વનસ્પતિ-સંગ્રહાલય : વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં જાડા ધારક-કાગળ (mount paper) ઉપર ચોંટાડેલ નમૂનાઓ કોઈ ચોક્કસ જાણીતા વર્ગીકરણ મુજબ ગોઠવેલા હોય છે અને તેમને પિજ્યન હોલ કે સ્ટીલના ખાનાયુક્ત અથવા લાકડાના કબાટમાં મૂકવામાં આવે છે.

વનસ્પતિ-સંગ્રહાલય સામાન્ય રીતે વનસ્પતિ-ઉદ્યાન સાથે સંકળાયેલું હોય છે. તે મોટેભાગે સંશોધનસંસ્થાઓમાં જોવા મળે છે. ફૉસબર્ગ અને સાચેટ (1965) મુજબ ‘આધુનિક વનસ્પતિ-સંગ્રહાલય એવી સુંદર પૂરક પદ્ધતિ છે જે પ્રાથમિક રીતે ચોક્કસ નમૂનાનું સ્વરૂપ ચકાસે છે અને દવિતીયક રીતે તેની માહિતી, ચિત્ર અને સંગૃહીત નોંધ રજૂ કરે છે.’

વનસ્પતિ-સંગ્રહની ચોક્કસ પ્રવિધિ હોય છે. આ પ્રવિધિમાં વનસ્પતિના નમૂનાઓનું એકત્રીકરણ (collection), દાબન (pressing), શુષ્કન (drying), રોગાણુનાશન (sterilization), આરોપણ (mounting), નામ-નિર્દેશન (labelling), નિશ્ચિત વર્ગીકરણ-પદ્ધતિ મુજબ નમૂનાઓની આનુક્રમિક ગોઠવણી અને તેમના યોગ્ય પરિરક્ષણ(preservation)નો સમાવેશ થાય છે.

વનસ્પતિસંગ્રહાલયનાં કાર્યો : વનસ્પતિ-સંગ્રહાલયમાં રાખેલા વનસ્પતિના નમૂનાઓ દૂર-દૂરથી એકત્રિત કરેલા હોવાથી તેમનો અભ્યાસ કરી જુદા જુદા પ્રદેશોના વનસ્પતિ-સમૂહ (flora) અને વનસ્પતિઓના વિતરણ (distribution) વિશે જાણકારી મળે છે. કાગળ ઉપરનો નામ-નિર્દેશ અને નોંધ જે તે વાનસ્પતિક પ્રદેશની માહિતી પૂરી પાડે છે; જ્યારે કોઈ કુદરતી સંકટ દ્વારા કે અન્ય પરિબળ વડે કોઈ પ્રદેશ નાશ પામે તો વનસ્પતિ- સંગ્રહાલય દ્વારા તેના ભૂતકાળની માહિતી ઉપલબ્ધ થાય છે. તેના દ્વારા પૃથ્વી પરના જુદા જુદા વનસ્પતિ-સમૂહોનો સંગ્રહ અને જાળવણી થાય છે. વનસ્પતિઓના સંગ્રહ ઉપરાંત તેનું નિવાસસ્થાન, સ્થાનિક નામ, સ્થાનિક રીતે વનસ્પતિનો ઉપયોગ, આવૃત્તિ (frequency), તેની સાથે ઊગતી વનસ્પતિઓ, પુષ્પનો રંગ, તેમજ અન્ય લક્ષણો અંગેની માહિતી મળી શકે છે. આવી માહિતીથી કોઈ પણ સમયે વાનસ્પતિક (botanical), માનવિક વનસ્પતિવિદ્યાકીય (ethnobotanical) અને વનસ્પતિ-ભૂગોળ(plant geography)નો અભ્યાસ થઈ શકે છે. આમ, વનસ્પતિ-સંગ્રહાલય ‘ડેટાબૅન્ક’ તરીકેનું ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે.

સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં વનસ્પતિ-સંગ્રહાલય ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ વિદ્યાર્થી માટે તેની મદદ સિવાય સ્થાનિક વનસ્પતિઓની ઓળખ (identification) મુશ્કેલ બને છે. વિદ્યાર્થીઓને કેટલાક દુર્લભ નમૂનાઓનું અવલોકન કરાવી શકાય છે. ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પોતાનું આગવું વનસ્પતિ-સંગ્રહાલય હોય છે. અહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નવા આવતા વિદ્યાર્થીઓને વનસ્પતિસંગ્રહ અને તેની જાળવણીની માહિતી આપવામાં આવે છે.

સંશોધન-ક્ષેત્રોમાં પણ વનસ્પતિ-સંગ્રહાલય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વર્ગીકરણ-વિજ્ઞાની માટે તો ખરેખર તે અત્યંત મહત્વનું સંશોધન-સ્થાન ગણાય છે. વનસ્પતિના નમૂનાની સાચી ઓળખ બાદ આવા નમૂના ક્યારેક અંત:સ્થરચનાકીય (anatomical), પરાગવિદ્યાકીય (palynological) અને જૈવ રાસાયણિક (biochemical) અને જૈવ આંકડાશાસ્ત્રીય (biostatistical) સંશોધનો માટે પણ ઉપયોગી બને છે. નમૂનાની ઓળખને લીધે તેના જેવા જ નવા નમૂનામાંથી મેળવી ઉપર્યુક્ત સંશોધનો કરવામાં સુગમતા રહે છે.

વનસ્પતિસંગ્રહાલયના વિવિધ પ્રકારો : વનસ્પતિ-સંગ્રહાલયમાં સંગૃહીત નમૂનાઓના વિવિધ પ્રકારો હોય છે. કેટલાંક વનસ્પતિ-સંગ્રહાલયોમાં કોઈ પણ વિશાળ વિસ્તારોના વનસ્પતિના નમૂનાઓનો સંગ્રહ થયેલો હોય છે. ઔષધો અને ઔષધીય ગુણધર્મોને અનુલક્ષીને વનસ્પતિના નમૂનાઓ ધરાવતાં વનસ્પતિ-સંગ્રહાલયોમાંથી ઔષધીય લાક્ષણિકતાઓની નોંધ સહેલાઈથી મળી શકે છે. કૃષિવિદ્યાકીય, યુનિવર્સિટી અને કૉલેજ દ્વારા ખેતરમાં ઉગાડેલા પાકોના નમૂનાનો સંગ્રહ વનસ્પતિ-સંગ્રહાલયમાં કરવામાં આવે છે.

ઈ. સ. 1545માં પૅડુઆ યુનિવર્સિટી, ઇટાલી ખાતે પ્રથમ વનસ્પતિ-ઉદ્યાનની અને વિશ્વના સૌપ્રથમ વનસ્પતિ-સંગ્રહાલયની સ્થાપના થઈ. ઓગણીસમી સદીની શરૂઆતમાં રોક્સબર્ગે ભારતમાં વનસ્પતિ-સંગ્રહાલયની સ્થાપના કરી. ભારતનાં અને વિશ્વનાં કેટલાંક મોટાં અને જાણીતાં વનસ્પતિ-સંગ્રહાલયો સારણી 1 અને સારણી 2માં દર્શાવવામાં આવેલ છે.

સારણી 1 : ભારતનાં મહત્વનાં વનસ્પતિ-સંગ્રહાલયો

ક્રમ વનસ્પતિ-સંગ્રહાલય સ્થળ વન-નમૂના- સ્થાપના- સંક્ષિપ્ત
ઓની સંખ્યા વર્ષ નામ
(અંદાજિત)
1. સેન્ટ્રલ નૅશનલ હર્બેરિયમ કોલકાતા 25,00,000 1793 CAL
2. ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,
હર્બેરિયમ દહેરાદૂન 3,00,000 1816 DD
3. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, સધર્ન સર્કલ કોઇમ્બતૂર 2,00,000 1874 MH
4. બ્લેટર હર્બેરિયમ, સેંટ
ઝેવિયર્સ કૉલેજ મુંબઈ 1,00,000 1906-07 BLAT
5. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, ઇસ્ટર્ન સર્કલ શિલોંગ 1,00,000 1956 ASSAM
6. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, વેસ્ટર્ન સર્કલ પુણે 1,25,000 1956 BSI
7. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, નૉર્ધર્ન સર્કલ દહેરાદૂન 60,000 1956 BSD
8. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રિયલ
સેક્શન કોલકાતા 50,000 1887 BSIM
9. બોટૅનિકલ સર્વે ઑવ્
ઇન્ડિયા, સેન્ટ્રલ સર્કલ અલ્લાહાબાદ 40,000 1955 BSA
10. નૅશનલ બોટૅનિકલ ગાર્ડન,
હર્બેરિયમ લખનૌ 1,00,000 1948 NBG

હાલના તબક્કે BSIએ 1972માં જોધપુર અને પૉર્ટબ્લેયર અને આંદામાન ખાતે બે નવાં વનસ્પતિ-સંગ્રહાલયો બનાવેલાં છે; જ્યારે અનુસ્નાતક-કક્ષાએ કેટલીક યુનિવર્સિટીઓ ખાતે મહત્વનાં વનસ્પતિ-સંગ્રહાલયોની શરૂઆત થઈ છે; જેમાં બૅંગાલુરુ, કોલકાતા, ચંદીગઢ, દિલ્હી, જયપુર, જોધપુર, ચેન્નાઈ, મેરઠ, મસૂરી, પુણે, વલ્લભવિદ્યાનગર વગેરેનો સમાવેશ થાય છે.

સારણી 2 : વિશ્વનાં મહત્વનાં વનસ્પતિ-સંગ્રહાલયો

ક્રમ વનસ્પતિ-સંગ્રહાલય સ્થળ વન-નમૂના- સ્થાપના- સંક્ષિપ્ત
(દેશ) ઓની સંખ્યા વર્ષ નામ
1. રૉયલ બોટૅનિક ગાર્ડન, લંડન,
ક્યૂ ઇંગ્લૅન્ડ 65,00,000 1853 K
2. વી. એલ. કોમારોવ, લેનિનગ્રાડ,
બોટૅનિકલ, ઇન્સ્ટિટ્યૂટ યુ.એસ.-
એસ.આર. 50,00,000 1823 LE
3. મ્યુઝિયમ ઑવ્ નૅચરલ પૅરિસ,
હિસ્ટરી ફ્રાન્સ 50,00,000 1635 P
4. કન્ઝરવેટર ઍટ જાર્ડીન જિનીવા,
બોટૅનિક્સ ડી જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ 40,00,000 1817 G
5. ન્યૂયૉર્ક બોટૅનિક ગાર્ડન ન્યૂયૉર્ક,
યુ.એસ. 30,00,000 1891 NY
6. યુ. એસ. નૅશનલ મ્યુઝિયમ વૉશિંગ્ટન,
યુ.એસ. 30,00,000 1868 US
7. નૅશનલ હિસ્ટરી મ્યુઝિયમ શિકાગો,
યુ.એસ. 23,50,000 1893 F
8. રૉયલ બોટૅનિકલ ગાર્ડન ઇડનબર્ગ,
યુ. કે. 25,00,000 1761 E
9. મિસોરી બોટૅનિક ગાર્ડન એસ.ટી.,
લાઇસ,
યુ.એસ.એ. 17,00,000 1859 MO
10. નૅશનલ હર્બેરિયમ મેલબૉર્ન,
ઑસ્ટ્રેલિયા 15,00,000 1857 MEL
11. ગ્રે હર્બેરિયમ, હાર્વર્ડ કેમ્બ્રિજ,
યુનિવર્સિટી યુ.એસ.એ. 14,85,000 1807 P
12. ફિલાડેલ્ફિયા એકૅડેમી ફિલાડે-
ઑવ્ સાયન્સ લ્ફિયા,
યુ.એસ.એ. 10,00,000 1812 PH
13. આર્નોલ્ડ આરબોરેટમ બૉસ્ટન,
યુ.એસ.એ 7,00,000 1872 A
14. ડિપાર્ટમેન્ટ ઑવ્ પિરાડેનિયા,
ઍગ્રિકલ્ચર શ્રીલંકા 85,000 1817 PDA
15. જૉર્ડન કૉલેજ રાવલપિંડી,
પાકિસ્તાન 60,000 1893 RAW
16. હર્બેરિયમ ઑવ્ ધ રંગૂન રંગૂન,
યુનિવર્સિટી મ્યાનમાર 15,000 1947 RANG

યોગેશ ડબગર