વન્ય પેદાશો : વનમાંથી પ્રાપ્ત થતી પેદાશો. વનસ્પતિ-સૃદૃષ્ટિ પ્રાણી માત્ર માટે આહારવિહારનો અગત્યનો સ્રોત હોવાથી વન્ય પેદાશો માનવી માટે ઉપયોગી છે. એક રીતે જોઈએ તો જળ પણ એક ખૂબ અગત્યની વન્ય પેદાશ ગણાય. વનવિસ્તારની ભૂમિ વિશાળ જળશોષક વાદળી જેવું કામ આપે છે અને વરસાદી જળને સમુદ્રમાં વહી જતું અટકાવી જળસ્તરને પુનર્જીવિત કરવામાં અમૂલ્ય ફાળો આપે છે. અન્ય વન્ય પેદાશોમાં મુખ્યત્વે વૃક્ષ-વનસ્પતિનાં થડ, મૂળ, છાલ, ફળ, ફૂલ વગેરેને ગણતરીમાં લઈએ તો થડ અને મૂળનું લાકડું – ખાસ કરીને વૃક્ષોનું – મહત્વની પેદાશ ગણાય; જેનો ઉપયોગ ઇમારતી, રાચરચીલાં, વાહનો, રમકડાં વગેરે માટે થઈ શકે. આ ઉપરાંત બળતણ માટે પણ લાકડું ઘણું ઉપયોગી બને છે. બળતણ માટે લાકડું વધારે ઉપયોગી છે, તેનાં કારણોમાં તેની વનવિસ્તારમાંની સરળ પ્રાપ્તિ, તેને સાદાં ઓજારો તથા સાદી તકનીકથી મેળવવાની શક્યતા, તે સૂકું હોય તો તેમાંથી લગભગ 99 ટકા ભાગ જ્વલનશીલ હોતાં જૂજ અવશેષણરૂપી રાખ બાકી રહેવાની શક્યતા તેમજ લગભગ બધી જાતનાં વૃક્ષો બળતણ માટે વાપરી શકાતાં હોવાની શક્યતા અને ઇતર ઇંધનોની સરખામણીમાં તેનું સસ્તાપણું એ મુખ્ય છે. વળી ઇમારતી જાતોનાં લાકડાં વહેરાયાં બાદ બચતા અવશેષો તેમજ તેનાં નાનાં ડાળી-ડાખળાંઓનો પણ બળતણ તરીકે ઉપયોગ થઈ શકે છે તે પણ ફાયદો છે. હવે તો વૃક્ષોનાં ઝાંખરાં, ડાળી-ડાખળાં તથા ખેતપેદાશોના અખાદ્ય અવશેષો, તેમજ લાકડાંના વહેરને પણ અમુક દબાણયુક્ત ભૌતિક પ્રક્રિયા દ્વારા સોગઠી (briquette) સ્વરૂપે મેળવીને તેવી સોગઠીઓનો પણ બળતણ તરીકે ઉપયોગ કરી શકાતો હોઈ આવી ગોઠવણ નાનાં નાનાં કારખાનાંઓ માટે વિશેષ અનુકૂળ બને છે.
વન્ય પેદાશોમાં ઇમારતી લાકડું અને ઇંધનને મુખ્ય વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે; જ્યારે બાકીની વન્ય પેદાશો જેવી કે વાંસ, નેતર, ઘાસ, કોલસો, બીડી-પાન, ગુંદર, રેસા, મહુડાફૂલ, લાખ, રબર, અખાદ્ય તેલીબિયાં, ઔષધિઓ, રાળ, ગૂગળ, ટર્પેન્ટાઇન, મધ વગેરેને ગૌણ વન્ય પેદાશો તરીકે ઓળખવામાં આવે છે. હમણાં હમણાં ભારતનાં વનોમાંથી મળતી ગૌણ વન્ય પેદાશોનું વાર્ષિક મૂલ્ય મુખ્ય વન્ય પેદાશોમાંથી મળતા વાર્ષિક મૂલ્યની સરખામણીમાં સારું એવું જણાઈ આવતાં આ વસ્તુઓને ‘ગૌણ વન્ય પેદાશો’ (minor forest products) તરીકે ઓળખવાને બદલે ‘કાષ્ઠેતર વન્ય પેદાશ’ (non-wood forest products) તરીકે પણ ઓળખાવાય છે. વિવિધ વન્ય પેદાશોમાં લાકડાં સિવાયની વન્ય પેદાશોની અગત્ય વધતી જાય છે. કાષ્ઠ-પેદાશો મેળવવા માટે વૃક્ષોને કાપવાનું અનિવાર્ય છે, જ્યારે કાષ્ઠેતર વન્ય પેદાશો તો વૃક્ષની જીવંત સ્થિતિમાં મેળવી શકાય છે. ઔદ્યોગિક વિકાસ અને ઝડપી વસ્તીવધારાને લીધે વનો અને વનવિસ્તારો પર થઈ રહેલ અતિક્રમણને લીધે વનોપજોની કિંમત કૂદકે ને ભૂસકે વધવા લાગી છે અને સાથોસાથ બદલાતા રહેતાં જીવનમૂલ્યોને લીધે પણ વન્ય પેદાશોની માંગમાં પણ ભારે વૃદ્ધિ થવા લાગી છે. વળી વનોની વધતી જતી અગત્ય અને પર્યાવરણ સંરક્ષણ-ક્ષેત્રે વનસ્પતિ-સૃદૃષ્ટિના આગવા યોગદાન વિશે વધતી જતી જાગૃતિને લીધે વનસંરક્ષણ અને વનવૃદ્ધિ પર મુકાઈ રહેલ ભારને કારણે પણ વન્ય પેદાશોના વપરાશ પર કંઈક નિયંત્રણ લાદી શકાય તે આશયથી લાકડાંનો દુર્વ્યય અટકાવવાનું તેમજ લાકડાંના વિકલ્પ શોધવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. ઘણાં સંશોધનોને અંતે દુર્વ્યય અટકાવવાનાં ઘણાં પગલાં પણ અમલમાં મુકાયાં છે. આ જ પ્રમાણે લાકડાંના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવેલ સિમેન્ટ-કૉંક્રીટ, લોખંડ, ઍલ્યુમિનિયમ, પ્લાસ્ટિક તથા ઇતર સાંશ્ર્લેષિક (synthetic) પેદાશોનાં સાધનો પણ વપરાશમાં લેવાનું શરૂ થયું છે. રેલવે સલેપાટ, મકાન-બાંધકામ, રાચરચીલાં, ઘરસજાવટ વગેરેમાં વન્ય પેદાશને સ્થાને ઉપર્યુક્ત પર્યાયોનો વપરાશ વધતાં લાકડાંની માંગ પર સારા એવા પ્રમાણમાં નિયંત્રણ લાદી શકાયું છે. આ જ પ્રમાણે, વૈકલ્પિક ઇંધન તરીકે ગોબર ગૅસ, કુદરતી વાયુ, ખનિજતેલ, કોલસો, લિગ્નાઇટ, સૌર ઊર્જા, પવન-આધારિત ઊર્જા ઇત્યાદિ દ્વારા પણ લાકડાંના બળતણ તેમજ કોલસા-ઉત્પાદન માટેના વપરાશ પર પણ સારું એવું નિયંત્રણ લાવી શકાયું છે. કાષ્ઠેતર વન્ય પેદાશની વધતી જતી ગુણવત્તા, તેની અગત્ય અને તેમાંથી બનાવી શકાતી ઘરવપરાશની વિવિધ વસ્તુઓ માટેની જરૂરી પ્રક્રિયાની સરળતાને લીધે વનવિસ્તારમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતી આદિવાસી તેમજ ગ્રામીણ પ્રજા માટે ગૃહઉદ્યોગો વિકસાવવાની પણ બહોળી તકો ઊભી થઈ છે. આ દૃષ્ટિએ પણ આવી વન્ય પેદાશોનું આગવું મહત્વ છે. પાંખા થઈ રહેલા વનવિસ્તારો, અતિક્રમણથી દબાયેલા વનવિસ્તારો અને વિવિધ પરિબળોને લીધે વનોની ન્યૂનતા ધરાવતા વિસ્તારોમાં પર્યાવરણ-સમતુલા-જાળવણી તથા લોકોનાં જીવનધોરણ સુધારવા માટે નૈસર્ગિક વનોની જાળવણીની આવશ્યકતા વધવાની સાથે સાથે નવા વનવિસ્તારો ઊભા કરવાની અગત્ય પણ સમજાવા લાગી છે. વળી અન્ય ઘણી પેદાશોની સરખામણીમાં નાના બરનું ઇમારતી લાકડું બળતણ, ચારો, બીડી પાન, વગેરે પેદાશોનું વજનના પ્રમાણમાં વિશાળ કદ તેની હેરફેર માટે અસુવિધા સર્જતું હોવાથી તેનો હેરફેર ખર્ચ પ્રમાણમાં ઊંચો રહે છે. ગ્રામીણ જનતા આવી રોજિંદા વપરાશની વસ્તુઓ ઘરઆંગણે મેળવી શકે તેવા આશયથી પણ સામાજિક વનીકરણ કાર્યક્રમને લોકાભિમુખ બનાવી લોકોનાં ખેતરના શેઢે, ઘરઆંગણે, વધારાની ગૌચર જમીનોમાં, સરકારી અથવા પંચાયતોની માલિકીની ઇતર પડતર જમીનોમાં શાળા, કૉલેજો તથા ઇતર સંસ્થાઓ હસ્તકનાં પટાંગણોમાં મોટા પાયે વૃક્ષઉછેર-કાર્યક્રમો હાથ ધરાયા છે. રસ્તાઓની બાજુઓ પર તથા રેલવે-લાઇનોની બાજુઓ પર, નહેરોને કિનારે પણ બહોળા પ્રમાણમાં વૃક્ષઉછેર-કાર્યક્રમો હાથ ધરાયા છે.
ઇમારતી લાકડાં તરીકે ઉપયોગી જાતોમાં સાગ, સાલ, સાદડ, દેવદાર, ચીરપાઇન, સ્પ્રુસ, ફર, લાલપેન વગેરેનો સમાવેશ થાય છે. ઇમારતી લાકડું તેની મજબૂતાઈ તથા ટકાઉપણાને લીધે મકાન-બાંધકામમાં ઘણું ઉપયોગી છે. સીવનનું લાકડું ખાસ કરીને બારણાની ચોકટ માટે ઉપયોગી અને પવિત્ર ગણવામાં આવે છે. લીમડો તથા બાવળ પણ ઇમારતી માટે ઘણાં ઉપયોગી છે. વાંસ પણ મકાન-બાંધકામ માટે ઘણો ઉપયોગી ગણાય છે.
ઇમારતી પછી લાકડાંનો ઉપયોગ રાચરચીલા, ફર્નિચર માટે બહોળા પ્રમાણમાં થતો હોય છે. આ માટેનું લાકડું મજબૂત, સુંદર રેસાવાળું, છોલવા તથા કંડારવામાં તેમજ ઘડતર, વહેરણ વગેરે કામમાં સાનુકૂળ રહે તેવું હોવું જરૂરી છે. આવા લાકડા પર સારી રીતે ચમક લાવી શકાય તેની પ્રક્રિયા થઈ શકે તે પણ ખૂબ જરૂરી ગણાય છે. આ માટે સાગ, સીસમ, દેવદાર, સીવન, ચુક્રાસી, મહોગની, તુન, અખરોટ વગેરે જાતોની માંગ રહે છે. સાગ તો તેના ટકાઉપણાને લીધે, સુથારી કામની સરળતાને લીધે તથા મજબૂતાઈ વગેરે ગુણોને લીધે ઇમારતી જાતોના રાજા તરીકે ઓળખાય છે. દેશનાં વનોમાં સાગ બહોળા પ્રમાણમાં ઊગતો હતો. પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન તેને શાહી નૌકાદળના જહાજવાડામાં અગત્યના લાકડા તરીકે મોટા પાયા પર વાપરવામાં આવતાં તેના પુરવઠામાં સારો એવો ઘટાડો થવા પામ્યો હતો, પરંતુ આઝાદી પછી તેનાં મોટા પાયા પર વાવેતર પણ હાથ ધરાયાં છે. સાગનું લાકડું સમુદ્રનાં ખારાં પાણી સામે સારું ટકાઉપણું ધરાવે છે. હવે જહાજવાડામાં લોખંડ તથા અન્ય ધાતુઓનો વપરાશ પણ વધી ગયો છે. પરંતુ નાના મછવા, દેશી જહાજો વગેરેમાં હજુ પણ સાગની માંગ સારી પેઠે હોય છે. બીજી તરફ તે રાચરચીલાં માટે ખૂબ જ લોકપ્રિય જાત હોવાથી તેની એકંદર માંગ તથા ભાવો ઘણાં ઊંચાં રહે છે. સાગ, સીસમ તેમજ અખરોટના સુંદર રેસાઓને લીધે તેની પ્લાયવૂડ ઉદ્યોગમાં પણ ઘણી ઊંચી માંગ રહે છે.
રેલવે-સડકમાં સલેપાટ તરીકે પણ લાકડાંનો બહોળો ઉપયોગ થતો હતો અને તેમાં સાલ, જરુલ, સાદડ, દેવદાર, ચીલ, લાલપેન, બિયો વગેરે જાતોની બહોળી માંગ હતી. છેલ્લાં પચીસેક વર્ષોમાં (1975 પછી) લાકડાંની અછતને લીધે સલેપાટ માટે લોખંડ અને સિમેન્ટ-કૉંક્રીટનો વપરાશ વધારવામાં આવ્યો છે. રેલના ડબાઓ, ખટારાની કૅબિનો, પેટી-પટારા વગેરે માટે પણ જે ખાસ પ્રકારના મજબૂત અને ટકાઉ લાકડાની જરૂરિયાત હોય છે તેમાં હમણાં હમણાં લોખંડ, ઍલ્યુમિનિયમ, પ્લાસ્ટિક વગેરેનો વપરાશ વધવા લાગ્યો હોવાથી લાકડાંની માંગ પર અંકુશ આવ્યો છે. ખેતીનાં ઓજારો, બળદગાડાં વગેરે માટે પણ લાકડાં ખૂબ જ ઉપયોગી બને છે અને તે માટે મુખ્યત્વે સાગ, ખેર, સાંદન, બાવળ, પારસપીપળો વગેરે જાતો વપરાશમાં લેવાય છે. અહીં પણ ખેતી માટે ટ્રૅક્ટરો અને હળ, ચવડાં વગેરે માટે લોખંડની બનાવટોનો વપરાશ વધેલ હોવાથી લાકડાંના વપરાશમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે.
લાકડાંનો બહોળો ઉપયોગ કાગળના માવા માટે તેમજ રેયૉન કાપડના માવા માટે પણ થતો હોય છે. આ માટે પોચું અને આછા રંગનું લાકડું તેમજ વાંસની માંગ વિશેષ રહે છે. પોચા લાકડામાં સ્પ્રુસ, ફર, વાંસ મુખ્યત્વે હોય છે. હવે સંશોધન દ્વારા કઠણ તથા ઘેરા રંગનાં લાકડાં પણ ઉપયોગમાં લઈ શકાતાં હોવાથી નીલગિરિ, શેતૂર, વોટલ વગેરે જાતો પણ સારો એવો કાચો માલ પૂરો પાડે છે. આને લીધે દેશનાં હિમાલય પર્વતમાળામાંનાં ઊંચાઈએ આવેલાં વનો પરનું દબાણ થોડું ઓછું થવા પામ્યું છે.
લાકડાંનો ઉપયોગ રમકડાં તથા પેન્સિલ માટે પણ થતો હોય છે. આ માટે લાકડું પોચું અને સરળતાથી ઘડાઈ-છોલાઈ શકે અને ફાટી જવા પામે નહિ તેવું હોવું જરૂરી છે. આથી ઊંચી ગુણવત્તાની પેન્સિલો માટે હળદરવો, કળમ, સ્પ્રુસ, ફર વગેરે જાતોની સારી માંગ રહે છે. લાકડાનાં રમકડાં માટે હળદરવો, કળમ, દૂધી, કડો વગેરે જાતોની સારી માંગ રહે છે. વિશિષ્ટ પ્રકારનાં રમકડાં, મૂર્તિઓ અને કોતરણીવાળી ભેટસોગાદો માટે ચંદન તથા રક્તચંદન વાપરવામાં આવે છે. વાંસ પણ રમકડાં ઉદ્યોગ માટે ઘણો ઉપયોગી છે.
દીવાસળી ઉદ્યોગ માટે પણ લાકડાંનો બહોળો ઉપયોગ થતો હોય છે. આ માટે પોચું લાકડું આપતી જાતો જેવી કે અરડૂસો, પોપલર, ગમારી, શીમળો વગેરેનો વપરાશ થાય છે. અગાઉ દીવાસળીની પેટી માટે પણ લાકડાંનો વપરાશ થતો હતો, પરંતુ હવે બીજી બનાવટો પણ વપરાતી હોવાથી લાકડાં પરનો ભાર કંઈક અંશે હળવો થયો છે. ક્રિકેટબૅટ માટે ભારે માંગ ધરાવતી જાતોમાં ‘સેલિક્સ’ જાત ખાસ ઉલ્લેખનીય છે, જ્યારે હૉકી માટે શેતૂરની ઘણી માંગ હોય છે. વાંસ અને નેતર પણ આ માટે ઘણાં ઉપયોગી છે. સફેદ સીસમ પણ ખૂબ સારો કાચો માલ પૂરો પાડે છે. સસ્તા પ્રકારનાં બૅટ અને સ્ટમ્પ વગેરે માટે અરડૂસો, દૂધી, કડો વગેરે જાતોની માંગ છે. આ જ પ્રમાણે ઇજનેરી ઓજારો માટે હળદરવા તથા કળમના ઉપયોગને તેમજ પાનમાં ખાવાના કાથા માટે ખેરના લાકડાના અંત:કાષ્ઠ(heartwood)ના ઉપયોગનો ઉલ્લેખ અહીં જરૂરી છે. અગરબત્તી તથા સુગંધિત તેલો, અર્ક વગેરે માટે વપરાતી જાતોમાં ચંદન, દેવદાર, ચીલ-પાઇન, અગર વગેરેની પણ સારી માંગ રહે છે.
પ્લાસ્ટિક ઉદ્યોગે ભરેલી હરણફાળને લીધે હવે રાચરચીલાં, રમકડાં, ગૃહસજાવટ, અભ્યાસ તથા રમતગમતનાં સાધનો વગેરે માટે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ વધવા લાગ્યો છે. લાકડાં તથા પ્લાસ્ટિક તેમજ અન્ય રાસાયણિક સંયોજનનાં મિશ્રણ દ્વારા બનાવાતી વસ્તુઓને લીધે લાકડાંની માંગમાં ઘટાડો નોંધાયો છે અને ઉપર્યુક્ત સંયોજનોની અસરકારકતાને લીધે અમુક વસ્તુઓની બનાવટ માટે ચોક્કસ પ્રકારનું લાકડું વાપરવાની આવશ્યકતા હવે લગભગ દૂર થઈ છે. તેથી પણ વનો પરનું દબાણ કંઈક અંશે ઘટ્યું છે.
ઇંધન તરીકે વપરાતી વૃક્ષોની જાતોમાં બાવળ, સરુ, ઓક, જાંબુ, સાલ, ખાખરો, ધાવડો, બહેડો, ગાંડો બાવળ વગેરે મુખ્ય છે. ઇમારતી લાકડાં માટે તેમજ રાચરચીલાં અને રમકડાં ઇત્યાદિ ઉદ્યોગ માટેની જાતોનાં વૃક્ષોમાંથી પણ ચોક્કસ ઉપયોગ પછી વધતા અવશેષોને પણ ઇંધન તરીકે વાપરી શકાય છે. ખેર, હળદરવો, સીસમ, સાગ વગેરે પણ સારાં બળતણ ગણાય છે. સારા બળતણ તરીકેની જાતો વિશેષ ઉષ્માશક્તિ (કૅલરી) ધરાવે છે અને બળતી વખતે તેમનામાંથી પ્રમાણમાં ઓછી ગંધ તથા તણખા ઉત્પન્ન થાય છે. દેશી બાવળ, ધાવડો, ખેર, સરુ, ઓક, ગાંડો બાવળ વગેરે જાતોનાં લાકડાંમાંથી સારી જાતનો કોલસો બને છે; જે બળતી વખતે વધારે ઉષ્મા, ઓછી રાખ અને ઓછા તણખા પેદા કરે છે.
કાષ્ઠેતર વન્ય પેદાશો : ભારત દેશમાં ખાદ્યતેલોનું ઉત્પાદન તેની માંગના પ્રમાણમાં ઓછું હોવાથી તેલ આપતી વનસ્પતિ ઘણી અગત્ય ધરાવે છે. લીમડો, મહુડો, સાલ, પીલુ, કરંજ, રતનજ્યોત વગેરે જાતનાં વૃક્ષોમાંથી મળતાં ફળોમાંથી સારી એવી માત્રામાં તેલ મળતું હોય છે; જે ખાવાના કામમાં લઈ શકાય નહિ, પરંતુ તે સીધેસીધું અથવા અમુક પ્રક્રિયા બાદ અખાદ્ય તેલ તરીકે વિવિધ બનાવટો માટે ઉપયોગમાં લઈ શકાય છે. મહુડાનું તેલ તો સીધેસીધું પણ આદિવાસીઓ પોતાના ખોરાકમાં વાપરતા હોય છે. આ રીતે મળતા અખાદ્ય તેલનો ખાસ કરીને સાબુ તથા મીણબતી ઉદ્યોગમાં ઉપયોગ થાય છે અને તેટલા પ્રમાણમાં ખાદ્યતેલ વપરાતું બચાવી શકાય છે. સાલ, કરંજ, રતનજ્યોત વગેરે જાતોનાં બિયાંમાંથી નીકળતા તેલને અમુક પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવાથી તેને મોટર અથવા ઇતર એન્જિનમાં બળતણ તરીકે ડીઝલ સાથે અથવા ડીઝલની જેમ જ વાપરવાની શક્યતાઓ પણ વધી છે.
મહુડાનાં ફૂલો આદિવાસીઓ ખોરાકમાં પણ વાપરતા હોય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઓરિસા જેવાં રાજ્યોનાં ઘણાં વનોમાં મહુડા પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. મહુડાનાં પાકાં ફળોમાંથી અમુક પ્રદેશોમાં દેશી દારૂ પણ બનાવવામાં આવે છે. અમુક પ્રદેશમાં મહુડા-ફૂલોને સૂકવીને તેનો ભૂકો લોટની સાથે ભેળવીને ઘણા આદિવાસીઓ અછતનાં વર્ષોમાં પોતાના જીવનનિર્વાહ માટે વાપરતા હોય છે.
કાષ્ઠેતર વન્ય પેદાશોમાં ગુંદર, રેઝિન અને રાળ મહત્વનાં છે. ખેર, બાવળ, ગોરડ, કડાયો, લીમડો, ખાખરો, બિયો વગેરે જાતોનાં વૃક્ષોની છાલ નીચેથી મળી આવતો પદાર્થ ગુંદર તરીકે ઓળખાય છે; જેનો ઉપયોગ ઔષધો, મીઠાઈ, આઇસક્રીમ તથા ઇતર વિવિધ બનાવટો માટે કરવામાં આવે છે અથવા તો ચોંટાડવાના ગુંદર તરીકે તેને વાપરવામાં આવે છે. સાલેડીના વૃક્ષની છાલમાંથી ઝરતો ગુંદર ધૂપ તથા અગરબત્તી માટે ખૂબ ઉપયોગી છે. આ જ પ્રમાણે, ગૂગળ નામની વનસ્પતિમાંથી મળતો ગુંદર જેવો ચીકણો પદાર્થ ઉત્તમ ઔષધીય ગુણો ધરાવતા ગૂગળ તરીકે ખૂબ ઉપયોગી છે. હિમાલયની તળેટીના વનવિસ્તારોમાં ઊગતાં ચીલનાં વૃક્ષોની છાલ નીચેથી મળતો ચીકણો પદાર્થ રેઝિન તરીકે ઓળખાય છે. આ રેઝિનમાંથી અમુક પ્રક્રિયા દ્વારા ટર્પેન્ટાઇન નામનું કીમતી તેલ અને રેઝિન છૂટાં પાડવામાં આવે છે. ટર્પેન્ટાઇન તેલ દવામાં તથા રંગ-ઉદ્યોગમાં ઘણું ઉપયોગી છે. રેઝિનની વીજળી-ઉદ્યોગ, કાગળ-ઉદ્યોગ, અગરબત્તી-ઉદ્યોગ વગેરેમાં ખૂબ માંગ રહે છે.
સાદડ નામના વૃક્ષની છાલમાંથી ઑક્ઝેલિક ઍસિડ નામનો એક કીમતી પદાર્થ મળે છે; જે વિવિધ રસાયણો માટે ઉપયોગી છે. બોર, બહેડાં, હરડે, આવળ વગેરે વનસ્પતિની છાલ તથા તેમનાં ફળોમાંથી ટૅનિન નામનો પદાર્થ મળે છે; જે ચર્મ-ઉદ્યોગમાં ચામડાં રંગવા તથા કમાવવા માટે ખૂબ ઉપયોગી છે.
લાખ અને મધ બંને અગત્યની પેદાશ છે અને વનોમાંથી બહોળી માત્રામાં મળી શકે છે. લાખ એ ખાખરો, બોરડી, કુસુમ, પીપર, ઇત્યાદિ જાતોનાં વૃક્ષોની છાલમાંથી મળતા રસને ચૂસતા એક જાતના કીટક દ્વારા કરવામાં આવતા મળ-વિસર્જનથી થતો પદાર્થ છે. બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ વગેરે રાજ્યોના આદિવાસી વિસ્તારોના વન્ય પ્રદેશમાં લાખ-ઉછેર બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. લાખનો ઉપયોગ સીલ કરવા માટે, વીજળી-ઉદ્યોગમાં, રમકડાં-ઉદ્યોગમાં તથા રંગ-ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં થાય છે. મધ એ પણ એક ઘણી જ ઉપયોગી વન્ય પેદાશ છે. ચેરનાં વનો, ગાંડા બાવળની ઝાડી, મહાબળેશ્વરના વનવિસ્તારો વગેરેમાં મળતાં પુષ્પોમાંથી બહોળી માત્રામાં મધ મળી શકે છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરેમાં અમુક ખેડૂતો મધમાખી-ઉછેર વ્યવસાય અપનાવી સારી એવી માત્રામાં મધ ઉત્પન્ન કરે છે. મધમાખી-ઉછેર પ્રવૃત્તિ વન અને કૃષિપાકો વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તે હકીકત પણ લોકોને હવે સમજાવા લાગી છે. ગુજરાતમાં વનવિકાસ નિગમ દ્વારા રાજ્યના વિવિધ વનવિસ્તારોમાંથી એકત્ર કરાતા મધને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શુદ્ધીકરણ અને પાશ્ર્ચરીકરણ પ્રક્રિયા બાદ જુદા જુદા કદના પૅકિંગમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ તેમજ ઘણી ફાર્મસીઓ પણ મધનું વેચાણ હાથ ધરી આ પેદાશ લોકો સુધી પહોંચાડે છે અને તેની માંગ પણ ક્રમશ: વધતી જતી લાગે છે.
ટીંબરુ નામનાં વૃક્ષોમાંથી મળતાં પાંદડાં બીડી-ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે; કારણ કે તેમાં તમાકુ વીંટાળી જે બીડીઓ બનાવવામાં આવે છે તે ખાસ કરીને ગ્રામજનોમાં લોકપ્રિય હોય છે. બીડી-ઉદ્યોગ ગ્રામીણ ગરીબો તથા આદિવાસીઓને બહોળા પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવતો હોઈ ટીંબરુ-પાનની જાતસુધારણા માટેના તથા તેની એકત્રીકરણ અને સંગ્રહપદ્ધતિ સુધારવાના પ્રયાસો ખાસ કરીને ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોમાં હાથ ધરાયાં છે અને તેનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે.
ઉપર્યુક્ત અગત્યની કાષ્ઠેતર વન્ય પેદાશો ઉપરાંત, વન્ય પ્રદેશોમાંથી બહોળી માત્રામાં એકત્રિત કરાતી આયુર્વેદિક ઔષધિઓ, નેતર, કેતકી-રેસા, અરીઠા, ઇગોર, ચારોળી, શીમળાનું રૂ, વિદારી કંદ, મૂસળી, વિવિધ ઘાસનાં પાન તથા ફૂલોમાંથી તૈયાર કરાતાં સુગંધિત તેલો ઇત્યાદિ વસ્તુઓ વન્ય પ્રદેશની અગત્ય પ્રસ્થાપિત કરે છે.
વન્ય પેદાશોનાં એકત્રીકરણ, શુદ્ધીકરણ, જાળવણી, માર્કેટિંગ વગેરે અત્યંત જરૂરી પાસાંઓ છે. આ પરત્વે તેમજ તેને લગતાં વિવિધ પ્રકારનાં સંશોધન પરત્વે ભારતીય વન-અનુસંધાન શાળા, દહેરાદૂન તથા તેને સંલગ્ન ઇતર શાળાઓ તેમજ રાષ્ટ્રીય રાસાયણિક અનુસંધાન શાળા, પુણે; લખનૌ ખાતેનું ઔષધ અન્વેષણ સંસ્થાન; રાંચી ખાતેનું લાખ અનુસંધાન સંસ્થાન વગેરેનું અમૂલ્ય પ્રદાન નોંધનીય છે. છેલ્લા એકાદ-બે દાયકાઓમાં ફક્ત વન્ય પેદાશોનાં એકત્રીકરણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમાંથી વનવાસીઓને તથા ગ્રામજનોને રોજી પૂરી પાડવાના અને તેમના જીવનધોરણ સુધારવાના અગત્યના સાધન તરીકે તે પેદાશોની ગુણવત્તા સુધારવા તથા તે પેદાશોમાંથી સ્થાનિકના ગૃહઉદ્યોગ દ્વારા અને સરળ પ્રક્રિયા દ્વારા વર્ધિત મૂલ્યવાળી ઊપજ (value added products) તૈયાર કરાવવા માટેની તાલીમ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ