વર્મા, શ્રીરામ (જ. 18 જુલાઈ 1935, પત્નાઈ, જિ. માઉ, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ તથા લેખક. તેમણે 1961માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને 1986માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ આઝમગઢની ડી. એ. વી. પી. જી. કૉલેજમાંથી હિંદીના રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ ‘મધ્યમ’ માસિકના સંપાદક તેમજ ઉત્તરપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીના સંપાદક રહેલા.
તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘ગ્રીનીચ’ (1972); ‘શબ્દોં કી શતાબ્દી’ (1977); ‘કાલપત્ર’ (1980) અને ‘બુંદ કી યાત્રા’ (1985) એ બધા કાવ્યસંગ્રહો છે, જ્યારે ‘અંતરિક્ષ યાત્રા’ (1977) તેમનો જાણીતો વાર્તાસંગ્રહ છે. ‘સંશય કી એક રાત : અભિવ્યક્તિ કા સ્વરૂપ’ (1966) તેમનો વિવેચનગ્રંથ છે.
તેમને તેમના સાહિત્યિક પ્રદાન બદલ ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન, લખનૌ તરફથી 1979માં વિશિષ્ટ પુરસ્કાર અને નિરાલા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેઓ ચોથા સપ્તકમાંના સાત કવિઓ પૈકીના એક હતા.
બળદેવભાઈ કનીજિયા