વર્બિના (verbena) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેની ત્રણ જાતિઓ સામાન્ય રીતે બગીચામાં ઉછેરવામાં આવે છે : (1) વર્બિના હાઇબ્રિડ્સ (Verbena hybrids), (2) વર્બિના એરિનૉઇડીસ (V. erinoides) અને (3) વર્બિના વેનૉસા (V. venosa). જોકે હવે મોટેભાગે વર્બિના હાઇબ્રિડ્સ જાતિ ઉછેરવામાં આવે છે.
મોટા છોડની નીચે, લીલીછમ બૉર્ડર માટે, કૂંડામાં, લટકતી ટોપલીઓમાં, રૉકરીમાં તથા સ્વતંત્ર ફૂલની ક્યારી તરીકે વર્બિના ઉછેરવામાં આવે છે. તેની મુખ્ય બે જાતો જણાય છે : એક બહુવર્ષાયુ; જે જાત રોપ્યા પછી ઘણાં વર્ષો સુધી ત્યાં ઊગ્યા કરે છે. બીજી એકવર્ષાયુ જાત, જે મોટેભાગે એક ઋતુમાં (ગમે તે ઋતુમાં) ઊગીને પછી ખલાસ થઈ જાય છે. વર્બિના હાઇબ્રિડ્સ વાર્ષિક જાત છે; છતાં તેની ડાળખીઓ અવારનવાર જમીનમાં દબાવવાથી બહુવાર્ષિક જાત તરીકે કામ આપે છે.
વર્બિનાના છોડ 25 સેમી.થી 30 સેમી. ઊંચા થાય છે અને ફેલાયા કરે છે. તેનાં પર્ણો ખૂબ નાનાં અને આછા લીલા રંગનાં કંઈક ભૂરી ઝાંયવાળાં હોય છે. પુષ્પ નાનાં નાનાં અને નાના ગુચ્છમાં હોય છે. સામાન્ય વર્બિનાનાં પુષ્પ મોટેભાગે આછા ગુલાબી-વાદળી રંગનાં હોય છે; પરંતુ હાઇબ્રિડ્સ જાતનાં પુષ્પ પ્રમાણમાં મોટાં અને ઘેરાં ગુલાબી રંગનાં ઉપરાંત સફેદ, લાલ વગેરે રંગની ઝાંયવાળાં અને વધારે આકર્ષક હોય છે. ઠંડા પ્રદેશમાં થતી જાતો વધારે રંગીન હોય છે, પણ તે જાતો ઉષ્ણ પ્રદેશોમાં થઈ શકતી નથી.
હાઇબ્રિડ્સ જાતની ડાળીઓ વચ્ચે વચ્ચે દબાવી દેવાથી તે ફૂટે છે. મોટેભાગે હાઇબ્રિડ્સ જાત બી રોપીને ઉછેરવામાં આવે છે. બીને એક ક્યારામાં રોપી, ધરુ તૈયાર કરી, ધરુને બે વખત ફેરવીને પછી કાયમના ક્યારામાં 25 સેમી. x 25 સેમી.ને અંતરે રોપવામાં આવે તો સારી રીતે ફેલાય છે. ડાળીની ટોચ કોઈ કોઈ વાર કર્તન (pruning) કરી નાખવાથી છોડ ચારે બાજુ સારી રીતે ફેલાય છે. વર્બિનાની હાઇબ્રિડ્સ જાતને અવારનવાર (લગભગ પંદર પંદર દિવસે) સારા પ્રમાણમાં ખાતર આપવામાં આવે તો છોડ સરસ ખીલી ઊઠે છે અને લાંબો વખત સારા એવા પ્રમાણમાં પુષ્પ આપે છે.
વર્બિનાનો છોડ પાણી વધારે પડી જાય તો કોહવાઈ જાય છે. છોડ નીચેની જગ્યા વર્બિનાથી ભરાઈ જાય તેવું કરવું હોય તો હાઇબ્રિડ્સ જાતને બદલે વર્બિના એરિનૉઇડીસ પસંદ કરવી. આ જાતને મૉસ વર્બિના (moss verbena) પણ કહે છે. એ જાત ફેલાઈને લગભગ બધી જમીનને સારી રીતે ઢાંકી દે છે.
મ. ઝ. શાહ