વર્મા, સુરેન્દર

January, 2005

વર્મા, સુરેન્દર (જ. 5 મે 1945, સિરસા, હરિયાણા) : હિંદી કવિ. તેમણે સંગીતમાં માસ્ટર; પીએચ.ડી., તથા સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તેમણે ભારતી નિકેતન, સિરસામાં આચાર્ય તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું.

તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘છૂક છૂક ચલતી રેલ’ (1979); ‘હાથી બિલ્લી પહુંચે દિલ્લી’ (1983); ‘ઐસા હિંદુસ્તાન બને’ (1985) તેમના લોકપ્રિય બાળગીતસંગ્રહો છે. ‘આયનોં મેં તલાશ ચેહરે’ (1983), ‘આજ કે દશરથ’ (1986), ‘આયનેં બોલતે હૈં’ (1994)  એ તેમના ગઝલસંગ્રહો છે. ‘દૂસરી ફાંસી’ (1983) એકાંકી છે, જ્યારે ‘દો ટાંગોં વાલા જાનવર’ (1983), ‘આદમી સે આદમી તક’ (1986) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે.

હિંદી સાહિત્યમાં બાળગીતો અને જાણીતા વાર્તાસંગ્રહો માટે તેમને 1982માં તથા 1984માં એમ બે વાર હરિયાણા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા