વનસ્પતિ-પ્લવક (Plant Plankton) : વધતેઓછે અંશે જલપ્રવાહ પર આધારિત પ્રચલન દાખવતી વનસ્પતિઓ. તેઓ પ્રવાહની વિરુદ્ધ તરવા માટે અસમર્થ હોય છે. વ્યવહારમાં જાલ-પ્લવક (net-plankton) નાનાં છિદ્રો ધરાવતી જાળમાં રહી જતાં પ્લવકો છે, જ્યારે પરાસૂક્ષ્મ પ્લવકો (nannoplanktons) જાળમાંથી પસાર થઈ જાય છે અને બૉટલમાં એકત્રિત કરી શકાય છે.
વનસ્પતિ-પ્લવકો સંગઠિત થઈ વૃંદસર્જન કરે છે. પાણીની સપાટી પર તરતી સપુષ્પ વનસ્પતિઓનાં મૂળ પરસ્પર ગૂંથાઈને જાળી જેવી રચના કરે છે. પવનને લીધે પાણીમાં ઉત્પન્ન થતાં મોજાંઓના વેગનો તે સરળતાથી પ્રતિકાર કરે છે. વળી, તેઓ બંધિયાર પાણીમાં પવનની દિશામાં સામૂહિક રીતે ઘસડાઈ કિનારા પર સ્થિર થાય છે. તેઓ એવી ગાઢ રીતે જોડાયેલાં હોય છે કે માછલી જેવાં જલજ પ્રાણીઓની તેમને અસર થતી નથી અને તેમનું વૃંદ પણ ખંડિત થતું નથી.
વનસ્પતિ-પ્લવકને વિવિધ રચના અને આકારના અભ્યાસ માટે બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય : (1) અપુષ્પી વનસ્પતિ-પ્લવકો; (2) સપુષ્પી વનસ્પતિ-પ્લવકો.
(1) અપુષ્પી વનસ્પતિમાં મુખ્યત્વે લીલ (algae), દ્વિઅંગીઓ (bryophytes) અને ત્રિઅંગીઓ(pteridophytes)નો સમાવેશ થાય છે.
લીલ : મોટાભાગની લીલ જલજ પ્રકારની છે. તે મીઠા પાણીમાં અથવા દરિયાઈ પાણીમાં થાય છે. તે બંધિયાર કે વહેતા પાણીમાં જોવા મળે છે. તળાવ કે મોટા કદના ખાબોચિયામાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાતાં લીલ મોટી સંખ્યામાં પાણીની સપાટી ઉપર તરતી જોવા મળે છે. જલીય લીલની કોષદીવાલ દ્વિસ્તરીય હોય છે. અંતર્દીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. તે કોષીય અંગિકાઓની ફરતે આવરણ બનાવી કોષરસનું રક્ષણ કરે છે; જ્યારે બાહ્ય કોષદીવાલ પૅક્ટોઝની બનેલી હોય છે, જે ક્રમશ: પૅક્ટિનમાં પરિવર્તન પામે છે. પાણીનું શોષણ થતાં પૅક્ટિન ધીરે ધીરે પાણીમાં દ્રવિત થાય છે અને શ્લેષ્મમાં રૂપાંતર પામી વનસ્પતિની ફરતે પાતળા સ્તરરૂપે વીંટળાઈ જાય છે. શ્લેષ્મ પદાર્થ પ્લવક તરીકે વર્તે છે. તે વનસ્પતિને પાણીની સપાટી ઉપર તરતી રાખે છે અને ગંઠિત-જાળી બનાવે છે. તે વનસ્પતિને કોહવાટ કે સડા સામે રક્ષણ આપે છે. સિયાનોફાયસી જેવી નિમ્ન કક્ષાની નીલહરિત લીલમાં શ્લેષ્મ પદાર્થનું નિર્માણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. માઇક્રોસિસ્ટીસ એફેનોકેપ્સા અને મેરિસ્મોપિડિયા જેવી લીલ શ્લેષ્મ પદાર્થના આવરણ દ્વારા વૃંદસર્જન કરી પાણીની સપાટી ઉપર મુક્ત રીતે તરતી રહે છે. વળી, એનાબિના નૉસ્ટૉક, ઓસિલેટોરિયા રિવ્યૂલેરિયા, ગ્લિયોટ્રાઇક્રિયા જેવી તંતુસ્વરૂપી લીલ પણ શ્લેષ્મના નિર્માણથી સામૂહિક રીતે પાણીની સપાટી ઉપર મુક્ત રીતે તરતી જોવા મળે છે. નૉસ્ટૉકમાં ફુગ્ગારૂપ શ્લેષ્મ પ્લવક તરીકેનું કાર્ય કરે છે.
ક્લૉરોફાયસી કે હરિત લીલમાં એકકોષી સ્વરૂપો જેવાં કે ક્લેમિડૉમૉનાસ અને ક્લૉરેલાના કોષરસમાં અગ્રીય બાજુએ આકુંચક રસધાનીઓ (contractile vacuoles) આવેલી છે, જેમાં વાયુ સંગ્રહાય છે; જે પ્લવક તરીકે કાર્ય કરે છે. ક્લેમિડૉમૉનાસમાં બે કશાઓ (flagella) આવેલી હોય છે, જે પ્લવક તરીકે કાર્ય કરે છે અને પ્રાણીની જેમ મુક્ત રીતે હલનચલન કરી શકે છે. ગોનિયમ, પૅન્ડોરિના, યુડોરિના અને વૉલવૉક્સ જેવી વસાહતી લીલની કશાઓ એવી રીતે વિકાસ પામેલી હોય છે કે લીલના જિલેટીનના સ્તરને આધાર આપે છે અને સમગ્ર વસાહતને પાણીની સપાટી ઉપર મુક્ત રીતે તરતી રાખે છે. હાઇડ્રોડિક્ટિયૉન(hydrodictyon)ની વસાહત 60 સેમી. જેટલી લાંબી હોય છે. પ્રત્યેક જાળી 5થી 6 નળાકાર કોષો પંચ કે ષટ્કોણીય રચનામાં ગોઠવાયેલા હોય છે, જ્યારે પેડિયેસ્ટ્રમમાં અનેક કોષો સંયોજાઈ બહુકોણીય બિંબ આકારની વસાહત બનાવે છે. ડ્રેપારનેલ્ડિયા નામની ઠંડા મીઠા પાણીમાં નિવાસ કરતી લીલનાં મુખ્ય સુકાયની બંને બાજુએ શાખાયુક્ત તંતુઓ વિકાસ પામે છે; જે પ્લવક તરીકે કાર્ય કરે છે. આ પાર્શ્વકો ક્યારેક ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામી, મુખ્ય સુકાયને પણ ઢાંકી દે છે. સ્પાયરોગાયરા, ઝિગ્નિમા, સિનેડેસ્મસ, સિલેસ્ટ્રમ, રિશ્ટેરિયેલા, ક્લૉસ્ટેરિયમ, નેવિક્યુલા, ફ્રેજિલારિયા અને એસ્ટરિયોનેલા જેવી લીલ વનસ્પતિ-પ્લવકોનાં સુંદર ઉદાહરણો છે. એસ્ટરિયોનેલા પાણીમાં પેરેશ્યૂટની જેમ તરતી લીલ છે. બદામી હરિત લીલ (Phaeophyceae) દરિયાઈ લીલ છે. તેની જાતિઓ વિરાટ કદ ધરાવે છે. લેમિનારિયા જેવી લીલનું સુકાય 1.5 મી.થી 1.8 મી. લાંબું હોય છે. સુકાયની અંત:સ્થ રચનામાં આવેલા મધ્યક ભાગમાં અસંખ્ય વાયુકોટરો આવેલા હોય છે; જેમાં વાયુનો સંગ્રહ થતાં તે મહાકાય સુકાયને વજનમાં હલકા બનાવે છે અને પાણીની સપાટી ઉપર તરતા રાખે છે. અખાતી અપતૃણ (gulf weed) તરીકે જાણીતી સરગેસમ જેવી દરિયાઈ લીલમાં ગોળાકાર વાતાશયો (air bladders) આવેલાં હોય છે; જે લીલમાં પ્લવક તરીકે કાર્ય કરે છે.
પૉલિસાયફોનિયા જેવી લાલ હરિત લીલ (Rhodophyceae) સમુદ્રમાં જોવા મળે છે. તે બહુઅક્ષીય (polysiphonous) સુકાય તથા પાર્શ્વીય શાખાઓ સમૂહમાં ઉત્પન્ન કરે છે, જે પ્લવક તરીકે કાર્ય કરે છે.
રિક્સિયા જેવી દ્વિઅંગીની જલજ જાતિના સુકાયમાં વાયુકોટરો આવેલાં હોય છે. તેઓ વાયુસંગ્રહ કરી પ્લવકનું કાર્ય કરે છે. અઝોલા અને સાલ્વિનિયા જેવી ત્રિઅંગીઓ પાણીમાં વસવાટ ધરાવે છે. તેમના દેહમાં આવેલાં મોટા વાયુકોટરો પ્લવક તરીકે કાર્ય કરે છે.
(2) સપુષ્પી વનસ્પતિ–પ્લવકો : જલજ સપુષ્પી વનસ્પતિનાં મૂળ, પર્ણો અને પ્રકાંડમાં વાયુકોટરો પુષ્કળ હોય છે અને તેઓ કદમાં મોટા હોય છે, જે પ્લવક તરીકે કાર્ય કરી વનસ્પતિને પાણી ઉપર તરતી રાખે છે. લેમ્નામાં શિથિલ કોથળી જેવી અંગૂઠી આકારની રચના મૂળના અગ્ર ભાગે આવેલી હોય છે, જેને મૂળગોહ (root pocket) કહે છે. તે તારક શક્તિમાં વધારો કરતું પ્લવક છે. જળશૃંખલામાં પર્ણો અને મૂળ સામસામે સમૂહમાં ઉત્પન્ન થાય છે. પ્રકાંડ પોલું હોય છે. તેમાં આવેલાં વાયુકોટરો, જલીય મૂળની મોટી સંખ્યા અને તેના અગ્રભાગે આવેલા ત્રિકોણાકાર મૂળગોહ પ્લવક તરીકે વર્તે છે. શિંગોડા (Trapa) નીલારૂણા(Eichornia)નાં પર્ણોના (પર્ણ)દંડ ફૂલેલા હોય છે. સમૂહમાં ઉત્પન્ન થતાં પર્ણો, ફૂલેલા પર્ણદંડ તથા ઝૂમખામાં વિકસતાં અસંખ્ય જલીય મૂળ પ્લવક તરીકેનું કાર્ય કરે છે.
જૈમિન વિ. જોશી