વર્દે, વામનરાવ પુંડલિક (જ. 2 ડિસેમ્બર 1895, વેંગુર્લા, મહારાષ્ટ્ર; અ. 30 સપ્ટેમ્બર 1977, મુંબઈ) : ભારતીય નાગરિક સહકારી બૅંકિંગ ક્ષેત્રના ઘડતર અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને તેથી ‘સહકાર અગ્રણી’નું બિરુદ પ્રાપ્ત કરનાર સહકારી બૅંકિંગ ક્ષેત્રના નિષ્ણાત. સમગ્ર ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. ત્યાંની સિડનહામ કૉલેજમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ પ્રાંતિક સહકારી બૅંકમાં હિસાબનીસ તરીકે દાખલ થયા. તેઓ ટૂંક સમયમાં જ ‘સહકાર મહર્ષિ’ વૈકુંઠલાલ મહેતાના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને તેમની નિશ્રામાં સહકારી બૅંકિંગ ક્ષેત્રના ઘડતર અને વિકાસમાં નોંધપાત્ર કારકિર્દી હાંસલ કરી હતી. 1936માં સ્થપાયેલી બૅંક ઑવ્ મહારાષ્ટ્રના તેઓ સ્થાપક-નિયામક (founder director) હતા. આગળ જતાં 1956-66ના ગાળામાં તેઓ તે જ બૅંકના ચૅરમૅન-પદે રહ્યા હતા.
193738ના વર્ષમાં મુંબઈની સારસ્વત કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીને સારસ્વત કો-ઑપરેટિવ બૅંકમાં ફેરવવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. આ બૅંકની સ્થાપનાથી તે પછીનાં પાંત્રીસ વર્ષ સુધી તેઓ તે બૅંકના ચૅરમૅન રહ્યા હતા. મુંબઈની આ બૅંકને આજે પણ અગ્રણી બકોની હરોળમાં મૂકવામાં આવે છે. ભારતની મધ્યસ્થ બૅંક રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના 1961ના નાગરિક સહકારી બકોના સર્વેક્ષણ અહેવાલમાં સારસ્વત બૅંકની વિકાસકૂચ અંગે ગૌરવવંતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો યશ વી. પી. વર્દેની કુનેહ અને વહીવટી કુશળતાને ફાળે જાય છે. કૃષિ-ધિરાણની સાથોસાથ નગરવિસ્તારનું નાગરિક ધિરાણ પણ મહત્વનું હોઈ રિઝર્વ બૅંક દ્વારા 1963માં રચવામાં આવેલી અભ્યાસ સમિતિ(study-group)ના વડા તરીકે વર્દેની નિમણૂક કરવામાં આવી હતી; જેનો અહેવાલ ‘વર્દે સ્ટડી ગ્રૂપ અહેવાલ’ તરીકે જાણીતો બન્યો છે. કૃષિ સિવાયનાં ક્ષેત્રોમાં સહકારી ક્ષેત્ર દ્વારા ધિરાણ કેવી રીતે થવું જોઈએ તે અંગેની વિસ્તૃત ભલામણો આ અભ્યાસજૂથે કરી છે. આ ઉપરાંત, રિઝર્વ બકે નીમેલ ‘પાક ધિરાણ સમિતિ’ના પણ તેઓ સભ્ય હતા. ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા(IFC)ના, 1952-53ના વર્ષમાં તેઓ નિયામક મંડળના સભ્ય હતા. 1937-63 દરમિયાન બૉમ્બે સ્ટૉક એક્સચેંજના સંચાલક-મંડળના સભ્યપદે તેમણે કામ કર્યું હતું. મુંબઈની જાણીતી આર. આર. નાબર ઍન્ડ કંપનીના ચૅરમૅન-પદે 1934-63 દરમિયાન તેમણે કામ કર્યું હતું. તેવી જ રીતે બૉમ્બે સ્વદેશી કો-ઑપરેટિવ સ્ટોર્સ લિ.ના ચૅરમૅન-પદે પણ તેમણે સુદીર્ઘ સેવાઓ આપી હતી. વળી બૉમ્બે સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયનના પ્રથમ માનાર્હ મંત્રી અને ત્યારબાદ ઉપાધ્યક્ષ-પદે તેમણે સેવાઓ આપી હતી. સ્વસ્તિક સેફ ડિપૉઝિટ ઇન્વેસ્ટમેન્ટ લિ.ના 1939-63 વર્ષ દરમિયાન તેઓ નિયામક હતા તથા મહારાષ્ટ્ર રાજ્યના પાંચ સહકારી ખાંડ કારખાનાંના ચૅરમૅન-પદે તેમણે કામ કર્યું હતું. વળી રિઝર્વ બૅંક લોકલ બૉર્ડ, કિર્લોસ્કર બ્રધર્સ લિ., કિર્લોસ્કર ઑઇલ એન્જિન્સ લિ., મૈસોર કિર્લોસ્કર લિ. જેવી અનેક અગ્રણી કંપનીઓ કે સંસ્થાઓના નિયામક તરીકે તેમણે કાર્ય કર્યું હતું.
1948માં યોજાયેલ ઇન્ટરનૅશનલ કો-ઑપરેટિવ કૉંગ્રેસના અધિવેશનમાં તથા 1952માં અમેરિકાના બર્કલે ખાતે મળેલ ‘ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઍન્ડ રુરલ ક્રેડિટ’ સંમેલનમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
1956ના વર્ષથી 1977 સુધી તેમણે મુંબઈમાં ઑનરરી પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ તરીકે સેવાઓ બજાવી હતી.
આમ કારકિર્દીની શરૂઆતમાં મુંબઈ પ્રાંતિક સહકારી બૅંકમાં હિસાબનીસના નાના પદ પર દાખલ થયેલ આ નિષ્ણાત કારકિર્દીના અંતમાં 1956-57 વર્ષમાં માનાર્હ કાર્યકારી સંચાલક(ઑનરરી ઇક્ઝેક્યુટિવ ડિરેક્ટર)ના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શક્યા હતા, જે એક મોટી સિદ્ધિ ગણાય.
બાલમુકુંદ પંડિત