટ’
6. ‘ઍલિગરી ઑવ્ ધ ફેથ’
7. ‘ઍલિગરી (Allegory) ઑવ્ પેઇન્ટિન્ગ’
[લાંબા સમય સુધી આ ચિત્રના કર્તૃત્વનું શ્રેય પીટર દ હૂક નામના ચિત્રકારને આપવામાં આવતું હતું.]
8. ‘હેડ ઑવ્ ધ યન્ગ ગર્લ’
9. ‘ધ ગર્લ ઇન એ રેડ હૅટ’
10. ‘યન્ગ વુમન રીડિન્ગ એ લેટર’
11. ‘ધ કિચન-મેઇડ’
12. ‘લેડી રીડિન્ગ એ લેટર ઍટ ઍન ઓપન વિન્ડો’
13. ‘ગર્લ ડ્રિન્કિંગ વાઇન વિથ અ જેન્ટલમેન’
14. ‘યન્ગ વુમન વિથ અ વૉટરજગ’
15. ‘ધ લિટલ સ્ટ્રીટ’
16. ‘ધ મ્યૂઝિકલ લેસન : અ લૅડી ઍટ ધ વર્જિનલ્સ વિથ અ જેન્ટલમેન લિસનિંગ’
17. ‘યન્ગ લેડી વિથ અ પર્લ-નૅકલેસ’
18. ‘અ વુમન વેઇન્ગ ગોલ્ડ’
19. ‘ધ લેસ-મેકર’ (‘દેન્તેલિયરે’)
20. ‘યન્ગ ગર્લ વિથ અ ફ્લૂટ’
21. ‘ધ લેટર’
22. ‘એ લેડી રાઇટિન્ગ એ લેટર વિથ હર મેડ’
23. ‘ધ એસ્ટ્રૉનોમર’ (‘દેર એસ્ટ્રૉનોમ’)
24. ‘ધ જિયોગ્રાફર’
25. ‘એ યન્ગ વુમન સ્ટૅન્ડિન્ગ ઍટ અ વર્જિનલ’
26. ‘ધ પ્રોક્યુરેસ’
27. ‘ધ ગ્લાસ ઑવ્ વાઇન’
28. ‘અ ગર્લ વિથ અ વાઇન-ગ્લાસ’
29. ‘અ ગર્લ ઇન્ટરપ્ટેડ ઍટ હર મ્યૂઝિક’
30. ‘અ વુમન વિથ અ લ્યૂટ’
31. ‘ધ કૉન્સર્ટ’
32. ‘અ લેડી રાઇટિન્ગ’
33. ‘મિસ્ટ્રેસ ઍન્ડ મેઇડ’
34. ‘ધ ગિટાર-પ્લેયર’
અમિતાભ મડિયા