વર્મા, શેફાલિકા (શ્રીમતી) (જ. 9 ઑગસ્ટ 1943, બારગાંવ, જિ. સહારા, બિહાર) : મૈથિલી લેખિકા. તેમણે 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1987માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. એ. એન. કૉલેજ, પટણામાં હિંદીનાં રીડર તરીકે તેમણે કામ કર્યું છે.
1993-97 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના મૈથિલી માટેના સલાહકાર બૉર્ડનાં તેઓ સભ્ય હતાં. મહાકવિ આરસી સાહિત્ય પરિષદ, પટણાનાં સંપાદક, ઉપપ્રમુખ તથા ચેતના સમિતિ, પટણાનાં કારોબારી સભ્ય પણ રહ્યાં હતાં.
તેમણે 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સ્મૃતિરેખા’ (1977) અને ‘વિપ્રલબ્ધ’ (1978) (બંને કાવ્યસંગ્રહો); ‘એક થા આકાશ’ (1988, વાર્તાસંગ્રહ); ‘યાયાવરી’ (1995, પ્રવાસવર્ણન); ‘ભાવાંજલિ’ (1996, ગદ્ય-પદ્ય) તથા હિંદીમાં : ‘ઠહરે હુએ પલ’ (1993, કાવ્યસંગ્રહ) ઉલ્લેખનીય છે.
તેમની સાહિત્યિક સેવા બદલ 1974માં તેમને ડૉ. ઉમેશ મિશ્ર મેમૉરિયલ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમનું ‘કાવ્ય વિનોદિની’ના ખિતાબથી સન્માન કરવામાં આવેલું.
બળદેવભાઈ કનીજિયા