વનસ્પતિ-અંગો : વનસ્પતિઓમાં વિવિધ પેશીઓના સંગઠનથી બનતી રચનાઓ. આ અંગો નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. પેશીઓ અને અંગોનું વિભેદન ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં જ જોવા મળે છે. વનસ્પતિ-અંગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો સમાવેશ થાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો વાનસ્પતિક (vegetative) અંગો છે. આ અંગો પ્રજનન સિવાયની વિવિધ જૈવિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં હોય છે. પુષ્પ, ફળ અને બીજ પ્રજનન અને જાતિવિકિરણ સાથે સંબંધિત અંગો છે.

એકાંગી (Thallophyta) વનસ્પતિઓમાં પેશીઓ અને અંગોનું વિભેદન થયેલું હોતું નથી. તેમના દેહને સુકાય (thallus) કહે છે. દ્વિઅંગી (Bryophyta) વનસ્પતિઓમાં વિભેદનની પ્રક્રિયાનો પ્રારંભ થયેલો જણાય છે; તેથી કેટલીક દ્વિઅંગીઓનો દેહ ‘સુકાય’ જેવો, લીલો, ચપટો અને યુગ્મશાખી (dichotomously branched) હોય છે. તેની નીચેની સપાટીએ એકકોષી કે બહુકોષી મૂલાંગો આવેલાં હોય છે. અન્ય દ્વિઅંગી વનસ્પતિઓનો દેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓ કે અંગો ધરાવે છે; છતાં ત્રિઅંગી (Pteriodophyta) અને સપુષ્પ (Phanerogams) વનસ્પતિઓના પ્રકાંડ અને પર્ણ કરતાં તેમનો ઉદભવ જુદા પ્રકારનો હોય છે. દ્વિઅંગીઓમાં જોવા મળતાં પ્રજનનાંગો પણ નાનાં અને ઘણુંખરું સૂક્ષ્મ હોય છે.

ત્રિઅંગીઓ, અનાવૃતબીજધારીઓ (Gymnosperms) અને આવૃતબીજધારીઓ (Angiosperms) વાહકપેશીધારી (Tracheophyta) વનસ્પતિઓ છે. ત્રિઅંગી વનસ્પતિઓમાં માત્ર મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. અનાવૃતબીજધારીઓમાં ફળ સિવાયનાં અંગો અને આવૃતબીજધારીઓમાં ફળસહિતનાં બધાં અંગો હોય છે.

મૂળ વનસ્પતિનો ભૂમિગત અક્ષ છે. તે સામાન્યત: ભ્રૂણમૂળમાંથી ઉદભવતો ધન ભૂવર્તી (geotropic), ઋણ પ્રકાશાનુવર્તી(phototropic) અને ધન જલાનુવર્તી (+ hydrotropic) અક્ષ છે. તેના પર ગાંઠ, આંતરગાંઠ, પર્ણો, કલિકાઓ કે પુષ્પો ઉદભવતાં નથી. તે ભૂમિમાંથી પાણી અને ખનિજક્ષારોનું શોષણ કરી પ્રકાંડ તરફ વહન કરવાનું કાર્ય કરે છે, જે તેનાં દેહધાર્મિક કાર્યો છે. તે ઉપરાંત, તે વનસ્પતિને ભૂમિમાં નિશ્ચિત સ્થાને સ્થાપિત કરે છે. વનસ્પતિ-સ્થાપનનું આ કાર્ય યાંત્રિક કાર્ય ગણાય છે. દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળના વિકાસથી પ્રાથમિક મૂળ વિકસે છે, જેના પર અગ્રાભિવર્ધીક્રમ(acropetal succession)માં પાર્શ્વમૂળો આવેલાં હોય છે. પ્રાથમિક મૂળ સોટી જેવું હોય છે અને પાર્શ્વમૂળો કરતાં મોટું હોય છે. આવા મૂળતંત્રને સોટીમૂળતંત્ર (taproot system) કહે છે.

આકૃતિ 1 : લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના દેહનું આરેખીય નિરૂપણ

એકદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળથી ઉદભવતા પ્રાથમિક મૂળનો વિકાસ હંગામી હોય છે. તેથી અધરાક્ષ (hypocotyl) અને પ્રકાંડના તલપ્રદેશમાંથી એકસરખી લંબાઈ ધરાવતા તંતુઓ જેવાં મૂળ ઉદભવે છે. આવા મૂળતંત્રને તંતુમય મૂળતંત્ર (fibrous root system) કહે છે.

પ્રકાંડ, તેની શાખાઓ, પર્ણો, કલિકાઓ અને પુષ્પો સહિતનો વનસ્પતિઅક્ષ પ્રરોહતંત્ર (shoot system) બનાવે છે. પ્રકાંડ ભ્રૂણાગ્ર(plumule)માંથી ઉદભવે છે. તે સામાન્યત: ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી અને ઋણ જલાનુવર્તી હોય છે. તે ગાંઠ, આંતરગાંઠ અને કલિકાઓ ધરાવે છે. પ્રકાંડ પર નિશ્ચિત પદ્ધતિએ શાખાઓની ગોઠવણી થયેલી હોય છે, આ શાખાઓ પર્ણો, પુષ્પો અને ફળ ધારણ કરે છે. પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજક્ષારોને પર્ણો તરફ મોકલી આપવાનું દેહધાર્મિક કાર્ય કરે છે. તે જ પ્રમાણે પર્ણ દ્વારા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન તૈયાર થયેલાં દ્રાવ્ય કાર્બનિક પોષક તત્વોનું મૂળ તરફ વહન કરવાનું કાર્ય કરે છે. કેટલીક વનસ્પતિઓમાં ભૂમિગત પ્રકાંડ હોય છે, જેઓ મુખ્યત્વે ખોરાકસંગ્રહી હોય છે.

આકૃતિ 2 : લાક્ષણિક પુષ્પનું આરેખીય નિરૂપણ

પર્ણ પ્રકાંડની ગાંઠ પરથી ઉદભવતું લીલું, ચપટું, પાર્શ્વીય ઉપાંગ છે. તે પ્રકાશસંશ્લેષણ, બાષ્પોત્સર્જન અને શ્વસન કરે છે. પર્ણનાં આ દેહધાર્મિક કાર્યો છે. લાંબા હવાઈ પ્રકાંડ પરથી ઉદભવતાં પર્ણોને સ્તંભીય (cauline) પર્ણો કહે છે. ભૂમિગત નાના, ચપટા, બિંબ જેવા પ્રકાંડમાંથી ઉત્પન્ન થતાં પર્ણોને મૂળપર્ણો (radical leaves) કહે છે. પ્રકાંડ પર પર્ણોની નિશ્ચિત પદ્ધતિએ ગોઠવણી થતી હોય છે, જેને પર્ણવિન્યાસ કહે છે. પર્ણો વનસ્પતિજાતિને આધારે સાદાં કે સંયુક્ત હોય છે. પર્ણના ત્રણ ભાગો હોય છે : (1) પર્ણતલ (leaf-base), (2) પર્ણદંડ (petiole) અને (3) પર્ણદલ (leaf-lamina). પર્ણતલની પાર્શ્વ બાજુએ ઉદભવતા બે પાર્શ્વીય લીલા અને ટૂંકી દોરી જેવા પ્રવર્ધોને ઉપપર્ણો (stipules) કહે છે. ઉપપર્ણો બધી વનસ્પતિઓમાં હોતાં નથી. ઉપપર્ણો ધરાવતાં પર્ણો ઉપપર્ણીય પર્ણો કહેવાય છે. પર્ણદંડ પર્ણદલને આધાર આપે છે. પર્ણદલ પ્રકાશસંશ્લેષણ, બાષ્પોત્સર્જન અને શ્વસન સાથે સંકળાયેલો પર્ણદંડની ટોચ ઉપર આવેલો લીલો ચપટો ભાગ છે.

પુષ્પોના ઉદભવક્રમ અને પુષ્પવિન્યાસ-અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ (inflorescence) કહે છે. તેઓ મુખ્ય બે પ્રકારના હોય છે : (1) અપરિમિત (racemose) અને (2) પરિમિત (cymose). અપરિમિત અને પરિમિત પુષ્પવિન્યાસોના વિવિધ પ્રકારો હોય છે. કેટલીક વનસ્પતિઓ ઉપર્યુક્ત પ્રકારમાં ન આવતાં વિશિષ્ટ પુષ્પવિન્યાસ પણ ધરાવે છે.

પુષ્પ સપુષ્પ વનસ્પતિઓનું આગવું લક્ષણ ગણાય છે. તે લિંગી પ્રજનન માટે રૂપાંતર પામેલો પ્રરોહ છે. સામાન્ય રીતે પુષ્પ ચાર અંગો ધરાવે છે : (1) વજ્ર (calyx), (2) દલપુંજ (corolla), (3) પુંકેસરચક્ર (androecium) અને (4) સ્ત્રીકેસરચક્ર (gynoecium). વજ્ર અને દલપુંજ પુષ્પના પ્રજનન સાથે સંકળાયેલાં અંગો ન હોવાથી તેમને સહાયક ચક્રો (accessory cycles) કહે છે. તેઓ પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરે છે. તે પરાગનયનમાં મદદરૂપ થતાં અંગો છે. કેટલીક વનસ્પતિઓમાં વજ્ર અને દલપુંજને સ્થાને પરિદલપુંજ (perianth) જોવા મળે છે. પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર લિંગી પ્રજનન સાથે સંકળાયેલાં અંગો હોવાથી તેમને આવશ્યક ચક્રો કે લિંગી ચક્રો (essential cycles or sexual cycles) કહે છે. પુંકેસરચક્ર પુંકેસરો(stamens)નું, જ્યારે સ્ત્રીકેસરચક્ર સ્ત્રીકેસરો(carpels)નું બનેલું હોય છે. પુંકેસર તંતુ (filament) યોજી (connective) અને પરાગાશય (anther) ધરાવે છે. પરાગાશયમાં પરાગરજ (pollen grains) ઉત્પન્ન થાય છે. આ પરાગરજના અંકુરણ દરમિયાન પરાગનલિકા અને બે નરજન્યુઓ ઉત્પન્ન થાય છે. સ્ત્રીકેસરચક્ર પરાગાસન (stigma), પરાગવાહિની (style) અને બીજાશય(ovary)નું બનેલું હોય છે. બીજાશય એક કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તે એક કે તેથી વધારે અંડકો ધરાવે છે. આ અંડકમાં ભ્રૂણપુટ(માદાજન્યુજક)ની રચના આવેલી હોય છે. આ ભ્રૂણપુટમાં અંડકોષ આવેલો હોય છે. પરાગનલિકામાં રહેલા નરજન્યુ અને અંડકમાં આવેલા અંડકોષના સંયોગને ફલન કહે છે. આ ફલનથી ઉદભવતો યુગ્મનજ (zygote) વારંવાર થતાં વિભાજનો અને વિભેદનોને લીધે ભ્રૂણ(embryo)માં પરિણમે છે.

બીજ ફલન પામેલું અંડક છે. પ્રત્યેક બીજ બે બીજાવરણો, ભ્રૂણ, ભ્રૂણપોષ કે બીજપત્રો ધરાવે છે. જો બીજમાં એક જ બીજપત્ર હોય તો વનસ્પતિ એકદળી (monocotyledon) કહેવાય છે. જો બીજમાં બે બીજપત્રો આવેલાં હોય તો તેવી વનસ્પતિને દ્વિદળી (dicotyledons) કહે છે. બીજમાં ભ્રૂણ નિશ્ચિત અક્ષ પર ગોઠવાયેલો હોય છે. તેને ભ્રૂણધરી (embryonal axis) કહે છે. આ ભ્રૂણધરીના અગ્ર છેડે ભ્રૂણાગ્ર (plumule) અને પશ્ર્ચ છેડે ભ્રૂણમૂળ (radicle) આવેલું હોય છે. આ બંને રચનાઓ આવરણો ધરાવે છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્રચોલ (coleoptile) અને ભ્રૂણમૂળચોલ (coleorrhiza) કહે છે. ભ્રૂણાગ્રમાંથી બીજાંકુરણ દરમિયાન પ્રરોહ ઉદભવે છે અને ભ્રૂણમૂળમાંથી મૂળ ઉદભવે છે.

બીજાશયમાં ફલનની પ્રક્રિયાને લીધે કેટલાક રાસાયણિક આવેગો ઉદભવે છે, જેથી બીજાશયની દીવાલમાં સંખ્યાબંધ વિભેદનો થાય છે અને તે વૃદ્ધિ પામી ફલાવરણમાં પરિણમે છે. આ રચનાને ફળ કહે છે. આ ફલાવરણ પરિપક્વતાએ કાં તો શુષ્ક હોય છે અથવા તે માંસલ બને છે. આવાં ફળોને અનુક્રમે શુષ્ક (dry) અથવા માંસલ ફળો (fleshy fruits) કહે છે. આ પ્રકારનાં ફળોના પણ અનેક પેટાપ્રકારો છે. ફળ અને બીજ ફલનોત્તર પ્રજનનાંગો છે. ફળ અને બીજનું વિવિધ પદ્ધતિ દ્વારા વિકિરણ થાય છે. બીજને અનુકૂળ આધારતલ મળતાં અંકુરણ પામી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આમ, પ્રજનનને લીધે જાતિનું અસ્તિત્વ અસંખ્ય પેઢીઓ સુધી જળવાય છે. આ ઘટનાને જીવસાતત્ય કહે છે.

જૈમિન વિ. જોશી