વર્ણાશ્રમ : પ્રાચીન હિંદુ સમાજની વિશિષ્ટ જીવનવ્યવસ્થા. ભારતીય ઉપખંડમાં એનો પ્રસાર-પ્રચાર ક્યારે શરૂ થયો એ કહી શકીએ એમ નથી. જેમ ભારતીય તત્વજ્ઞાનનાં બીજ ‘ઋગ્વેદ’ના ‘નાસદીય સૂક્ત’ અને ‘પુરુષસૂક્ત’માં છે તેમ ‘વર્ણ’નાં બીજ ‘ઋગ્વેદ’ના ‘પુરુષસૂક્ત’માં જોવા મળે છે, જ્યાં સહસ્રશીર્ષા પુરુષ-પરમાત્મા-પરમેશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બેઉ બાહુઓમાંથી ક્ષત્રિય, બેઉ સાથળોમાંથી વૈદૃશ્ય અને બંને ચરણોમાંથી શૂદ્ર વર્ણની ઉત્પત્તિ બતાવવામાં આવેલી છે. આ એક પ્રચલિત પ્રાચીનતમ માન્યતા છે. આ નિર્દેશ એટલું તો સ્પષ્ટ રીતે બતાવે છે કે પ્રાચીનતમ ‘ઋગ્વેદસંહિતા’ના સમયમાં ભારતીય ઉપખંડમાં ચાર વર્ણો હતા. જાણીતા યુરોપીય વિદ્વાન મૅક્સ મ્યૂલરે ‘ઋગ્વેદ’ની રચનાનો સમય ઈ. પૂ. 1500 આસપાસનો કહ્યો છે. કારણ એ છે કે ‘બાઇબલ’માં સૃદૃષ્ટિની-પૃથ્વીની ઉત્પત્તિ ઈ. પૂ. 4004ના વર્ષમાં થયેલી કહી છે, તેથી યુરોપીય વિદ્વાનો ઊંડે સુધી ન જાય એ સ્વાભાવિક છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ‘ઋગ્વેદ’નાં 1, 2 અને 9, 10 એ ચાર મંડલોની ભાષા કરતાં 3થી 8મા મંડલ સુધીની ભાષાનું સ્વરૂપ જૂનું છે. અથર્વવેદની ભાષાનું સ્વરૂપ ઋગ્વેદનાં 1, 2, 9, 10 મંડલોની નજીકનું છે. સામવેદ તો મોટાભાગનાં ઋગ્વેદનાં સૂક્તોમાંથી ગેયતા માટે તારવેલા પસંદ કરેલાં સૂક્તોનો સંગ્રહ છે, જ્યારે શુક્લ યજુર્વેદની ભાષા વધુ આ બાજુની છે. કૃષ્ણ યજુર્વેદ કિંવા તૈત્તિરીય સંહિતાની ભાષા ‘બ્રાહ્મણ’ગ્રંથો અને ‘આરણ્યકો’ના ભાષા-સ્વરૂપની નજીકની છે. ઓછાંમાં ઓછાં ચારેક હજાર વર્ષોનો આ ભાષાકીય વિકાસ અનુભવાય છે.

‘ઋગ્વેદસંહિતા’માં નક્ષત્રો વગેરેનો ચોક્કસ પ્રકારે નિર્દેશ એના સમયનો ખ્યાલ આપી શકે એમ છે. પોલૅન્ડના એક ભાષાવિદ અને જ્યોતિર્ગણિતવિદ પ્રો. યાકોબી પોતાના તદ્વિષયક અભ્યાસના બળે ઈ. પૂ. 4000થી 6000ના ગાળામાં ‘ઋગ્વેદ’ને મૂકે છે, તો એવા જ ઉચ્ચ કોટિના જ્યોતિર્ગણિતવિદ, ભારતવર્ષના રાષ્ટ્રીય નેતા સ્વ. બાળ ગંગાધર ટિળક ‘ઋગ્વેદ’માં જ્યોતિર્વિષયક નિર્દેશનો તલસ્પર્શી અભ્યાસ સાધી ઈ. પૂ. 8000થી 10,000 વર્ષો સુધી લઈ જાય છે. જાણવા જેવું તો એ છે કે ઋગ્વેદનાં જૂનાં સૂક્તોની ભાષામાં પણ ‘હ્રાસપ્રક્રિયા’-ઘસારાની પ્રક્રિયાનાં દર્શન થાય છે. જો આમ હોય તો અસલ સ્વરૂપ કેવું હશે ? તો અસલ સ્વરૂપનો સમય કેટલો જૂનો હશે ?

અહીં પૂર્વ એશિયામાંથી બહેરિનની સામુદ્રધુની સમુદ્રની 137.2 મીટર (450 ફૂટ) નીચી સપાટીની ઉપર ખુલ્લી જમીન હોઈ ‘સંયોગીભૂમિ’ હતી અને એની નીચેની એલ્તુનિયની ટાપુમાળા બહાર દેખાતી ગિરિમાળા હતી ત્યારે પગેથી ચાલીને અને સાથેનાં પશુઓને લઈને ઈ. પૂ. 10,000થી લઈ 60,000 વર્ષના હિમયુગના ચાર સૂકા ગાળામાં લોકો અલાસ્કા પહોંચ્યા અને હજારો વર્ષોના વ્યાપમાં દક્ષિણ અમેરિકાના છેડે આવેલી હોર્નની ભૂશિર સુધીમાં પથરાઈ ગયા. આ લોકો ભારતીય સંસ્કૃતિ-સભ્યતા-ભાષા-શિલ્પશાસ્ત્ર-જ્યોતિર્વિદ્યા વગેરે લઈને ગયા હતા. આજે અમેરિકન ઇન્ડિયન્સ કહેવાતા એ સૂર્યવંશી-મૉન્ગોલોઇડ (પીળી પ્રજારૂપ) લોકોની ભાષાનો યુરોપિયનોએ છેલ્લાં પાંચસો વર્ષોમાં અભ્યાસ કર્યો છે. એના બળે બતાવી રહ્યા છે કે એમની ભાષામાં ભારતીયતાનો અનુભવ થાય છે. આ સામ્ય વૈદિક ભારતીય ભાષાનો સંબંધ ચીંધે છે અને એ ઈ. પૂ. 10,000 વર્ષોથી પૂર્વનો.

પૃથ્વી ઉપરના બીજા પ્રદેશોમાં હજી સંસ્કાર-સંસ્કૃતિ-સભ્યતાનો આરંભ નહોતો થયો ત્યારે અમેરિકાના અપવાદે શૂન્યતા હતી એવા સમયે વૈદિક સંસ્કૃતિ ભારતીય ઉપખંડમાં એની ટોચ ઉપર હતી એ પ્રાચીન વૈદિક સાહિત્ય બતાવે છે.

ચારેય વર્ણ ઈ. પૂ. 10,000થી પણ જૂના સમયમાં સંસ્કારી જીવન જીવતા હતા. ભગવદગીતામાં ‘चातुर्वण्र्यं मया सृष्टं गुणकर्म विभागशः’ – ગુણો અને કર્મો કર્તવ્યોના આધારે ચારે વર્ણ જીવતા હતા એ, શ્રીકૃષ્ણ કહે છે કે મારું સર્જન છે. આશય એ છે કે ગીતાની રચના થઈ ત્યારે ચારેય વર્ણ પોતપોતાનાં કર્તવ્યોમાં મશગૂલ હતા. ગીતાના 18મા અધ્યાયમાં ચારે વર્ણ અને એનાં કર્તવ્યોનો ખ્યાલ ટૂંકમાં કેવો સુવિભક્ત આપ્યો છે ! ‘સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈદૃશ્ય અને શૂદ્રોનાં જુદાં જુદાં કર્મ છે : શમ, દમ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મ છે; શૂરવીરતા, તેજ, ધીરજ, ચતુરાઈ, યુદ્ધમાં પીછેહઠ નહિ, દાન અને ઐશ્વર્ય એ ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મ છે; ખેતી, ગાયોનું પાલન, વેપાર એ વૈદૃશ્યનાં સ્વાભાવિક કર્મ છે; પરિચર્યા (ઉપરના ત્રણ વર્ણોની) કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે (87-90). ‘ત્યાં પછી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘પોતાનાં નિશ્ચિત થયેલાં કામ કરવામાં પાપ લાગતું નથી; દોષવાળું હોય તોયે સ્વાભાવિક કર્મનો ત્યાગ કરવો નહિ’. પોતાનો ધર્મ = પોતાનું કર્તવ્ય ગુણરહિત હોય એ શ્રેયસ્કર છે, પારકાનો ધર્મ = પારકાનાં કર્તવ્ય સારી રીતે કરવામાં આવે તોયે એ કરવાં નહિ જ.’ (86).

‘મનુસ્મૃતિ’માં ‘પુરુષસૂક્ત’માં સ્રષ્ટાનાં મુખ-બાહુ-સાથળ-પગમાંથી ચારેય વર્ણ થયાનું કહ્યું છે તે એ જ છે (1-31 અને 87). ચારેય વર્ણોની લાક્ષણિકતા બતાવતાં ‘મનુસ્મૃતિ’ કહે છે : ‘અધ્યાપન, અધ્યયન, યજન, યાજન, દાન આપવું, દાન સ્વીકારવું એ બ્રાહ્મણનાં કર્તવ્ય; પ્રજાનું રક્ષણ, દાન આપવું, યજ્ઞ કરવા, અધ્યયન અને વિષયો તરફ અનાસક્તિ (= ચારિત્ર્યશુદ્ધિ) એ ક્ષત્રિયનાં કર્તવ્ય; પશુઓનું રક્ષણ, દાન આપવું, યજ્ઞ કરવા, અધ્યયન, સ્થળમાં તેમ નદી-સમુદ્રના પ્રવાસ, વ્યાજવટું અને ખેતી એ વૈદૃશ્યનાં કર્તવ્ય; જ્યારે મનમાં દ્વેષભાવ રાખ્યા સિવાય ત્રણેય વર્ણોના લોકોની પરિચર્યા કરવી એ શૂદ્રનું કર્તવ્ય (1-88થી 91).

લગ્નોના વિષયમાં એવી પરિપાટી હતી કે બ્રાહ્મણ પોતા સહિત ત્રણ વર્ણોની કન્યા સાથે લગ્ન કરી શકે, ક્ષત્રિય પોતા સહિત બે વર્ણોની વૈદૃશ્ય અને શૂદ્ર પોતાની સામે પોતાના જ વર્ણની કન્યાઓ સાથે. આ પ્રકારનાં લગ્ન ‘અનુલોમ’ લગ્ન કહેવાતાં હતાં. આ પ્રાચીન પરિપાટી સર્વમાન્ય હતી. આમ હોવા છતાં બ્રાહ્મણનું પોતા સહિત ત્રણ વર્ણોની, ક્ષત્રિયનું પોતા સહિત બે વર્ણોની, વૈદૃશ્યનું શૂદ્રની કન્યા સાથે લગ્ન થતાં, થતાં સંતાનોને अपसय એટલે કે હીન કોટિનાં કહ્યાં છે, એવાં સંતાનોને પિતાના વર્ણનો અધિકાર મળતો નથી (4-10). ‘પ્રતિલોમ લગ્ન’ થયાં હોય તો નવી જ્ઞાતિ ઊભી થાય છે, જેવી કે ક્ષત્રિયથી બ્રાહ્મણ પત્નીમાં ઉત્પન્ન થયેલ સંતાનની ‘સૂત’ (સારથિ) જ્ઞાતિ, વૈદૃશ્યથી બ્રાહ્મણ અને ક્ષત્રિય પત્નીમાં થયેલ સંતાન અનુક્રમે ‘માગધ’ અને ‘વૈદેહી’ જ્ઞાતિ, શૂદ્રથી બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈદૃશ્ય પત્નીમાં થયેલ સંતાન ‘ચંડાલ’ નામની જ્ઞાતિ થઈ શકે. બ્રાહ્મણથી વૈદૃશ્ય સ્ત્રીમાં થયેલ સંતાન ‘અંબષ્ઠ’ અને ક્ષત્રિયથી શૂદ્ર સ્ત્રીમાં થયેલ સંતાન ‘ઉગ્ર’ કહેવાય, આમાં બ્રાહ્મણથી ‘ઉગ્ર’ જ્ઞાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાનને ‘આવૃત’ કહેવાય અને ‘અંબષ્ઠ’ જ્ઞાતિની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન ‘આભીર’ કહેવાય. શૂદ્રથી વૈદૃશ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન ‘આયોગવી’ કહેવાય, એમાં ઉત્પન્ન થયેલ ‘ધિગ્વણ’ જ્ઞાતિ થાય. આ ‘આયોગવ’ ‘ક્ષતા-સૂત’ અને ‘ચંડાલ’ને ‘મનુસ્મૃતિ’ અધમ કહે છે (10-8થી 16). આ પ્રકારની વર્ણસંકર જ્ઞાતિઓના પુરુષોનાં લગ્ન આવી મિશ્રિત જ્ઞાતિઓની સ્ત્રીમાં થતાં સંતાનોની પણ તે તે નવા નામે અનેક જ્ઞાતિઓ થતી આવી છે. આ રીતે ‘પુક્કસ’, ‘કુક્કુટક’, ‘શ્વપાક’, ‘વેણ’ વગેરે જ્ઞાતિઓનો વિકાસ થયેલો. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈદૃશ્યના પોતપોતાના વર્ણમાં ઉત્પન્ન થયેલા સ્વધર્મનું પાલન ન કરતા હોય તો એવાઓને ‘વ્રાત્ય’ કહેવામાં આવતા, જે નિંદ્ય ગણાતા (10-17થી 20). ‘મનુસ્મૃતિ’નો રચનાકાલ ઈ. સ. 1લી સદી આસપાસનો કહેવાય છે, આમ આજથી બે હજાર વર્ષ ઉપર ભારતીય ઉપખંડમાં સેંકડો જ્ઞાતિઓ હિંદુ સવર્ણોની તેમ નીચલા થરની વિકસતી આવતી હતી.

આશ્રમ : વર્ણોની જેમ જીવનનાં સો વર્ષના ચાર તબક્કા એ પણ ભારતીય ઉપખંડમાં વૈદિક કાલથી પણ અતિ પ્રાચીન સમયમાં વિકસી આવ્યા હતા. વૈદિક સાહિત્યમાં તેમજ વૈદિકોત્તર સાહિત્યમાં ‘આશ્રમ’નો નિર્દેશ જોવા નહિ મળે, માત્ર ધર્મસૂત્રો અને સ્મૃતિ સાહિત્યમાં જ એ વિશેનો ખ્યાલ મળી શકે. આપણે ત્યાં शतं जीव शरदां वर्धमानः એ વૈદિક આશીર્વાદમાં ‘વૃદ્ધિ પામતો સો શરદ ઋતુ જીવ’ એ રીતે સો વર્ષની જીવન-કાલ-મર્યાદા સ્વીકારવામાં આવી છે એના 25-25 વર્ષના ‘બ્રહ્મચર્યાશ્રમ’, ‘ગૃહસ્થાશ્રમ’, ‘વાનપ્રસ્થાશ્રમ’ અને ‘સંન્યસ્તાશ્રમ’ એવા ચાર તબક્કા સૂચવાયા છે. ‘મનુસ્મૃતિ’માં (6-87) ‘બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને યતિ (સંન્યાસી) એવા દ્વિજોને માટે ચાર આશ્રમ કહેવામાં આવ્યા છે’ ત્યાં (6-12) દસ પ્રકારનાં લક્ષણ ધરાવતો ધર્મ (= આચાર, આચરણ) પાળતાં પાળતાં ચારેય તબક્કા પાર કરવાના કહ્યા છે.

સંક્ષેપમાં, બચપણ વિતાવ્યે 25મા વર્ષ સુધી અપરિણીત જીવન = બ્રહ્મચર્ય કડક રીતે પાળતાં પાળતાં વિદ્યાધ્યયન કરવાનું છે. 25 વર્ષ પૂરાં થતાં વ્યક્તિ લગ્ન કરી સંસારમાં પડે છે અને સદાચરણ સાચવતાં સાચવતાં વ્યાવહારિક કાર્યો કરતો 50મું વર્ષ પૂરું થતાં ‘વાનપ્રસ્થ’ બને છે, અર્થાત્ દંપતી વનમાં પરિચિત ઋષિઓના આશ્રમોમાં રહી સેવા અને આત્મચિંતન કરવામાં ગાળે છે. 75મું વર્ષ પૂરું થતાં પુરુષ ‘યતિ’-સંન્યાસી બને છે અને દૈહિક તપશ્ર્ચર્યા તેમજ આત્મચિંતનમાં છેલ્લા શ્ર્વાસ સુધી જીવન અનાસક્તિપૂર્વક પસાર કરે છે.

સાંપ્રત સમયમાં આ ચાર આશ્રમ એઓના પ્રાચીન સ્વરૂપમાં રહ્યા નથી. કળિયુગમાં ‘સંન્યાસ’ લેવાની ના સ્મૃતિગ્રંથોમાં કહેવામાં આવી છે, અને વનમાં ઋષિઓના આશ્રમ રહ્યા નથી એટલે પોતાનાં સંતાનોની સાથે રહીને યથાશક્ય સરળ જીવન જીવવાનું રહે છે, જેમાં દેવદર્શન, ગ્રંથવાચન ઉપરાંત જાહેર સંસ્થાઓમાં ભાગ લઈ સેવા કરવા જેવાં પવિત્ર કાર્ય કરતા રહેવાનું હોય છે. બીજી પચીસી જીવનની મહત્વની છે. જેમાં લૌકિક બધા જ પ્રકારના વ્યવહાર ભરણપોષણને ખ્યાલમાં રાખી કરવાના હોય છે. આમાં લોકસેવાને ઉદ્દેશી કામ કરતી સંસ્થાઓમાં ભાગ લેવાથી જીવનની સાર્થકતા સિદ્ધ થાય છે. આ તબક્કો ચોક્કસ કાલની મર્યાદામાં ન રહેતાં 25મા વર્ષ પહેલાં તેમ 50મા વર્ષ પછી પણ શારીરિક શક્તિ હોય ત્યાં સુધી સેવામાં સભાન રહેવું જરૂરી બને છે. ‘धन्यो गृहस्थाश्रम’ એ સદુક્તિ પ્રમાણે ચારેય આશ્રમમાં એ પાયારૂપ બની રહેવાનો આશય સ્પષ્ટ કરે છે. આ આશ્રમ પાયારૂપ હોવા છતાં એ પાયાને સ્થિર કરવાનું કામ તો પહેલા ‘બ્રહ્મચર્યાશ્રમ’માં કરવાનું રહે છે, જે વિદ્યાભ્યાસથી જ શક્ય બને છે. બ્રહ્મચર્યાશ્રમ આખી જિંદગી સુધી ગુરુગૃહે રહીને માણસ પાળી શકે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અંતે તે પરિવ્રાજક થઈ સંન્યસ્તાશ્રમમાં પણ પ્રવેશી શકે. બ્રાહ્મણે ચારેય આશ્રમ પાળવા, ક્ષત્રિયે પ્રથમ ત્રણ આશ્રમો પાળવા, વૈદૃશ્યએ પ્રથમ બે આશ્રમ પાળવા અને શૂદ્રે ફક્ત બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ પાળવો એમ ધર્મશાસ્ત્ર કહે છે. ચારેય આશ્રમોની મનુષ્યના જીવનમાં આવદૃશ્યકતા હોવાનું માનનાર મનુ સમુચ્ચયવાદી આશ્રમ-વ્યવસ્થાના હિમાયતી છે. બ્રહ્મચર્ય કે ગૃહસ્થાશ્રમમાંથી એકદમ સંન્યસ્તાશ્રમમાં જવું એવા વિકલ્પવાદી વસિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય અને આપસ્તંબ છે. ગૃહસ્થાશ્રમ એક જ સાચો છે, બાકીના નીચા છે એવા બાધવાદી ગૌતમ છે.

કે. કા. શાસ્ત્રી