વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.)

January, 2005

વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.) (જ. 5 જાન્યુઆરી 1934, ચાંદનેર, બહાદુરગઢ, જિ. ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ., ભોપાલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ., આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં પીએચ.ડી. અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. 1985-88 સુધી તેઓ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાં  માનવવિદ્યા શાખાના ડીન અને હિંદીના પ્રાધ્યાપક; 1993-94માં એ જ યુનિવર્સિટીના લલિત કલા વિભાગના વડા અને 1998-2002 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સિલના સભ્ય રહેલા. એ પછી મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડાપદેથી સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 22 ગ્રંથો આપ્યા છે, તેમાં સંપાદિત કૃતિઓનો પણ સમાવેશ થાય છે. તેમાં ‘સંસ્કૃત કવિતા મેં રોમૅન્ટિક પ્રવૃત્તિ’ (1966); ‘નઇ કવિતા કે નાટ્યકાવ્ય’ (1977); ‘તુલસી સાહિત્ય કે સાંસ્કૃતિક આયામ’ (1997) તેમના ઉલ્લેખનીય સંશોધનગ્રંથો છે. ‘તુલસી સાહિત્ય મેં શરીરવિજ્ઞાન ઔર મનોવિજ્ઞાન’ (1978) તથા ‘ચિંતન ઔર અનુશીલન’ (1992) તેમના જાણીતા વિવેચનગ્રંથો છે. ‘સૂરજ નહીં બૂઝેગા’ (1990) નામક કાવ્યસંગ્રહ છે તો ‘ડૉક્ટર ડમરુગોપાલ’ (1993) અને ‘પવનપુત્ર કી પૂંછ’ (1995) તેમની લોકપ્રિય નવલકથાઓ છે.

તેમને 1983માં પ્રાદેશિક હિંદી સાહિત્ય સંમેલન, હરિયાણા; 1994માં હિંદી સાહિત્ય સંસ્થાન, રોહતક તથા 1992માં રામાયણ શિખર સન્માન દ્વારા સન્માનિત કરાયા હતા.

બળદેવભાઈ કનીજિયા