વડોદરિયા, ભૂપત (જ. 19 ફેબ્રુઆરી 1929, ધ્રાંગધ્રા) : ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે પાંચ દસકાથી પ્રવૃત્ત તંત્રી, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર. પાળિયાદ(જિ. ભાવનગર)ના વતની આ લેખકનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. તેઓ ત્રણેક વર્ષના હતા ત્યારે જ પિતા છોટાલાલનું અવસાન થયું. માતા ચતુરાબહેને તેમનો ઉછેર કર્યો. જીવનસંઘર્ષની વાતો કથાસર્જન માટે ચાલકબળ બનીને આવી. કદાચ એથી જ તેમની કથાકૃતિઓમાં જીવનની સચ્ચાઈનો રણકો મળે છે, સામાજિક વિડંબના અને વાસ્તવનું નિરૂપણ તેમનો સહજગુણ છે.
તેમણે ગત વર્ષોમાં 33 નવલકથાઓ, છ વાર્તાસંગ્રહો, 13 નિબંધસંગ્રહો, બે લગ્નવિષયક લેખસંગ્રહો અને એક વિવેચનસંગ્રહ મળીને કુલ 55 પુસ્તકો આપ્યાં છે. વાર્તા અને નિબંધનો એક એક સંપાદનસંગ્રહ (સં. રાધેશ્યામ શર્મા) પણ પ્રકાશિત થયેલ છે. આદર્શ અને મૂલ્યોને વરેલા પત્રકારત્વના ધ્યેયમંત્ર સાથે તેમણે
તા. 12-3-1986ના રોજ અમદાવાદમાં ‘સમભાવ’ દૈનિકની સ્થાપના કરી. હાલ આ દૈનિકના સ્થાપકતંત્રી ઉપરાંત તેઓ અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પ્રગટ થતા ‘લોકસત્તા-જનસત્તા’ દૈનિક અને મુંબઈથી પ્રગટ થતા ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રીપદે કાર્યરત છે. વળી આ દૈનિકો-સાપ્તાહિક તેમજ અન્ય દૈનિકોમાં પણ તેઓ કટારલેખન કરે છે. ઈ. સ. 1986માં સ્થપાયેલા ‘ગુજરાત દૈનિક અખબાર સંઘ’ના તેઓ પ્રમુખ છે.
તેઓ ઈ. સ. 1950માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એસસી. કર્યા બાદ ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’(મુંબઈ)ના ‘જન્મભૂમિ’ દૈનિક જૂથના રાજકોટથી પ્રકાશિત થતા ‘ફૂલછાબ’ દૈનિકમાં જોડાયા. એ સાથે તેમની પત્રકારત્વયાત્રાનો આરંભ થયો. આ જ વર્ષથી તેમણે ખાદી પહેરવી શરૂ કરી. અગાઉ તેઓ કૉલેજકાળ-વેળા ઈ. સ. 1948-49ના વર્ષમાં હરીન્દ્ર દવે સાથે ભાવનગરથી મુંબઈ ગયા અને ‘ફિલ્મી પત્રકારત્વ’ ઉપર હાથ અજમાવ્યો. હરીન્દ્ર દવે મુંબઈ રોકાઈ ગયા અને આ લેખક ગુજરાત પાછા ફર્યા. આરંભે તેમનો પ્રથમ પ્રેમ કવિતા હતો. આ ગાળામાં તેમણે 150 કાવ્યો રચેલાં, પણ પછી તેઓ ગદ્ય તરફ વળ્યા. તેમની પ્રથમ વાર્તા ‘પ્રેમ’ ઈ. સ. 1948માં ઇન્દુલાલ ગાંધીના તંત્રીપદે પ્રગટતા ‘અતિથિ’ માસિક(ભાવનગર)માં છપાઈ. તેમની પ્રથમ નવલકથા (લઘુનવલ) ‘સંસ્કારદાત્રી’ ઈ. સ. 1952માં ‘અભિનવ ગ્રંથમાળા’(રાજકોટ)ના ઉપક્રમે છાપવામાં આવી, જે છાત્રજીવનની વાતો રજૂ કરતી 151 પાનાંની સંક્ષિપ્ત કથા હતી.
તેઓ ઈ. સ. 1955માં 26 વર્ષની વયે ‘ફૂલછાબ’ દૈનિકના તંત્રીપદે નિમાયા. ઈ. સ. 1962માં તેઓ આ પદભાર છોડીને અમદાવાદ આવ્યા અને ઈ. સ. 1982 સુધીના બે દસકા દરમિયાન તેઓ ‘પ્રભાત’, ‘જનસત્તા’, ‘ગુજરાત સમાચાર’ તથા ‘સંદેશ’ દૈનિકોમાં સંપાદનસેવા આપતા રહ્યા. આ પત્રોમાં પ્રગટ થતી તેમની દૈનિક ધારાવાહી નવલકથા દ્વારા તેઓ જાણીતા થયા. આ ગાળામાં તેમણે 10 નવલકથાઓ આપી. એમાં ‘પ્રેમ એક પૂજા’ અને ‘સૂરજ ઊગ્યો સાંજે’ ઉલ્લેખપાત્ર છે. ‘ગુજરાત સમાચાર’ અને પછી ‘સંદેશ’ દૈનિકમાં સળંગ 10 વર્ષ પ્રગટ થયેલી સાપ્તાહિક કટાર ‘ઘરે બાહિરે’ વડે તેઓ બહોળા વાચકસમુદાયમાં લોકપ્રિય થયા. તેઓ ઈ. સ. 1982માં ગુજરાત રાજ્યના માહિતીનિયામકપદે નિમાયા અને ઈ. સ. 1986માં આ પદેથી વયનિવૃત્ત થયા. આ જ વર્ષે રાજ્યસરકાર રચિત ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના પ્રથમ અધ્યક્ષપદે પણ તેમની વરણી થઈ હતી. તેમની નવલકથા ‘પ્રેમ એક પૂજા’ (ઈ. સ. 1978) અને નિબંધસંગ્રહ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ’(ઈ. સ. 1993)ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. શ્રેષ્ઠ નિબંધલેખન (વર્ષ : 1994-95) માટે રાજ્યસરકાર તરફથી રૂ. 25 હજારના પુરસ્કાર વડે તેમને સન્માનવામાં આવ્યા હતા. પત્રકારત્વ-સાહિત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ઈ. સ. 1980માં તેમને સંસ્કાર ઍવૉર્ડ એનાયત થયો હતો. નમ્ર, મિલનસાર અને હસમુખા સ્વભાવના આ પત્રકાર-લેખક બહુશ્રુત વાચક અને વિશ્વસાહિત્યના અભ્યાસી છે. તેમની કેટલીક કૃતિઓના હિન્દી અનુવાદ પણ થયા છે.
દિનેશ દેસાઈ