વર્મા, સત્યભૂષણ

January, 2005

વર્મા, સત્યભૂષણ (જ. 4 ડિસેમ્બર 1932, રાવલપિંડી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક અને જાપાની ભાષાના વિદ્વાન. તેમણે 1954માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1950માં પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’; 1959માં વિશ્વભારતીમાંથી બંગાળી અને જાપાની ભાષામાં ડિપ્લોમા; 1969માં જાપાનીમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ (ટોકિયો); 1969માં ચીની ભાષામાં સર્ટિફિકેટ અને 1981માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.

1959-71 દરમિયાન તેઓ ભારત સરકારના ભાષાશાસ્ત્રી; 1986-90 દરમિયાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ઈસ્ટ એશિયન લૅંગ્વેજિઝ સેન્ટરના સ્થાપક-અધ્યક્ષ; 1991-92માં ઇન્ટરનૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર જાપાનીઝ સ્ટડિઝ, ક્યોટો, જાપાનમાં મુલાકાતી પ્રાધ્યાપક; 1984માં ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑન લિટરેચર, અનુવાદ વિભાગમાં જનરલ સેક્રેટરી; ઇન્ડિયન કૉંગ્રેસ ઑવ્ એશિયન ઍન્ડ પૅસિફિક સ્ટડિઝના અધ્યક્ષ તથા ઇન્ડિયન સાયન્ટિફિક ટ્રાન્સલેટર્સ એસોસિયેશનના પ્રમુખ રહ્યા હતા. તેઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી જાપાની ભાષાના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં હિંદી, સિરૈકી, અંગ્રેજી અને જાપાનીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ફોક ટેલ્સ ઑવ્ ચાઇના’ (1960); ‘ફોક ટેલ્સ ઑવ્ જાપાન’ (1960); ‘જાપાની કવિતાયેં’ (1977, અનુવાદ); ‘જાપાની હાઇકુ ઔર આધુનિક હિંદી કવિતા’ (1983, વિવેચક ગ્રંથ); જાપાની ભાષામાં ઇન્ડો ની ઓકેરુ હાઇકુ’ (1992, વિવરણાત્મક ગ્રંથ); ‘નિચી-ઇન જિતેન’ (1994, જાપાની-હિંદી કોશ) મુખ્ય અને ઉલ્લેખનીય છે.

બળદેવભાઈ કનીજિયા