વડીલોના વાંકે : વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનું પ્રસિદ્ધ ત્રિઅંકી નાટક. તે મુંબઈ ભાંગવાડી થિયેટરમાં તા. 2-4-1938ની રાત્રિએ સૌપ્રથમ વાર ભજવાયું હતું. શ્રી દેશી નાટક સમાજના ઇતિહાસમાં શુકનવંતા લેખાતા આ નાટકના લેખક પ્રભુલાલ દયારામ દ્વિવેદી હતા.
ગુજરાતી રંગમંચ પર પૂર્ણપણે નાયિકાનું વર્ચસ્ હોય એવું આ પ્રથમ નાટક છે. નાટકની સફળતામાં એની સામાજિક વસ્તુએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. નાટકમાં સ્ત્રી અભણ અને પુરુષ ભણેલો એવું અણગમતું જોડું હતું. પ્રહસનમાં પણ આ જ પ્રકારનું જોડું હતું. કથાની ગૂંથણીમાં સમાજજીવનનું પ્રતિબિંબ હતું. નાટકમાં કુલ અગિયાર જેટલાં પુરુષપાત્રો અને આઠ સ્ત્રીપાત્રો છે. લોકમાનસનું તારસ્વરે વહન કરનારી આ કથા વાસ્તવદર્શી હોવાથી પ્રેક્ષકોના આકર્ષણનું કારણ બની હતી.
નાટ્યકાર તરીકે પ્રભુલાલ દ્વિવેદીએ લેખનશક્તિ ઉપરાંત નાટકના ધંધામાં જે વ્યાવહારિક કુશળતા જોઈએ એ અહીં બરોબર સાચવી છે; કંપનીમાંના તે વખતના અભિનેતાઓ, અભિનેત્રીઓ તેમની શક્તિઓ અને મર્યાદાઓ, પ્રેક્ષકોની રુચિ, હાસ્યરસના પ્રસંગો, જીભે સરળતાથી ચઢી જાય એવા ઉપાડવાળાં ગીતો જેવી ઘણી બાબતો એમણે લક્ષમાં લીધી છે. પોતાના જમાનાના અનુલક્ષમાં આ કૃતિ કલાકૃતિ લાગે તેવું સર્જન છે. સુરુચિનો ભંગ ન થાય એ પ્રકારના સંવાદો-પ્રસંગો; આદર્શવાદ અને સુસંસ્કાર એમની નાટ્યશૈલી અને પાત્રવિધાનમાં છે. મુંબઈગરામાં અને આખાય ગુજરાતમાં આ નાટકનાં ગીતો ખૂબ ગાજ્યાં હતાં. બેતબાજી અને છપ્પાની સાથે, ગોપાળશેઠનું પાત્ર હિંદુ સમાજમાં દેખાતી દીકરીના બાપની વેદના જેવું છે. એવું જ સમતાનું પાત્રવિધાન છે. નાટકના બીજા અંકના સાતમા પ્રવેશમાં સમતા કહેવાતા પુષ્કરના શબ પાસે જઈને કહે છે : સાસુજી, કહો કે ન કહો, પણ આ દેહ તમારા દીકરાનો નથી. આ પ્રસંગનું મૂળ એક સત્યઘટના પર આધારિત છે. બીજા અંકના પાંચમા પ્રવેશથી આ નાટક રહસ્યનાટક બનતું જાય છે. હાસ્યરસમાં દામુકાકા અને જમના ઝાપટે રંગ જમાવે છે.
વ્યવસાયી રંગભૂમિના નાટ્યજગતમાં લોકપ્રિયતાનો વિક્રમ નોંધાવનાર આ નાટકથી જ શ્રી દેશી નાટક સમાજના ઇતિહાસમાં એકધારા 110 પ્રયોગ કરનાર આ પહેલું નાટક હતું. કુલ મળી આ નાટકના પાંચસો કરતાં પણ વધારે પ્રયોગો થયા છે. આ નાટકથી કંપનીને એટલી સારી કમાણી થઈ કે કંપનીના માથે જે દેવું હતું તે પણ ચૂકવી શકાયું. આ નાટક આ રીતે દેશી નાટક સમાજનું ઉદ્ધારક બની રહ્યું.
‘વડીલોના વાંકે’ નાટકની અસાધારણ સફળતા શાને આભારી છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં કવિએ ‘પ્રભુને !’ એમ કહી ‘સમતાનું પાત્ર ભજવનાર મોતીબાઈ’, પુષ્કરનું પાત્ર ભજવનાર માસ્ટર કાસમભાઈ અને ‘સુરેન્દ્ર’નું પાત્ર ભજવનાર માસ્ટર વસંતને યાદ કરેલાં. આ નાટકના ખલનાયક કીર્તિકુમારની ભૂમિકા એક પ્રતિભાશાળી કલાકારને શોભે એ રીતે પૂરી સમજદારીથી મા. ચૂનીલાલ નાયકે ભજવી હતી. મા. કાસમભાઈ નાટકના દિગ્દર્શક હોવા ઉપરાંત સંગીત-દિગ્દર્શક પણ હતા. એમણે બાંધેલી ચીજો લોકહૈયે એવી તો બેસી ગઈ કે આજે પણ ઘણા સહૃદયી પ્રેક્ષકો એને ‘મીઠા ઉજાગરા’ એમ કહી સ્વાદથી મમળાવે છે. આ નાટક જોઈ ઘણા દંપતીના મનમેળ થયા હતા એમ કહેવાય છે. .
નવી-જૂની રંગભૂમિના કલાકારોએ સાથે મળી ગુરુવાર તા. 2-1-1958ની રાત્રે મુંબઈ રાજ્ય નાટ્ય મહોત્સવ પ્રસંગે આ નાટક ભજવ્યું હતું. આ નાટકમાં એ સમયે ખલનાયક કીર્તિકુમારની ભૂમિકા જાણીતા નટ મધુકર રાંદેરિયાએ ભજવી હતી. આ પ્રયોગથી ગુર્જર રંગભૂમિક્ષેત્રે પરસ્પર સહકાર અને સમન્વયની ભાવનાનું એક ચિરસ્મરણીય દૃશ્ય ખડું થયું હતું.
સને 1938ના નવેમ્બર માસથી રાત્રે ભજવાતાં નાટકો રાત્રિના એક વાગ્યે બંધ કરવાં એવો મુંબઈમાં કાયદો થયો. એ સમયે શહેરમાં અશાંતિ ઊભી થઈ હતી અને ઘરબંધીનો અમલ થતાં કંપનીનાં નાટકો દિવસે જ ભજવાતાં હતાં.
સને 1947માં આ નાટકનું ગુજરાતી ચલચિત્ર બન્યું, પરંતુ તે નિષ્ફળ ગયું. આ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું છે.
દિનકર ભોજક